Samantar - 15 in Gujarati Love Stories by Shefali books and stories PDF | સમાંતર - ભાગ - ૧૫

The Author
Featured Books
Categories
Share

સમાંતર - ભાગ - ૧૫

સમાંતર - ૧૫

આગળના ભાગમાં આપણે જોયું કે થોડા દિવસ ઔપચારિક મેસેજ પછી પહેલી વાર નૈનેશ અને ઝલક વચ્ચે મેસેન્જર્ માં અર્થ મૂવીને લઈને એક સુંદર ચર્ચા થાય છે. આ ચર્ચા ઝલકના એક ફોટા ઉપરથી શરૂ થાય છે, જે આગળના દિવસે થયેલી કોઈ પાર્ટીના હોય છે. એ ફોટામાં ઝલકના સ્મિતને જોઈને નૈનેશને અર્થ મૂવીના ગીતની પંક્તિ યાદ આવે છે અને એ ઝલકને એ પંક્તિ મેસેજ કરે છે. એ પંક્તિ ઝલકને પહેલા તો કોઈની યાદ અપાવી જાય છે, અને પછી પાર્ટીમાં થયેલો કોઈ બનાવ. હવે આગળ...

*****

નવરંગપુરા અને થલતેજ વચ્ચે લાંબુ અંતર અને રસ્તામાં જોરદાર ટ્રાફિક છતાં રાજ અને ઝલક આપેલા સમયે ત્યાં પહોંચી જાય છે. એમની જ રાહ જોવાતી હોય એમ તરત જ યજમાન એમને હાથ દોરીને એક ફુગ્ગા અને રંગબેરંગી રિબનથી સજાવેલા ટેબલ તરફ લઈ જાય છે. ત્યાં એ ઢીંગલી ઈતાશા, જેની બર્થ ડે હોય છે એને એની મમ્મી તેડીને ઊભી હોય છે. ટેબલ પર એક સુંદર મઝાની ઢીંગલી વાળી કેક જેના ઉપર વન નંબર લખેલી મીણબત્તી હોય છે, એની આજુબાજુ બધા ગોઠવાઈ જાય છે. હોટેલના એ હોલની લાઈટ ઓફ કરવામાં આવે છે અને "હેપ્પી બર્થડે ટુ ઈતાશા..." થી આખો હોલ ગૂંજી ઉઠે છે. ઈતાશાનો હાથ પકડાવીને એના મમ્મી પપ્પા કેક કટ કરે છે અને હોલ પાછો રંગબેરંગી લાઈટથી ઝળહળ થઈ જાય છે. બધા ઈતાશાને ગિફ્ટ આપીને પોતપોતાના મિત્રો અને સંબંધીઓ જોડે ટોળે વળે છે. રાજ અને ઝલક પણ યજમાનને અને તેમના માતા પિતાને મળીને બેંકના સ્ટાફ જોડે ટોળે વળે છે.

"વાહ ઝલક.! હંમેશની જેમ આજે પણ તું એકદમ બ્યુટિફૂલ લાગે છે. રાઝ શું છે આ ખૂબસૂરતીનો, અમને પણ કહી દે તો તારા જેટલા તો નહીં પણ થોડા સુંદર અમે પણ લાગી શકીએ.!" મિસિસ પટેલે ઝલકના વખાણ કરતા કહ્યું જેના જવાબમાં ઝલક ખાલી મીઠું મલકી અને રાજ સામે જોયું. સામે રાજે પણ એને એક ગર્વ ભર્યું સ્મિત આપ્યું અને બીજા જોડે વાતોએ વળગ્યો.

મિસિસ પટેલ આમ તો રાજ જે બેંકમાં મેનેજર હતો ત્યાં એક ઓફિસર હતા પણ એમના ઘર જોડે રાજ અને ઝલકને એકદમ ઘરોબો થઈ ગયો હતો. આવા કોઈ પ્રસંગ સિવાય પણ એકબીજાને મળવું કે ફોન પર વાત કરવી એ ઝલક અને મિસિસ પટેલ માટે સામાન્ય હતું. જ્યારથી મિસિસ પટેલની ટ્રાન્સફર રાજ જોડે થઈ હતી ત્યારથી ઝલકને બેંકના સ્ટાફના પ્રોગ્રામમાં આવવું ગમતું હતું, બાકી એને અમુક વાર કંટાળો આવી જતો આ લોકોની બીબાઢાળ વાતો સાંભળીને.!

ઝલકના વખાણ સાંભળી કામિની કાળઝાળ થઈ ગઈ હોય એમ તરત જ બોલી, "એને ક્યાં આપણી જેમ બેંકના ટાઈમ સાચવવાના હોય.! હા જોકે ઝલકને બ્યુટી પાર્લરના ટાઈમ સાચવવા પડે એ અલગ વાત છે. હા હા હા..." અને એજ વખતે રાજનું ધ્યાન આ વાતોમાં પડ્યું. કામિનીના ઝલકને નીચા દેખાડવાના મનસૂબાથી અજાણ રાજ ખાલી છેલ્લી લાઈન અડધી પડધી સાંભળીને કામિની જોડે હાસ્યમાં જોડાઈ ગયો. એકદમ સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ હતી એ વખતે ઝલક.! એણે રાજની સામે જોયું અને કાચી સેકન્ડમાં રાજ સમજી ગયો કે એનાથી કોઈ ભૂલ થઈ છે. એણે ઝલકના ખભે હાથ વીંટાળ્યો અને કહ્યું, "અરે ઝલક, તને મિસિસ પંચાલ ક્યારના યાદ કરતા હતા. ચલ મળી આવીએ." અને એ એને ત્યાંથી લઈ ગયો.

સમયની નાજુકતા જોઈને ઝલકે એ વખતે તો પોતાને સંભાળી લીધી પણ અંદરથી એવું કઈંક તૂટી ગયું જેનો અવાજ નહતો થયો પણ પડઘો તો ચોક્કસ પાડવાનો હતો.! પછી તો એ પાર્ટી ઝલકે જ્યાં ત્યાં પતાવી. ઘરે જતા રસ્તામાં પણ એક શબ્દ ના બોલી એ. રાજને એ વિષય પર વાત કરવી હતી પણ એને આ યોગ્ય સમય ના લાગ્યો વાત કરવા માટે એટલે એણે આડીઅવળી વાત કરીને ઝલકને બીજે વાળવા પ્રયત્ન કર્યો પણ જાણે સાંભળ્યું જ ના હોય એમ ઝલકની કોઈ પ્રતિક્રિયા ના આવતા એણે ચૂપ થઈ જવું જ મુનાસીબ માન્યું ને ઘરે જઈને કપડાં બદલીને બંને ચૂપચાપ ઊંઘી ગયા.

"પારકું હસ્યું એથી કોઈ તકલીફ એવી પણ નહોતી,
પણ પોતાનાએ આપી જે તકલીફ ઓછીએ નહોતી.!"

બીજા દિવસે સવારથી જ રાતની વાતને લઈને બંને વચ્ચે એક અજીબ તણાવ આવી ગયો હતો. એ વાતના લીધે નારાજ ઝલક કોઈ નજીવી વાતમાં રાજ ઉપર ભડકી ગઈ અને વાત થોડી વધુ વણસી. પરિસ્થિતિ જ એવી બની ગઈ કે બંનેને શાંતિથી વાત કરવાની તક ના મળી. રાજ ગુસ્સામાં ઘરમાંથી વહેલો જ નીકળી ગયો.

માંડ મગજને શાંત કરવા મથતી ઝલકનું મન નૈનેશના ફોટામાં દેખાતા સ્મિત પરના એક સવાલથી પાછું અશાંત થઈ રહ્યું હતું. એને રડવું હતું છુટ્ટા મોઢે પણ એ એમ કરી ના શકી ને એ ડૂમો એના ગળામાં અટકીને તીરની જેમ એને ભોંકાઈ રહ્યો હતો. સાસુ સસરાની ચાનો સમય થતાં એ ઉભી થઈ. એણે પોતાના માટે પણ એક સ્ટ્રોંગ કૉફી બનાવી અને ડાઇનિંગ ટેબલ પર બધા જોડે બેઠી. એના સમજદાર સાસુ પામી ગયા હતા કે એમના દીકરા વહુ વચ્ચે આજે કંઇક તણાવ છે પણ એમણે હમણાં ચૂપ રહેવું જ યોગ્ય માન્યું અને રસોડામાં ઝલકને હારોહાર કામ કરાવવામાં લાગી ગયા. આમતો રોજીંદા કામ પોતાની મેળે જ પતાવતી ઝલકને આજે એના સાસુનું કામ કરાવવું સારું લાગ્યું અને એટલે જ રોજ કરતા એનું કામ પણ વહેલું પતી ગયું.

ફ્રી પડીને ઝલકે ટીવી જોવામાં ધ્યાન પરોવવા પ્રયત્ન કર્યો પણ એને મઝા ના આવી એટલે એ રૂમમાં જઈને ફોન લઈને બેઠી. એણે વિચાર્યું કે એની બેન નમ્રતાને કે પછી એની કોઈ ફ્રેન્ડને ફોન કરે પણ પછી ઘડિયાળમાં ટાઈમ જોઈને વિચાર માંડી વાળ્યો. એણે ફેસબુક ઓપન કર્યું. એને થયું કે એણે નૈનેશને સોરી કહેવું જોઈએ આમ અચાનક જ ચાલુ વાત ઓફ લાઈન થઈ જવા માટે. ઝલકે મેસેન્જર્ ખોલીને નૈનેશને સોરી એવો મેસેજ કર્યો, તો સામે જવાબમાં ખાલી ત્રણ ક્વેશ્ચન માર્ક આવ્યા.

ઝલક : બપોરે અચાનક જ કંઈ જણાવ્યા વિના હું ચેટમાંથી છોડીને નીકળી ગઈ એટલે.

નૈનેશ : હા, તો એમાં શું.!? કોઈ કારણસર એવું કરવું પડે તો એમાં કોઈ વાંધો નથી. (નૈનેશે એકદમ સહજતાથી કહ્યું..)

ઝલક : હા, પણ મને અયોગ્ય લાગ્યું થોડું.

નૈનેશ : ચલો જવા દો એ વાત... પણ ખરેખર બપોરે તમારી જોડે અર્થ મૂવી પર ચર્ચા કરવાની મઝા આવી. મેં તો આજે રાતે ફરી એ મૂવી જોવા માટે મન પણ બનાવી લીધું.

ઝલક : અરે વાહ.! મારે પણ જોવું પડશે, જોઈએ હવે ક્યારે મેળ પડે.

નૈનેશ : જોઈ નાખો, તમારા ચગડોળે ચડેલા મનને પણ બ્રેક મળશે.

ઝલક : હમમ્... એક પ્રશ્ન પૂછું.?

નૈનેશ : એક તો પૂછાઈ ગયો, બીજા બે પૂછો.

ઝલક : કયો પૂછ્યો.!? (ઝલકે એકદમ અચંબિત થતાં પૂછ્યું...)

નૈનેશ : બે પ્રશ્ન પૂછ્યા તમે મને. ( પાછળ સ્માઈલી મૂકીને નૈનેશે જવાબ આપ્યો...)

ઝલક : ઓહ.! (નૈનેશની રમૂજનો ખ્યાલ આવતા બહુ બધા ખડખડાટ હસતાં સ્માઈલી મૂકતા ઝલકે લખ્યું...)

નૈનેશ : હાશ.! ચાલો તમે હસ્યા તો ખરા. હવે પૂછો શું પૂછતાં હતા.?

ઝલક : જે કામમાં અર્થ ઉપાર્જન થાય એ કામની જ કિંમત હોય.!?

નૈનેશ : અર્થ ઉપાર્જન.???

ઝલક : જે કામમાંથી તમે રૂપિયા કમાઈ શકો એની જ કિંમત હોય સમાજના લોકોને.?

નૈનેશ : ના, એવા તો કેટલાય કામ હોય જે આપણે રૂપિયા મેળવવાની આશા રાખ્યા વિના કરતાં હોઈએ છીએ. જેમ કે આપણો કોઈ શોખ હોય કે પછી સમાજસેવા, એમાં આપણે ક્યારેય કોઈ એવા વળતરની આશા નથી રાખતા. અરે આટલું લાંબુ ના વિચારીએ તો પણ આપણા કોઈ મિત્રને, સગા કે આડોશી પાડોશીને મદદના સમયે કામ આવવું કે પછી ઘરની સ્ત્રીઓ દ્વારા રાખવામાં આવતું ઘરનું ધ્યાન જે સરખું ના રાખવામાં આવે તો ઘરમાં ભયંકર અવ્યવસ્થા સર્જાય. પણ આવો પ્રશ્ન કેમ.?

ઝલક : શું ગૃહિણીના કામની કોઈ કિંમત નથી.!? એ વર્કિંગ વુમન હોય અને પૈસા કમાતી હોય તો જ એના કામની કિંમત હોય.? ( નૈનેશના સવાલનો ઉત્તર આપ્યા વિના જ ઝલકે બીજો પ્રશ્ન કર્યો...)

નૈનેશ : ના જરાય નહીં, એક ગૃહિણી અને એક વર્કિંગ વુમનના ઘરમાં અલગ અલગ સિસ્ટમ ચાલતી હોય. એક ગૃહિણી જોડેથી એક વર્કિંગ વુમન કરતા ઘરના સભ્યો દ્વારા લગભગ વધારે જ અપેક્ષા રાખવામાં આવે છે. એના ઘરના સભ્યો એની ઉપર વધુ આધારિત હોય અને નાની નાની વસ્તુ માટે એની ઉપર નિર્ભર પણ હોય જ્યારે વર્કિંગ વુમનના ઘરમાં એવું પ્રમાણમાં ઓછું હોય, અને આ એકદમ સહજ વાત છે. આમ જોવા જઈએ તો આ સરખામણીની રીત જ ખોટી લાગે મને. દરેક ઘરની એક અલગ પધ્ધતિ હોય અને એ પ્રમાણે એમાં વધતું ઓછું કામ રહેતું હોય.

ઝલક : તો કોઈને ખબર ના હોય બીજી વ્યક્તિના ઘરની સિસ્ટમ તો એણે શું કામ કંઈ પણ જાણ્યા વિના કોઈના કામને લઈને કૉમેન્ટ કરવી જોઈએ.??

નૈનેશ : ઘણાના સ્વભાવ જ એવા હોય, બીજાને ઉતારી પાડીને પોતાને ઊંચા સાબિત કરે, અથવા બીજું કોઈ અંગત કારણ પણ હોઈ શકે. આવી વાત બહુ મગજ પર લઈને મગજ ના બગાડાય. મને શું વાત છે એ ચોક્કસ ખ્યાલ નથી અને જાણવું પણ નથી. પણ, હા એક વસ્તુ જરૂર કહીશ કે ફક્ત ગૃહિણી જ હોવું એમાં શરમ કરવા જેવું કશું નથી. એ પોતાની જાત ખર્ચતી હોય છે એના ઘર માટે. નોકરી કરતી સ્ત્રીઓ નોકરીના એ કલાકો દરમિયાન પોતાના માટે જીવી લેતી હોય છે, જ્યારે ગૃહિણી જોડે પોતાના માટે જીવવા કોઈ સમય નથી. બસ.. ઘર પરિવાર માટે જ જીવે છે એ. મારો આશય વર્કિંગ વુમનને ઉતારી પાડવાનો કે એવું નથી પણ વર્કિંગ વુમનની સરખામણીમાં ગૃહિણી એના સપનાનો વધુ ભોગ આપતી હોય છે એવું લાગે મને.

ઝલક : સપનું.! હા... સપનું... (અને ઝલકને પોતાનું શિક્ષક બનવાનું સપનું યાદ આવી જાય છે જે એને લગ્નના કારણે અધૂરું મૂકવું પડ્યું.)

નૈનેશ નોટિસ કરે છે ઝલકનું આમ સપનું શબ્દ પર અટકવું પણ એ કંઈ પણ આગળ પૂછ્યા કે લખ્યા વિના ઝલકના આગળના મેસેજની રાહ જુવે છે. અને ત્યાં જ ઝલકનો બીજો મેસેજ આવે છે...

ઝલક : ઘણું સારું લાગ્યું તમારી જોડે વાત કરીને. મનના ઘણા સવાલોનું નિરાકરણ મળ્યું તોય હજી પ્રશ્ન છે જેનો જવાબ મારે મારા અંગત જોડે લેવાનો છે. ખૂબ આભાર તમારો મને સમય આપીને મારા મનનું સમાધાન કરવા માટે. (ઝલકના મનમાં કોઈ પણ અંગત પ્રશ્ન પૂછ્યા વિના પણ આવા સમજદારી પૂર્વકના જવાબ આપવા માટે નૈનેશ માટે એક અલગ જ માન ઊભું થયું.)

નૈનેશે ટાઈમ જોયો તો સાત વાગવા આવ્યા હતા. એના થી મેસેજ થઈ ગયો, "ઓહ, સાત વાગી ગયા.!"

ઝલક પણ એ વાંચીને સફાળી ઊભી થઈ ગઈ. એને યાદ આવ્યું કે આજે એના સાસુ સસરાને વહેલું જમવાનું હતું. એણે નૈનેશને ફટાફટ મેસેજ કર્યો, "ઓહ.. બહુ સમય થઈ ગયો. ખ્યાલ જ ના રહ્યો પણ મારે ઘરમાં કામ છે તો હવે જવું પડશે. બાય... ફરી મળીશું કોઈ ગઝલના શેરમાં...

નૈનેશ : બાય, હા ચોક્કસ... પણ મને એના વિના પણ મળવું ગમશે. અને એક સ્માઈલી મૂકીને એ પણ ઓફલાઈન થઈ જાય છે.

"મળવું ગમે મનગમતા પાત્રને ક-સમયે,
નવો સંબંધ જીવનમાં આવ્યો આ-સમયે."

ઝલક ઊભી થઈને જુવે છે તો એના સાસુ સસરાએ જમી લીધું હોય છે. એના ચેહરા ઉપર તરત અફસોસ ઝળકી જાય છે એ જોઈને એના સાસુ બોલે છે કે "કંઈ વાંધો નઈ, તારી તબિયત ઠીક નહતી લાગતી એટલે ના કહ્યું તને."

અને એટલામાં એના મોબાઈલની રીંગ વાગે છે. એ જુવે છે તો રાજનો ફોન હોય છે. એ ખાલી હેલો બોલીને અટકી જાય છે. રાજ સમજી રહ્યો હોય છે એની તકલીફને. એને મનમાં વિચાર આવે છે કે, "શું હવે એણે ઝલકને બધું કહી દેવું જોઈએ.?" અને એ તરત જ વિચાર ખંખેરીને, "બસ હવે નીકળું છું અહીં થી.." એટલું જ કહે છે. જેના જવાબમાં ઝલક, "હમમ.." એવો ટુંકાક્ષરી જવાબ આપે છે અને બંને છેડે ફોન મુકાઈ જાય છે.

*****

એવી શું વાત હશે જે કહેવાનો રાજને વિચાર આવે છે.?
શું એ વાતથી કામિનીના આવા વર્તનનું કારણ મળશે.?
નૈનેશ અને ઝલક વચ્ચે થયેલી મોઘમ ચર્ચા પછી એમનો સંબંધ કેવી રીતે આગળ વધશે.?
આ બધા પ્રશ્નોના જવાબ જાણવા વાંચતા રહો સમાંતર...

©શેફાલી શાહ
તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

શેફાલી શાહ

જય જીનેન્દ્ર...