Khalipo in Gujarati Short Stories by Mehul Joshi books and stories PDF | ખાલીપો

Featured Books
Categories
Share

ખાલીપો

ખાલીપો.....
"આખા દિવસની આ તારી ટકટક થી કંટાળી ગયો છું, ભગવાન આવું બૈરૂ આપે એના કરતાં કુંવારો રાખ્યો હોત તો સારૂ." રોજની જેમ કુણાલ મોબાઈલ લઈ ને વોટ્સએપ, ઇન્સ્ટા ને ફેસબુક પર ઓનલાઇન હતો. અને મોબાઈલ ન વાપરવા માટેનું દીપ્તિનું સંભાષણ શરૂ હતું. "તમેય આખો દિવસ મોબાઈલમાં ભરાયેલા રહો તો એમનેય કેવું થતું હશે. બે મિનિટ બી અમારા માટે ટાઈમ નથી, તો મોબાઈલ ને જ પરણી જવું હતું મને સુકામ લાવ્યા?" કુણાલની બે ચાર ગાળો ખાધા પછી પણ દીપ્તિ મોબાઈલના ગેરફાયદા રોજની જેમ સમજાવતી જ રહી.
દીપ્તિ અને કુણાલની સગાઈ થઈ ત્યારે આ નવા નવા આવેલા એન્ડ્રોઇડ ફોન બંનેએ વસાવેલા, બંનેનું ફ્રેન્ડ ફોલોવર લિસ્ટ પણ ખાસુ એવું. દીપ્તિ કોઈ ફોટો અપલોડ કરે કે તરત, 'નાઇસ પીક સ્વીટ હાર્ટ' આવી કૉમેન્ટ કુણાલના આઈડી પરથી આવી જાય.
એ વખતે બંને ને મોબાઈલ અને સોશિયલ મીડિયા ઘણું સારૂ લાગતું હતું. અલબત્ત કુણાલ ને તો આજે પણ સોશિયલ મીડિયા વિના ચાલતું નોહતું.
સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતો કુણાલ એની અમુક ખાસિયતોથી દીપ્તિ સારી પેઠે વાકેફ હતી, પીપલ યુ મેં નો માં કોઈ પણ છોકરી ની આઈડી શો થાય એટલે કુણાલના આઈડી માં જુવો તો રિકવેસ્ટ સેન્ટ જ હોય. લગ્ન કર્યાના ચાર વર્ષ પછી પણ કુણાલની ફેસબુક પ્રોફાઇલમાં મેરિટીયલ સ્ટેટ્સ સિંગલ હતું, અને દીપ્તિને એજ તકલીફ હતી. કે મારા આઈડી સાથે મેરીડ ટુ દીપ્તિ વર્મા લખવામાં તને તકલીફ શુ છે? પણ તોયે કુણાલ નું સ્ટેટ્સ બદલાયું ન હતું.
આમ જોઈએ તો કુણાલ મેસેન્જરથી છોકરીઓ સાથે ચેટિંગ કરવામાં જેટલો ઉસ્તાદ હતો, હકીકતમાં રૂબરૂ કોઈ છોકરી સાથે વાત કરવામાં એટલોજ ડરપોક હતો, દીપ્તિ આ વાત પણ સારી રીતે સમજતી હતી અને જાણતી હતી. એટલે વધુ મગજમારી નોહતી કરતી પણ છતાંય રોજેરોજના કુણાલ ના ચેટિંગ થી તંગ આવી દીપ્તિ ઝગડો કરી મુકતી, અને ત્યારેય પાછો કુણાલ લાજવાને બદલે ગાજતો હોય, "મારી ઓફીસ ની મારી કલીગ છે, એના સાથે મારે વાત નઈ કરવાની? સુ આવી સાવ નેરો માઈન્ડ છે? અને પછી કુણાલ પણ ગુસ્સે થાય થોડું યુદ્ધ થાય અને સાંજની રસોઈ બગડે, નિર્દોષ નાનકડી સિયા આ બધું જુવે પણ એને ખબર પડે નહીં કે આ ઘરમાં સુ ચાલી રહ્યું છે? અને આ સમજવા જેટલી એની ઉંમર પણ નોહતી. છતાં એટલું તો સમજી જતી કે આ વાતાવરણ સારૂ નથી.
લગ્ન થયા ત્યારથી વરસ સુધીતો દીપ્તિ અને કુણાલનું લગ્નજીવન આનંદમય પસાર થઈ રહ્યું હતું, પરંતુ ધીરે ધીરે કુણાલ નું વર્તન બદલાતું ગયું. મોડી મોડી રાત સુધી કુણાલ જાગતો રહે, મોબાઈલ એના હાથમાં જ હોય. પછીતો જાણે તેણીએ પણ વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, એટલે ખાસ માથાકૂટ કરે નહીં. સિયા ને સાચવે ને જોડે જોડે સાસુ સસરા ને પણ સંભાળે.
કુણાલ જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ, કે વોટ્સએપ કે ફેસબુક મેસેન્જર પર ચેટ કરતો હોય ત્યારે મોબાઈલ મુકતા પેહલા હિસ્ટ્રી ક્લિયર કરી નાખે. ગણી વખત હિસ્ટ્રી ક્લિયર કરીને સામેથી દીપ્તિને ફોન આપે અને કહે"લે જોઈ લે છે કોઈ??" અને દીપ્તિ પણ બિચારી એમજ કહે "નારે મને તમારી પર પૂરો ભરોસો છે." અને લાંબી બહેસ થતી અટકી જાય.
એક દિવસ બન્યું એવું કે કુણાલ ઉતાવળે ક્રિકેટ રમવા મેદાન પર જવા નીકળી ગયો અને મોબાઈલ ઘરે ભુલાઈ ગયો, બપોરના ત્રણેક થયા તા, મેદાને પોહચ્યાં પછી કુણાલ ને ખબર પડી કે મોબાઈલ તો ઘરે છે, આ બાજુ જ્યારે ચાર વાગે દીપ્તિ જાગી ત્યારે તેણીએ જોયું કે કુણાલ ફોન ચારજિંગમાં મૂકીને ઉપડી ગયો છે. દીપ્તિએ ફોન અનલોક કરવાની કોશિષ કરી પરંતુ ફોન મજબૂત પાસવર્ડ થી સુરક્ષિત હતો. એટલે વોટ્સએપ, ઇન્સ્ટા, એફ બી આવી કોઈ એપ તે ફોનમાં ખોલી શકી નહી. એટલે ફોન પીપડા પર મૂકી ને તે ચારની ચા બનાવવા ગઈ. ચા બનાવતા દીપ્તિને પીપડા પર રહેલા ફોન નું વાઈબ્રેશન સંભળાયું, દીપ્તિએ ફોન હાથમાં લીધો અને જોયું તો "બાજરી નું ફાર્મ" કોલિંગ, દીપ્તિ વિચારવા લાગી બાજરી નું ખેતર આવો કોનો નમ્બર સેવ કર્યો હશે? કુણાલે? ત્યાં વળી બીજી રિંગ આવી, આ બાજી દીપ્તિ દુવિધામાં હતી કે કૉલ રિસીવ કરૂ કે ના કરૂ? એટલામાં કૉલ પૂરો થયો. અને ટેક્સ્ટ મેસેજ આવ્યો, "કેમ જાન કઈ રીપ્લાય નથી આપતા, વોટ્સએપ પર કોઈ રીપ્લાય નહીં, ઇન્સ્ટા પર નહીં, ફોન બી રિસીવ નથી કરતા, સુ ખોટું લાગ્યું છે મારાથી? કાલે પૈસા માંગ્યા એટલે રીસાયા છો? આ મેસેજે દીપ્તિના હૃદય પર જાણે વજ્રાઘાત કર્યો.
દીપ્તિ વ્યાકુળ થઈ ગઈ, કુણાલ ના આવવાની રાહ જોવા લાગી. એના મગજ નો પારો આજે સાતમા આસમાને હતો, શેરી વાળા લોકોને આજે પ્લાસીના યુદ્ધ જેવું યુદ્ધ મફતમાં જોવા મળવાનું હતું. થોડીવાર પછી એનું મગજ શાંત થયું કંઈક વિચારીને પાછી કામે વળી.
સંધ્યાકાળે મૅચ રમીને કુણાલ પાછો આવ્યો, દીપ્તિ સ્પષ્ટ જોઈ શકતી હતી કે કુણાલના ચેહરા પર ચિંતાની લકીરો ઉપસી આવી હતી. દીપ્તિએ એના ભાવ કળાવા ના દીધા. જાણે કશુંજ ના થયું હોય એમ કુણાલ ને કહ્યું "જાવ ફટાફટ નાહી આવો, હું ચા રેડી રાખું છું." કુણાલે જોયું તો પીપડા પર ચાર્જિંગમાં મુકેલો ફોન એજ સ્થિતિમાં હતો. એ ફોન લઈ સીધો બાથરૂમ તરફ ગયો. દીપ્તિ હસતા હસતા બોલી "બાથરૂમ માં તો ફોન ને આરામ આપો." સાંભળ્યું ના સાંભળ્યું કરી ને કુણાલ ફોન લઈ સીધો બાથરૂમમાં ઘૂસી ગયો. ગીઝર ના ગરમ પાણીની ડૉલ ભરાવા મૂકી, અને ફોન અનલોક કર્યો, જોયું તો બાજરીના ખેતર ના 8 વોઇસ કૉલ, પાંચ વોટ્સએપ કૉલ, ચાર વીડિયો કૉલ અઢળક વોટ્સએપ મૅસેજ પડ્યા હતા.
કુણાલે રીપ્લાય કર્યો પણ સામે મેસેજ પોહચતા નોહતા, લગભગ બાજરીના ખેતર ના મોબાઈલ ડેટા બંધ હતા, કુણાલ નાહીને બહાર આવ્યો. ગરમ ગરમ ચા તૈયાર હતી. ચા પીધી પણ એના મનમાં બેચેની હતી. એ સુ કેહવા માંગતી હતી? ક્યારેક મારો રીપ્લાય ન મળે તો સમજીને આટલા બધા કૉલ મૅસેજ ક્યારેય ન કરે પણ આજે કેમ આમ? હવે તે ટેંશનમાં આવી ગયો, એને આજે પોતાની જાત પર વધુ ગુસ્સો આવતો હતો. એક મિનિટ હાથમાંથી ફોન ન મૂકે આજે એનાથી ફોન ભુલાઇજ કેમ ગયો?
બીજીવાર રીપ્લાય ન આવે ત્યાં સુધી એનાથી કૉલ કે ફોન થઈ શકે એમ નોહતા. જમ્યા પછી તે દસ વાગ્યા સુધી દોસ્તારો પાસે બેઠયો, વારાઘડીએ વોટ્સએપ ચેક કરતો પણ નહાતી વખતે કરેલા મેસેજ નો હજી કોઈ રીપ્લાય નોહતો, કે ના તો મૅસેજ રીડ થયેલો હતો.
કાલે રૂબરૂ મળે એવું વિચારી ઘરે ગયો, આજે ટીવીમાં મન નોહતું લાગતું, દીપ્તિ સાથે ઔપચારિક વાતચીત કરી, થોડીવાર યુ ટ્યુબ વીડિયો જોયા અને સુઈ ગયો. આ બાજુ આવા મેસેજ વાંચ્યા પછી પણ નોર્મલ બની રહેવું દીપ્તિ માટે અસહ્ય હતું, પરંતુ જાણે કઈ જાણતીજ ન હોય તેમ રાત્રે બે વાગ્યા સુધી પણ કુણાલ ને અણસાર ના આવવા દીધો કે તેણીએ આવા કોઈ મેસેજ વાંચ્યા છે. ટેક્સ્ટ મૅસેજ ત્યારેજ તેણીએ વાંચીને ડિલિટ કરી દીધા હતા.
રાત્રે દીપ્તિ જાગી, ઘડિયાળ રાત્રીના બે ને સાત નો સમય બતાવતી હતી, દીપ્તિએ કુણાલનો ફોન એના ઓશિકા નીચેથી કાઢ્યો, કુણાલ નો હાથ પકડી એની પહેલી આંગળી મૂકી ને ફોન અનલોક કર્યો. હવે એ ચેટિંગ સ્ક્રોલ કરવા લાગી, કુણાલ નું આ છોકરી સાથેનું ચેટિંગ વાંચતાજ એને ખ્યાલ આવ્યો કે તેનું કુણાલની લાઈફમાં એક કામવાળીથી વધારે કોઈ વજૂદ નથી, કુણાલ ચેટમાં સ્પષ્ટ લખતો હતો કે દીપ્તિને પત્નિ ગણતો જ નથી. બસ સિયા ના કારણે તે એની સાથે સબંધ ખેંચી રહ્યો છે. આ બાજરી નું ખેતર લખેલ છોકરી એજ હતી જેને કુણાલ દસમા ધોરણથી પસંદ કરતો હતો, બારમું ધોરણ અને કૉલેજ પણ સાથે સાથે કરી, પરંતુ પારિવારિક ઝગડાઓને કારણે એ બંને એક નોહતા થઈ શક્યા. હા આ એજ સેજલ હતી જેની વાત પોતે પરણીને આવી ત્યારે કુણાલે કરી હતી. તેણે કહ્યું હતું કે "એ મને પસંદ હતી, કદાચ હું પણ એને પસંદ હતો પરંતુ અમારી વચ્ચે એવા કોઈ સંબંધો નોહતા, અમારૂ સગપણ થાય તો અમે રાજી હતા, પણ સંજોગોવસાત એ શક્ય ન બન્યું, એનું લગ્ન સમાજના ખુબજ શ્રીમંત પરિવારમાં થયું, એ એની લાઈફમાં ખુશ છે, અને હું મારી લાઈફમાં અત્યારે મારે એની સાથે કોઈ સંપર્ક નથી." આ વાત અત્યારે દીપ્તિને યાદ આવી ગઈ, એ વિચારવા લાગી કે આવું કંઈજ નોહતું તો આ શું છે? મારા પ્રેમમાં શુ ખામી રહી કે કુણાલ ફરીથી સેજલ તરફ વળ્યો? બેડમાં પડખા ફેરવતી રહી, વિચારતી રહી અને રાત જાણે એના માટે લાંબી ને લાંબી થતી હતી, નિંદ્રાદેવીએ એનાથી નજર ફેરવી લીધી હતી. ઘડીક સિયા સામું જોતી, અને ઘડીક કુણાલ સામું જોતી, ઘડીક હરખાતી તો ઘડીક ગુસ્સે થઈ જતી. અને એમનેએમ ક્યારે આંખ મીંચાઈ ગઈ ખ્યાલ ન રહ્યો.
સવારે જાગી ને તૈયાર થઈ કુણાલ સીધો ઘરે થી નીકળી ગયો, એણે ઊંઘતી સિયા કે દીપ્તિ સામું જોવાની દરકાર પણ નોહતી કરી, ગાડી લઈને સીધો તે સેજલના ઘર તરફ જવા માંગતો હતો, ત્યાં એના મિત્ર પ્રતિકનો કૉલ આવ્યો, "અરે કુણાલ ગજબ થઈ ગયો યાર! સેજલે આત્મહત્યા કરી લીધી, એના ઘરના આગળ રહેલા અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાંથી એની બૉડી મળી છે, હું ત્યાંજ છું, પોલીસ ને એકસોઆઠ આવવામાં જ છે, અમુક લોકો કહે છે કે એના પતિએ મારી નાખી, અને અમુક લોકો કહે છે કે તેણીએ આત્મહત્યા કરી. કુણાલ આવા આઘાતજનક સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગયો,એણે મોબાઈલ માં જોયું તો ઘણા ક્લાસમેટ્સ અને મિત્રો ના સ્ટેટ્સમાં સેજલના ફોટા હતા, ૐ શાંતિ, રીપ સેજલ, મિસ યુ સેજલ, હવે કુણાલ ભૂલથી પણ સેજલના ઘર બાજુ જઈ શકે એમ નોહતો. એણે ભગ્નહૃદયે ગાડી ઘર તરફ પાછી વાળી, કંપનીમાં કૉલ કરી કહી દીધું કે ચાર પાંચ દિવસ તે રજા પર રહેશે.
ઘરે આવીને જોયું તો ઘરનો સામાન બધો વેર વિખેર પડ્યો હતો, એના પપ્પાના માથામાંથી લોહી નીકળતું હતું, ઘર પાસે મોટું ટોળું ભેગું થયું હતું, સિયા એક ખૂણે રડતી હતી, અને જે હાથમાં આવ્યું એ ફેંકતા ફેંકતા દીપ્તિ ચીસો પાડતી હતી, કદાચ એની ફેંકેલી કોઈ વસ્તુ કુણાલના પપ્પા ને વાગી ગઈ હતી. ચાર માણસોએ પકડી રાખી છતાં ઉછાળા મારે અને દાતિયા કરતી દીપ્તિના હાથ પગ બાંધવા પડ્યા. દીપ્તિ એનું માનસિક સંતુલન ખોઈ ચુકી હતી. દીપ્તિને હવે કેટલા દિવસ હોસ્પિટલમાં રાખવી પડશે એ ડોકટર્સ પણ ચોક્કસ કહી શકતા નોહતા.
મમ્મી વગર એક પળ ન રહી શકતી સિયા રડી રડી ને અડધી થઈ ગઈ હતી," પપ્પા મમ્મી પાસે લઈ જાવ, બીજા દિવસે કુણાલ સિયાને લઈ હોસ્પિટલ ગયો, પણ દીપ્તિ સિયાને કે કુણાલ ને ઓળખી શકતી નોહતી, રોજ ગાંડી ની વાર્તા કહેતી સિયાની મમ્મી આજે ખરેખર ગાંડી થઈ ગઈ હતી. કુણાલ ના જીવનમાં ક્યારેય ન પુરી શકાય એવો ખાલીપો ઉદ્દભવી ચુક્યો હતો. અને કુણાલ એ ખાલીપો સતત અનુભવી રહ્યો હતો, પણ એ ખાલીપો હતો કોના માટે?

-લેખક:- મેહુલજોષી (બોરવાઈ, મહીસાગર)
મો:- 9979935101, 120720201209