Tunku ane touchi in Gujarati Short Stories by Alpa Maniar books and stories PDF | ટૂંકુ અને touchी

Featured Books
Categories
Share

ટૂંકુ અને touchी

મારી કેટલીક ટૂંકી વાર્તા જે આ પહેલા bites તરીકે પ્રકાશિત થયેલી છે તેને ફરીથી એકવાર એકસાથે સંકલિત કરી રજૂ કરી રહી છું
આશા છે કે આપ સૌને ગમશે

1) આડુઅવળુ

દરવાજા ની ઘંટડી વાગી અને એમણે હાથમાનો નેપકીન દૂર થીજ સોફા માં ફેંકી દરવાજો ખોલ્યો
દૂધવાળો હિસાબ માટે આવ્યો હતો
થોડીવાર આડુઅવળુ જોયા પછી બૂમ પાડી "સાંભળે છે ? મારૂ પાકીટ કયાં છે? જડતુ નથી!
દૂધવાળો આંખો ફાડી ને એમને જોઇ રહ્યો છે તે નોંધ્યા વગરજ આગળ બોલ્યા "જોજે હવે મારી આડુઅવળુ મૂકવા ની ટેવ પર ડોસી ભાષણ આપશે 45 વરસ થયા લગન ને પણ ના હું સુધર્યો ના એ ભાષણ આપી ને થાકી "
દૂધવાળા ના મોઢા પર નજર પડી અને એ અચાનક બેસી પડ્યા. ડોસી ને ગયે હજી તો દિવસ પણ કેટલા થયા?
દૂધવાળો તો કાલે આવીશ કહી જતો રહ્યો પણ ડોસી વગર આડીઅવળી થઇ ગયેલ જીંદગી !! કદાચ ક્યારેય વ્યવસ્થિત નહિ થાય એ અફસોસ તો રહી જ ગયો

2) સામાન

પોતાની પંહોચ થી પણ કંઈક વધુ ખર્ચ કરી પોતાની એક ની એક દિકરી ને થોડાઘણા દહેજરૂપી સામાન સાથે વળાવી હતી
આજે લગ્નના માત્ર છ મહિના પછી વેવાઈએ બધો સામાન પાછો પંહોચાડ્યો ,પણ સાથે સાથે એક વધારા નો કળશ પણ.
સાચુ માનશો!!!!? બસ એ એક કળશ નુ વજન જ માબાપ ના ઉપાડી શક્યા, બાકીના સામાને તો પોતાની જગ્યા જાતે જ શોધી લીધી

3)માળો

ઉમ્મર ના બે પડાવ પૂરા કરી હમણાંજ વન મા પ્રવેશ કરેલ વિહંગા સામે રહેલ ઝાડ પર બેબાક થઈ જોઈ રહી
ચકલી એના માળા માંથી એના જ બચ્ચા ને નીચે પાડી રહી હતી
વિહંગા ના દિલોદિમાગ મા અેના સાસુ અને પતિ ના 25 વરસ પહેલાં ના શબ્દો હથોડા ની જેમ પછડાઈ રહ્યા "પક્ષી પણ નાસમજ હોવા છતાં વિકલાંગ બચ્ચા ને નથી ઉછેરતુ તો આપણે તો બધુ જાણી ને પણ!
"જિદ મા ને જીદ મા એ ઘર છોડીને નીકળી ગઈ

પણ આજે !
એક આંખ કેન્સર ના રીપોર્ટ અને બીજી 25 વરસ ની દુનિયાદારી થી અજાણ ,માસૂમ ,આવનાર સમય થી અજાણ એવી રેતી મા ઘર બનાવતી પુત્રી ને જોઇ રહી

નથી સમજાતું કે શું એણે નિર્ણય લેવામાં ઉતાવળ કરી??
બસ કોરી આંખે એ ચકલી ના માળા અને નીચે પડેલા મૃત બચ્ચા ને જોઈ રહી

4) શરૂઆત

ક્યારેય ફોન ન કરતી પત્ની એ ફોન કરીને વહેલા આવવા વિનંતી કરી
વિલાયતી શરાબ ના નશા મા ઘરે આવી દેશી પતિ એ ગુસ્સામાં બેફામ ગાળો આપી અને પારેવા શી ધૃજતી પત્ની ને મારપીટ કરી એક ધક્કો માર્યો .દર્દ થી ચીસો પાડતી પત્ની ના બે પગ વચ્ચે થી નીકળતા લોહી ના રેલા સાથે જ શરાબ ઉતરી ગઈ.
હોસ્પિટલના પલંગ પર સૂતેલી પત્ની નો હાથ પકડી બેઠેલા પતિ ની આંખ મા આંસુ ધસી આવ્યા
એક નવા જીવન ની શરૂઆત પહેલાં જ અંત આવી ગયો પણ મને એવું કેમ લાગે છે કે પથ્થર માંથી એક કૂંપળ ફૂટવાની શરૂઆત થઈ રહી છે!!

5) સુશોભન


"નફરત છે મને એવી સ્ત્રી ઓ થી જે સાજ સજાવટ કરી પોતાની જાત ને સુશોભન ના પર્યાય તરીકે રજૂ કરી તેનો ખોટો ફાયદો ઉઠાવે છે "ફોન મા વાત કરતા કરતા માનવે ઘર મા પ્રવેશ કર્યો અને પત્ની શર્મિલા ને કહ્યુ "આવતી કાલે સાંજે મે ઓફિસ ના ત્રણ ઉપરી અધિકારીને ઘરે જમવા બોલાવ્યા છે. તુ રસોઈ થાય એટલી જ કરી બાકી નુ કોઈ સારી હોટલ માથી મંગાવી લેજે પણ તૈયાર ખૂબ સરસ થજે, જો જે પાછી સાડી પહેરીને ગંગૂબાઈ ના થતી. હું લાવ્યો છું તે કપડા જ પહેરજે અને હા થોડી બ્રોડમાઈન્ડ થા કોઇ તારા ખભા કે કમર ને અડે તો તારો કોઇ ગરાસ નથી લૂંટાઈ જવાનો પણ મારા પ્રમોશન ના ચાન્સ ચોક્કસ વધી જશે"અને માનવ પાછો પાન ના ગલ્લે ચાલ્યો ગયો. શર્મિલા અંદર રૂમ મા જઇ ભીની આંખે માનવે લાવેલ વિચાર્યા કરતા વધારે ટૂંકુ અને વધુ પડતા નીચા ગળા નુ ચપોચપ ફીટ થાય એવુ વનપીસ જોઇ રહી!!


6) તોફાની !!

વ્હાલા મમ્મી પપ્પા
આ પત્ર મલે ત્યારે હું ચોક્કસ આ દુનિયામાં નહીજ હોઉ પણ તમારા આંસુ મા અચૂક હોઇશ
છેલ્લા કેટલાક મહિનાથી તમે કહેતા હતા કે તારા તોફાન ખૂબ વધી ગયા છે, અતિ તોફાની થઈ ગઈ છે આ છોકરી !
તો મા મારે એની જ માફી માંગવી છે પણ મા પાપા તમારી આંખો મા એ ગુસ્સો વધુ સારો લાગે છે એ આંસુ કરતા જે તમે છુપાવી છુપાવી ને લૂછતા હતા
ખૂબ હિમંત જોઈએ એક બલાત્કાર નો ભોગ બનેલી એક ની એક દિકરી ના આંસુ લૂછવા મા
તમે તમારા તમામ પ્રયત્નો કર્યા મને માનસિક રીતે તૈયાર કરવામાં
મે પણ ખૂબ જ પ્રયત્ન કર્યો બધૂ ભૂલી જઈને ને આગળ વધવા નો
આરોપી ને ફાંસીની સજા પણ થઇ
પણ મા હું નથી ભૂલી શકતી
ખૂબ પ્રયત્ન કર્યા ખૂબ તોફાન કર્યા તોફાની નુ ઉપનામ પણ લઈ જ લીધુ!
પણ મમ્મી પપ્પા હવે હું થાકી ગઈ છું
શાંતિ થી સૂવા માંગુ છું એક પણ દૃસ્વપ્ન વિના
સૂઈ જ્ઉ ને માં!
તમારી
તોફાની