મનુષ્ય નું જીવન સદીઓ થી આ પ્રકૃતિ આસપાસ વિકસેલું છે. આ જીવન પ્રકૃતિ ના રંગે રંગાયેલું છે. આ મનુષ્ય ને જન્મ દેનાર આ પ્રકૃતિ થી જ તેનું અસ્તિત્વ જોડાયેલું છે. તેથી જ આ જીવન પ્રકૃતિ ના દરેક તત્વો (હવા,જળ, જમીન વગેરે....) સાથે કંઈ ને કંઈ રીતે જોડાયેલું છે.
આ મનુષ્ય ને પોષનાર છે આ ધરતી. જેને આ મનુષ્ય એ અવનવા નામો થી બિરદાવી છે. ધરા, પૃથ્વી, વસુંધરા, ધરિણી વગેરે નામો આ ધરતી ને આપ્યા છે.
આ ધરતી ને જન્મ નો સાથી એટલે આ સૂરજ. જે આ સૃષ્ટિને તેના કિરણો થી તારે છે.સવાર થી લઈ ને સાંજ સુધી તે સમગ્ર વિશ્વ ને પોતાના એ સોનેરી કિરણો થી પ્રફુલ્લિત કરી મૂકે છે.
આ શિષૅક ને જોઈ એક પ્રશ્ન જરૂર ઉપજ્યો હશે બધા ના મનમાં, વળી આ સૂરજ મનુષ્ય ના જીવન સાથે કેવી રીતે જોડાયેલ છે ?? જવાબ છે ... તેના ક્ષણે - ક્ષણે બદલાતા સ્વરૂપ ના આધારે ....
પ્રભાત ની સાથે સૂરજ ના કોમળ કિરણો આ જન - જીવન ને મંત્રમુગ્ધ કરી દે છે. એ આ અંધારી રાત્રી પછી ધરા પર ઉજાસ ની ચાદર પાથરી દે છે. આ આકાશે વાદળો ના પડદા થી બહાર આવી કૂણો તડકો સમગ્ર વસુંધરા પર પાથરી દે છે. આ તાપ આખા જગત ને રતાશ બક્ષે છે. આ તાપ મનુષ્ય ને નવા દિવસ ના નવા લક્ષ્યો તરફ પ્રયાન કરવા ઉજાૅ બક્ષે છે. દરેક મનુષ્ય, પ્રાણી, જીવ - જંતુ અને આમ ગણી એ તો સમગ્ર સજીવ સૃષ્ટિ ને એનો આનંદ માણવો ગમે છે. કારણ કે તે હિતકાયી પણ છે. આ રવિ ની કિરણો ક્યાંક બક્ષે છે આરોગ્ય આ જીવો ને તો ક્યાંક કામ કરવાની પ્રેરણા.
આટલો હિતકારી આ સૂરજ નો તાપ જ મનુષ્ય ના અનગમા નું કારણ બની જાય છે. સવાર ના કૂમળા તાપ થી માંડી ને મધ્યાહ્ન નું પેલું આગ વરસાવતું રૂપ આ સૂરજ ના જ બદલાતા રંગ છે. આ સૂરજ મધ્યાહ્ને પહોંચી પોતાની ક્રૂરતા દેખાડે છે. તે પોતાના તાપ હેઠળ સમગ્ર જન - જીવન ને બાળે છે. આ એ જ કિરણો છે જે એક સમયે સવૅ સૃષ્ટિ ને શીતળતા આપતા હતા. પોતાના આ રૌદ્ર રૂપ ને લીધે જ લોકો તેના થી દૂર ભાગે છે. આમ, એક સમય નું પ્રેમ ભરેલું પાત્ર નફરત થી તોલાઈ જાય છે. અહીં આ તત્ત્વ તો એક જ છે , માત્ર બદલાયેલું છે એમનું સ્વરૂપ. એ સ્વરૂપ જે તેમને પસંદ - નાપસંદ ના ત્રાજવા માં તોલે છે.
હવે રહ્યો પ્રશ્ન આ મનુષ્ય નો . મનુષ્ય નું જીવન ય આ સૂરજ ની માફક જ છે. સૂરજ ના બે જુદા જુદા સ્વરૂપ ની જેમ જ આ મનુષ્ય ના ય બે સ્વરૂપ છે.
એક છે મનુષ્ય નો શાંત ને બધાં સાથે ભળતો સ્વભાવ. મનુષ્ય જ્યાં સુધી શાંત , કોમળ , હિતકારી બની રહે છે ત્યાં સુધી બધાં લોકો તેની સાથે ભળવાનું પસંદ કરે છે , બધાં તેને સન્માન ની નજર થી જુએ છે. આ વ્યક્તિ માં કપટ નથી હોતું તે જ્યાં પણ જાય છે ત્યાં પ્રેમ અને સહકાર ની ભાવના પ્રસરાવે છે. આ વ્યક્તિ પેલા ઊગતા સૂરજ ની માફક છે જે પોતાના સ્નેહ ને સહકાર ની ભાવના સમગ્ર જગતે ફેલાવે છે.
પરંતુ આ જ વ્યક્તિ જ્યારે ઉગ્ર બની જાય છે ત્યારે પેલા મધ્યાહ્ન ના તપતા સૂરજ નું ઉદાહરણ પૂરું પાડે છે. ક્રોધ, દ્વેષ , કપટરૂપી તાપ થી એ તો બળે જ છે, સાથે સાથે આસપાસ ના લોકો ને ય બાળે છે. લોકો આવા લોકો થી દૂર જ રહે છે, એમના કપટરૂપી તાપ થી બચવા.
આમ, તત્ત્વ તો એક જ છે 'મનુષ્ય તત્ત્વ'. પરંતુ સમયે - સમયે તેનું બદલાતું સ્વરૂપ જ તેના માં ભેદ ઉત્પન્ન કરે છે, માટે આપણે પોતે જ સમજી ને નિણૅય કરવાનો છે કે આપણે શું બનવું છે કૂણા કિરણ કે પેલો બળબળતો તાપ!!!