સત્યમ શિવમ સુંદરમ
ચોમાસામાં વરસાદની સરવાણી સાથે અનેક ધાર્મિક સમાજિક તહેવારોની સર્વની લઇ આવતો શ્રાવણ માસ માનવીને માનવ ધર્મ તરફ વાળે છે.ધર્મ અને વિજ્ઞાન બહુ જ પુરાણકાળથી જોડાયેલા છે.શિવતત્વનો મહિમા સમજાવતો આ માસ સત્યમ,શિવમ,સુંદરમ નો વ્યાપક અર્થ સમજાવે છે::સત્ય જ શિવ છે અને શિવ જ સુંદર છે.સમગ્ર સૃષ્ટિમાં શિવનો અર્થ કલ્યાણકારી શુભ એવો થાય છે.શિવ અનાદિ અને અનંત,સર્વવ્યાપી છે.સ્કંદ પુરાણમાં શિવના નિરાકાર સ્વરૂપને મહાત્મ્ય આપેલ છે.
વૈજ્ઞાનિકોએ કરેલી આધુનિક શોધ “ગોડ પાર્ટીકલ”છે.ત્યારે મહર્ષિ કણાદ કે જે પ્રસિદ્ધ જ્યોતિર્લીંગ સોમનાથ પાટણના જ વતની હતા અને તેમણે કણાદસૂત્રોનો જ અભ્યાસ કર્યો હતો.તો શું એ પરથી ન કહી શકાય કે ત્યાના કણ કણમાં શિવનો વાસ છે તે જ તેમના માટે પ્રેરણારૂપ બન્યા હશે? સામાન્ય રીતે આપણે વર્ષોથી ગાઈએ છીએ કે ‘ અણુ અણુમાં,કણ કણમાં તારો વાસ છે.’જે અદ્રશ્ય સ્વરૂપે કલ્પના કરીએ છીએ,પામીએ છીએ ,તે જ શું વૈજ્ઞાનિકોએ દ્રશ્ય રૂપે શોધ્યું હશે?
શ્રાવણ માસ એટલે તહેવારોનો અને ઉત્સવોનો માસ. ભારત એ તહેવારો અને ઉત્સવોની ભૂમિ છે.ભારતના લોકો માટે તહેવારો એમાય ખાસ કરીને શ્રાવણ માસમાં આવતા નાગપંચમી,શીતળા સાતમ,ગોકુલાષ્ટમી,નંદોત્સવ,રક્ષાબંધન વગેરે એ માત્ર ઉજવણીનો પ્રસંગ માત્ર ન રહેતા અનેક આદર્શો અપનાવી જીવન જીવવાની કળા શીખવતી અગત્યની ભૂમિકા રૂપ બાબત છે.દરેક પ્રસંગોએ કરવાની વિધિ અને પ્રતીકો પાછળ આપણા ઋષિ મુનિઓએબહુ જ બુદ્ધિપૂર્વક,સમજીને આપેલું હાર્દ સમજીએ તો તે દરેક ધાર્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ ધરાવતા હોવાથી ભારતીય સંસ્કૃતિમાં આ તહેવારો અને ઉત્સવોની ઉજવણી ઘણું શીખવી જાય છે. શ્રાવણ માસમાં ખાસ કરીને શિવજીની પુજા કરવામાં આવે છે. શ્રાવણના આરાધ્યદેવ શંકરના વિવિધ વિશિષ્ટ પ્રતીકો દ્વારા આપણને આપણાં જીવનમાં વિવિધ શીખ મળે છે.જેમ કે શિવના માથા પર ચંદ્ર દર્શાવે છે કે મનમાં હમેશ ચંદ્ર જેવી શીતળતા ધારણ કરવી.ગળામાં ઝેર હોવા છતાં તેને ત્યાં જ અટકાવી સહુને આનંદ આપતા સૂચવે છે કે કડવાશ કદી બહાર ન કાઢવી.આમ,જે તે ધર્મ કે તહેવારને અનુરૂપ તેના આરાધ્ય દેવના ગુણો અને તેના પ્રતિકોનું મહત્વનું અધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ સમજી,અપનાવીએ એ જ સાચી પૂજા.
શિવજીની આરાધનામાં રુદ્રાક્ષ વિશેષ ફળદાયી છે. ભુવનેશ્વરી ભાગવત સ્કંધમાં રુદ્રાક્ષનું મહત્વ દર્શાવતા કહ્યું છે “જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ,ગ્રહોમાં સૂર્ય,નદીઓમાં ગંગા,મુનિઓમાં કશ્યપ,દેવીમાં ગૌરી શ્રેષ્ઠ છે એમ માળાઓમાં રુદ્રાક્ષ શ્રેષ્ઠ છે.” એક,બે,ચૌદ મુખ વાળા અલગ અલગ રુદ્રાક્ષ હોય છે,ધાર્મિક રીતે ૧૪ મુખવાળા રુદ્રાક્ષ સ્વયં શિવસ્વરૂપ છે. પુરાણો મુજબ ૧૦૮ રુદ્રાક્ષની માળા ગાળામાં ધારણ કરવાથી હરેક પળ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે.અને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આયુર્વેદિક રીતે દરેકનું શારીરિક રીતે ફળદાયી વિજ્ઞાન જુદું જુદું અને બહુ મોટું છે પણ અહી ટુકમાં વાત કરીએ તો આયુર્વેદની દ્રષ્ટિએ રુચિકર,વાયુ,કફ અને શિરશૂળ દુર કરવામાં ઉપયોગી છે.ઉપરાંત આ માસમાં શિવજીને જલાભિષેક અને દુગ્ધધારા,બીલીપત્ર અર્પણ વિશેષ કરવામાં આવે છે..શિવજી શ્રુષ્ટિના રચનાકર છે,નિર્માણ અને સંહાર એમના હાથમાં છે.તેથી એમને રચેલા આ સમગ્ર જીવજગત પર પર પ્રેમ અને કરુણા રાખીએ એ આ માસનો ખાસ સંદેશ છે.
વૈશ્વિક ચેતના ધર્મ અને વિજ્ઞાન બેયને સ્વીકાર્ય રાખે છે તે જ આનું ઉતમ ઉદાહરણ-શંભુ એટલે શુભ. આમ, માત્ર આ માસમાં જ નહિ પણ હંમેશા શુભ ભાવનાઓ દ્વારા સહુનું કલ્યાણ થાય એવી ભાવના કેળવીએ.ભ્રષ્ટાચાર,ત્રાસવાદ,કોમવાદ,પ્રદુષણ,વગેરે નકારત્મક બાબતોને દૂર કરી,સારા વિચારોનું આચરણ અને ફેલાવો કરવાથી શુભ ભાવના દ્વારા શિવ તત્વનો ફેલાવો થાય છે. “સત્યમ, શિવમ, સુન્દરમ...” ની ઉક્તિ સમજીએ- સત્ય જ શિવ છે અને શિવ જ સુંદર છે.... આ વાત યાદ રાખી શ્રાવણ માસમાં અનેક ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણીનો મૂળ સંકલ્પ અધર્મનો નાશ કરી ધર્મ પર વિજય મેળવવા માટે શુભ સંકલ્પો લઇ તેને અમલમાં મૂકી,જિંદગી શુભ શિવમય બનાવીએ.