રિધિમાંએ ઘરની અંદર જતા પહેલા પોતાનું મોઢું બરાબર સાફ કર્યું અને વાળ સરખા કરી દીધા. એના સારા નસીબે આદિત્ય કઈ કરી શકે એ પહેલાં નીતિનના આવી જવાથી કોઈ નિશાન પડ્યા ન હતાં. કપડાં વ્યવસ્થિત કરી એ અંદર ગઈ. રસોડામાં જઈ પાણી પીધું અને સીધું જ મમ્મીને ભાખરી કરવામાં મદદ કરવા લાગી. આ બધું એની મમ્મીને અજુગતું લાગ્યું, કારણકે દરરોજ રિધિમાં ઘરમાં આવતા જ મમ્મી અને પપ્પાના નામની બૂમ પાડવા લાગતી અને આજે તેનો અવાજ પણ ન આવ્યો.
રિધિમાંની મમ્મીએ પૂછ્યું, "શુ થયું રિધુ? તું ઠીક તો છે ને બેટા?"
" હા મમ્મી, બસ આજે કામ ખુબ હતું, કોમ્પ્યુટર અને ફોનના સતત વપરાશને કારણે માથું દુખે છે અને આંખો પણ બળી રહી છે." રિધિમાંએ મમ્મી સામે જોયા વગર જ જવાબ આપ્યો.
આજે એનો જવાબ રિધિમાંની મમ્મીને ખૂબ વિચલિત કરી રહ્યો હતો, એમની એટલી દોસ્તી તો હતી જ પોતાની દીકરી સાથે કે એ ખુલ્લા મનથી બધું કહી શકે, પણ રિધિમાંએ કઈ ન કહ્યું. એની મમ્મીએ વિચાર્યું કે "ભલે એ કઈ ન બોલે જરૂર એનો કોઈ સાથે ઝઘડો થયો છે એટલે જ એ આમ વર્તન કરે છે કઈ વાંધો નહિ હું પણ શાંત રહીશ અને એ કઈક વાત કરે એની રાહ જોઇશ"
રિધિમાંને મમ્મીએ કામ કરતા રોકી ખાવા આપી દીધું અને આરામ કરવા જણાવ્યું. રિધિમાં અગાશી પર પથારી કરી સુવાનો પ્રયત્ન કરવા લાગી પણ ઊંઘી ન શકી. એને રહી - રહીને આદિત્યનો જ ખ્યાલ આવતો હતો. અને એ વધુ ડરી જતી હતી. આંખોમાંથી પાણી રોકાતું જ નહતું. બધા હવે જમવાનું અને કામ પતાવી ઉપર આવ્યા. મમ્મી સીધી જ રિધિમાંની પથારી આગળ આવી ત્યાં બેસી અને જોવા લાગી કે એને કઈ તકલીફ તો નથી ને? રિધિમાં પહેલા જ પગરવ સાંભળી ચુકી હતી એટલે એ પોતાના આંસુ લૂછી ઊંઘવાનો દેખાડો કરવા લાગી.
બધા જ હવે સુઈ ગયા હતા પણ રિધિમાંની ઊંઘ ગાયબ હતી. એ સવારના 4 વાગ્યા સુધી તો ઊંઘી જ ન શકી અને માંડ એક ઝોકું આવ્યું ત્યાં તો સૂરજદાદા દર્શન આપવા આવી ગયા અને એને ઉઠવું પડ્યું. રિધિમાંની આંખો જોઈ એની મમ્મી સમજી ગઈ કે રિધિમાં ઊંઘી શકી નથી એટલે એને નીચે આવીને ઊંઘવા કહ્યું અને એમ પણ કહી દીધું કે "હું રિધિમાંના ઓફિસમાં જાણ કરી દઈશ કે એની તબિયત ખરાબ છે તો એ નહિ આવે."
રિધિમાં આખો દિવસ બેડ પર પડખા ફરતી રહી એની આંખોમાં ઊંઘનું નિશાન નહતું. પણ આદિત્યના ડરના લીધે ઘરની બહાર પણ જવું નહતું. એ બસ વિચારોમાં જ ખોવાયેલી રહી. એની આ હાલત જોઈ મમ્મીને કઈ બહુ જ ખરાબ થવાનો અંદાજો આવી ગયો અને એને નોકરી છોડવાનું ફરમાન જાહેર કરી દીધું. અને રિધિમાં એ વાત સાથે સહમત થઈ ગઈ.
બીજા દિવસે સવારે રિધિમાંને નોકરીમાંથી પોતાના રાજીનામાં અંગેનો પત્ર આપવાનો હતો. પણ એની મમ્મી એને એકલી જવા દેવા તૈયાર નહતી. એટલે રિધિમાંનો ભાઈ શરદ એની સાથે આવ્યો. એમપણ રિધિમાં એકલી જવા ઇચ્છતી જ નહતી. રિધિમાંને એનો ભાઈ રિક્ષામાં ઓફિસમાં પહોંચ્યા.
રિધિમાંને એ ભયાનક રાત યાદ આવી ગઈ અને એ ખૂબ ડરવા લાગી. એ ઓફીસ તરફ ધીમા પગલે જઈ રહી હતી અને પળે-પળે આદિત્યનો ચહેરો સામે આવી રહ્યો હતો. એ રિસેપશન સુધી પહોંચી ત્યાં સુધીમાં તો એની હિંમત જવાબ આપી ગઈ. આદિત્યના ડેસ્ક સામે તો જોવુ જ અસંભવ હતું. પણ રિસેપશનની આગળ પગ માંડવો પણ અશક્ય હતો. એ સપનાને જ લેટર આપવા લાગી. સપનાએ એની સામે જોયું અને કહ્યું કે "બસ આટલી ઉતાવળ છે અમને બધાને છોડવાની કે છેલ્લી વખત સરખી રીતે મળવા પણ તૈયાર નથી તું?"
સપના જે રીતે બોલતી હતી તે વાતનો રિધિમાંને ભરોસો આવતો નહતો. હમણાં 2 દિવસ પહેલા આ જ સપના રિધિમાંને ખરાબ શબ્દો સંભળાવી રહી હતી અને આજે આટલી સારી રીતે વાત કરવા લાગી! એટલામાં સપનાનો ઇન્ટરકોમ વાગ્યો, સામે નીતિન હતો. એને રિધિમાંના આવવા અંગે જાણ થઈ ચૂકી હતી. એણે રિધિમાંને અંદર બોલાવી વાત કરવા માટે....
"જો રિધિમાં સોરી, પણ મારું હવે કઈ જ ચાલવાનું નથી. બોસનો ઓર્ડર છે તારે એમની કેબિનમાં એમને મળવા તો જઉં જ પડશે." સપના રિઝાઇન લેટર પાછો આપતા બોલી.
રિધિમાંએ લેટર પાછો લીધો. ઓફીસમાં ગઈ અને સરની કેબિન પાસે જવા લાગી. બસ બીજે ક્યાંય નથી જોવું. લેટર આપીશ અને ઘરે જતી રહીશ. એ ખ્યાલો રિધિમાંના હતા. કેબિનની બહાર ઊંડો શ્વાસ લીધો અને દરવાજો નોક કરી અડધો ખુલ્લો કરી પૂછ્યું, "મે આઈ કમ ઇન સર?"
"યસ યુ મે" નીતિને સ્મિત સાથે જવાબ આપ્યો.
"સર સોરી, મને કંપનીના નિયમો ખબર છે પણ હવે એક મિનિટ પણ હું અહી રોકાઈ નહિ શકું. સર મારુ રિઝાઇન સ્વીકારો" રિધિમાં ફટાફટ બધું જ રટ્યું હોય એમ બોલી ગઈ.
"હા જો તમે નિયમો જાણો જ છો તો પછી તમે કઈ રીતે રિઝાઇન કરી શકો? શુ તમારા રિઝાઇનનું કારણ હું જાણી શકું?" નીતિન બોલ્યો.
"સર તમે આવું કઈ રીતે કઈ શકો? તમને તો બધી જ જાણ છે. મારી સાથે કેટલું ખરાબ વર્તન થયું છે! હવે જો અહીં રોકાઈશ તો હંમેશા મને એનો ડર લાગશે" રિધિમાં આશ્ચર્ય સાથે બોલી એના મનમાં નીતિનની જે સારી છબી બની ગઈ હતી તે હવે નીતિનના આવા વર્તનથી ભૂંસાવા લાગી.
"હા મને ખબર છે. પણ જેણે એ ખરાબ વર્તન કર્યું છે એને એની સજા મળી ગઈ છે. એને નોકરીમાંથી છૂટો કરી દીધો છે. હવે એ તમારી આસપાસ ક્યારેય નહીં આવે તો પછી નોકરી છોડવાનું કારણ જાણી શકું?" નીતિન બોલ્યો.
"તમે એને નોકરીમાંથી નીકળી દીધો છે?" થોડું વિચાર્યા બાદ અને નીતિનના ગ્લાસમાંથી એક ઘૂંટડો પાણી પીધા પછી રિધિમાં બોલી, "ભલે એમ હોય પણ તો પણ મારે અહીં નોકરી નથી કરવી. અહીંના બધા જ મને નફરત કરે છે અને આવું બન્યા પછી કેટકેટલી વાતો ફેલાવશે? હું અહી નોકરી નહિ કરી શકું"
નીતિન, "અહીં કોઈને એ ઘટના વિશે ખ્યાલ નથી. કોઈ તમને કઈ જ કહી શકે તેવું હવે રહ્યું નથી. તમારે ડરવાની જરૂર નથી તેમ છતાં જો તમે રિઝાઇન આપવા જ ઇચ્છતા હોવ તો હું કઈ કરી શકું એમ નથી. ઓકે હું તમારું રિઝાઇન મંજુર કરું છું પણ તો પણ 3 મહિના સુધી તમારે નોકરી તો કરવી જ પડશે, નહિતર તમારે કંપનીને તમારો 3 મહિનાનો પગાર જમા કરવો પડશે તો જ તમે જઈ શકશો. હું તમારા જવાબની રાહ જોઇશ"
રિધિમાંને તો 'કાપો તો લોહી ન નીકળે' એવી પરિસ્થિતિ થઈ. જે માણસને સૌથી સારો સમજ્યો એ જ ખરાબ નિકળ્યો. હવે શું કરું? એ અસમંજસમાં કાઈ પણ બોલ્યા વગર ઓફીસમાંથી બહાર નીકળી ગઈ અને સીધી રીક્ષા પકડી એના ભાઈ સાથે ઘરે આવી ગઈ.
ઘરે આવી મમ્મીને કહ્યું કે મમ્મી હું કાલથી નોકરી પર જઈશ. મમ્મીએ ના પાડી તો એને પણ કહી દીધું, "મમ્મી હું કાલથી નોકરી પર જઈશ જ મને એવી કોઈ તકલીફ નથી કે હું નોકરી છોડું" મમ્મી પણ વિચારતી થઈ ગઈ કે, "અચાનક આને શુ થઈ ગયું? આટલી ઉદાસ હતી અને આજે નોકરી પર જવાની વાત કરે છે! કેમ?" રિધિમાંની મમ્મીએ શરદને પણ એ વિશે પૂછ્યું. પણ શરદ ખાલી એટલું જ જણાવી શક્યો કે, "રિધિમાં એના બોસના કેબિનમાં ગઈ હતી, ત્યાં શુ થયું એ મને નથી ખબર?"
"નક્કી એના બોસ જોડે જ એની કોઈ તકરાર છે" મનોમન એની મમ્મી વિચારવા લાગી.
અહીં રિધિમાં કોઈ અન્ય બાબતમાં મમ્મી સાથે તકરાર કરવા કે કોઈ પણ જાતનો જવાબ આપવા ઇચ્છતી ન હતી. એટલે એ બપોરે 2 વાગ્યે પણ નજીકના મંદિરમાં જઈ બેસી. મંદિર બંધ હતું પણ એનો ઓટલો દરેક દુખિયારાનો સહારો હતો.
રિધિમાં વિચારવા લાગી 2 દિવસ પહેલા જે નીતિને એની મદદ કરી અને આજે જે નીતિનને મળી એ કઈક અલગ જ હતા. કેટલો ભરોસો કર્યો હતો એની પર, અને એણે પણ અંતે તો આદિત્ય જેવુ જ કર્યું. હવે તો કોઈ પર વિશ્વાસ જ નથી કરવો. આટલા બધા મથામણને અંતે રિધિમાં એ નિષ્કર્ષ પર આવી કે, "મારી હાલ એવી કોઈ વ્યવસ્થા નથી કે હું 15000 ₹ નીતિનને ચૂકવી શકું અને પપ્પા પાસેથી પણ ન લઈ શકું. એટલે મારે નોકરી તો કરવી જ પડશે. જેવા 3 મહિના થશે કે હું ત્યાંથી નીકળી જઈશ. એક મિનિટ માટે પણ નહીં રોકાઉ, અને એટલે જ કાલે રિઝાઇન લેટર તો આપી જ દઈશ, જેથી 3 મહિના પછી કોઈ સમસ્યા ઉભી ન થાય." આ નક્કી કરી છેવટે રિધિમાં ઘરે પાછી આવી અને આરામ કરવા લાગી. આજનો દિવસ પણ જેમ-તેમ જ ગયો.
મેં મહિનાની અંતના દિવસો ચાલતા હતા ને રિધિમાં ઉઠી ત્યારથી જ નોકરી વિશે વિચારીને જ કંટાળી રહી હતી. આજે એના પપ્પાને રજા હતી ને એ ઘરે જ હતા. એટલામાં એના પપ્પાના ફોન પર એક ફોન આવ્યો. પર્સનલ ફોનનો ખર્ચ એક સામાન્ય કુટુંબ કરી શકે એટલા ફોન હજુ સસ્તા થયા નહતા. એટલે રિધિમાંએ બધે જ એના પપ્પાનો જ નંબર આપ્યો હતો. આ ફોન રિધિમાંની દોસ્તએ જ કર્યો હતો. "રીધુ, આપણું રિઝલ્ટ આવી ગયું છે, હું કોલેજમાં જોવા ગઈ હતી, અને મેં બધાના રિઝલ્ટ ચેક કર્યા. ગેસ વ્હોટ? આપણા બધા મિત્રોમાં તું સૌથી સારા માર્ક લાવી છે. તારે 65 % આવ્યા છે. કોંગ્રેચ્યુલેશનશ....." સામેવાળી એટલી અધીરી હતી કે પોતાનું નામ પણ જણાવ્યા વગર આટલું બોલી ગઈ. એની વાત સાંભળી રિધિમાં પણ એટલી ખુશ થઈ ગઈ કે જાણવાની દરકાર પણ ન કરી. એ ખુશીમાં ઝૂમવા લાગી.
થોડીવાર પછી હરખ ઓછો થતા એણે ઘરના સદસ્યોને પણ પોતાનું પરિણામ જણાવ્યું. એ બધા પણ બહુ ખુશ થઈ ગયા. રિધિમાં ખુશ હતી પણ ઘડિયાળ સામે જોતા એને ખ્યાલ આવ્યો કે હવે તો નોકરી જવાનો સમય થયો છે. એના ચહેરા પરની ખુશી ગાયબ થવા લાગી હતી. પણ કોઈને ખબર ન પડે એટલે એણે કીધું કે મમ્મી હું આવીશ ત્યારે આપણે પાર્ટી કરીશું. અત્યારે મારો નોકરી પર જવાનો સમય થયો.
રિધિમાં ઓફીસ ગઈ અને સીધી જ નીતિનના કેબિનમાં ગઈ, "સર આ મારો રિઝાઇન લેટર છે હું 3 મહિના પછી કોઈ નોટિસ વગર નીકળી જઈશ. એ વખતે કોઈ સમસ્યા ન થાય, એટલે આ લેટર અત્યારથી આપી રહી છું. આઈ હોપ હવે તમને કોઈ ઓબઝેકશન નહિ હોય." રિધિમાં આમ કહી પોતાના ડેસ્ક પર જતી રહી.
હવે રિધિમાંમાં બહુ મોટું પરિવર્તન આવી ગયું હતું, એ કોઈ સાથે વાત ન કરતી, ઓફિસમાં કોઈ સાથે કઈ જ ચર્ચામાં ન પડતી. સપના એને કેટલું બોલાવવા કોશિશ કરતી તો પણ એની કોઈ વાતનો રીપ્લાય આપતી નહિ. પોતાનું કામ અને પોતાનું ડેસ્ક એ સિવાય કંઈ નહીં. સાંજે 7:50 વાગે એટલે બધું બંધ કરી 8 વાગ્યા સુધીમાં બધા સાથે નીકળી જવાનું. જ્યાં એ એકલી પડતી હોય એવી કોઈ જગ્યાએ નહિ જવાનું.
નીતિન બધુ સમજતો હતો, આ પરિસ્થિતિમાં જો રિધિમાં વધુ રહેશે તો કદાચ ડિપ્રેશનમાં જતા રહેશે, જે સારું તો નથી જ. નીતિન સાયકોલોજીમાં માસ્ટર્સમાં ગોલ્ડ મેડલીસ્ટ હતો. અને એટલે જ એને આ પોસ્ટ પર રાખવામાં આવ્યો હતો. કારણકે એ કસ્ટમર અને એમ્પ્લોઈની સાયકોલોજી સમજી શકે એમ હતો. અત્યારે એ રિધિમાંની પરિસ્થિતિ સારી રીતે સમજતો હતો. પણ કઈ રીતે મદદ કરવી એ સમજાતું નહતું. એવામાં એને એક તક દેખાઈ....
કંપની દર મહિનાની 5મી તારીખે સારા એમ્પ્લોઈને પ્રોત્સાહન આપવા માટે એવોર્ડ આપે કે જેથી એ કામ કરવા પ્રેરાય. જેમાં ગ્રાહકને સમજવા-સમજાવવાથી લઈને, ગ્રાહકોને સારી રીતે એટેન્ડ કરવા અથવા બીજી કોઈ સારી નોંધપાત્ર કામગીરી હોય એમને આ ઉપાધિ મળતી. આ વખતે આ ઉપાધિ રિધિમાંને મળી. એક્સેલ કંપનીના માલિક મિ. નિશાન મજુમદારે ઓફિસમાં આવી કામ કરતા બધાને રોક્યા અને કહ્યું, "5 મિનિટ માટે બધાનું ધ્યાન અહીં હોવું જોઈએ. આપણી દર મહિનાની રીત અનુસાર આજે હું એક સારા એમ્પ્લોઈને અહીં એવોર્ડ આપવા આવ્યો છું. આ વખતે જોકે નક્કી કરવું આસાન નહતું અને જેને મેં સારા એમ્પ્લોઈ તરીકે માનું છું એ તમારા માટે ન પણ હોય, તેમ છતાં હું એની નોંધપાત્ર કામગીરીને કારણે એને આ ઉપાધિ આપું છું અને એ છે મિસ રિધિમાં....."
રિધિમાં કઈ વિચારી શકે એ પહેલાં સપના એને સર પાસે લઈ ગઈ અને સર જોડેથી એવોર્ડ લીધો. બધા એની માટે તાળી પાડી રહ્યા હતા. પણ રિધિમાંને કઈ સમજાતું નહતું. એણે કઈ નોંધપાત્ર કામગીરી કરી? એ જ એના સમજમાં આવતું નહતું. અને આ બાજુ નીતિન પણ એની માટે તાળીઓ પાડી રહ્યો હતો. રિધિમાંએ એની સામે જોયું તો એવું જ લાગતું હતું કે રિધિમાંને એવોર્ડ મળવાની ખુશી નીતિનને જ સૌથી વધારે હતી.
મિ. મજુમદાર એવોર્ડ રિધિમાંને આપી નીતિનને બધું કામ સમજાવી નીકળી ગયા. પણ રિધિમાં ખૂબ અસમંજસમાં આવી ગઈ હતી. કોની સાથે વાત કરવી એ સમજાતું નહતું. બધા જ એને ખોટા અને અવિશ્વાસુ લાગી રહ્યા હતા. પણ જાણવું તો પડે એટલે એણે સપનાને પૂછવા વિચાર્યું.
રાત્રે 8 વાગ્યા પહેલા જ રિધિમાં ડેસ્ક પરથી ઉભી થઇ અને રિસેપશન એરિયા પર જતી રહી. રિધિમાંએ સપનાને બેગ પેક કરતી જોઈ, એણે જોડે જઈ સપનાને કહ્યું. "સપના આપણે બસ સ્ટેન્ડ સુધી ચાલતા ચાલતા વાત કરી શકીએ? પ્લીઝ..." સપનાએ ખુશી ખુશી સહમતી આપી.
"સપના તમને કદાચ ખબર તો હશે જ કે હું કેમ તમારી પાસે આવી છું? જૂની વાતોમાં મને રસ નથી પણ હાલ જે કઈ થઈ રહ્યું છે, આઈ હોપ તમે મને સમજાવી શકશો." રિધિમાં એક ઉમ્મીદ સાથે સપનાને બધું પૂછી રહી હતી.
સપના "રિધિમાં જો જૂની વાત સાફ કર્યા વગર તો તને આજે થયેલી ઘટના સમજ નહિ આવે એટલે તારે એ તો જાણવી જ પડશે"
રિધિમાં, "મતલબ"
સપના, "મતલબ મને ખબર છે કે આદિત્યએ તારી સાથે કેવો વ્યવહાર કર્યો છે! હું તને બધું જ કહીશ આજે તને, જેનાથી તારી આ ગેરસમજ દૂર થાય. નીતિન સર આદિત્યને વારે-વારે કામ બાબતે ટોકતા હતા અને એના વ્યવહારને કારણે નોકરીમાંથી કાઢી મુકવા બાબતે ચીમકી પણ આપી હતી એટલે આદિત્ય સર સાથે બદલો લેવા ઈચ્છતો હતો. એ સરને આ કંપનીમાંથી નિકાળવા માટે કોઈ પણ નવી છોકરી આવે એને સર વિશે ખોટી વાતો સમજાવે જેથી સર વિશે ગેરસમજ ઉભી થાય અને એ સરને કુપાત્ર સમજી એમની કંમ્પ્લેઇન કરે અને એમને નિકાળવામાં આવે. મે એમાં આદિત્યનો સાથ આપ્યો. બધું બરાબર ચાલ્યું, જ્યાં સુધી તું આવી. આદિત્ય શરૂઆતમાં તને પણ આ રીતે જ યોજનાનો ભાગ બનાવ્યો અને એમાં મે સાથ આપ્યો. પછી એને તું ગમવા લાગી, તારી સાથે સમય વિતાવવા લાગ્યો. હું આ સમજી ગઈ અને અવાર-નવાર અમારા ઝઘડા થવા લાગ્યા અને મે એની પોલ ખોલવાની ધમકી આપી એટલે એણે ઓફિસમાં તને બોલાવવાની બંધ કરી દીધી." આટલુ બોલતા એની આંખોમાં આંસુ આવી ગયા.
આગળ બોલી, "જે દિવસે તારી સાથે બધું થયું એ દિવસે પણ અમારો ઝઘડો થયો હતો. સરે તને બચાવી અને તને હેરાન કરીને એ સરથી બચવા મારી સાથે આવ્યો હતો. સરે તાત્કાલિક એને નોકરીમાંથી કાઢી મુક્યો અને જે આટલા દિવસથી એ બધી છોકરીઓને હેરાન કરતો હતો અને કસ્ટમર સાથે ખરાબ વર્તન કરતો હતો એ કારણ આપ્યું અને સાથે એમ પણ જણાવ્યું કે તું આદિત્યનો આ ચહેરો બધા સામે લાવી છે. બધી છોકરીઓને અને કંપનીની છબીને તે જ બચાવી છે એટલે તને આ એવોર્ડ મળ્યો છે. મારી સામે આદિત્યની આખી જ વાત સામે આવતા વાર લાગી પણ મારી નોકરી ન જાય એ માટે સરે બહુ મદદ કરી. મારી પર મોટા બોસની સામે ખૂબ વિશ્વાસ રાખ્યો છે. મારુ દિલ તૂટ્યું પણ કરિયર સલામત રહ્યું. એટલે જ હું હવે બધાની સાથે સારો વર્તાવ રાખવા લાગી છું. આદિત્ય તો એ દિવસ પછી દેખાયો નથી પણ નીતિન સરે ડગલે ને પગલે તારી મદદ કરી છે. અને મારી પણ..... હું પણ તારી માફી માંગવા ઇચ્છતી હતી પણ તે મને ક્યારેય તક ન આપી, સોરી મારા કારણે તારે આટલું હેરાન થવુ પડ્યું."
સપનાએ રિધિમાંનો હાથ પકડ્યો અને દિલથી માફી માંગી. "સોરી મારી બસ આવવાનો સમય થઈ ગયો છે, હું કાલે તારી સાથે ઘણી બધી વાતો કરીશ. બાય"
રિધિમાંએ સપનાને જતી જોઈ અને રસ્તામાં ચાલતા વિચારવા લાગી, "નીતિનનું આ પાસું તો મને ખબર જ નહતી. એણે મારી આટલી મદદ કરી અને હું એને જ ખોટો સમજતી હતી! મારી છબી કોઈ સામે ખરાબ ન થાય અને કોઈ મારી સાથે સહાનુભૂતિ જતાવ્યાં ન કરે એ માટે એણે આટલું બધું કર્યું અને હું એને જ ખોટો સમજતી હતી!" રિધિમાંને એક પછી એક બધી જ ક્ષણો યાદ આવવા લાગી જે દરમિયાન એ નીતિનને ખરાબ વ્યક્તિ સમજતી હતી. એની આંખોમાંથી એક આંસુ નીકળી ગયું. એ રસ્તામાં આમ ચાલ્યા કરતી હતી અને એક જગાએ રોકાઈ ગઈ. રીક્ષા માટે રાહ જોવા લાગી. આંખોમાંથી અશ્રુધારા તો ચાલુ જ હતી, પણ કોઈને એ આંસુ દેખાય નહિ એટલે ચહેરો દુપટ્ટાથી ઢાંકી દીધો હતો.
દૂર પોતાની બાઇક સાથે રિધિમાંનો પીછો કરતો નીતિન આ જોઈ રહ્યો હતો અને મનોમન વિચારી રહ્યો હતો, "રિધિમાં કાશ જો તમારી નજરમાં હું ખોટો વ્યક્તિ નહોત તો આજે તમારા આંખના આંસુ દુપટ્ટાથી છુપાવવા ન પડત હું ક્યારેય એ નીકળવા જ ન દેત. પણ મારી કમનસીબી.... તમારી દુરી મને તમારી વધુ ને વધુ નજીક લાવે છે તેમ છતાં હું તમારી મદદ કરવા સક્ષમ નથી........"
(રિધિમાંની આંખો તો ખુલી ગઈ, નીતિન પ્રત્યેની ગેરસમજની દિવાલ પણ હટી ગઈ, પણ હવે શું? રિધિમાં પોતાનો નોકરી છોડવાનો નિર્ણય બદલી નીતિનને પોતાના જીવનમાં એક તક આપી શકશે..... એ પ્રશ્ન આવતા ભાગમાં વાંચકોની રાહ જોઇને બેઠો છે)