બચપણમાં સમજણ આવ્યાના સમયથી કશુંક પણ લખવાની લતના કારણે કાગળ અને કલમ સાથે બંધાયેલો નાતો સુજાતા એ આજ દિવસ સુધી અવિરત જાળવી રાખ્યો હતો. સૂતા પહેલાં જ્યાં સુધી ચાર લીટી તેની જીવથી વ્હાલી ડાયરીમાં ન ટપકાવે ત્યાં સુધી સુજાતા ને કંઈક અધૂરપ લાગ્યા કરતી.
છેલ્લાં કેટલાય સમયથી જે ઉમળકા, ઉત્સાહ અને આનંદ તો ક્યારેક વિષાદ, ખાલીપો તો ક્યારેક કોઈ ભૂતકાળમાં કોઈ નિસ્વાર્થ પ્રેમની અવેજીમાં ઝંખેલી ઝંખનાની અરજીને તેની મરજી વિરુદ્ધ કચડી નાખવાનું અસહ્ય દર્દ હોય આવાં કંઇક લાગણીઓની મિશ્રિત લાગણીઓના અનુવાદને તેની ડાયરીમાં ટપકાવતી વખતે તેના ચહેરા પરની લાગણીઓના આરોહ અવરોહની શિવાંગ નોંધ લેતો પણ... હંમેશા તે સુજાતાની મનોસ્થિતિનો તાગ મેળવવામાં તે નિષ્ફળ જતો.
હમણાં હમણાંથી સળંગ ખુશખુશાલ દેખાતી સુજાતાની ખુશી જોઇને શિવાંગને સુજાતા પ્રત્યે એવી શંકા ઉપજવા લાગી કે જાણે કે તેની જાણ બહાર સુજાતા કોઈ છુપો ખજાનો મળી ગયો હોય. અંતે તેને થયું કે આ ખુશાલીના રહસ્યનું પગેરું અચૂક સુજાતાની ડાયરીથી જ મળશે. સુજાતા તેની નાનામાં નાની ફીલીગ્સને પણ તેની ડાયરીમાં ટાંકીને અકબંધ રાખતી. શિવાંગ તેના મગજમાં ચલતાં આડા અવળા કંઇક વિચારોમાં અટવાયો હતો. તેની જિંદગીમાં કોઈ અન્ય પુરુષ પાત્ર હશે ? થોડા સમય પહેલાં સુજાતાના એક અકસ્માત દરમિયાન વિવેક નામનો એક યુવક તેને ઘરે મુકવા આવેલો એ બનાવ પછી સુજાતા ના વર્તન માં ઘણો બધો બદલાવ શિવાંગ ની નજર માં આવ્યો હતો તો કદાચ સુજાતા એ વિવેક સાથેના કોઈ લગાવ કારણે તો....
મનોમંથનની વધતી ગતિની સાથે સાથે શિવાંગના અકળામણની ગતિ એ પણ જોર પકડ્યું. સુજાતાને પૂછવાનો કોઈ અર્થ નહતો કેમ કે થોડા સમય પહેલાં ઘટેલી એક અકલ્પનીય ઘટના પછી બન્ને વચ્ચે વાતચીતનો વ્યહવાર નહીંવત જેવો જ રહ્યો હતો. અંતે હવે શિવાંગ સુજાતાના પોઢી જવાની પ્રતીક્ષામાં હતો. જેવી સુજાતા ગાઢ નિંદ્રામાં સરી ગઈ તેવી તરતજ તેના વોર્ડરોબના ખાનામાં જોયું તો જોગાનુંજોગ ચાવી તેમાજ ભરાવેલી હતી. છાનામાના ચુપકીદીથી શિવાંગ ડાયરીને બગલમાં દબાવીને બાલ્કનીના ઝાંખા પ્રકાશમાં ડાયરી ઉઘડતાં વાંચવાનું શરુ કર્યું સુજાતાની ખુશીનું રહસ્ય.
તારીખ ૨૫ ડીસેમ્બર.
આજે બગીચામાં અસંખ્ય ફૂલો વચ્ચે ખુલીને ખીલી હતી મારી અને મારી દીકરી બુલબુલની ખુશી. બન્ને ખુબ રમ્યા ખુબ હસ્યાં. તેના પ્રેમાળ અને નિર્દોષ સ્મિત પર મને મારું અસ્તિત્વ ન્યોછાવર કરી દેવાનું મન થતું. તેના કોમળ સ્પર્શથી મારું રોમેરોમ માતૃત્વથી ઝંકૃત થઇ જતું. બુલબુલના ગેરહાજરીની કલ્પના માત્રથી હું ધ્રુજી ઉઠતી.
આટલું વાંચતા શિવાંગ નું ગળું સુકાઈ ગયું આશ્રયના ઉદ્દગારો ગળામાં બાજી ગયા.
ડાયરીનું પાનું ફેરવવું અઘરું થઇ પડ્યું.
તારીખ ૨૪ ડીસેમ્બર
આજે મેં વિવેકને મેં સાફ સાફ કડક શબ્દોમાં સુણાવી દીધું કે ખબરદાર આજ પછી બુલબુલ પર તે હાથ ઉગામ્યો છે તો બૂલબૂલ માત્ર તેની નહીં મારી પણ દીકરી છે.
બુલબુલની આંખમાં મોતીડાં જેવા આંસુ જોઇને મારી આંખો પણ ભીની થઇ ગઈ પણ ત્યાર પછી અમે છેક ક્યાંય સુધી ખુબ હસ્યાં અને રમ્યા.
વિવેકનું નામ વાંચતા જ શિવાંગની ડાયરી પરની પકડ ઢીલી પડી ગઈ અને શંકા મજબુત થતી ગઈ. પોતે સુજાતા ને સમજવામાં ગફલત કરી ? સુજાતાને એક દીકરી પણ હતી ? શું વિવેક તેનો પિતા હશે ? ભૂતકાળની કોઈ ભૂલનું પરિણામ હશે ? બુલબુલ અને તેના પ્રેમી વિવેકને તેની જિંદગીમાંથી દુર હાંકી કાઢ્યા હશે ? આવા કઈક વિચારોનું વાવાઝોડું શિવાંગના મસ્તિષ્કને ઘેરી ચુક્યું હતું કોને પૂછવું સુજાતા ને કે વિવેકને ? એક પછી એક અનેક સવાલો શિવાંગને સતાવી રહ્યા હતા આગળ વાંચવું કે નહી તેની અસમંજસમાં અંતે કાળજું કઠણ કરીને પાનું પલટાવ્યું.
તારીખ ડીસેમ્બર ૨૩-૨૨-૨૧-૧૯
એક એક પાના પર બુલબુલની વાતો હતી. વચ્ચે ક્યાંક ક્યાંક આવી જતો વિવેકનો ઉલ્લેખ તેનો ઉચાટ અને આવેશ વધારી દેતો. સુજાતાના વ્હાલથી ટપકાંવેલા એક એક શબ્દથી બુલબુલ અને સુજાતા વચ્ચેના માતૃત્વની ઝલક દર્શાવતું શબ્દચિત્ર ઉપસી આવતું હતું. શિવાંગ ને એક જ વાત શૂળ ની માફક ભોંકાતી હતી કે સુજાતા એ આવ વાત તેના થી કેમ છુપાવી ?’ હજુ એ વાતનો તાળો શિવાંગ નહતો મળતો.
અંતે શિવાંગના મનોમંથનનો માર્ગ મોકળો થયો. તેની આતુરતાના અંતનો આરંભ થયો. ઉત્તરનું અનુસંધાન મળવા લાગ્યું.
તારીખ ૨૦ ડીસેમ્બર
આજે પગમાં અસહ્ય દુખાવો થઇ રહ્યો હતો છેલ્લાં બે દિવસથી કશું લખાયું પણ નહતું. પણ આ દર્દ ની અવેજીમાં જે સુખ મળ્યું હતું તે કઈક ગણું હતું. એક માસુમ બાળકીને જીવનદાન મળ્યાંનો અઢળક રાજીપો હતો. જો સમયસર દોડીને મેં એ બાળકીને ન ઉઠાવી હોત તો આજે આ દુનિયામાં તેનું અસ્તિત્વ ન હોત. ચિક્કાર ભીડ વચ્ચે કોઈ અણબનાવ બનતા અફરાતફરી નો માહોલ સર્જાતા એ બાળકી તેના પિતા પાસેથી ફંગોળીને સીધી મારા હાથમા આવી પડી કોઈ ચમત્કારની માફક. પણ ત્યાં અચાનક એક રીક્ષાનું વ્હીલ મારા પગ ચકદીને જતું રહ્યું. પણ એ બાળકીના સ્મિતથી મારું દર્દ મને ભુલાઈ ગયું. અને ત્યાં જ અચાનક બૂલબૂલ બૂલબૂલની બુમો પડતાં તેના મામા દોડીને મારી પાસે આવીને મારી સામે હાથ જોડીને મને ઈશ્વર માનીને પાડ માનવા લાગ્યા.
હું જેને બુલબુલના પિતા સમજતી હતી તે વાસ્તવમાં તેના મામા હતા. બે વર્ષની મા-બાપ વિહોણી બુલબુલનો ઉછેર તેના મામા જ કરતાં હતા જેનું નામ વિવેક છે એ વાત પરિચય દરમિયાન ખ્યાલ આવ્યો. ૧૯ વર્ષીય વિવેક અભ્યાસની સાથે બુલબુલની જવાબદારી પણ નિભાવતો બહેનના સંતાનની મા બનીને સાંભળ રાખતો.
તે અકસ્માતની ઘટનાના દિવસે વિવેક મને ઘર સુધી મુકવા આવ્યો હતો. પણ તે દિવસથી બુલબુલ અને વિવેક સ્હેજે મારા ચિતમાંથી ખસતા નહતા. બીજા દિવસે વિવેકનો કોલ આવ્યો અને પછી ઘરે આવ્યો સાથે બુલબુલ પણ હતી. અચનાક મને જોતાં વેત જ મને ગળે વળગી પડી. ત્યારે મને એવું અનુભવાયું કેજાણે અમારા બન્ને વચ્ચે કોઈ ગત જન્મનું ઋણાનુંબંધ હોય. વિવેકના જતી વેળાએ સહજતાથી મેં પૂછ્યું તમારા કોલેજ સમય દરમિયાન બૂલબૂલની સાંભળ કોણ રાખે છે ?
એક હળવા નિસાસા સાથે તેણે જણાવ્યું કે દીદી બુલબુલને હું એ સમયે મારા પાડોશી ને ત્યાં મૂકી આવું છું.
આટલું વાંચ્યા પછી હવે શિવાંગના મન અને મસ્તિષ્કના વિચારોની ગતિ સ્થિર થઇ ગઈ. ડાયરીના ફરતા પાના સાથે સુજાતા પ્રત્યેની તેના દ્રષ્ટિકોણ અને લાગણીની વ્યાખ્યા પણ ફરી ગઈ. હવે તેને અહેસાસ થયો કે બુલબુલ સુજાતાનું સર્વસ્વ છે. સુજાતાના ખુશીના ખજાનાની કુંચી છે. નિયમિત વિવેક કોલેજ જવાની વેળાએ બુલબુલને સુજાતાને ઘરે મૂકી અને વળતાં લઇ જતો. આખો દિવસ બુલબુલ અને સુજાતા એકબીજાની ખુશી ને બમણી કરતાં હવે શંકાનું ધૂંધળું ચિત્ર સાફ દેખાતા શિવાંગને બધું જ સમજાય ગયું તેની અક્ષ્રમ્ય ભૂલ પણ.
આશરે બે મહિના અગાઉ એક દિવસ પોતે માતૃત્વ ધારણ કરવા જઈ રહી છે તેવા સ્ત્રી જીવનની બેહદ ખુશીની વાત કરીને શિવાંગને સુખદ આંચકો આપવા જાય ત્યાં જ સામેથી અસહ્ય અને અકલ્પનીય દુઃખદ આંચકા સાથે શિવાંગએ એવી દલીલ કરીને સુજાતાને ભાંગી નાખતા કહ્યું કે મને આ સમયે પિતા બનવા કરતાં મારી કારકિર્દી બનાવવામાં મને વધુ રસ છે. આ સમય લાઈફ ને એન્જોય કરવાનો છે નહી કે જવાબદારી ઊંચકવાનો. સુજાતાના ગર્ભપાત સાથે તેના સપનાઓ નો પણ ગર્ભપાત થઈ ગયો.
હવે છેક આજે એ ગર્ભમાં ગૂંગળાઈ મરેલા બાળક અને સુજાતાના પીડાની ચીસ આજે શિવાંગના કાને અથડાઈ. બાલ્કનીના ઝાંખા પ્રકાશ આગળ તેનું સ્વાભિમાન સાવ ઝાંખું પડી ગયું હતું. બેડ પર થાકીને સુતેલી બુલબુલના સપના જોતી માસુમ અને નિર્દોષ સુજાતા ને શિવાંગ ભીની આંખે જોતો જ રહ્યો. મનોમન ખુદને કોસતો રહ્યો.
સવારે ચુપચાપ ઓફીસ જવાના બહાને નીકળી ગયો. અને થોડી વાર બાદ ખુશ ખુશાલ સુજાતા પણ બુલબુલને મળવા તેના ઘર તરફ રવાના થઇ. પણ શિવાંગ તેનો પીછો કરતાં કરતાં બૂલબુલના ઘર સુધી પહોંચી ગયો.
અચાનક શિવાંગને ત્યાં જોઈને સુજાતા થોડી ઝંખવાઈ ગઈ. સુજાતા કંઇક બોલે એ પહેલાં શિવાંગએ વિવેકને વિનમ્રતા થી પૂછ્યું.
‘વિવેક, તું આ બુલબુલ અમને સોંપી શકે, હંમેશ માટે ?’ મારી સુજાતાના શ્વોસોશ્વાસ આ બુલબુલ માં અટકેલા છે. કદાચ એ બહાને બંને વચ્ચેના માતૃત્વ અને વાત્સલ્યના અધુરપની ખોટ પૂરી કરી શકાય અને કદાચ હું માફી માંગવાને પાત્ર બની શકું.’
અશ્રુ નીતરતતી શિવાંગની આંખો સાથે બદલાયેલા શિવાંગના સ્વરૂપને જોઇને સુજાતાની ખુશીનો કોઈ પાર નહતો.
સજળ આંખે વિવેકએ શિવાંગનો પ્રેમાળ અને વાત્સ્યલ સભર પ્રસ્તાવનો સ્વીકાર કર્યો પણ એક શરતે કે...
તે રોજ બૂલબૂલને મળવા આવશે.
આ રીતે બુલબુલ શિવાંગ અને સુજાતાના પ્રેમ અને પરિવારનું કેન્દ્રબિંદુ બની ગઈ.
સમયાંતરે વિવેક સાથે પણ પારિવારિક સદસ્ય જેવી આત્મીયતા બંધાઈ ગઈ. સુજાતા બુલબુલ અને શિવાંગ સુજાતાના માતૃત્વથી ખુશ છે. આખરે કુદરતની અકળ લીલાની કૃપાદ્રષ્ટિથી ફરીથી બુલબુલના રૂપમાં સુજાતાની કોખમાં સુખનું ગર્ભધારણ થઇ ગયું.
વિરાજ પંડ્યા.