બીજા દિવસે સવારે ખોજાલના સૈનિકો કંજના દરવાજે આવી ઉભા રહી ગયા. આ જોઈ એ લોકો સમજી ગયા કે આ કેમ આવ્યા છે? બધા એક સાથે બહાર નીકળ્યા.
કંજે આગળ વધીને પૂછ્યું, બોલો કેમ આવ્યા છો?
એ સૈનિકોનો ઉપરી કોટવાલ બોલ્યો, અમે રાજા નાલીન તરફથી આવ્યા છીએ. રાજાએ તમને બધાને બંધી બનાવી લાવવાનું કહ્યું છે.
કંજ: પણ કારણ શુ છે? અમે શુ કર્યું છે?
કોટવાલ: એ રાજા નક્કી કરશે. અત્યારે તમે બધા અમારી સાથે ચાલો.
ત્યાં સૈનિકોને જોઈ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. બધા નવાઈ સાથે જોવા લાગ્યા.
કંજ: પણ એમ કોઈ કારણ વગર કોઈને આમ પકડી ના જવાય.
કોટવાલ: એ અમારે નથી જોવાનું. અમે તો રાજાના હુકમનું પાલન કરી રહ્યા છીએ. તમારે અમારી સાથે આવવું જ પડશે.
ત્યાં પેલા વૃદ્ધ આગળ આવી બોલ્યાં, એવું કેવી રીતે તમે કંજને લઈ જઈ શકો? પહેલા એનો ગુનો કહો પછી જ નક્કી થશે કે તમે એને લઈ જઈ શકો કે નહિ?
ત્યાં પેલો કોટવાલ ગુસ્સે થતા બોલ્યો, જુઓ વડીલ તમે આમાં થી દૂર રહો. આ રાજનો મામલો છે. તમારે એની સાથે કોઈ લેવા દેવા નથી.
ત્યાં એક માણસ બોલ્યો, કોઈ રાજનો મામલો નથી. આ નાલીનની ચાલ છે. એ કંજને એટલે પકડી રહ્યો છે કે એ બાહુલનો દીકરો છે. બાહુલને મારીને હજુ એને સંતોષ નથી મળ્યો? કે એના પુત્રને વગર વાંકે બંધી બનાવી રહ્યો છે?
વૃદ્ધ: હા બરાબર છે. જ્યાં સુધી ગુનો નક્કી ના થાય ત્યાં સુધી આમાંથી કોઈ ક્યાંય નહિ જાય.
કોટવાલ: સિપાહીઓ પકડી લો બધાને. ને કોઈ વચ્ચે આવે તો એને પણ પકડી લો.
વૃદ્ધ: ખબરદાર જો કોઈ આગળ વધ્યું છે તો. એકપણ પોતાના પગ પર ચાલતો પાછો નહિ જાય. વૃદ્ધની વાત સાંભળી ત્યાં ભેગા થયેલા બધાએ એમની વાતમાં હુંકારો ભર્યો. ને પછી બધા આગળ વધીને ઉભા રહી ગયા.
કંજે ઓનીર અને નિયાબીની સામે જોયું. પછી બીજાના સામે જોયું. બધાના ચહેરા પર એક ખુશી હતી.
લોકો ધીરે ધીરે ઘેરો બનાવી સૈનિકો તરફ આગળ વધવા લાગ્યા. આ જોઈ કોટવાલ અને સૈનિકો પાછા પડવા લાગ્યા.
પાછળ ખસતા ખસતા કોટવાલ બોલવા લાગ્યો, આ તમે બરાબર નથી કરી રહ્યા. આનું પરિણામ સારું નહિ આવે.
એક સ્ત્રી બોલી, પરિણામની અહીં કોઈને ચિંતા નથી. અમને હવે કંજની જ ચિંતા છે. જે બાહુલ સાથે વર્ષો પહેલા બન્યું એ હવે કંજ સાથે નહિ બને. અમે બધા કંજની સાથે છીએ.
ત્યાં બીજા લોકો પણ બોલી પડ્યા, હા અમે બધા કંજની સાથે છીએ.
લોકોનો જુસ્સો અને ધસારો જોઈ સૈનિકો ત્યાંથી ભાગી ગયા. કંજ અને એના મિત્રો એકબીજા સામે જોઈ મલકાયા.
વૃદ્ધ કંજની પાસે જઈ બોલ્યાં, કંજ આ નાલીન તને શાંતિથી જીવવા નહિ દે. પણ તું બિલકુલ ચિંતા ના કરતો આમે બધા તારી સાથે છીએ.
કંજ: હા વડીલ.
ત્યાં એક વ્યક્તિ આગળ આવી પેલા વૃદ્ધને સંબોધી બોલ્યો, બંસીકાકા આ ખોજાલ અને નાલીન ચૂપ નહિ બેસે. એ લોકો કઈક ને કઈક નવું કરશે.
બંસીકાકા: હા કાનજી પણ તું ચિંતા ના કર બધું સારું થઈ જશે. ને પછી કંજ સામે જોઈને બોલ્યાં, જાવ દીકરા શાંતિથી બેસો. અમે છીએ તમારી સાથે.
પછી બધા ત્યાંથી વેરાઈ ગયા.
ઓનીરે અંદર આવી કહ્યું, હવે આ સૈનિકો ખોજાલ પાસે જઈને આ બધું કહેશે. એટલે ખોજાલ ભડકશે. ને પછી એ અહીં આવી શકે છે. પછી થોડું વિચારી બોલ્યો, હું નથી ઈચ્છતો કે આપણા કારણે સામાન્ય પ્રજાને તકલીફ પડે. એમને કઈ સહન કરવું પડે.
નિયાબી: હું પણ એમ જ ઈચ્છું છું. કંજ મને નથી લાગતું કે હવે આપણે અહીં રોકાવું જોઈએ.
કંજ: રાજકુમારી તો પછી આપણે યામનને કેવી રીતે આ પાપી લોકોથી મુક્ત કરી શકીશું? ને આ લોકો આપણને જવા દેશે?
માતંગી: કંજ આપણે રાતના અંધકારમાં નીકળી જઈશું. કોઈને ખબર નહિ પડે.
અગીલા: પછી આ લોકોનું શુ થશે એ વિચાર્યું છે? નાલીન અને ખોજાલ આ લોકોને જીવવા દેશે? એમનું જીવન નર્ક બની જશે. એમની તકલીફો ઓછી નથી. આપણા આવી રીતે જવાથી એમની તકલીફો વધી જશે.
અગીલાની વાત સાંભળી બધા વિચારમાં પડી ગયા. અગીલાની વાત સાચી હતી. બંને તરફ તકલીફ હતી. બસ હવે નક્કી એ કરવાનું હતું કે કયો નિર્ણય ઓછું નુકશાન કરશે. ને એની ઉપર ચાલવાનું હતું.
પણ ઘણીવાર આપણે વિચારીએ એવું થતું નથી. એ લોકો હજુ વિચારોમાં હતા બહાર આવજો આવવા લાવ્યા. ઝાબી દોડીને બહાર ગયો. બહારનું દ્રશ્ય જોઈ એણે જોરથી બૂમ પાડી, ઓનીર...ર....ર
ઝાબીની બૂમ સાંભળી બધા દોડીને બહાર આવી ગયા. બહાર સૈનિકોનો કાફલો ખડકાઈ ગયો હતો. બધા સમજી ગયા હતા કે ખોજાલ જાતે જ આવી ગયો છે. બધાએ એકબીજાની સામે જોયું. પછી તરત જ બધા ઘરની અંદરની તરફ બધા દોડ્યા. બધાએ પોતપોતાના હથિયાર લઈ લીધા.
ઓનીર: અગીલા ઝાબી માતંગી અને કંજની સુરક્ષા તમારી બંનેની જવાબદારી છે. ધ્યાન રહે કોઈપણ સ્થિતિમાં તમારે આ બંનેને એકલા મુકવાના નથી. ને જરૂર પડે તો.....પછી એ આગળના બોલ્યો. પણ ઝાબી અને અગીલા સમજી ગયા કે આગળ શુ કહેવું હતું ઓનીરનું.
પછી ઓનીરે નિયાબી સામે જોઈને કહ્યું, રાજકુમારી કોઈ આદેશ?
નિયાબીએ ઓનીર સામે જોઈને કહ્યું, હા આજે યામનની પ્રજાને એમનો રાજા પાછો મળી જવો જોઈએ. ને પાપીઓનો નાશ થઈ જવો જોઈએ.
બધા એક સાથે બોલ્યાં, જેવી આજ્ઞા. પછી બધા બહાર આવી ગયા. પણ એ લોકો આવે એ પહેલા યામનના લોકો જે હથિયાર મળ્યું એ લઈને ઉભા થઈ ગયા હતા. આ જોઈ નિયાબી આગળ વધી ને બોલી, તમે લોકો કેમ આવી રીતે આવી ગયા? તમે જાવ અહીં થી. આ અમારી લડાઈ છે. અમે લડી લઈશું.
બંસીકાકા: નિયાબી આ તારી કે તમારી લડાઈ નથી. આ અમારા બધાની લડાઈ છે. આ યામનની લડાઈ છે.
ઓનીર: પણ કાકા આ રાજના સૈનિકો છે. એકવાર એમણે લડવાનું ચાલુ કર્યું તો એ લોકો ખેતરમાં ઉભેલા અનાજની જેમ આ નિર્દોષ લોકોને વાઢી નાંખશે. ખાલી ખોટી ખુવારી થઈ જશે.
કાનજી આગળ આવી બોલ્યો, એની તમે ચિંતા ના કરો. હવે તો લડી લીધે જ છૂટકો છે.
ત્યાં સૈનિકોની ભીડને ચીરતી એક ઘોડાગાડી એ લોકોની સામે આવી ઉભી રહી. એમાં બેઠેલો ખોજાલ ઉભો થયો ને ચારે બાજુ જોવા લાગ્યો. પછી હસીને બોલ્યો, એ ડોસા તને શું લાગે છે? આ અણગઢ પ્રજા શસ્ત્રો ચલાવશે? મારા સૈનિકો સામે એકપળ પણ નહિ ટકી શકે.
બંસીકાકા ખોજાલ તરફ જોઈને બોલ્યાં, એની તું ચિંતા ના કર ખોજાલ. તું તારી અને તારા સૈનિકોની ચિંતા કર. અમે યામનપ્રજા છીએ. આ બાવળામાં ઘણું જોર છે. તું બોલવાનું બંધ કરી મેદાનમાં આવ. તને ખબર પડી જશે.
આ સાંભળી ખોજાલ ગુસ્સે થઈ ગયો. ને જોરથી બરાડ્યો, તો જોઈ લે ડોસા કોણ કેટલા પાણીમાં છે.
બંસીકાકા: હા તું પણ જોઈ લે. પછી બંસીકાકા જોરથી બોલ્યાં, તૂટી પડો યામનના લોકો. આજે આમાનો એકપણ બચીને અહીંથી જવો ના જોઈએ.
બસ પછી જોઈતું શુ હોય? બધા લોકો સૈનિકો પર તૂટી પડ્યા. આ જોઈ નિયાબી બોલી, આ પ્રજાની તાકાત છે. હવે આપણે કઈ નહિ કરી શકીએ. ચાલો આપણે પણ લાગી પડો. બસ પછી તો પતી ગયું. બે ભાગ પડી ગયા. લડાઈ ચાલુ થઈ ગઈ. જેમ જેમ લોકો જાણતા ગયા. એમ એમ લડાઈ માટે આવતા ગયા. સૈનિકો કરતા યામનની પ્રજા વધારે હતી. જોકે એમનામાં આવડત નહોતી લડાઈની. પણ એમને જે રીતે ફાવ્યું એ રીતે એમણે લડવાનું શરૂ કરી દીધું.
કોઈ લાકડી લઈને સૈનિકોના બરડા અને માથા ફોડવા લાગ્યું. તો કોઈ ભાલો લઈને સૈનિકોના અંગ વીંધવા લાગ્યું. તો વળી કોઈ બે ત્રણ જણ ભેગા મળીને એક સૈનિકને પકડી એને ધીબવા લાગ્યા. કોઈ વળી ગોફણ લઈને પથ્થરોના ઘા કરવા લાગ્યું. પણ હિંમતથી લડવા લાગ્યા. સામે સૈનિકો પણ ઓછા ક્યાં હતા? એ પણ તલવાર અને ભલાથી લોકોને ઘાયલ કરવા લાગ્યા હતા.
આ તરફ ઓનીર, અગીલા, ઝાબી, માતંગી અને નિયાબી પણ સૈનિકોને હંફાવી રહ્યા હતા. તો કંજ ખોજાલની સામે ઉભો થઈ ગયો હતો. એની અને ખોજાલની વચ્ચે પણ તલવારબાજી જામી હતી. ખોજાલ એક સાધુ હતો. એની પાસે યુદ્ધ કે યુદ્ધ લડવાનો કોઈ અનુભવ નહોતો. ના એણે એવી કોઈ તાલીમ લીધી હતી. એટલે એ તલવારબાજીમાં ઓનીર સામે વધુ ના ટકી શક્યો. ને કંજે એને નિઃથ્થો કરી દીધો.
કંજ: તને શુ હતું? તું અમને પછાડી દઈશ? તું કોઈ યોદ્ધા નથી એ તું તો જાણે છે ને? તું એક સાધુ છે સાધુ. ને સાધુને યુદ્ધ લડતાં ના આવડે. તે તો માત્ર ખોટો હાવ ઉભો કર્યો છે લોકોમાં.
ખોજાલ હસીને બોલ્યો, હા સાચી વાત. મને યુદ્ધ લડતાં નથી આવડતું. પણ એ સિવાયનું બીજું ઘણું બધું આવડે છે. જેની કદાચ તને નથી ખબર.
કંજે હસીને કહ્યું, ખબર છે ખોજાલ. હું દુશ્મનની બધી જ ખબર રાખું છું. હું ક્યારેય દુશ્મનને નમાલો કે નિર્બળ નથી સમજતો.
ખોજાલ: વાહ ખુબ સરસ છોકરા. સરસ તૈયારીઓ કરી છે તે. લાગે છે તું જ બાહુલનો દીકરો છે?
કંજ: હા બરાબર ઓળખ્યો. હું જ બાહુલનો છોકરો છું.
ખોજાલ: ખૂબ સરસ તારા બાપ જેવો બહાદુર છે તું. પણ બેવકૂફ પણ એટલો જ છે. જીવ તો બચી ગયેલો તારો. તો પણ સામે ચાલી પાછો મરવા યામનનમાં આવી ગયો. તને જીવવાની ઈચ્છા નથી લાગતી.
કાજે હસીને કહ્યું, મરવાની બીક એને લાગે જેને કોઈ જીવવાની ઈચ્છા હોય. મારી તો એક જ ઈચ્છા છે તારું મોત. પછી ભલે એને માટે મારે પણ મરવું પડે.
ખોજાલ એની સામે જોઈ હસી રહ્યો હતો.
એ બંનેને વાતો કરતા જોઈ અગીલા કંજ પાસે આવી ગઈ.
અગીલા: કંજ વાતો કરવાનો કોઈ ફાયદો નથી. વાર કર ને ખોજાલને ખતમ કર.
ખોજાલે અગીલા સામે જોયું પછી હસ્યો ને મનમાં જ કઈક બોલ્યો ને હાથ આગળ કર્યો. પણ ચપળ અગીલાએ સમયસુચકતા વાપરી ને કંજને પકડી ખસી ગઈ. ને ખોજાલે કરેલ પોતાની શક્તિનો ઉપયોગ વ્યર્થ ગયો.
કંજે અગીલાની સામે જોયું. અગીલા હજુ પણ ખોજાલની સામે જોઈ રહી હતી. ખોજાલ ફરી કઈક બોલ્યો અને મુઠ્ઠીવાળી. પછી ફરી અગીલા અને કંજ તરફ કઈક ફેંકતો હોય એમ મુઠ્ઠી ખોલીને ઘા કર્યો. એમાંથી રાખ ઉડી પણ અગીલાએ કંજને ધક્કો મારી નીચે પાડી દીધો ને પોતે નીચે જમીન પર સુઈ ગઈ. હવાના કારણે રાખ એ લોકો પર પડવાની જગ્યાએ ઉડીને આગળ વધી ગઈ. એ રાખ ઉડીને જેની પર પડી એ લોકો બુમો પાડવા લાગ્યા અને શરીર પર ફૂંકો મારવા લાગ્યા. અગીલા અને કંજ ઉભા થઈને એ લોકો તરફ દોડ્યા. એમણે જોયું તો એ લોકોના શરીર પર દાજયા હોય તો જેવા ચાઠા પડી જાય એવા ચાઠા પડી ગયા હતા. એ લોકો બળતરાને કારણે ચીસો પાડી રહ્યા હતા.
અગીલા: કંજ તું આ લોકોને અહીં થી લઈ જા. હું જોવું છું આને.
કંજ: ના અગીલા તું જા હું જોઈશ આને.
અગીલા જોરથી બોલી, કંજ જા ખોટી ચર્ચા ના કરીશ.
ત્યાં નિયાબી આવી ગઈ. એણે બધું જોયું. એણે કંજ તરફ જોયું ને બોલી, કંજ અગીલા કહે છે એમ કર. હું અગીલાની સાથે છું. તું જા.
કંજ કઈ બોલ્યો નહિ ને ઝડપથી એ લોકોને બાજુમાં જ્યાં બીજા લોકો ઘાયલોની મદદ કરી રહ્યા હતા ત્યાં લઈ જવા લાગ્યો.
હવે નિયાબી અને અગીલા ખોજાલની સામે હતા.
ક્રમશ..............