પગરવ
પ્રકરણ. – ૩
પાયલ : " હું આવું છું. કોણ આવ્યું છે જોઈને..."
પાયલે દરવાજો ખોલ્યો તો એની મમ્મી ગરમગરમ મેથીના ભજિયાં, ચટણી લઈને આવેલી દેખાઈ.
પાયલ : " લાવ મમ્મી...અમે લઈ લઈએ છીએ...મજા આવશે પણ... " એણે પાછળની તરફ ઉભેલી વ્યક્તિ તરફ અછડતી નજર નાખવાનો પ્રયાસ કરતાં કહ્યું..." મમ્મી તારી પાછળ કોણ છે ?? "
ત્યાં જ એક સરપ્રાઈઝ આપતી હોય એમ આવેલી ગ્રીષ્માને જોઈને પાયલનો મૂડ જાણે બદલાઈ ગયો... છતાં બાહ્ય રીતે સારું લગાડવા બોલી, " ગ્રીષ્મા તું અહીં ?? "
એક ગૂઢ સ્માઈલ કરતાં બોલી, " હું આવી હતી તો મને થયું તને મળી લઉં...ને ખબર પડી કે આજે તો તમારી પૂરી ટીમ છે એટલે હું મારી જાતને ન રોકી ન શકી..."
હીરલ અને દીપાલી કોણ છે એ વિચારવા લાગ્યાં જ્યારે સુહાની તરત જ એ અવાજ ઓળખીને બોલી, " આ ગ્રીષ્મા અહીં ?? તમે લોકો બેસો હું ઘરે જાઉં છું..."
દીપાલી : " શું થયું સુહાની ?? આવી હશે એમનેમ જતી રહેશે..."
સુહાની : " મારે એનો ચહેરો ય નથી જોવો...મને ખબર હોત તો હું આવત જ નહીં..."
હીરલ ધીમેથી બોલી, " અમને ખબર છે એ થોડી વિચિત્ર છે પણ તું એને કેમ આટલી બધી નફરત કરતી હોય એવું લાગી રહ્યું છે..."
સુહાની : " એ છોકરી નહીં...પણ ઝેરીલી નાગણ છે..."
દીપાલીને હસવું આવી ગયું...એ બોલી, " શું કહે છે તું ?? "
સુહાનીને લાગ્યું કે ગ્રીષ્મા અંદર આવવાની વાત કરી રહી છે... ત્યાં જ એ રૂમની બહારની બાલ્કનીમાં જઈને બેસી ગઈ.
એટલામાં જ ગ્રીષ્મા પાયલ સાથે ઘરે આવી. પાયલને સુહાની દેખાઈ નહીં પણ એ કદાચ સુહાનીની બહું નજીક પણ છે અને એનું બધું જ જાણે છે આથી એ કદાચ સમજીને કંઈ જ બોલી નહીં...
થોડીવાર વાતચીત બાદ દીપાલીએ પૂછ્યું, " તું ક્યારે કરે છે મેરેજ ?? હવે તો બધાં સેટલ થવા લાગ્યાં છે લાઈફમાં..."
ગ્રીષ્મા : " આપણે તો ખબર છે ને જે મન નક્કી કરે એ જ કરવાનું....એક હતો જેની પાછળ હું પાગલ હતી એનાં માટે મેં રાત-દિવસ એક કર્યાં... બધું જ કર્યું...પણ કુદરતે એને મારાથી છીનવી લીધો હંમેશાં માટે...એ પછી એક મારી નજરમાં ઠર્યો છે. જોઈએ શું થાય છે...બાકી આપણે એ અલમસ્ત, બિંદાસ, ફરતારામ...!! આમ તો મને આ લગનફગન બહું ફાવે નહીં..કોઈની મરજીને વળી બીજાં લોકોને સાચવવાનું...આ તો વળી સેટિંગ થઈ જાય તો જોઈએ....."
પાયલ : " હમમમ... પોતપોતાની મરજી... બીજું શું..." કહીને બગાસાં ખાવાનો ડોળ કરવા લાગી.
ગ્રીષ્મા : " તમારાં ગૃપનુ હાર્ટ તો ફેઈલ થઈ ગયું છે નહીં ?? "
હીરલ : " શું ?? કંઈ સમજાયું નહીં..."
ગ્રીષ્મા : " સુહાની વળી બીજું કોણ ?? જોને પાગલની માફક દોઢ વર્ષથી રહે છે...ખબર નહીં બધાંને શું બતાવવા માગતી હશે ?? લગ્ન પછી પણ આ જમાનામાં કોઈને એટલું સાચવતુ નથી એ શું ઢોંગ કરતી હશે ?? એટલે જ આજે પણ નહીં આવી હોય સતિસાવિત્રી બનવા માટે..."
પાયલ : " પ્લીઝ...ગ્રીષ્મા તું આ ટોપિક બંધ કર...લે આ ભજિયાં ખા...અમે પણ સૂઈ જ જઈએ છીએ..."
હીરલને દીપાલી સમજી ગયાં કે સુહાની અને પાયલ બંને ગ્રીષ્માથી ભાગે છે મતલબ કંઈ તો છે જ એવી વાત...એટલે દીપાલીએ કહ્યું, " મને તો ક્યારની ઉંઘ આવે છે...આ તો ભજિયાં ખાવાં બેસી રહી છું...ચાલો ખાઈ લઈએ ફટાફટ..."
ના છૂટકે બધાંએ ગ્રીષ્માને બગાડવા માટે સુહાનીને મૂકીને ભજિયાં ખાઈ લીધાં...ને એક પછી એક ઊંઘવાની તૈયારી કરવાં લાગ્યાં...
ગ્રીષ્મા હજું જાણે બેશરમ બનીને કહે છે, " હું અહીં તમારી સાથે આજે સૂઈ જાઉં..?? "
બધાંને ધ્રાસકો પડ્યો કે હવે શું કરશું?? આને ના કેવી રીતે પાડવી ??
દીપાલીનું ઘર પાયલની બાજુમાં જ હોવાથી એણે કહ્યું, " હું જાઉં છું...ચાલો ઘરે જઈને સૂઈ જઈશ હમણાં..ગ્રીષ્મા તારે પણ ઘરે જવાનું હોય તો ચાલ...સાથે જઈએ..."
ગ્રીષ્મા : " અરે એટલે તમે બધાં ઘરે જ જાવ છો ?? મને એમ કે તમે સાથે હોવ તો હું રોકાઉ...." ના છુટકે ગ્રીષ્માને ઘરે જવું જ પડ્યું...
પ્લાન સફળ થતાં આમતેમ વાતચીત કરીને દીપાલી એને લઈને નીચે ઉતરી ગઈને પાછી આવવાનું ઈશારામાં કહીને ગઈ....!!
***************
સુહાની એના જતાં જ તરત બહાર આવીને બોલી, " હાશ..ગઈ.. નહીં તો મારે જ જવું પડતું..."
હીરલ : " કોઈ સાથે આવું કરવું ન ગમે ?? કેમ એણે શું કર્યું છે અમને તો કહે ?? "
સુહાની : " એ છે જ એવી...બાકી આપણે કોઈની સાથે કદી એવું વર્તન કરીએ છીએ કંઈ.... પાયલ પછી બધું કહેશે...ચાલો હવે આપણે શાંતિથી બેસીએ..."
થોડીવારમાં તો દીપાલી પાછી આવી ગઈ. પછી ફરી મહેફિલ જામતાં સુહાની હવે થોડી મૂડમાં આવી હોય એમ લાગતાં પાયલે સીધો જ સવાલ પૂછ્યો, " સુહાની હવે તારો શું પ્લાન છે ?? મતલબ જોબ કે આગળ... કંઈ... "
સુહાનીને જેવી બીક હતી એ એની સામે પ્રશ્નાર્થરૂપે આવી જ ગયું. પણ એ બોલી, " જોબ તો હમણાં નહીં...જે પણ હશે સમર્થ આવ્યાં પછી વાત..."
બધાં એક અશક્ય લાગતી વાતને સુહાનીએ જે રીતે વિશ્વાસ સાથે કહી એ સાંભળીને એનાં ચહેરાં સામે જોવાં લાગ્યાં.
દીપાલી : " તને ખબર છે દોઢ વર્ષ થઈ ગયું છે સમર્થ નથી આવ્યો ?? તો એ પાછો આવશે એવું લાગે છે તને ?? "
સુહાની : " શું કામ નહીં આવે ?? એણે મને ફોન કરીને કહ્યું હતું કે એ આવશે..."
પાયલ : " પણ એ સવિતાઆન્ટી પર આવેલો ફોન ને ટીવીમાં સતત આવતાં ન્યુઝથી તું પણ ક્યાં અજાણ છે ?? "
સુહાની : " પણ એ પછી પણ મને સમર્થે ફોન કરીને કહ્યું હતું કે હું થોડાં જ દિવસોમાં આવી જઈશ....ને એનો ફરીવાર પણ...એક અજાણ્યા નંબર પરથી કોલ આવેલો...ને કહ્યું કે, " સમર્થ ઈન્ડિયા પાછો ફરી ગયો છે બોમ્બે એરપોર્ટ પર..."ને પછી ફોન કપાઈ ગયો...આજ સુધી નથી ફોન આવ્યો કે ન સમર્થ..." કહેતાં સુહાની ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
બધાં એને સાંત્વના આપવા લાગ્યાં. એને થોડી સામાન્ય થયાં પછી પાયલે કહ્યું, " તને આવો ફોન આવ્યો હતો એવી તે કોઈને વાત કરી છે ?? "
સુહાની : " હા...પણ ઘરનાં લોકો કહે છે તને કંઈ ભ્રમ થયો છે કે કોઈએ તારી સાથે મજાક કરી હશે...બાકી એ ઘટના એવી હતી કે કોઈનું બચીને આવવું શક્ય જ નહોતું...મને કંઈ જ સમજાતું નથી... ત્યારે તો અહીંની સ્થિતિ એટલી કફોડી હતી કે અહીં પણ કોઈને કહી શકવા સક્ષમ નહોતી...!! "
પાયલ : " તું આવી જ રીતે સવિતા આન્ટીને ક્યાં સુધી સાચવીશ ?? "
સુહાની : " ખબર નહીં...બસ સમર્થ આવે ત્યાં સુધી... કદાચ..."
બધાંને હવે કંઈ આગળ કંઈ રીતે સુહાનીને કંઈ રીતે સમજાવવી એ ખબર નથી પડી રહી...એટલે સુહાનીને ફરી નોર્મલ બનાવવાં પાયલે કહ્યું, " ચાલો આજે આપણી મોસ્ટ ફેવરિટ અંતાક્ષરી રમીએ..."
દીપાલી : " હમમમ...તને ખબર છે એની ખાસિયત એ છે કે આપણે ગમે તેટલાં નવાં સોન્ગ જોઈએ પણ એમાં જેવો શબ્દ આવે કે સોન્ગ્સ તો એ જુનાં જ પહેલાં યાદ આવે, નહીં...?? હું સાચું કહું છું કે નહીં ?? "
સુહાની : " સંબંધોનું પણ એવું જ હોય નવાં પહેલામાં ગમે તેટલું લાગણીઓને બંધબેસતી કરીએ પણ એમાં ક્યાંક તો ગેપ રહી જ જતી હોય છે...એ જ આપણને ફરી ફરી એ જુની યાદો તરફ ધકેલી દે છે...આજે કંઈક તો છે કે દોઢ વર્ષ પછી આજે મેં તો ઠીક ઘણાં બધાં લોકોનાં મોઢે જાણે સમર્થ વિશે જ એની કંઈને કંઈ યાદો વાગોળાતી જોઈ . નક્કી આજે કંઈ કાનાજી સમર્થ માટે કંઈ સારું લખી રહ્યાં લાગે છે..." કહેતાં સુહાની આજે ફરી પહેલાંની જેમ જ નટખટ બની ગઈ જાણે કે સાચે જ સમર્થે એને કહ્યું ન હોય કે હવે હું જલ્દીથી આવી જઈશ....!!
બસ પછી તો બે વાગ્યા સુધી મહેફિલ ચાલી...નિતનવી પોતપોતાની અંગત ખાટીમીઠી પળોને પણ ચારે સખીઓએ મળીને વાગોળીને એકબીજા સાથે વહેંચી...આજે જાણે બધાં જ પહેલાંની માફક ઉડતાં પહેલાં જેવાં જ આઝાદ પરિંદા બની ગયાં હોય એવું ઘણાં સમયે અનુભવ કરી રહ્યાં છે !!
શું સુહાનીને મળી રહેલા સંકેતો સાચાં હશે ?? સુહાનીને ફરીથી સમર્થ મળશે ખરાં ?? શું હશે ભૂતકાળનાં તાણાવાણા ને હવે ક્યાં દોરી જશે ભવિષ્યની સફર ?? રહસ્ય, રોમાંચ, પ્રેમની મીઠી પળોની પ્રતીતિને અનુભવતાં રહો, પગરવ - ૪
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....