આજે રજની( કાંત) શેઠ શહેરનાં સૌથી મોટા જ્વેલરીનાં શોરૂમ માં પોતાના 'પથરા' માટે ગિફ્ટ ખરીદવા માટે બેઠા છે....એમણે સુંદર અને નાજુક રીયલ ડાયમંડ નો સેટ ફટાફટ પસંદ કરી લીધો કેમ કે પથરા ની પસંદગી બહુ સાદી હોય છે એ એમને ખબર હતી... ને ગિફ્ટ લઈ ને સીધા જ ઘર તરફ એમણે કાર ડ્રાઈવ કરી...હા, રજનીભાઈ ને મીરાં 'રજનીકાંત' કહીને બહુ ચિડવતી હંમેશાં ......
આજે અચાનક વહેલાં ઘરે આવેલા જોઈને'પથરા'ને નવાઈ લાગી....
તમારે જાણવું હશે ને કે આ 'પથરો' એટલે કોણ?
એ રજનીભાઈ ની અર્ધાંગના.... મીરાં .
આજે રજનીભાઈ જે પણ કંઈ છે ઈ એમનાં 'પથરા'ની મહેનત થી છે... એનાં અત્યંત સાહસિક મનોબળથી જ એ આજે પોતાની જિંદગી ને ફરી વાર "Hello" કહી શક્યા છે....
મીરાં ને પથરો શબ્દ બહુ ગમતો.... છોકરી અવતરે ને ત્યાર થી આ શબ્દ ય એની સાથે આપમેળે જન્મ લઈ લે છે..
એક દિવસ એમજ બેઠા બેઠા મીરાં ને વિચાર આવ્યો કે આ પથરો શબ્દ કેટલો અદ્ભૂત છે...!!!
કેમ કે
ઈ પથર માં થી ભગવાન ની મૂર્તિ ઘડાય...
ઈ પથરા ના પગથિયાં બને ને ડુંગરે ચડી દર્શન થાય...
ઈ પથરાથી ઘાટ બને તો પાપો ધોવાઈ જાય...
ઈ પથરાથી રામસેતુ રચાય...
ઈ પથરો જો મન પર મુકીએ તો ભલભલા દુઃખો સહન કરી શકાય...
ને ઈ પથરો મા-બાપ નાં જીવતરને તારે જ્યારે દિકરા પાણા પાકે ત્યારે...
બસ, એ 'દિ થી એને આ શબ્દ ગમી ગ્યો.... કોઈ એને પથરો કહે તો ખરાબ નો લાગતું...
રજનીભાઈ ને મા-બાપ, ભાઈ બહેનો ને દિકરો ને પત્ની એ જ સર્વસ્વ હતું....
રજનીભાઈ એ બાપદાદાનો કાપડનો ધંધો છોડીને બે દોસ્તારો સાથે જમીન લે-વેચનો ધંધો શરૂ કર્યો ને અંજામ વિશ્વાસઘાત.... બંને ભાગીદારોએ દગો કરી ચાર કરોડ રૂપિયાનો બોજો રજની પર નાખી દીધો.... રાતોરાત બધું બદલાઈ ગયું..... રજનીભાઈ રોડ પર આવી ગયા.....ને પરિવાર ઓશિયાળો થઈ ગયો.... અચાનક આટલું મોટું દેવું માથે આવતાં ખુદ રજની પણ આઘાત માં સરી પડ્યો....
છ જ મહિનામાં મા-બાપ મૃત્યુ પામ્યા ને ભાઈ-બહેનો એમનો સાથ છોડી ને જતાં રહ્યાં.... એમનું ઘર નાત બહાર થઈ ગયું..... દુનિયા હજાર વાતો કરવા લાગી..... સમાજમાં આબરૂ કોડીની બની ગઈ..... કોઈ મદદે તો શું, પુછવા ય નો આવ્યું....!! ને દેવાદારો રોજ ઘરે રૂપિયા માટે ઘરે આવે.... ત્રાસદાયક જિંદગી થઈ ગઈ....
નાણાં વગરનો રજિયો ને નાંણે રજનીભાઈ...એવો ઘાટ સર્જાયો....!!
એમની સાથે બસ પત્ની ને દિકરો રહ્યાં.
રજનીભાઈ ડિપ્રેશન નો ભોગ બની ગયા...સતત મરવાના વિચારો કરે ...કંઈ જ કરે નહીં..સતત બોલ્યાં કરે....એક સમયે તો રજનીભાઈ ને એકલા મુકી જવામાં પણ એને અમંગળ નાં એંધાણ વર્તાઈ રહ્યાં હતા.
હવે મીરાને માથે આભ તૂટી પડ્યું... શું કરવું ? ક્યાં જવું? કેવી રીતે ઘર ને જીવનમાં બચાવવા..??ને ઈ પણ કોઈ ની પણ મદદ વગર.... જિંદગી ખરેખર નજરાઈ ગઈ.....
એ રાત્રે ઉંઘ હરામ થઈ ગઈ એની અને એ જાગીને ડાયરી , પેન ને લેપટોપ લઈને એણે ગણતરીઓ કરવા માંડી..... આજે એને પોતાના ભણતર પર ગર્વ થયો....
ક્યાં કેટલું દેવું કેવી રીતે ચૂકવવું ને આગળ શું કરવું એ બધું જ પ્રોજેકશન્સ કરી લીધું.....
બીજા દિવસે સવારથી એણે નોકરી શોધવાનું કામ કર્યું... એને સારી નોકરી મળી ગઈ ને એણે દિકરાને રજનીભાઈ ની સારસંભાળ લેવાનું પણ શીખડાવી દીધું...ને નોકરી ચાલુ કરી દીધી.....
મીરાં હવે ખરાં અર્થમાં'પથરો'બની ગઈ હતી... એને લોકો શું કહેશે એની કોઈ પડી નથી... દુનિયા જાત જાતની વાતો કરે.... એને કોઈ વાતની અસર થતી નહીં....પણ એને માત્ર પોતાની દુનિયા જ ફરી ઉભી કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.... એનાં સપનાં, ઈચ્છાઓ, જીદ, આશાઓ, બધું જ હોમાઈ ગયું...
બે જ વર્ષમાં એણે ઘર , દુકાન , ફાર્મ હાઉસ , જર-ઝવેરાત , નાની મોટી બચતો બધું જ કાઢી નાખ્યું ને ખૂટતાં રૂપિયા પિયરથી લાવીને ચાર કરોડ રૂપિયા નું દેવું ચૂકવી દીધું....
હવે ભાડાં નાં મકાન માં પણ એ ખુશ હતી... રજનીભાઈ તો હજુ ય આઘાતમાં જ હતાં...
મીરાં ને એની નાના પગારની નોકરી થી સંતોષ નહોતો....એ સતત વિચારતી રહી, કંઈક અલગ કરવા માટે, જેથી ઘરને જલ્દી સાજું કરી શકાય...
એણે શરૂઆત કરી પોતાના બુટિક ની...... નોકરીની સાથે સાથે પુરુષ પ્રધાન સમાજમાં આ સંઘર્ષ કરવો ખૂબ અઘરો હતો છતાંય એણે પોતાના આત્મ વિશ્વાસ પર નવી શરૂઆત કરી..... જોતજોતામાં બે વર્ષ માં તો ધંધો જામી ગયો....મોટા શહેરોનાં મોટા મોટા ઓર્ડર આવવા લાગ્યા..... દરેક ડીઝાઈનર કપડાં એને ત્યાં બનવા લાગ્યા.....મોટી હસ્તીઓ અને શ્રીમંત ઘરની સ્ત્રીઓ પણ એની ગ્રાહક બનવા લાગી , ને ત્રીજે વર્ષે તો એણે ઘરને દેવાં માં થી સંપૂર્ણ મુકત કરી દીધું......એનો સમાજ અને દુનિયા તો એની હિંમત અને મજબૂત મનોબળ ને જોતી જ રહી ગઈ....
એને નિંદા , પ્રશંસા , કશી જ અસર થતી નહીં....એને તમે માન આપો કે ના આપો...તમે એને આવકારો કે જાકારો આપો કોઈ જ અસર નથી થતી...એણે ક્યારેય કોઈ ની મદદ માંગી નથી... એનું આત્મબળ એ જ એની સંપત્તિ છે... જેનો પતિ નિષ્ફળ જાય તો એની કેટલી અસહ્ય પીડા હોય એ માત્ર એ જ સમજી શકી હતી..
બુટીક ધમધોકાર ચાલવા લાગ્યું.....ને બીજી બાજુ રજનીભાઈ પણ સાજાં થવા લાગ્યા.... પાંચ વર્ષ માં તો મીરાંએ સમય બદલી નાખ્યો ....દિકરો અને રજનીભાઈ પણ એનાં કામમાં જોડાઈ ગયા ને જેટલું ગુમાવ્યું હતું એટલું ૧૦ વર્ષમાં પાછું મેળવી લીધું....સારો સમય આવતાં ગયેલા ભાઈ-બહેનો , સગાં સંબંધીઓ , ને સમાજ પણ પાછો આવી ગ્યો......
સતત કાર્યરત સંઘર્ષ આજે રંગ લાવ્યો છે ને મીરાં નો કાપડનો ધંધો ને બુટીક ભારતભરમાં આજે પોતાના કપડાં એકસપોર્ટ કરે છે......Meera Designs નાં નામે .....
રજનીભાઈ એકલા પડતાં ત્યારે વિચારતા કે જો આ મીરાં ના હોત તો મારૂં જીવતર ઉજડી ગયું હોત....એની હિંમત ને મહેનત થી આ સુખનાં દિવસો હું પાછા મેળવી શક્યો છું....
જ્યારે આખીયે દુનિયા મારી વિરુદ્ધ થઈ ગઈ હતી ત્યારે માત્ર એ જ મારી પડખે એક ઢાલ બનીને ઉભી રહી હતી...એની જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોતતો ત્યારે જ દિકરાને લઈને ચાલી નીકળી હોત.....આવા વિચારો થી જ રજનીભાઈ ને ધ્રુજારી આવી ગઈ......
એ ખરાં અર્થમાં 'પથરો' બની ને જો જીવી ના હોતતો , આ ગયેલો વૈભવ પાછો ના મળત....ને જીવન છિન્નભિન્ન થઈ ગયું હોત.....
આવા કેટલાય વિચારો ની તંદ્રા ત્યારે તૂટી ગઈ જ્યારે દિકરા એ આવી ને
એમને કહ્યું કે, " ડેડી , તમે મમ્મી ને કાલે તમારી એનિવર્સરી પર કંઈક સરપ્રાઈઝ આપો ને , મમ્મી ને બહુ ગમશે ને તમારો પ્રેમ પણ વ્યક્ત થશે.."
"હા, તારો એ વિકલ્પ પસંદ આવ્યો મને.. કાલે હું કંઈક સરપ્રાઈઝ આપીશ.. ઓકે..."
ને આજે એનિવર્સરી નો યાદગાર દિવસ આવી ગયો હતો..... સાંજે મનગમતી ભેટ લઈને ઘરે આવીને સીધા રૂમમાં જ પત્ની પાસે ગયા ને આંખો બંધ કરવા હુકમ કર્યો. મીરાં ને તો નવાઈ લાગી કેમ કે એને તો યાદ પણ નથી કે આજે લગ્ન દિવસ છે ઈ....
થોડીવાર પળો પછી મીરાં એ આંખો ખોલી તો આશ્ચર્ય થયું, કે આટલો સુંદર સેટ આજે કેમ લાવ્યા હશે રજનીકાંત...??!!!
ત્યારે પતિદેવે પત્ની ને પાસે ખેંચી ને વ્હાલથી કહ્યું "પ્રિય મીરાં , લગ્ન દિવસ ની મારી અઢળક શુભેચ્છાઓ"
ને મીરાં ચમકી ને હવે એને યાદ આવ્યું.
ખૂબ જ ખુશ થઈ ગઈ.....કે રજનીકાંત ને આ દિવસ યાદ છે......
રજનીકાંતે ગળામાં રીયલ ડાયમંડ નો સેટ પહેરાવતા કહ્યું કે ,"આ મારા સુપર 'હિરો' માટે સાચા હિરા ની ભેટ"...
"ના હો , 'હિરો' તો તમે છો મારા.....
" અરે , પણ , તું તો આ હિરા કરતાંય વધારે કિંમતી 'પથરો' છે હોં".... રજનીકાંતે ગર્વ થી કહ્યું....
ને આખોયે બંગલો સુખદ હાસ્ય થી છલકાઈ ગયો.....!!!!
-ફાલ્ગુની શાહ ©