lunch box in Gujarati Children Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | લંચ બોક્સ

Featured Books
Categories
Share

લંચ બોક્સ


બેટા સ્મિત આજે પાછું લંચ બોક્સ ભરેલું પાછું લઇ આવ્યો? સ્મિતના સ્કૂલ બેગમાંથી એનું લંચ બોક્સ નીકળતા નેહા એ બૂમ પાડી.

આ સાંભળી આઠ વર્ષનો સ્મિત એના રૂમ માં ભાગી ગયો, મમ્મીની આ રોજ રોજ ની લંચ બોક્સ નીં માથાકૂટ માથી બચવાજ સ્તો.

અરે ઊભો રે આજે તો તારે મારુ સાંભળવું જ પડશે, રોજ રોજ તારો આ લંચ બોક્સ ભરેલો પાછો આવે છે, હે ભગવાન શું કરું આ છોકરાનું હવે, ક્યારે એ સરખું ખાતા શીખશે, બોલતા નેહા સ્મિતના રૂમમાં જાય છે.

નેહા: બેટા સ્મિત તું લંચ બોક્સ ખાતો કેમ નથી, એકતો હું આટલું વહેલા ઊઠી તારા માટે લંચ બનવું છું અને એક તું એમ ને એમ પાછું લઇ આવે છે.

સ્મિત નેહા ને ગળે વળગીને બોલી ઊઠે છે મમ્મા પણ હું શું કરું આ રોટી ને સબ્જી ખાઈ ખાઈ ને બિચારો આ નાનો બાળક કંટાળી ગયો, તું યાર કોઈ ન્યૂ ન્યૂ વેરાયટી આપને જેમ કે પીઝા, સેન્ડવિચ, મંચુરિયન, મેગી...
બસ બસ હવે પછી તું જ કે છે મમ્મા જંકફુડ સ્કૂલ માં અલોવ નથી, બદમાશ બધા બહાના છે તારા, લાસ્ટ ફ્રાયડે તો તને સેન્ડવિચ આપી હતી એ પણ પાછો લાવ્યો હતો હવે બોલ, પણ મમ્મા તું પીનટ બટર લગાવી ને આપે તો કોણ ખાય, છી યાક...કરતો સ્મિત ભાગવા લાગ્યો.

ઉભોરે યાક વાળી આજે તારા પપ્પાને આવવા દે, જો પછી તારું યાક કેવું બહાર નીકળી જાય છે, કરતી નેહા એને પકડવા દોડી.
મજાક મસ્તી કરતા બેઉ માં દીકરો સોફા પર આવી ને બેઠા, સ્મિત એ ફટાક કરતું રિમોટ ઉઠાવ્યું ને એની કાર્ટૂન ચેનલ સ્ટાર્ટ કરી. એમાં ચાલતી સ્ટોરી જોઈ નેહા ને સરસ વિચાર આવે છે.

રાતના સ્મિત ને સુવડાવી વખતે નેહા વાત નીકળતા બોલે છે, બેટું આજે તે જે કાર્ટૂન જોયું એમાં ભીમના દોસ્તને કેવી ભૂખ લાગી હતી પણ એની પાસે ખાવા માટે કંઇજ નહોતું, તો બેટા જોયું આપડી પાસે કેવી સરસ સરસ ખાવાની ચીજો હોય છે છતાં આપડા ને એ પસંદ નથી આવતું અને તું લંચ બોક્સ પાછું લાવે છે એ ફેંકી દેવું પડે છે, જ્યારે આ દુનિયામાં ઘણા લોકો પાસે તો જમવાનું પણ ઓપ્શન નથી હોતું. બેટા આપડે જમવાનો બગાડ ના કરવો જોઈએ અને બધું ખાતા શીખવું જોઈએ.

સ્મિત જાણે મમ્મી ની વાત સમજી ગયો હોય એમ મમ્મી ને એક સરસ પપ્પી કરી કહે છે ઓકે મમ્મા હવે હું બધુંજ ખાઇશ. પણ એતો કે કાલે મને લંચ બોક્સ માં શું આપીશ??
અને સ્મિત અને નેહા બંને હસી પડે છે.

બીજા દિવસ થી જાણે જાદુ થયું હોય એમ સ્મિત હવે રોજ ટિફિન ખતમ કરી ને લાવવા લાગ્યો, નેહા ખુશ થઈ ગઈ અને વિચારવા લાગી હાશ આખરે મારો દીકરો લંચ બોક્સ ફિનિશ કરવા લાગ્યો. ચાલો મારી વાતની કોઈ તો અસર થઈ.

ધીરે ધીરે સ્મિત લંચ બોક્સ વધુ ભરી લઇ જવા લાગ્યો, શરૂઆતમાં નેહા ખુશ થઈ કે સ્મિત હવે વધુ ખાતા શીખી ગયો, પણ ધીરે ધીરે એને લાગવા લાગ્યું જરૂર કઈં અલગ વાત છે, કેમ કે સ્મિત જે ઘરે નહોતો જમતો એ જ ખાવાનું સ્કૂલ માં ફિનિશ કરી લાવતો, એન્ડ ઘર કરતા સ્કૂલમા એનો ખોરાક વધુ રહેતો. ક્યાંક સ્મિત લંચ બોક્સની જમવાનું બહાર ક્યાંક ફેંકી તો નથી દેતો ને, નેહા વિચારતી.

અને એક દિવસે નેહા એ વહાલ થી સ્મિત ને પોતાની પાસે બેસાડી એનું કારણ પૂછી જ લીધું.
ગભરાતા ગભરાતા સ્મિત બોલ્યો, મમ્મા તું ગુસ્સે તો નઈ થાયને તો કહું.

નેહા: અરે બેટા હું નઈ લડું તને તું બોલ તો ખરો.

સ્મિત: મમ્મા મારા ક્લાસ માં મારી બાજુમાં જે છોકરો બેસે છે એ ઘણી વાર લંચ બોક્સ નથી લાવતો, અને લાવે ત્યારે એક જ વસ્તુ લાવે બ્રેડ, મેમ એને રોજ લડે ખાલી બ્રેડ લાવા માટે પણ એને કોઈ અસર ન થાય બસ રડવા લાગે, ક્લાસ ના બીજા બાળકો પણ એટલાં માટે એની સાથે લંચ બ્રેક માં ના બેસે. પણ તે મને પેલા દિવસે સમજાયું હતું ને કેટલા લોકો પાસે જમવા પણ નથી હોતું, પછી મને વિચાર આવ્યો મારા એ ફ્રેન્ડ ને પણ એવું કંઇક કારણ તો નથી ને?
એટલે બીજા દિવસે જ્યારે લંચ બ્રેક પડ્યો મે પેલી વાર એની સાથે બેસી વાત કરી, અને જાણ્યું કે એની મમ્મી આ દુનિયામાં નથી અને એના પાપા એને રોજ બ્રેડ જ આપી શકે છે કેમ કે એમની પરિસ્થિતિ બહુ સારી નથી કે રોજ નવું નવું લાવી શકે ક્યારેક એમની પાસે પુરતું જમવા પણ નથી મળતું. ત્યાર પછી મે નક્કી કર્યું કે હું રોજ મારુ લંચ બોક્સ મારા એ નવા દોસ્ત સાથે શેર કરીને ખાઇશ. અને એટલેજ હું રોજ વધુ જમવાનું લઇ જતો.

અને સ્મિત ની વાત સાંભળી નેહા પોતાનાં નાનકડા પણ સમજદાર દીકરા પર મોહી પડી અને બોલી બેટા કાલથી તું બે લંચ બોક્સ લઇ જજે.

તો આ હતો સ્મિત ના લંચ બોક્સ નો રાઝ.
પણ વાંચક મિત્રો મારી એ રચના લખવા પાછળ બે કારણો છે.

એક એ કે તમારા બાળકો ના સંસ્કારોનું સિંચન તમારા પોતાના હાથો માં છે, સારા અને નરસા કામો વચ્ચેના તફાવતને સમજી શકે એ લાયક બનવાનું કામ તમારાં બસ માં જરૂર છે, તમારા બાળકોને એક સારા સંવેદનશીલ માણસ બનાવો કેમ કે આજ ના નાના બાળકો કાલનું સોનેરી ભવિષ્ય બનાવી શકે.

બીજું કારણ એ છે કે આજે જ્યારે પુરી દુનીયા કોરોના નામના વાઈરસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આપણે માનવતા ના ભૂલવી જોઈએ અને આપડી આસપાસ ના જરૂરિયાત લાયક લોકોની મદદ કરવી જોઈએ. આ મુસીબત ના સમય માં ઘણા લોકો એવા છે જેમને પુરતું ખાવાનું પણ નથી મળતું, આગળ આવી એમને મદદ કરો.

**************************
Dhruti Mehta (અસમંજસ)