આત્માની અંતિમ ઇચ્છા
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૬
લસિકાના મરણની નોંધ ગ્રામ પંચાયત કચેરીમાં જોવા ના મળી એટલે લોકેશની ચિંતા વધી ગઇ હતી. લસિકાના મૃત્યુ વિશે ક્યાંથી માહિતી મેળવવી એ તેને સૂઝતું ન હતું. અચાનક તેને વિચાર આવ્યો કે એ સમયનું અખબાર જોવું જોઇએ. તેને તારીખનો તો ખ્યાલ હતો. એ સમયગાળામાં છેલ્લા એક અઠવાડિયાના અખબારો જોવાથી કોઇ માહિતી જરૂર મળવી જોઇએ. લોકેશે કારને શહેરની લાઇબ્રેરી તરફ વાળી લીધી. રસ્તામાં બે-ત્રણ જગ્યાએ પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે શહેરમાં એક નાની અને એક મોટી સરકારી લાઇબ્રેરી છે. લોકેશે કારને મોટી સરકારી લાઇબ્રેરી તરફ વાળી. તે લાઇબ્રેરી પર પહોંચ્યો ત્યારે ત્યાં તાળું લટકતું હતું. અને સૂચના હતી કે દર સોમવારે પુસ્તકાલયમાં રજા રહેશે. લોકેશે તરત જ નાની લાઇબ્રેરી તરફ કાર લઇ લીધી. લોકેશે ત્યાં જઇને જોયું તો લાઇબ્રેરીનો દરવાજો અંદરથી બંધ હતો. તેણે નજીક જઇને જોયું તો લાઇબ્રેરી બપોરે બંધ રહેતી હતી. લોકેશ નિરાશ થયો. તેને એમ થયું કે આશા રાખી શકાય એમ છે. તે પાછો ગેસ્ટ હાઉસ પર આવ્યો. એક કલાક આરામ કરીને નાની લાઇબ્રેરી પર જવાનું નક્કી કર્યું.
લોકેશે આંખો બંધ કરી ઊંઘવાનો પ્રયત્ન કર્યો. તેને ઊંઘ આવી નહીં. બંધ આંખોમાં ભૂતકાળ તરવરવા લાગ્યો.
લોકેશે હજુ એક મહિના પહેલાં જ કોલેજનું ભણતર પૂરું કર્યું હતું. કોઠારિયા જેવા નાના ગામમાં કોલેજ સુધી ભણેલા યુવાનો માટે નોકરીની કોઇ તક ન હતી. તેની સાથે ભણતા ઘણા મિત્રોએ ઘરના ખેતીના વ્યવસાયને અપનાવી લીધો હતો. લોકેશ અનાથ હતો. તેના માતા-પિતા જમીન મૂકી ગયા ન હતા. સંપત્તિમાં પોતાનું એક ઘર હતું. પિતા મૂકી ગયા હતા એ રૂપિયા અને ઘરેણાંમાંથી કોલેજ સુધીનો અભ્યાસ તે પૂરો કરી શક્યો હતો. હવે નોકરી પર લાગી જવાની જરૂર હતી. તેણે રોજ શહેરમાં ચક્કર મારવાનું શરૂ કર્યું. તે સવારે આવતી એસટી બસમાં બેસીને રાજવિલા પહોંચી જતો. આમ-તેમ રખડતો અને પોતાનો બાયોડેટા આપી આવતો. એક દિવસ એક દુકાનદારે તેને માર્કેટિંગની નોકરી માટે ઓફર આપી. તેણે તરત જ સ્વીકારી લીધી. તે અનુભવ મેળવવા જે મળે તે કામ સ્વીકારી લેવા માગતો હતો. તેણે આવી બે-ત્રણ નોકરી ટૂંકા ગાળામાં બદલી નાખી. આખરે એક કંપનીમાં સારી કહી શકાય એવી નોકરી મળી. આ નોકરીમાં તે સવારે કોઠારિયા ગામથી બસમાં બેસતો અને રાજવિલા પહોંચતો. સાંજે પણ ગામની બસ મળી જતી. નોકરીમાં તેને મજા આવી રહી હતી. તેને ટેબલ પર બેસીને કામ કરવાની ઇચ્છા હતી એ પૂરી થઇ હતી. માર્કેટિંગ માટે રખડવાનું તેને ગમતું ન હતું. શાંતિથી બેસીને કામ કરવામાં તેની બુધ્ધિશક્તિ ખીલી રહી હતી.
નોકરીએ દરરોજ જવાનું રુટિન બની જાય એ પહેલાં તેને ઉત્સાહનું એક કારણ મળી ગયું. સવારે જે બસમાં જતો હતો એમાં ગઇકાલથી એક યુવતી જોડાઇ હતી. એ યુવતી તેની જેમ જ સવારે અને સાંજે આવતી-જતી હતી. એ કોઇ જગ્યાએ નોકરી કરતી હોવાનું તેણે અનુમાન કર્યું. કોઠારિયા પછીના સગવારા ગામના બસ સ્ટેન્ડથી એ બેસતી હતી. લોકેશને તે ગમવા લાગી હતી. ઘણી વખત તે તીરછી નજરથી તેને જોઇ લેતો હતો. અજાણી છોકરી સાથે કોઇ કારણ વગર વાત કરવાનું તેને યોગ્ય લાગતું ન હતું. લોકેશે નોંધ કરી કે એ યુવતી પણ ઘણી વખત તેને જોતી હતી. એક અઠવાડિયા પછી લોકેશને અનાયાસ જ એ યુવતી સાથે વાત કરવાની તક મળી ગઇ. એ દિવસે રાજવિલામાં મેળો હતો. લોકો મોટી સંખ્યામાં ગામડાઓમાંથી ત્યાં જઇ રહ્યા હતા. કોઠારિયાના બસ સ્ટેન્ડ પર સવારે બસ આવી એવી જ ભરાઇ ગઇ હતી. બે-ત્રણ જણ ઊભા-ઉભા જ મુસાફરી કરી રહ્યા હતા.
લોકેશને થયું કે એ યુવતી આજે આ બસમાં આવશે નહીં. બસ ભરાયેલી હતી એટલે સગવારા ઊભી રહેશે કે કેમ એની લોકેશને ચિંતા હતી. બસના કેટલાક મુસાફરો સગવારા ગામમાં ઉતરવાના હતા એટલે ઉભી રહી. ચાર-પાંચ મુસાફરો સાથે એ યુવતી અંદર આવી. તેણે આખી બસમાં નજર નાખી. તેને એક બેઠક ખાલી દેખાઇ. તે એ બેઠક પર બેઠી અને બારીની બેઠક પર બેઠેલા યુવાન પર નજર નાખી મોં ફેરવી બેસી ગઇ. લોકેશને ખ્યાલ આવી ગયો કે તે પોતાને રોજના મુસાફર તરીકે ઓળખી ગઇ છે.
લોકેશને પહેલી વખત એ યુવતી સાથે બેસવાની તક મળી હતી. તેનો પાલવ અડી જતો ત્યારે રોમાંચથી તેનું દિલ ખીલી ઉઠતું હતું. લોકેશને થયું કે આજે વાત કરવાની તક મળી છે. તેણે સહેજ ખોંખારો ખાધો અને બોલ્યો:"મેમ, શાંતિથી અઢેલીને બેસો..."
"તમારે ચિંતા કરવાની જરૂર નથી મિસ્ટર..."
"જી, મારું નામ લોકેશ છે...."
"મેં તમારું નામ પૂછ્યું નથી. જગ્યા મળી છે તો શાંતિથી બેસી રહો..."
"હું પણ તમને એ જ કહું છું મિસ..."
"તમને કેવી રીતે થયું કે હું મિસ છું, મિસિસ નહીં હોઉં...?"
"જી, એમ જ કલ્પના કરી લીધી. મારી કોઇ ભૂલ થતી હોય તો માફી ચાહું છું..."
"તમે મારી સાથે વાતની શરૂઆત કરી એ ભૂલ નથી?"
"આ તો ઘણા દિવસથી તમે આ બસમાં આવ-જા કરો છો...મારી જેમ, એટલે થયું કે વાત કરું..."
"રોજ આવ-જા કરતા બીજા અજાણ્યા મુસાફરો સાથે વાત કરો છો?"
"ના...હા, કોઇ કારણ હોય તો વાત કરું છું..."
એ યુવતીએ કોઇ જવાબ ના આપ્યો. તે ચૂપ થઇ ગઇ. લોકેશને થયું કે તે મિત્રતા માટે જલદી મચક આપે એવી લાગતી નથી. બીજું બસ સ્ટેન્ડ ગયું અને એક બેઠક ખાલી થઇ એટલે તે લોકેશની બાજુમાંથી ઊઠીને ત્યાં જતી રહી. લોકેશે તેના તરફ જોયું તો એની આંખો તેને ઠિંગો બતાવતી લાગી.
લોકેશની નજરમાં એ યુવતી વસી રહી હતી. દિવસો વીતી રહ્યા હતા. તે લોકેશ સાથે વાત કરવા રસ બતાવી રહી ન હતી. એક દિવસ સાંજે પાછા ફરતી વખતે એસટી બસ ખોટકાઇ ગઇ. ડ્રાઇવરે પ્રયત્ન કર્યો પણ ચાલુ ના થઇ. તેણે જાહેરાત કરી કે અહીંથી સગવારા ગામ નજીક છે. મુસાફરોએ ચાલીને ત્યાં સુધી પહોંચી જવું પડશે. ત્યાંથી બીજી બસની વ્યવસ્થા કરવામાં આવશે. બીજો કોઇ વિકલ્પ ન હતો. રસ્તામાં બીજું કોઇ વાહન મળવાનું ન હતું. આઠ-દસ મુસાફરો એસટી તંત્રને કોસતા ઉતર્યા અને ચાલવા લાગ્યા. લોકેશે જોયું કે એ યુવતી ઊભી રહી હતી. તે ઊભો રહી ગયો. એ યુવતી કોઇ વિચારમાં હોય એવું લાગ્યું. તેને મૂંઝવણમાં મુકાયેલી જોઇ લોકેશ નજીક ગયો. તેના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. લોકેશને તેના માટે લાગણી વધી ગઇ. તે બોલી ઊઠયો:"જો તમને કોઇ વાંધો ના હોય તો મને તમારી તકલીફ જણાવશો?"
"તકલીફ? તમે કેવી રીતે નક્કી કર્યું કે મને તકલીફ છે?"
"આ તો તમે મૂંઝાયેલા દેખાવ છો એટલે.."
"તમે ચહેરો વાંચવાની કળા જાણો છો?"
લોકેશને થયું કે તમને દિલ વાંચવાની કળા આવડતી હોત તો કેટલું સારું થાત? તેણે બોલવાનું ટાળ્યું. તે ચૂપ થઇ ગયો અને ઘડિયાળમાં સમય જોવાનો ડોળ કરવા લાગ્યો.
સમય વીતી રહ્યો હતો. એ યુવતી અકળાઇ. અને બોલી:"તકલીફ પૂછતા હતા અને હવે કંઇ પડી ના હોય એમ શું ફાંફા મારો છો?"
લોકેશને ખબર ના પડી કે તે વઢી રહી છે કે મદદ માગી રહી છે? તે ઉત્સાહમાં બોલ્યો:"હા-હા, બોલો શું મદદ કરી શકું?"
"મારે ગામ સુધી ચાલતા જવું પડશે. મને રાત્રે એકલા બીક લાગે છે. તમે સાથે ચાલશો?" એ યુવતીએ વિનંતીના સૂરમાં કહ્યું.
"હું તો આખી જિંદગી સાથે ચાલવા તૈયાર છું." એમ બોલવાનું ટાળી "એ કંઇ કહેવાનું હોય? મારે ચાલતા જ જવાનું છે. તમે કોઇ ડર વગર સાથે ચાલો..." કહી લોકેશે તેના જવાબની રાહ જોયા વગર ચાલવા માંડ્યું.
"જુઓ...હું તમને આમ તો ઓળખતી નથી. પણ રોજ બસમાં જોવા મળો છો એ ઓળખાણને આધારે તમારી મદદ માગી છે...."
"હું પણ તમને રોજ જોઉં છું! મારું નામ લોકેશ છે. હું કોઠારિયામાં એકલો જ રહું છું. રાજવિલામાં એક કંપનીમાં નોકરી કરું છું..."
"તમે તો ચાર જ વાક્યમાં તમારો પરિચય આપી દીધો! ચાલીસ મિનિટનો માર્ગ ક્યારે કપાશે..."
લોકેશને એ યુવતીના શબ્દો પર વિશ્વાસ આવતો ન હતો. તેનું હ્રદય ખુશીથી ઉછળી રહ્યું હતું. શાંત નિર્જન રસ્તા ઉપર એ યુવતી તેની સાથે ચાલીસ મિનિટ વાતો કરવા માગતી હતી! લોકેશ હોશિયાર હતો. તેણે કહ્યું:"મને મારા વિશે કહેવા કરતાં તમારા વિશે જાણવાની ઉત્કંઠા વધારે છે. મને લાગે છે કે તમે વાત કરવા લાગશો તો ચાલીસ મિનિટ નહીં ચાર કલાક ઓછા પડશે!"
એ યુવતી સમજી ગઇ કે લોકેશ શું કહેવા માગે છે. તે મંદ મંદ મુસ્કુરાઇ. લોકેશનું દિલ એની મુસ્કાન પર વારી ગયું. એ સુંદર અને સુશીલ લાગતી હતી. તેના રૂપની સાથે તેના સંસ્કારનો ઠસ્સો લોકેશને આકર્ષી રહ્યો હતો. તેના ગોરા લંબગોળ ચહેરા પર ચાંદનીનું ઝાંખું અજવાળું અનેરી આભા ઊભું કરતું હતું.
"તમારી આતુરતાનો અંત લાવું છું!" કહી એ આગળની તરફ હાથ કરતાં બોલી:"પેલું દેખાય છે એ સગવારા ગામ મારું જન્મ સ્થળ છે. મારા માતા-પિતા સાથે રહું છું. રાજવિલાની એક કંપનીમાં નોકરી કરું છું. મારું નામ લસિકા છે..."
"ઓહ! લસિકા! સરસ નામ છે."
લસિકાએ એ પછી પોતાના વિશે વધારે વાત કરવાને બદલે પોતાની કંપની વિશે માહિતી આપી. થોડી શહેરની વાતો કરી. બંને ચાલી રહ્યા હતા ત્યાં અચાનક લસિકાએ એક તળાવ તરફ આંગળી ચીંધી કહ્યું:"પેલું તળાવ જોયું? અમારા ગામ પહેલાં આવે છે. ચાલોને ત્યાં જઇએ. મને એ જગ્યા બહુ ગમે છે. રજાના દિવસે સવારે હું અચૂક આવું છું...તમને મોડું તો નહીં થાય ને?"
"ના, જરૂર જઇએ. મને પણ તળાવની પાળ પર બેસવાનું ગમે છે...."
બંને તળાવની પાળ પાસે આવી પહોંચ્યા. લસિકા આદત મુજબ પાળની ઉપર ચઢીને બેસી ગઇ અને લોકેશને સાથે બેસવા ઇશારો કર્યો. લોકેશને પાળ પર ચઢવા લસિકાએ હાથ આપ્યો અને તે ગદગદ થઇ ગયો. તેને લસિકાની નાજુક આંગળીઓનો સ્પર્શ રોમાંચ આપી ગયો. પાળ પર બેસીને તળાવને નિહાળતા બંને ઠંડી હવાનો સ્પર્શ માણતા ખામોશ બેઠા હતા. અચાનક તળાવના પાણીમાં કોઇ હલચલ થઇ. લસિકાની નજર ત્યાં જ હતી. તે હાથ લાંબો કરી આંગળીથી બતાવતાં બોલી:"દેખાય છે પેલું......"
લોકેશે એ તરફ નજર નાખી.
"મગર હશે...." લસિકા બોલતી હતી અને હાથ વધારે લાંબો થતાં સંતુલન ગુમાવી દીધું. તેનું શરીર આંખના પલકારામાં પાળ પરથી લપસ્યું. લોકેશ તો લસિકાએ બતાવેલી જગ્યાએ મગરની હલચલ કૌતુકથી જોઇ રહ્યો હતો ત્યાં લસિકા તળાવમાં પડી. તેનો 'બચાવ...' નો આખો શબ્દ પૂરો થાય એ પહેલાં તળાવના પાણીમાં પડી ગઇ. લોકેશને ખ્યાલ આવી ગયો હતો કે તળાવ ઊંડું છે. અને લસિકાએ તરવાનો કોઇ પ્રયત્ન ના કર્યો એ પરથી સમજી ગયો કે એને તરવાનું આવડતું ન હતું. ઉપર પાણીમાં તેનું માથું દેખાતું ન હતું. લોકેશને થયું કે પાણીમાં લસિકા ગભરાઇ ગઇ તો તેનું પ્રાણપંખેરું તરત જ ઊડી જશે.
*વધુ હવે પછીના પ્રકરણમાં*
વાચકમિત્રો, માતૃભારતી લોંગ સ્ટોરી સ્પર્ધામાં મારી પહેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' વિજેતા બની ચૂકી છે. એના પાંચ પ્રકરણ આપને દરેક શબ્દે શબ્દે જકડી રાખશે.
આપના પ્રેમને કારણે જ મને માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો હતો. જુલાઇ-૨૦૨૦ માં મારી ઇબુક્સના ૪૬૫૦૦૦ ડાઉનલોડ આપનો મારા લેખનમાં વિશ્વાસ બતાવે છે.
જુલાઇ-૨૦૨૦ માં જેના પહેલા પ્રકરણને ૧૭૪૦૦ વાચકો ડાઉનલોડ કરી ચૂક્યા છે એ માતૃભારતી પરની મારી સૌથી વધુ વંચાયેલી નવલકથા "રેડલાઇટ બંગલો" આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની આ વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.
મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી નવલકથા 'લાઇમ લાઇટ' ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. એક અતિશય સેક્સી અને ગ્લેમરસ યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. જેને ૧૦૦૦૦ રેટિંગ મળી ચૂક્યા છે.
***