મંદબુધ્ધિ કોણ...? ભાગ-૫
ભાગ-૪ માં આપણે વાંચ્યું કે સેજલ પડી ગઇ હોઇ તેને દવાખાને પાટાપીંડી કરી અમે ઘરે લઇ આવ્યા અને થોડા દિવસ પછી ડોક્ટરે પાટો કાઢી નાંખ્યો. અને સેજલ પહેલા જેટલી સુંદર અને ક્યુટ દેખાતી તેવી જ ફરી દેખાવા લાગી પણ.....!! હવે આગળ...
પણ સેજલના હાવ-ભાવમાં થોડો બદલાવ જોવા મળ્યો. અમે સેજલને બોલાવીએ તો એ કોઇ પ્રતિક્રિયા આપતી ન હતી. એક રીતે કહીએ તો એક-બે વર્ષના બાળકને રમાડીએ અને હસાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ બાળકના જે હાવ-ભાવ, રિસ્પોન્સ હોય તે સેજલમાં દેખાતા ન હતાં. જાણે સેજલ અમને ઓળખતી ન હોય અથવા તેના મગજ સુધી જે-તે પ્રતિક્રિયાનો સંદેશ પહોંચતો જ ન હોય તેવું લાગી રહ્યું હતું. ક્યારેક સેજલ પોતાના માથાના ભાગે હાથ રાખીને રડ્યા કરતી હતી. પહેલાં તો અમે ઘરનાં સભ્યો સેજલની વર્તણુંક સમજી જ ન શક્યાં. પણ એક દિવસ જ્યારે રાખી સેજલ સાથે અગાશીમાં બેઠી હતી અને રમતા-રમતા સેજલ અચાનક માથામાં વાગેલા ભાગની આજુ-બાજુ હાથ ફેરવતી રડી રહી હતી ત્યારે રાખીને સમજાયું, કે કદાચ સેજલને માથામાં દુઃખાવો તો થતો નહી હોય ને...!
જેમ-તેમ રાખીએ સેજલને શાંત કરી અને નીચે રૂમમાં આવીને સેજલને સુવડાવી દીધી. સેજલનાં સુઇ ગયાં પછી રાખીએ ધીમેથી સેજલનાં માથાનાં વાળ થોડા ખસેડીને તેના માથામાં જોયું વાગ્યાંના ઘાવનો થોડો નિશાન હતો પણ રૂજ આવેલો નિશાન હતો. હું સાંજે ઘરે આવ્યો એટલે રાખીએ મને બધી વાત કહી. અને અમે બંનેએ નક્કી કર્યું કે બીજે દિવસે સવારે સેજલને દવાખાને લઇ જઇશું. રાત્રે જમતી વખતે બધા ભેગા થયા એટલે મેં ધીરેકથી બાપુજીને આ વાત કહી. એટલે બધાના ચહેરા પર ચિંતાના વાદળો છવાઇ ગયાં. મારા નાના ભાઇએ મને કહ્યું કે ભાઇ, હું પણ સવારે તમારી સાથે દવાખાને આવીશ. મેં મારૂ મોં હલાવીને સંમત્તિ આપી.
બીજે દિવસે સવારે હું, રાખી અને મારો નાનો ભાઇ સેજલને લઇને ગામના દવાખાને ગયાં. ડોક્ટરે સેજલને તપાસી અને અમને કહ્યું...
ડોક્ટર - રમેશભાઇ, સેજલને જોતાં તો એવું કંઇ જોખમી હોય તેવું લાગતું નથી. પણ છતાં એક કામ કરો. ગોધરા જઇને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં એક વખત બતાવી જુઓ.
ડોક્ટર કોઇ ચિંતાજનક વાત તો નથી ને? કોઇ સિરિયસ પ્રોબ્લેમ તો નથીને? રાખીએ પૂછ્યું.
ડોક્ટર - બેન, અત્યારે તો જોઇને એવું કંઇ લાગતું નથી. પણ છતાં એક વખત પાક્કી ખાતરી કરી લેવા ગોધરા બતાવી જુઓ. ત્યાં મોટા-મોટા સ્પેસ્યાલિસ્ટ ડોક્ટરો છે. અને અહિં કરતાં સુવિધા પણ વધુ સારી છે.
ડોક્ટરની આ વાત સાંભળી થોડી ચિંતા થઇ. અને અમે ઘરે પરત આવ્યાં. ઘરે આવીને બધાને માંડીને વાત કરી અને બીજે દિવસે ગોધરા જવાનું નક્કી કર્યું. ગોધરામાં મારા એક માસી રહેતાં હતાં એટલે તેમને જાણ કરી અને અમે બીજે દિવસે ગોધરા જવા રવાના થયાં.
ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયાલીસ્ટ ડોક્ટરની કેબિનમાં મારી નાનકડી સેજલને હું અને રાખી લઇ ગયાં. ડોક્ટરે તપાસી અને થોડા સવાલો પૂછ્યાં કે કેવી રીતે વાગ્યું? ક્યારે વાગ્યું? શું અને ક્યાં સારવાર કરાવી? વિગેરે વિગેરે.... ડોક્ટર સવાલો પૂછતાં જતાં અને અમે જવાબ આપતા જતાં. ડોક્ટરના સવાલો અને અમારા જવાબો પરથી ડોક્ટરે બહુ જીણવટ ભર્યા સવાલો પૂછવાનું શરૂ કર્યું. અને અમારી પાસેથી બધા સવાલોના જવાબ મેળવ્યા પછી ડોક્ટરે અમને સેજલના વર્તન અંગે સવાલો કર્યાં. ડોક્ટરના સવાલો અને અમારા જવાબો પરથી સેજલને પડી જતાં માથાના આંતરિક ભાગમાં પહોંચેલ હાનિનો અમને ધીમે-ધીમે અંદાજ આવી રહ્યો હતો. અને અમારી ચિંતા વધી રહી હતી. અમારા જવાબો સાંભળીને ડોક્ટરે સેજલના અમુક ટેસ્ટ કરાવવાનું કહ્યું. અમે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે કહેલા ટેસ્ટ/રિપોર્ટો કરાવવાની કાર્યવાહી શરૂ કરી. સેજલના રિપોર્ટો બે દિવસે આવ્યાં બે દિવસ સુધી અમે ગોધરામાં મારા માસીના ઘરે જ રોકાયા. અને બે દિવસ બાદ રિપોર્ટોની ફાઇલ લઇને અમે ફરીથી એ ડોક્ટર સાહેબને મળવા ગયાં જેમણે પહેલી વખત સેજલને તપાસી હતી.
ડોક્ટરે રિપોર્ટની ફાઇલ બારીકાઇથી જોઇ અને વાંચી. અને એ ફાઇલ વાંચ્યા બાદ ડોક્ટરે અમને સેજલની શારિરીક અથવા વર્તણુંક બદલાવની તકલિફ વિશે જે કહ્યું એ અમારા માટે સ્વિકારવું ખુબ જ અઘરૂ હતું. અમે તો વિચાર્યું પણ ન હતું કે આવી નાની બાળકીને આટલી મોટી તકલિફ? ડોક્ટરની વાત સાંભળીને જાણે અમારા પગ નીચેથી જમીન સરકી ગઇ. અમે દયાભાવથી સેજલને જોઇ રહ્યાં અચાનક જાણે આખી દુનિયાનું દુઃખ અમારા પર આવી ગયું હોય તેવું લાગતું હતું. હું અને રાખી બે ઘડી તો સાવ સુનમુન થઇ ગયા. જાણે અમે બંને કોમામાં સરી પડ્યા હોય એવી હાલતમાં આવી ગયાં. રાખી અને મારી આંખોમાંથી બુંદ-બુંદ સમા આંસુ વહેવા લાગ્યા. અને જેમ-જેમ ડોક્ટર સેજલની શારિરીક અને માનસિક પરિસ્થિતિ વર્ણવતા ગયાં તેમ-તેમ એ આંસુઓની બુંદ પાણીની જેમ અમારી આંખોમાંથી વહેવા લાગી. (વધુ આવતા અંકે)