Upkar in Gujarati Short Stories by RRS books and stories PDF | ઉપકાર

The Author
Featured Books
Categories
Share

ઉપકાર

ઇ.સ. 2004-05 આસપાસની આ વાત છે. એક નાનો છોકરો લગભગ 8 કે 9 વર્ષનો , ક્યાંકથી લીમડાના બે નાના રોપા લઈ ઘરે આવ્યો અને આંગણામાં ખાડા ખોદીને રોપણી કરવા લાગ્યો. ત્યાં જ તેની માતાનું ધ્યાન જતા જ તેણે બાળકનો ઉધડો લીધો અને લીમડાનો એક છોડ ઉખાડી બહાર ફેંકીને બાળકને બે ધોલ પણ મારી લીધી.

" અરે શું કરે છો , આખો 'દી બસ માટી ચૂંથવી ને કપડાં બગાડવા છે , બીજું કંઈ કામ જ નઇ , લેશન કરવા બેસ નહિતર વધુ મારીશ. તારા બાપાને આવવા દે વાત છે તારી..! "

રડતાં રડતાં બાળક એટલું જ બોલ્યો કે ,
" આ તો આંગણામાં છાંયો થાય તો આપણે આંગણામાં બેસાયને , ઘરમાં બફાઈએ નઇ એટલે લાવ્યો 'તો !!! "

વાતમાં દમ પણ હતો. ઉનાળામાં તો ઘર પણ તપીને લૂ ફેકતું. અન્ય ઋતુમાં પણ બફારો તો રહેતો જ ને?.માતાને થોડીવાર પસ્તાવો અને દુઃખ થયું કે છોકરો સૌની ચિંતા કરે છે અને મેં અમથો માર્યો. આથી એક લીમડાનો છોડ વાવેલો તે રહેવા દીધો , આમ પણ બીજો છોડ રોપી શકાય તેવી હાલતમાં પણ નહોતો. આમ પાછાં સૌ પોતપોતાની ઘરેડમાં લાગી ગયા.

આ ઘટનાને 7 વર્ષ થઈ ગયાં હતાં. બાળક હવે કિશોર બની ગયો હતો. પોતાના ગામથી પાંચેક કિલોમીટર દૂર શાળાએ આવતો જતો હતો. લીમડો પણ હવે છોડ મટી ઘેઘુર થવા માંગતો હોય તેમ વિકસ્યો હતો. કિશોરની માતા તે લીમડાની છાંયામાં ઘઉંમાંથી કાંકરા વીણવા જેવા ઘરકામ કરતી અને બાકીના સમયમાં તેની નીચે આરામ અને ગામની અન્ય બહેનો-સખીઓ સાથે ગોષ્ઠી કરતી. સાંજ પડે કિશોર અને તેના પિતા ખાટલો ઢાળી બેસતા અને અલકમલકની વાતો કરતાં.

એક દિવસ બન્યું એવું કે કિશોર શાળાએ હતો , પતિ કામ પર ગયા હતાં. રોંઢાટાણે કિશોરની માતા ઘરનાં દરવાજા સામે ખાટલો ઢાળી મગ સાફ કરતી હતી. એક કપાસ ભરેલો મીની ટ્રક (ખટારો) તેની બાજુ આવવા લાગ્યો , કદાચ ટ્રકચાલકે કાબુ ગુમાવ્યો હતો. અને ધડામ એવા અવાજ સાથે તે લીમડા સાથે ટકરાયો. પેલી સ્ત્રીનાં સદનસીબે લીમડાનું થડ અથડામણના મારને ઝીલી શક્યું અને ટ્રકને રોકી પાડ્યો.

કિશોરની માતા હતપ્રભ રહી ગઈ 'ને જાણે કોઈએ વાચા હરી લીધી હોય તેમ બે ક્ષણ સુધી કંઈ બોલી શકી નહીં...પછી સહસા ખ્યાલ આવતા તેનાથી રડી જ પડાયું અને સડસડાટ કરતી ભૂતકાળમાં ચાલી ગઈ. ' આ લીમડો અહીં ન હોત તો?' ,'જો ત્યારે તેણે બીજો લીમડાનો છોડ પણ ઉખાડી ફેંક્યો હોત તો??? ' આ વિચાર સાથે તેના શરીરમાં આછી ધ્રુજારી ફરી વળી. અને મનોમન ઈશ્વરનો આભાર માનવા લાગી.કિશોર ઘરે આવ્યો 'ને તેની માતાએ તરત જ ગળે વળગાડી દીધો અને વ્હાલ કરવા લાગી.

આ દુર્ઘટના બાદ કિશોરની માતાએ આંગણામાં વૃક્ષના અન્ય ત્રણ-ચાર છોડ રોપી દીધાં અને સૌને વૃક્ષ વાવવાનાં સંકલ્પ લેવડાવતી થઈ , તેને સમજાઈ ગયું હતું કે કુદરત પ્રત્યે સારા વ્યવહારની સામે કુદરત 'ઉપકાર' કરે જ છે...

【 આ એક સત્યઘટના છે જે મારા મિત્ર સાથે ઘટેલી છે. આજે આ દુર્ઘટનાને 10 વર્ષ પૂર્ણ થયાં હોવાથી કલમ દ્વારા કાગળ પર ઉતારી આને મૂર્ત સ્વરૂપ આપું છું. આને સૌ યોગાનુયોગ કહે છે પણ હું આને માત્ર કુદરતના ચમત્કાર તરીકે જ જોઉં છું. આ દુર્ઘટના બાદ મને પણ કુદરત પ્રત્યે અસીમ શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. વાર-તહેવારે હું પણ વૃક્ષારોપણ કરું છું અને વાવેલા છોડવાઓની અત્યંત કાળજી પણ રાખું છું , સાથે પ્રકૃતિનો પણ ખ્યાલ રાખું છું , માત્ર એ સ્વાર્થ ખાતર કે કોઈક દિવસ પ્રકૃતિ પણ આપણો ખ્યાલ રાખશે. Date : 16 july , 2020】