લોકડાઉન - ઘરબંધી કે કર્ફ્યુ કે જનતા કર્ફ્યુ જેવા શબ્દો 90ના દાયકામાં જન્મેલી એક આખી પેઢીએ અત્યાર સુધી માત્ર સાંભળ્યા હતાં. પોતાના કુટુંબના સભ્યો પાસેથી કર્ફ્યુ ના કારનામા સાંભળીને બચાડાઓને એમ થતું હશે કે એમણે જોયું ને આપડે રહી ગયા!!! પણ પેલું રહોન્ડાબેન વાળું સિક્રેટ છે ને કે તમે જે વિચારો તે આ બ્રહ્માંડમાં ગોળ ફરીને પાછું તમારી પાસે જ આવે છે, તે લો આવી ગયું.
લોકડાઉન શરૂઆતમાં લોકોને બહુ મજા પડી
ગઇતી. રોજે રોજ લોકડાઉનના જુદાં જુદાં ફાયદાઓ ગણાવી ગણાવીને આપણને કન્ફ્યુઝ કરી નાખ્યાતા કે આ તો કોરોના લોકડાઉન છે કે હોલીડે ટૂર !! ગવર્મેન્ટને પણ
બિચારીને હાશકારો થયો હશે કે ચલો પત્યું આપણા દેશમાં
લોકો અન્ય દેશોની જેમ દેખાવો નઈ થાય.
બધા લોકો બાબાઓની જેમ પ્રભુ જે પરિસ્થિતિમાં
રાખે તેમાં ખુશ રહેતા શીખી ગયા હતાં. આમેય
આપણે ખુબ સહિષ્ણુ પ્રજા છીએ (અસહિષ્ણુતા ગેંગ ના
અસ્તિત્વમાં આવ્યા પેહલા સુધી તો હતાંજ, હવે કદાચ આપણું આ ટાઇટલ પાછું ખેંચાઈ ગયું છે ) કોઈ પણ પરિસ્થિતિ ને ખુબ જ જલ્દી અનુરૂપ થઇ જઈએ છીએ. એટલે જ કદાચ આટલા બધા આક્રમણો પછી પણ આપડી સંસ્કૃતિ ટકી ગઈ. લો પછી અવળા પાટે ચઢી ગઈ. સંસ્કૃતિ અને સહિષ્ણુતા માટે ફરી સમય કાઢીશ (આપણો સમય કાંઈ એટલો બધો કિંમતી નઈ પાછો !!)
અત્યારે તો આ લોકડાઉનની લાહ્ય કરવી છે. થોડા દાડા બધુંય સમુસુતરું ચાલ્યું. માંડ માંડ ચાલુ પગારે વેકેશન
મળ્યું તે મજ્જા કરી. પણ હવે તો સજા જેવું લાગે છે યાર.
લાંબા લાંબા વાળ ને વધેલી દાઢી મૂછવાળા ભાઈબંધો અને
ગાઢ જંગલ જેવી નેણો ને જટાઓ વાળી બેનપણીઓ વિડિઓ કોલ કરે તો પુછાઈ જાય છે બોલો બાબાકે માતાજી, શું સેવા કરું? પછી પેલો કે પેલી એક જોખાવે ત્યારે ખબર પડે કે આ તો આપડું જ નંગ છે!!! ભાઈઓને જીવનમાં પેલ્લી વાર બ્યુટી પાર્લર કે ઘાંયજા પાર્લરનું મહત્વ સમજાયું હશે. બેનોને તો સમજવાની જરૂર
જ નથી એઝ યુઝવલ !! (ભાઈઓ, બેનોતો બધું સમજેલા જ હોય છે )
બેનોને ટાઇમપાસનો બહુ પ્રોબ્લેમ નઈ. ઘરકામમાં થોડું લોકડાઉન લાગુ પડે? ઉપરથી હાળું કામ વધ્યું. હા સાચું સમજ્યા, કામવાળા ની જ મોકાણ તો !! બેનોના પ્રોબ્લેમ તો મારા આગળના લેખ "કોરોનાની પંચાત"માં લખી કાઢ્યા. હવે બિચારા ભાયું ની લાહ્યું.
જંગલ નો રાજા સિંહ અચાનક જાણે સર્કસ
ના રિંગમાસ્ટર ના આધિપત્ય હેઠળ આવી ગયો હોય
એવી પરિસ્થિતિ છે બાપડાઓની !!! પોતાની ઓફિસ કે
જગ્યાએ મળતા માનથી ટેવાયેલો પતિ બિચારો
ઘરમાં આખો દાડો બી બીને કાઢી નાંખે છે. ખબર નઈ ક્યારે શું બોલાઈ જાય કે મંગાઈ જાય ને લોકડાઉનની
અસરો કે આડઅસરોથી પીડિત પત્નીનો પુણ્ય પ્રકોપ સહન
કરવો પડે. એટલે પહેલેથી ઘરમાં ઓછું બોલતો પતિ
મ્યુટ મોડ પર આવી ગયો છે.
એમાંય પાછું માં અને પત્ની વચ્ચે માંડ માંડ સેટ કરેલું બેલેન્સ બગડવા લાગે અને આપડી પાસે ભાગી જવા માટે ઓફિસ નામનું સેફ પ્લેસ ના હોય ત્યારે તો એમ થાય કે હે પ્રભુ પૃથ્વી રસાતાળ જશે કે શું !!
આવશ્યકતા એ જ આવિષ્કારની જનની છે એ નિયમ તો બૈરાઓ એ આત્મસાત કરી લીધો હોય એમ દરેક અવેલેબલ વસ્તુમાંથી પકવાન બનાવી નાંખે. આખો દાડો પત્ની દ્વારા આણેલું ખાદ્ય કે અખાદ્ય ભોજન વખાણ કરતાં કરતાં ખાધે રાખવું પડે. (હું સમજી શકું છું કે હવે તો ખોટા વખાણોનો સ્ટોકેય પતી ગયો હોય યાર, પણ મને સમજાવીને કાંઈ વળશે નહીં, પત્નીને સમજાવો ભાઈબંધ )
ને પછી ડિસ્કવરી ચેનલ પર બતાવે એવા સાપોની જેમ ગોટા
વળી વળીને પૃથ્વી માતાનો ભાર વધારતા જવું.
કેટલાય ગોરધન તો પાછા પડીકી પીડિત હોય !!! પત્નીનો કે પ્રિયતમાનો વિરહ તો એક વાર સહી લઈએ
પણ આ પડીકી વગર જીવવાની કળા હજી કેટલાય
ભાઈઓ હસ્તગત કરી શક્યા નથી. એક તો પડીકી
મળે નઈ ને એમાં પાછું બૈરું કોઈ ને કોઈ વાતે કકળાટ
કર્યા કરે. કેમનું જીવવું ભાઈ!!
એમ ને એમ તો કેટલાંય ભાઈઓ વાંચવાના રવાડે
ચઢી ગયા. એમાં અમારા જેવાઓનું કામ થઇ ગયુંને ભાઈ.
લોકડાઉન ના હોત ને તમે આટલા નવરા ના હોત તો કાંઈ તમારો અમૂલ્ય સમય અમને થોડો મળ્યો હોત?
ચલો ભાઈઓ, મારે પાછું તમારા ભાઈ માટે
રાંધવું તો પડશેને !!!