Jokar - 41 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 41

Featured Books
Categories
Share

જોકર – સ્ટૉરી એક લુઝરની – 41

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 41
લેખક – મેર મેહુલ
જુવાનસિંહના ગયાં પછી ખુશાલ પણ ઘરે જવા નીકળ્યો હતો.તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે જૈનીત તેને મળ્યો હતો.
એ દિવસે ખુશાલ ગુસ્સામાં હતો.પાપા સાથેની રોજ રોજની રોકટોકને કારણે એ છેલ્લાં બે મહિનાથી સુરતથી દૂર આવેલાં જોકર બંગલામાં રહેવા આવી ગયો હતો.એ દિવસે તેનાં પપ્પા તેને મનાવવા આવ્યા હતા પણ વાત વધુ વણસી હતી એટલે ખુશાલ ગુસ્સામાં ઘલુડી તરફના રસ્તે પોતાની મર્સીડી લઈ નીકળી ગયો હતો.
આવા સમયે એ પોતાની આદત મુજબ જુનાં ગીતો શરૂ કરી પુરવેગે ગાડી ચલાવતો હતો.તેનાં મગજમાં તેનાં પપ્પાની જ વાતો ઘુમતી હતી તેથી ગાડી બેફામ રીતે રસ્તા પર આડીઅવળી દોડતી હતી.બંગલાથી એકાદ કિલોમીટર દૂર જતાં અચાનક તેની ગાડી કોઈ ગાડી સાથે અથડાઈ.
એ ગાડી કાળુની હતી.રેંગાએ તેને આદેશ આપ્યો હતો એટલે જૉકરના લિબાસમાં રહેલાં જૈનીતને ઠેકાણે લગાવવા એ અહીં આવ્યો હતો. તેણે સુનસાન જગ્યા જોઈ ગાડી બાજુમાં રોકી જૈનીતને ઉઠાવ્યો અને રોડની બાજુમાં ખસેડવા લાગ્યો.અચાનક કોઈ વાહન તેની ગાડી સાથે અથડાયું અને મોટો ધડાકો થયો એટલે તે ડરી ગયો. બેભાન અવસ્થામાં રહેલાં જૈનીતને પડતો મૂકી તેણે બાજુમાં રહેલી ઝાડીઓમાં દોડ લગાવી.
મર્સીડીની ટક્કર વેન સાથે થઈ હતી.વેનની પાછળની સાઈડ જમણી બાજુમાં રહેલી પેટ્રોલની ટાંકી સાથે ગાડી અથડાવવાને કારણે વેન પાછળથી બે ફુટ જેટલી ઉંચી થઈ નીચે પટકાઈ હતી અને એ સમયે જ મોટાં ધડાકા સાથે વેન સળગી ઉઠી હતી.હેમખેમ રીતે ખુશાલે સ્ટિયરિંગ સંભાળ્યું અને પુરા જોર સાથે બ્રેક પર પગ દબાવી દીધો.જેને કારણે મર્સીડી દસ મીટર જેટલી ધસડાઈ ઉભી રહી ગઈ.
ખુશાલ હંમેશા સીટ પર બેસીને પહેલાં સીટબેલ્ટ બાંધવાનું કામ કરતો.તેની આ જ ટેવને કારણે આજે તેનો જીવ બચી ગયો હતો.ઉતાવળથી સીટબેલ્ટ છોડી ખુશાલ બહાર આવ્યો તેની નજર સામે એક વ્યક્તિ રસ્તાની બાજુમાં પડ્યો હતો અને બીજો વ્યક્તિ ઝાડીઓ તરફ દોડતો હતો.જોતજોતામાં એ વ્યક્તિ ઝાડીઓમાં અદ્રશ્ય થઈ ગયો.
ખુશાલ ડરી ગયો.તેની ગાડીની ટક્કરને કારણે એક વાન સળગતી હતી,એક વ્યક્તિ રોડની બાજુમાં પડ્યો હતો અને એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. બે ઘટના તો ખુશાલને સમજમાં આવતી હતી પણ પેલો વ્યક્તિ ભાગી કેમ ગયો એ તેને ન સમજાયું.વેન તો રસ્તાની બાજુમાં જ ઉભી હતી અને તેનો કોઈ વાંક પણ નહોતો.તો પછી તેનું આમ ભાગવું કેટલું વાજબી કહેવાય?
ખુશાલ ડોકટરનો દીકરો હતો.હાલ એ તેનાં પાપાની દેખરેખ નીચે પ્રેક્ટિસ કરી રહ્યો હતો એટલે કોઈ વ્યક્તિને આવી હાલતમાં છોડીને જવાનો સવાલ જ નહોતો ઉઠતો.એ ઝડપથી જૈનીત પાસે પહોંચી ગયો.જૈનીત ઊંધે-કાંધ જમીન પર પડ્યો હતો.ખુશાલે એકબાજુનો ખભો પકડી જૈનીતને ચત્તો કર્યો.
જૈનીતની લોહીલુહાણ હાલત અને જોકરનો લિબાસ જોઈ ખુશાલને ધ્રાસકો પડ્યો.ખુશાલ સમજી ગયો હતો કે તેના કારણે આ વ્યક્તિને ઇજા નથી થઈ.પેલો માણસ શા માટે ભાગી ગયો એ પણ તેને સમજાય ગયું હતું.ખુશાલે જૈનીતની નાડી તપાસી.એ હજી પ્રતિક્રિયા આપી રહી હતી.
આવા સમયમાં આ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડી તેનો જીવ વધુ જોખમમાં મુકવો એ ખુશાલને યોગ્ય ન લાગ્યું.તેના પપ્પાની મદદ લેવાનો તેને વિચાર આવ્યો.પણ થોડીવાર પહેલાં જ તેનાં પપ્પા સાથે ઝઘડો થયો હતો એટલે તેણે તેનાં પપ્પાને પણ કૉલ ના કર્યો.આ બધું સેકન્ડની ગણતરીઓમાં થતું હતું.
ખુશાલે નિર્ણય લઈ લીધો.કોઈને નથી ખબર આ વ્યક્તિ જીવતો છે કે નહીં.ભગવાનની મહેર રહી તો એ બચી જશે નહીંતર પોતાની પ્રેક્ટિસનો એક હિસ્સો તો બનીને જ રહેશે.ખુશાલનું આ પાગલપન હતું.કોઈ વ્યક્તિ પર માત્ર પ્રયોગ કરવા ખાતર તેની મદદ કરવી એ માનવતા ના કહેવાય.છતાં જૈનીત માટે ખુશાલ ફરિસ્તો બનીને આવ્યો હતો.જો ખરા સમયે તેની ગાડી ના અથડાઈ હોત તો જૈનીત અત્યારે કોઈ ઝાડી-ઝાંખરમાં પડ્યો હોત.
ખુશાલે તેને ઉઠાવ્યો અને ગાડીમાં નાખ્યો.જૈનીતની બાજુમાં એક બેગ પણ પડી હતી.ખુશાલે એ પણ ગાડીમાં નાંખી અને આ જગ્યા છોડી દીધી.સદનસીબે અત્યાર સુધીમાં કોઈ વાહન હજી સુધી અહીંથી પસાર નહોતું થયું.આમપણ રાતના સમયે ભાગ્યે જ કોઈ વાહન અહીંથી નીકળતું એટલે જ કાળુએ આ રસ્તો પસંદ કર્યો હતો.
ખુશાલ જોકર બંગલે પહોંચ્યો.તેનાં પપ્પા તો તેની સાથે જ નીકળી ગયાં હતાં. છતાં સેફટી માટે તેણે પહેલાં બંગલે કોઈ નથી એ વાતની ખાતરી કરી લીધી.તેનાં પપ્પા નીકળી ગયાં હતાં એટલે તેણે વૃષભને બોલાવી જૈનીતને ઉપરના હોલમાં લઈ લીધો.વૃષભ તેનો વિશ્વાસુ માણસ હતો.
આ બધું ખૂબ ઝડપથી બની રહ્યું હતું. ખુશાલ જાણતો હતો,જો આવા કિસ્સામાં થોડી પણ વાર લાગે તો ન થવાનું થઈ શકે છે. તેણે વૃષભને હુકમ આપવાનું શરૂ કર્યું.વૃષભ બધી વસ્તુ ભેગી કરવામાં લાગી ગયો.ખુશાલે જૈનીતનું લાલ જેકેટ ઉતારી કેસરી શર્ટના બટન ખોલ્યા.શર્ટ ખોલતાં તેની નજર સામે જે નજારો હતો એ જોઈને ખુશાલથી આવી સ્થિતિમાં પણ હસવું આવી ગયું.
“ શાણો માણસ છે”ખુશાલે કહ્યું.
***
મેં પુરી રાત અંધારી ઓરડીમાં ગુજારી હતી.સવારે હું જુવાનસિંહના ગુસ્સાનો શિકાર થયો હતો.મારો ચહેરો સુરતનાં ઘરોમાં એક રેપ કરનાર વ્યક્તિ તરીકે છપાઈ ગયો હતો.મારી સાથી મિત્રો સાથે શું થયું હતું એ મને ખબર નહોતી.પોલીસે મને મારાં સાથીઓ વિશે માહિતી મેળવવા દબાણ કર્યું હતું પણ મેં કોઈની માહિતી નહોતી આપી.અમે નક્કી કર્યા મુજબ મેં પૂરો ગુન્હો મારા સર લઈ લીધો હતો.
બપોર થઈ ગઈ પણ હજી સુધી મારાં પર કોઈ એક્શન લેવામાં નહોતું આવ્યું.ચાર વાગ્યે જુવાનસિંહ એકલાં મારી ઓડરીમાં આવ્યાં.હું ડરીને ખૂણામાં સરકી ગયો.તેઓ મારી આવીને નીચે જુક્યાં.
“આ રિવોલ્વર રાખ”મારાં તરફ રિવોલ્વર ધરી તેણે કહ્યું, “મારાં નમણે રાખી બહાર નીકળી જા અને સીધો બકુલના ઘરે પહોંચી જા,આગળની વાત તને ત્યાં ખબર પડી જશે”
જુવાનસિંહ શું કહેતાં હતા એ મને સમજાયું નહીં એટલે મેં ફરીવાર બોલવા કહ્યું.
“તું મારી રિવોલ્વર છીનવી,મને બંદી બનાવી અહીંથી ફરાર થવાનું નાટક કરીને બકુલના ઘરે પહોંચી જા.ત્યાં તને બધું સમજાય જશે.મારી પાસે સમય નથી.ઉતાવળ રાખ”તેણે મારો હાથ પકડી મને રિવોલ્વર આપી.તેણે મારાં જ હાથમાં રિવોલ્વર રાખી હવામાં ગોળી ચલાવી પોતાનાં નમણે રિવોલ્વર રાખી દીધી.મને તેઓએ ધીમેથી કહ્યું, “નાટક શરૂ કર હવે”
રિવોલ્વરનો અવાજ સાંભળી બે કોન્સ્ટેબલ દોડી આવ્યા.
“ખબરદાર જો કોઈ હલનચલન કર્યું છે તો”મેં ત્રાડુકીને કહ્યું, “નહીંતર તમારા ઇન્સ્પેક્ટરનું ભેજું ઉડાવી દઈશ.
“એ કહે એમ કરો કોન્સ્ટેબલ”જુવાનસિંહે કહ્યું, “પાગલ માણસ છે આ.કંઈ પણ કરી શકે”
હું જુવાનસિંહને ધકેલતાં ધકેલતાં બહાર લઈ આવ્યો તેઓને ગાડીમાં બેસવાનું કહ્યું.અમે બંને ગાડીમાં બેઠાં એટલે તેઓએ ગાડી શરૂ કરી જવા દીધી.
તેઓ મને બકુલના ઘરેથી થોડે દુર ઉતારી ગયાં.સાથે તેઓએ મને બે હાથરૂમાલ આપીને કહ્યું, “માફ કરી દેજે મને,મારા કારણે તારે સહન કરવું પડ્યું.અત્યારે આ રૂમાલથી ચહેરો છુપાવી રાખજે.એક દિવસ એવો આવશે જ્યારે લોકો તારો ચહેરો જોવા તરસશે”
જુવાનસિંહ શું કહી ગયાં એ મને ના સમજાયું.મારી પાસે સમજવાનો સમય પણ નહોતો.મેં ચહેરાને રૂમાલ વડે છુપાવી લીધો.મુખ્ય રસ્તાને બદલે ગલીઓમાં થઈને હું બકુલના ઘરે પહોંચ્યો.ત્યાં કોઈ મારી રાહ જોઈ રહ્યું હતું.
(ક્રમશઃ)
જૈનીતને શા માટે ફરાર કરવામાં આવ્યો હતો?,જુવાનસિંહે જૈનીતને શા માટે બકુલના ઘરે મોકલ્યો હતો?ત્યાં કોણ જૈનીતની રાહ જોઈ રહ્યું હતું?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226