સિમેન્ટના પતરામાં ક્યાંક ક્યાંક થયેલા બાખાને પ્લાસ્ટિકની મોદ વડે ઢાંકેલા હતા. દિવાલો પણ મથી મથી ને ટકી રહેલી હતી ને માથું ઝુકાવીને જ ઘરમાં દાખલ થાય એવું બારણું હતું. ઘર હતું એ નહિ કે ઝૂંપડું. મકાન, બંગલો કે ઝૂંપડું એ નિર્જીવ અને ભૌતિક વસ્તુ છે, પણ લાગણી અને સવેન્દનાં થકી ધબકતું તો ઘર જ હોઈ. એ ઘર માં એક યુગલ રુદ્રેશ અને કેશ્વા અને નાના નાના એમના સંતાનો બાદલ, ચમન અને ગૌરી.તન પર ફાટેલાં અને જૂના કપડાં હતા પણ સ્વચ્છ હતા.
રૂદ્રેશ કાપડના કારખાનામાં છેલ્લા ૧૦ વર્ષથી કામ કરે છે.જેટલું કમાય એટલા માં જ આખો પરિવાર સુખે થી જ જીવતો. જે માણસની જરૂરિયાત જ ઓછી હોઈ એને તો બે વખત ખાવા મળે એમાં જ ખુશી મળતી હોઈ છે.પરિવારનું ભરણપોષણ થાય એટલું તે કમાવી લેતો હતો.એમ તો એનું જીવન ખુશી ખુશી થી પસાર થઈ રહ્યો હતું.દરિયો શાંત હોઈ તો એના પર ભરોસો ન કરવો કેમ કે શાંત દરિયો જ ભયંકર રૂપ ધારણ કરે છે. એમ જ રુદ્રેશના શાંત જીવનમાં ઉથલપાથલ આવવાના એંધાણ દેખાતા હતા.
માર્ચનો મહિનો એટલે હિસાબી મહિનો.આ મહિનાના હિસાબ કિતાબના કારણે કારખાનાના માલિકે બે મહિનાનો પગાર રોકી રાખ્યો હતો.ઘરતો ચાલી જાય એટલી બચત કરી રાખી હતી, પણ અચાનક કોરોનાના લીધે લોકડાઉન થયું.બધું જ કામકાજ ઠપ થઈ ગયું. જે ઘોંઘાટ અને શોરબકોળ થી ધગધગતું સુરત શહર હતું તે એકદમ શાંત થઈ પડ્યું.જાણે આખા દિવસ ની ભાગદોડ થી થાકી ને ઘોર નિંદ્રામાં હોઈ એમ. એ નિંદ્રા એ તો ગરીબો અને મજૂરોની સાથે મધ્યમવર્ગની નીંદ ઉડાવી દીધી.આવતીકાલ થી કારખાના બંધ થાય છે ૨૧ દિવસ માટે એટલે કોઈએ કાલથી કામ આવવાની જરૂર નથી. આ સમાચાર પૂરની માફક કારખાનામાં ફરી વળ્યા અને કેટલાયની જિંદગી ઉજાળી દીધી.
લોકડાઉનના થોડા દિવસો તો પસાર થઈ ગયા, પરંતુ બે મહિનાથી પગાર અને ઉપર થી લૉકડાઉન ના કારણે કઈ કામ ન થતું હોવા ના લીધે જે બચત હતી તે પૂરી થઈ ગઈ. રુદ્રેશનાં માથે તો આખા પરિવાર ની જવાબદારી હતી.આ સમય તેના માટે ખૂબ જ કપરો હતો. કારખાનામાં કામ કરતા બધા જ મજૂરો માલિક પાસે જઈને પોતાનો પગાર માગે છે, પણ શેઠ પોતાના હાથ ઊંચા કરી દેતો હોઈ એમ લાગે છે ,બહાના બનાવતો હોઈ છે. જે પૈસા હતા એ તો પૂરા થઈ ગયા. નાના બાળકો ખાવા માટે તાલાવેલી કરી રહ્યા હતા.ઉદરપટલ માં ભૂખના તાર રણઝણી રહ્યા હતા કે એના ટકોરા આખા શરીર ને નિર્જીવ કરી રહ્યું હતું, પાણીના બે ગુંટડા ભરીને ધરાઈ ગયો હોઈ એમ ઓડકાર લે છે. પણ ક્યાં સુધી આ ભૂખ વેઠવાની??
બેહાલ બનેલા બધા જ મજૂરો માલિક પાસે પગારની માંગ કરે છે, જેમ તેમ કરીને એક મહિના નો પગાર તો મેળવી લે છે.પરંતુ આગળ નો પગાર હવે લોકડાઉન પછી જ મળવાની આશા હતી.દુકાળ માં અધિકમાસ ની જેમ લોકડાઉન હજુ લબાવાનું હતું.રુદ્રેશ ના માથે સમસ્યા વધતી જ જઇ રહી હતી. તેનો હાલ તો મરજીવા જેવો થઇ પડ્યો હતો , સાગરના ઊંડાણ માં ડૂબકી લગાવ્યા પછી પણ નિરાશા હાથ લાગે એમ રૂદ્રેશ સમસ્યાનું હલ માટે નિરાશામાં જ સપડાઈ રહ્યો હતો.જે પૈસા મળ્યા હતા એ પણ ખર્ચાય ગયા. જે પૈસા થી મહિનાનું રાશન આવતું હતું એ માત્ર અઠવાડિયા પૂરતુ જ મળ્યું. કેમ કે દુકાનદાર પણ સમય નો લાભ ઉઠાવી રહ્યા હતા.
" હવે ઘરે જાવ જ પડશે." ધીરજ ખૂટતાં રૃદ્રેશ બોલી ઉઠ્યો.
" પણ આપણે તે ગામ છોડયે દસ વર્ષ થયાં, હવે તે તરફ પગ વાળવા થૂંકેલું ગળ્યા બરાબર છે." કેશ્વાં એ વાસ્તવિકતાનો આઇનો બતાવતા કહ્યું.
" ગામે જઈને જે થશે તે જોયું જાશે. ભૂખ્યા મરવા ને બદલે ત્યાં કંઇક તો ખાવા મળી રહેશે ને , એક ખેતર છે તેમાંથી ખાવા જેટલું અનાજ તો પાકી જશે. " ઊંડા શ્વાસ લઈને પરિસ્થિતિ નો સામનો કરવાની તૈયારી બતાવી.
રુદ્રેશ ઘરે જવા માટે ઘણી મથામણ કરે છે પણ બધું જ ઠપ હાલતમાં હોવાથી કોઈ સાધન મળી શકે તેમ નહોતું.એ દયનીય હાલતમાં રુદ્રેશ અને એનો પરિવાર પગપાળા નીકળી પડે છે. લગભગ પાંચસો કિલોમીટર નો સફર કાપવાનો હતો. પણ આ કરુણા ભરી હાલત ના લીધે મનમકકમ કરીને ચાલતા જવા માટે નીકળ્યા. ખભે નાની ગૌરી અને નાના નાના પગલે ચાલતા બાદલ અને ચમન સાથે તે યુગલ ગામ તરફ પ્રયાણ કરે છે. એ નાની નાની પગલીઓ રસ્તામાં થાકતી, ચાલતી અને પગ મા છાલા પડવા ની પીડા સાથે ભૂખ અને તરસ એ ભૂલકાં ની કરુણાભરી આંખોમાંથી આસુ વહાવી રહ્યું હતું. એ લાગણી , એ મજબૂરી , એ કરુણા ને જોવા વાળું એ માબાપ સિવાય કોઈ ન્હોતું.બાળકોની આવી સ્થિતિ જોઈને રુદ્રેશ અને કેશ્વા ના દીલ પર આઘાત લાગી રહ્યો હતો.
થોડું ચાલીને આગળ જતાં જ પોલીસવાળા રોકે છે. પ્રશ્ન કરે છે , બીમારી વિશે સમજાવે છે પણ તેમના માટે તો ભૂખ થી મોટી કોઈ બીમારી ન્હોતી.
"જો અહીંયા રોકાય જશું તો ભૂખની બીમારી મારી નાખશે." ......કરુનાંભરી વાણી સાંભળીને પોલીસવાળા એ પણ રોક્યા નહિ.
માથા પર કાળજાળ ગરમી વરસાવતો સૂર્ય ને , એ સૂર્યમાં તપેલો રસ્તો. સુકાયેલા હોઠને પરસેવે રેબઝેબ તન અન ભૂખ્યું પેટ, ઉગરા પગને દઝાડતો રસ્તો . એ રસ્તો અંગાળે તપતો હતો અને ઉપર થી બોઝરૂપ બનતી પરિસ્થિતિ હતી.
રુદ્રેશ આજ થી દસ વર્ષ પેહલા કેશ્વા સાથે ભાગી ને લગન કરી ને અહીંયા આવ્યો હતો.તે બંનેના માતા પિતા આ લગ્ન ના વિરોધી હતા. એટલે ઘરે જવું એમના માટે મુશ્કેલી ભરેલી પરિસ્થિતિ હતી.એક બેરોજગારી નો અને બીજો ગામ તરફ જવાની મજબૂરી.આ વિચારો એ તો રૂદ્રેશ ને અંદરથી કોતરી નાખી રહ્યા હતા. એ ચાલતો તો હતો પણ અભાન, અજાગ્રત અને નશામાં ચૂર હાલતમાં રસ્તાનું પણ ભાન નહોતું. નાની નાની પ્લાસ્ટિક ની બોટલમાં ભરેલું પાણી એ નાના ભૂલકાં ના મોહ ભીંજવી રહ્યું હતું પણ રુદ્રેશ અને કેશ્વા અસહ્ય ભૂખ તરસની યાતના ભોગવી રહ્યા હતા. કુદરતની વિડંબના પણ કેવી ,હૈયું પોકાર મૂકીને રડી રહ્યું હતું.
જેમ જેમ પગ ગામ તરફ આગળ વધતા હતા તેમ તેમ ઋદ્રેશ નું મન ગામની પરિસ્થિતિ ને અથડાઈ ને થોભી જવા કહી રહ્યું હતું. ગામ માં જઈને શું થશે? કેવા હાલ થશે ? આ બધા સવાલના ઘેરાવ માં ગરકાવ થઈ રહ્યો હતો. કરુણાસભર મૂંઝવણ માં આખો છલકાતી હતી અને હૈયું ધબકવાનું છોડી રહ્યું હતું, શ્વાસ ઘૂંટાયા કરતો હતો.બસ પગ ચાલી રહ્યા હતા અને આત્મા થોભી ગયો હતો.
અરધો રસ્તો કપાય ગયો હવે અરધો રસ્તાનો સફર બાકી રહ્યો હતો. અચાનક અતિશય લાગણીઓ અને મૂંઝવણો ના હુમલો થવા ના કારણે રુદ્રેશની આંખે અંધાપો નજર આવી રહ્યો હતો. થાકેલું ને હારેલું તન જાણે જાન છોડી રહ્યું હોઈ એમ ખભા પર બેસાડેલા બંને છોકરાઓ ને સાથે ધડામ લઈને નીચે પડી જાય છે. પળભરમાં જ શ્વાસ રૂંધાય જાય છે. કેશ્વા કરુણાસભર અવાજે મદદ ની પોકાર મૂકે છે પણ કોઈ મદદ કરી શકે એવું ન્હોતું. એ નાના નાના તન પોતાના બાપ ને કરુણાથી છલકાતી આંખે આસુ સારી રહ્યા હતા.એ કરુણભર્યું રુદન સાંભળનાર કોઈ ન્હોતું. રુદ્રેશ સર્વ પરિસ્થિતિ થી આઝાદ થઈને પરલોક વહી ગયો અને કરુણા છોડી ગયો.એ પરિવાર ને કોરોના થયો હોઈ કે નહિ થયો હોઈ પણ જવાબદાર તો એ જ રહ્યો હતો.