બેધડક ઈશ્ક ભાગ 15
પાછળના ભાગમાં તમે જોયું કે જયદીપ પાર્થને મળવા બોલાવે છે ત્યાં પાર્થ પર ડિવાઇસ દ્વારા ઈન્જેક્શન એટેક થાય છે . આ દરમિયાન જયદીપ પાર્થના કેટલાક પર્સનલ ડેટા ચોરી કરી લે છે. પાર્થને હોસ્પિટલમાં ભાન આવે છે. પરંતુ આ ઘટના વિશે પાર્થ શ્રુતિ સિવાય કોઈને પણ જણાવતો નથી.
હવે આગળ.......
બીજા દિવસે પાર્થ પોતાના માઈન્ડ ને ફ્રેશ કરવા માટે કયાક બહાર જવાનું વિચારે છે. આમ પણ તે છેલ્લા અઠવાડિયાથી કયાય આર્યા સાથે બહાર ગયો ન હતો. તે આર્યા ને આ વિશે પૂછવા ફોન લગાવે છે: હલો આર્યા બોલ શું કરી રહી છે?.આર્યા: હુ મારી બહેનપણી સાથે બહાર આવી છું. કંઈ જરૂરી કામ હોય તો બોલો.. પાર્થ : આમ તો કંઈ ખાસ નહિ પણ તુ જો ફ્રી હોય તો આજે આપણે ફરવા માટે જવું છે આમ પણ હાલ હું ખૂબજ કંટાળી ગયો છું.. આર્યા : પાર્થ આજે આસ્થા મુંબઈથી આવી રહી છે તો પપ્પા તેને લેવા માટે જવાના છે જો તમારી ઈચ્છા હોય તો આપણે બંને આસ્થાને લેતા આવીશું.. પાર્થ: ભલે તુ પૂછી જો... થોડા સમય બાદ આર્યા પાર્થને જણાવે છે કે તેઓ બંને આસ્થાને પિકઅપ કરવા જઈ રહ્યા છે. પાર્થ પણ પોતાની મમ્મીને આ વિશે જણાવી દે છે. પાર્થ થોડો વહેલા જ આર્યા ને લેવા માટે પહોંચી જાય છે. આર્યા ફટાફટ તૈયાર થઈને આવી જાય છે. ત્યાં સુધીમાં પાર્થ વંદનાબહેનને થોડા ખબર અંતર પૂછી લે છે. આર્યા અને પાર્થ હવે ગાડી લઈને નીકળી જાય છે. રસ્તામાં આર્યા પાર્થને આમ અચાનક વહેલા આવવાનું કારણ પૂછે છે. પાર્થ: આર્યા આજે આપણે બંને મહાદેવજી ના મંદિરે જઈ રહ્યા છીએ. થોડી વારમાં તેઓ મંદિરે પહોંચી જાય છે. પાર્થ જયારે અમદાવાદ ના બીજા વિસ્તારમાં રહેતો ત્યારે તે પોતાના પપ્પા સાથે વારંવાર આ મંદિરમાં આવતો અને અહીના પુજારી પણ પાર્થને સારી રીતે ઓળખતા. પાર્થ મહાદેવજીના દર્શન કરીને પુજારીજી ના આશ્રમ તરફ આર્યા સાથે જાય છે . આ આશ્રમ અમદાવાદથી થોડો દૂર હતો. પાર્થ પુજારીજી ને જોતાં જ તેમને પગે લાગે છે. આર્યા પણ પુજારીજી ને પગે લાગે છે. પુજારીજી આર્યા ને સામેથી નામ દઈને બોલાવે છે. આર્યા આ જોઈને ચોકી જાય છે . પુજારીજી: પાર્થના પપ્પા એ મને તમારો ફોટો તથા કુંડળી મોકલી હતી. આવો અંદર આવો આપણે બેસીને વાત કરીએ . પાર્થ આર્યા તથા પુજારીજી આશ્રમમાં જાય છે . પાર્થ : પુજારીજી અમારે બંનેએ અહીંથી થોડે દૂર આવેલા મધુવનમાં થોડી વાર પ્રકૃતિને માણવી છે તો આપની આજ્ઞા હોય તો અમે જઈએ. પુજારીજી: ભલે બેટા તમે જઈ આવો. .. પાર્થ અને પુજારીજી ને પગે લાગી હવે મધુવન તરફ જાય છે. લગભગ દસ મિનિટ નો રસ્તો હતો. પાર્થ અને આર્યા એકબીજાનો હાથ પકડીને ચાલવાનું શરૂ કરે છે . આમ પણ ભગવાને આપણી આંગળીઓ વચ્ચે જગ્યા આપી છે કે આપણે બીજા કોઇ માટે અને બીજું કોઇ આપણો સહારો બની શકે... આર્યા તો કોઇ પણ જાતના ભય વિના પાર્થનો હાથ પકડીને વાતો કરતા કરતા ચાલી જાય છે. હવે થોડા ઊચા વૃક્ષો શરૂ થાય છે. આ વૃક્ષો પરથી ખરતાં પાંદડાં જોઈને લાગે છે કે કુદરત આ પ્રેમ યુગલનુ સ્વાગત કરી રહી છે. પાર્થ અને આર્યા હવે એક મેદાન જેવા વિસ્તારમાં પહોંચે છે. ત્યાં ઘણા સસલા રમી રહ્યા હતા. પાર્થ તેમાના એક સસલાને ઉપાડીને આર્યા પાસે લઈ આવે છે અને આર્યા ના ખોળામાં મૂકે છે અને સસલાને પ્રેમથી થોડુ ઘાસ ખવડાવે છે. સસલું પણ શાંતિ થી ઘાસ ખાઈ રહ્યું હતું. પણ પાર્થ સતત આર્યા ને જ જોઈ રહ્યો હતો . આર્યા પાર્થને પૂછે છે, મને જોઈને આમ શું વિચારી રહ્યા છો?.. પાર્થ: હુ વિચારી રહ્યો છું કે મેં આગળના જન્મમાં ઘણા સારા કર્મ કર્યા હશે કે મને ફરીથી આ જન્મે તું મને પાછી મળી હું જ્યારે વિચારું છું કે તારા જેવી સમજદાર વ્યક્તિ મારી પત્ની બનશે ત્યારે મને અનુભવ થાય છે કે કુદરત મારા પર મહેરબાન છે... આર્યા : પાર્થ હુ પણ એટલી જ નસીબદાર છું જેટલા તમે... પાર્થ: આર્યા તને ખબર છે મને પહેલાથી જ એવી ઈચ્છા હતી કે મારી થનારી પત્ની અને મારા વચ્ચે કયારેય પણ કોઈ ગંભીર ઝઘડો ન થાય અને હવે તો આપણે બન્ને એકબીજાને સારી રીતે સમજીએ છીએ તો આ બાબતનો કોઈ સવાલ જ નથી. પેલું સસલું અચાનક જ કૂદીને આર્યા ના ખભા પર ચડી જાય છે .પાર્થને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ તો હતો જ અને હવે તો જાણે પ્રકૃતિ અને આર્યા બન્ને સાથે છે તો પાર્થ તો આર્યા ની સુંદરતાને મન ભરીને જોઈ તથા અનુભવી રહ્યો છે. વીસેક મિનિટ આમ કુદરતનો અનુભવ કર્યા પછી હવે તેઓ આસ્થાને લેવા સમયસર પહોંચી શકે તે માટે પાછા આશ્રમ તરફ પાછા આવી જાય છે. તેઓ ફરીથી પુજારીજી પાસે જાય છે અને હવે જવા માટે રજા માગે છે. પણ પુજારીજી તેમને દસ મિનિટ રોકાવા માટે કહે છે. પુજારીજી પાર્થ અને આર્યા ને શિવાલયમાં લઇ જાય છે. પુજારીજી પૂજા માટે થાળી લઈને આવે છે .પુજારીજી: બેટા પાર્થ અને આર્યા , મે તમારી બન્ને ની કુંડળી જોઈ છે તમે બન્ને એકબીજા માટે જ બન્યા છો તેમાં મને સહેજ પણ શંકા નથી . પણ કદાચ મહાદેવની જ એવી ઈચ્છા હશે કે મારે તમને એ વાત જણાવી દેવી માટે જ તમે અહી અનાયાસે જ અહીં આવ્યા. તમને મનમાં એમ હશે કે તમે કોઈ કામ માટે આવ્યા હશો પણ ના, તમને મારા મહાદેવે જ મોકલ્યા છે. હવે મારી વાત ધ્યાનથી સાભળજો. પાર્થ અને આર્યા: જી ગુરુજી. પુજારીજી: બેટા તમારો એકબીજા માટેનો પ્રેમ નિસ્વાર્થ અને સાચો છે. પણ હવેથી તમારા બન્ને ના જીવનમાં પ્રેમની પરિક્ષા શરૂ થાય છે. જે તમને સમય જતાં ખ્યાલ આવી જશે. તમારા પ્રેમમાં ઘણા વિધ્નો આવે પણ મારી આ વાત યાદ રાખજો કે સાચા પ્રેમનો હંમેશાં વિજય જ થાય છે. તમારી પ્રેમની પરિક્ષા મા તમે બન્ને સફળ થાઓ તેવા મારા આશીર્વાદ છે. અને આ વિશે તમારા પરિવારમાં કોઈ ને પણ ખબર નથી .તમારે પોતે જ આ પ્રેમ સાબિત કરવાનો છે . તમે સફળ થાઓ તે માટે મે પૂજાની તૈયારી કરેલી જ છે .તમે બન્ને પૂજા કરી લો. પુજારીજી થાળી પાર્થ અને આર્યા ના હાથમાં આપે છે. પુજારીજી: તમે બંને હવે મહાદેવજી નો અભિષેક કરો અને ત્યારબાદ મા પાર્વતી ની પુજા કરી બન્ને એક પછી એક સાત દીવા પ્રગટાવો. પુજારીજી મંત્રોચ્ચાર શરૂ કરે છે .પાર્થ અને આર્યા બન્ને મહાદેવજીના અભિષેક કરી મા પાર્વતી ની પુજા કરે છે ત્યારબાદ દીવા પ્રગટાવવાનુ શરૂ કરે છે. આ જ સમયે બહાર હવાની ગતિ થોડી તેજ થઈ જાય છે. પાર્થ અને આર્યા સાચવીને બધા દીવા પ્રગટાવી રહ્યા હતા અને જ્યારે છેલ્લો દીવો પ્રગટાવે છે કે તરત જ આ દીવો ઓલવાઈ જાય છે . પુજારીજી તરત જ બંનેના હાથમાં એક દોરો આપીને કહે છે આ પૂજાથી પવિત્ર કરેલો દોરો છે જે તમે એકબીજાને હાથમાં બાંધી દો. હવે આ દીવો પણ ઓલવાઈ ગયો છે જે સૂચવે છે કે તમારી અગ્નિ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. મહાદેવજી સદા તમારી રક્ષા કરે. તેમ આશીર્વાદ આપી પુજારીજી ચાલ્યા જાય છે. આર્યા અને પાર.થ આસ્થાને લેવા માટે જાય છે. રસ્તામાં હવે ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય છે. આર્યા: પાર્થ મને બીક લાગે છે કે આપણે એવી તો કેવી અગ્નિ પરીક્ષા આપવાની છે. પાર્થ કંઈ પણ બોલ્યા વિના ગાડી સીધી જ રેલ્વે સ્ટેશન ની બહાર લાવીને ઊભી રાખે છે.પાર્થ આર્યા સામે જુએ છે. આર્યા ના આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા. પાર્થ આર્યાને કંઈ પણ બોલ્યા વગર ગળે લગાવી દે છે. પાર્થ: આર્યા આ પેન્ડન્ટ જેવું મને જયારે હૂં નાનો હતો ત્યારે મારા દાદાના એક પાદરી મિત્રએ મને આપ્યું હતું. આજે આ હું તને આપી રહ્યો છું. આ પેન્ડન્ટ હંમેશા થી મારી પાસે જ રહ્યું છે. જે તને હું તારી પાસે જ છું તેવો અહેસાસ કરાવશે. પાર્થ આર્યા ના આંસુ લૂછે છે અને આસ્થાને લેવા રેલ્વે સ્ટેશનમાં જાય છે.
વધુ આવતા અંકે.......
વાચકમિત્રો આ નવલકથા હવે વધુમાં વધુ રોમાંચ તરફ આગળ વધી રહી છે તો જોડાયેલા રહો આ પ્રેમની અનુપમ ગાથા સાથે....
મારો ઈમેઈલ gizapodul@gmail.com છે . તમારા અભિપ્રાય સદા આવકાર્ય રહેશે.....
-જય પટેલ