આઠ
સુંદરીના કલાસરૂમમાંથી ગયા બાદ વિદ્યાર્થીઓ પણ એક પછી એક ક્લાસમાંથી રવાના થવા લાગ્યા, પરંતુ વરુણ પોતાના સ્થાનથી હલ્યો પણ નહીં. એ પેલા સુંદરી દ્વારા બંધ થયેલા બારણા તરફ સતત જોવા લાગ્યો. વિદ્યાર્થીઓના એક પછી એક જવાથી બારણું વારંવાર બંધ થાય છે એની નોંધ સુદ્ધાં એણે ન લીધી. પરંતુ કૃણાલ અને સોનલબાએ તેની આ હાલતની નોંધ જરૂર લીધી.
“ભઈલા, તારે આવવું નથી?” સોનલબા વરુણની સામે આવીને ઉભા રહ્યા અને બોલ્યા તો પણ વરુણ તો ટગર ટગર જોતો જ રહ્યો.
વરુણની નજર સામે હજી પણ પેલો કાળો બંધ દરવાજો જ હતો, સોનલબા નહીં!
“અલ્યા એય...લેક્ચર પૂરું અને કોલેજ પણ. ઘરે નથી જવું?” કૃણાલે મિત્ર દાવે વરુણનો ખભો પકડીને ને ઢંઢોળ્યો.
“હેં! શું પૂરું થઇ ગયું?” વરુણે સ્વપ્નમાંથી જાગીને પૂછ્યું.
“લેક્ચર, લેક્ચર...અને કોલેજ પણ. આજનો દિવસ પૂરો.” કૃણાલ આ વખતે થોડું જોરથી બોલ્યો.
“આજનો દિવસ પૂરો વરુણભાઈ, આપણે જઈશુંને?” સોનલબાએ હવે કૃણાલના સૂરમાં સૂર પૂરાવતા કહ્યું.
“હા..હા.. તો ચાલોને? મેં ક્યાં ના પાડી!” વરુણ તરત જ પોતાની બેંચ પરથી ઉભો થયો અને પોતાની બેગ ખભા પર ભેરવતા બોલ્યો.
“સોનલબેનને બસ સ્ટોપ પર મૂકી આવીએ પછી આપણે પણ બસ સ્ટેન્ડે જઈએ.” કૃણાલ બોલ્યો.
“ના.. એમ દરરોજ આવવાની જરૂર નથી તમારે બંનેએ અને મારી બસ હવે દસ મિનીટમાં આવશે જ એટલે હું પણ બોર નથી થવાની. તમે આરામથી AMTSના બસ સ્ટેન્ડે જાવ.” સોનલબા એ પોતાના માથા પર રહેલી ઓઢણી સરખી કરતા કહ્યું.
“પાક્કું?” વરુણે કન્ફર્મ કરવા પૂછ્યું.
“સો ટકા!” સોનલબાએ સ્મિત આપ્યું.
સોનલબાને પાછલા દરવાજેથી જવાનું હોવાથી એ દૂરની સીડી તરફ ચાલવા લાગ્યા જ્યારે વરુણ અને કૃણાલને રૂમની બાજુમાં આવેલી સીડીથી જ ઉતરીને કોલેજના મેઈન દરવાજાથી જવાનું હોવાથી તેઓ એ સીડી ઉતરી ગયા.
ગ્રાઉન્ડ ફ્લોર પર ઉતરીને થોડું ચાલીને તેમણે કોલેજની બહાર નીકળવાનું હતું. વરુણ અને કૃણાલ જ્યારે સ્ટાફ રૂમ પાસેથી પસાર થવાના જ હતા કે સુંદરી અચાનક જ એ રૂમમાંથી બહાર આવી અને વરુણ અને કૃણાલ તરફ ચાલવા લાગી.
સુંદરીને પોતાના તરફ આવતા વરુણના હ્રદયના ધબકારા ફરીથી વધી ગયા અને એની ચાલ ધીમી થવા લાગી. કૃણાલ બે ડગલા આગળ ચાલવા લાગ્યો. સુંદરી પોતાના માથાના વાળ સરખા કરતી કરતી વરુણ તરફ ચાલી રહી હતી અને જ્યારે તે વરુણની એકદમ નજીક આવી ત્યારે તે તેના તરફ પોતાનું તીર ચલાવતું સ્મિત રેલાવીને આગળ જતી રહી.
વરુણ હવે એક ડગલું પણ આગળ વધવા માટે સક્ષમ ન હતો. તેના પગ ત્યાંને ત્યાં જ ચોંટી ગયા.
“અલ્યા એય, ચલ...ઉભો શું રહી ગયો છે?” થોડું આગળ જતા રહેલા કૃણાલને જ્યારે ખ્યાલ આવ્યો કે વરુણ તેની સાથે નથી ચાલી રહ્યો ત્યારે તે પાછળ વળ્યો અને વરુણને પૂતળાની જેમ ઉભો રહેલો જોઇને બોલ્યો.
કૃણાલની વાત કદાચ વરુણને કાને પણ પડી ન હતી એટલે એ એમનેમ, એ જ પરિસ્થિતિમાં ઉભો રહ્યો.
“તને કહું છું સંભળાતું નથી?” કૃણાલ હવે વરુણની નજીક આવ્યો અને ફરીથી તેનો ખભો પકડીને તેને ઢંઢોળી દીધો.
“હેં?!! હા..હા.. ચલ...” કૃણાલના જગાડવાથી જાગેલા વરુણે એક વખત પાછળ વળીને જોયું જે તરફ સુંદરી ગઈ હતી. સુંદરી તો ન દેખાઈ એટલે વરુણે કૃણાલ સાથે આગળ ચાલવાનું શરુ કર્યું.
ધીમેધીમે ચાલતા ચાલતા તેઓ કોલેજના મુખ્ય દરવાજાની બહાર આવી ગયા. જેવા તેઓ કોલેજના મુખ્ય દરવાજાની બહાર આવ્યા કે કૃણાલ રોકાયો.
“ચલ મારી સાથે!” કૃણાલે હુકમના સ્વરમાં કહ્યું.
“ક્યાં?” વરુણને આશ્ચર્ય થયું.
“અંદર, ગાર્ડનમાં” કોલેજના ગાર્ડનના દરવાજા તરફ ઈશારો કરતા કૃણાલ બોલ્યો.
“પણ કેમ?” વરુણના આશ્ચર્યમાં ઉમેરો થયો.
“મેં કીધું ને એટલે!” કૃણાલે હવે વરુણનો હાથ પકડ્યો અને તેને ગાર્ડનના દરવાજા તરફ દોરી જવા લાગ્યો.
બંને જણા ગાર્ડનમાં આવ્યા અને કૃણાલે દૂર એક ખાલી બેંચ જોઈ અને તેણે હજુ સુધી વરુણનો હાથ પકડેલો જ હતો એટલે એને ફરીથી એ બેંચ તરફ દોરી ગયો.
“બેસ!” બેંચ નજીક પહોંચતા જ ઈશારો કરતા કૃણાલ બોલ્યો.
“આ અચાનક તને શું થઇ ગયું લ્યા?” વરુણની આંખો હવે પહોળી થવા લાગી હતી.
“બેસ કીધુંને તને?” કૃણાલે ઓર્ડર પાસ કર્યો અને વરુણને માનવું પડ્યું.
“બેસી ગયો, બોલ હવે શું કહેવું છે તારે? આપણી સવા વાગ્યાની બસ છે પછી છેક અઢી વાગ્યે આવશે, અત્યારે પોણો વાગ્યો છે અને બસ સ્ટેન્ડે પહોંચતા આપણને સહેજે પંદર મિનીટ લાગશે એટલે જે કહેવું હોય તે વહેલું પતાવજે.” બેંચ પર બેસવાની સાથે જ વરુણે શરત મુકતા કહ્યું.
“સવા વાગ્યાની બસ ભલે જતી રહે, આપણે રીક્ષામાં જઈશું. પૈસા હું આપીશ.” એક પગ જમીન પર રાખી અને બીજો પગ વરુણની બાજુમાં બેંચ પર મુકતા કૃણાલ બોલ્યો.
“વાહ, મારા અંબાણી!” વરુણે પોતાના મૂળ સ્વભાવમાં પરત થવાની સાથે જ કહ્યું.
“બકવાસ બંધ કર અને હું પૂછું એનો જવાબ આપ. હમણાં ક્લાસમાં તને શું થયું હતું?” કૃણાલે હવે વધારે ભૂમિકા બાંધ્યા વગર જ વરુણને પહેલો સવાલ કર્યો.
“શું થયું હતું મને?” વરુણ ફરીથી આશ્ચર્ય પામ્યો.
“સુંદરી મેડમના ક્લાસમાં અંદર આવવાની સાથે જ જે થવાનું તને જે શરુ થયું હતું તે આપણે નીચે આવ્યા ત્યાં સુધી ચાલુ રહ્યું એ.” કૃણાલે હવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.
“કશું નહીં...” કૃણાલની વાત હવે વરુણ સમજી ચૂક્યો હતો.
“મારી પાસે તો જુઠ્ઠું બોલતો જ નહીં! નર્સરીથી તારો ફ્રેન્ડ છું. ચલ સાચું બોલ.” કૃણાલના અવાજમાં કોઈ સત્તાધીશનો સૂર હતો.
“અલ્યા કશું નથી, તું પણ શું મગજની મેથી મારે છે!” વરુણે ફરીથી છટકવાની કોશિશ કરી.
“પોણા કલાક સુધી તારી મેં જે હાલત જોઈ છે એનાથી નથી લાગતું કે તને કશું નથી થયું. સુંદરી મેડમને જોઇને તારા કપાળ અને હથેળીમાં મેં પરસેવો જોયો છે.” કૃણાલ હવે મુદ્દા પર આવ્યો.
“હટ્ટ, શું બકવાસ કરે છે તું!” વરુણે ખોટો ગુસ્સો કર્યો.
“બકવાસ તું કરે છે. તને હું નથી જાણતો? છોકરીઓના મામલામાં તું તરત લપસી જાય છે અને એ પણ સુંદરી મેડમ જેવી એકદમ એટ્રેક્ટિવ લેડી અથવાતો છોકરી હોય તો તો ખાસ. તારો શર્ટ ભીનો થઇ ગયો હતો વરુણ. તને આટલી બધી છોકરીઓ સાથે ફ્લર્ટ કરતા મેં ઘણીવાર જોયો છે પણ આ રીતે ફ્લર્ટ કર્યા વગર કોઈને જોઇને જ તને આટલો બધો નર્વસ થઇ જતા નથી જોયો અને એટલે જ મેં તને પૂછ્યું કે તને શું થયું છે!” કૃણાલે વરુણને ચારેય બાજુથી હવે ઘેરી લીધો હતો.
“જો તું માને છે એવું કશું નથી.” વરુણે પોલો જવાબ આપ્યો.
“અને તું જે મને કહી રહ્યો છે ને એવું તો બિલકુલ જ નથી સમજ્યો?” કૃણાલ થોડો ચિડાયો.
કૃણાલનું આ નવું રૂપ જોઇને વરુણ ફાટી આંખે એને જોવા લાગ્યો.
“જો હું ફ્લર્ટ વગેરેથી દૂર રહું છું, મારા બાપાના ડરથી પણ હું પણ એક ટીનેજર જ છું તારી જેમ, મારી ઈમોશન્સ મરી પરવારી નથી ઓકે? તને તો હું તારા બાપા કરતા પણ વધુ જાણું છું અને એટલે જ કહું છું કે સુંદરી મેડમ તને પહેલી નજરે જ ગમી ગયા છે. જ્યારે આવું થાય ત્યારે જ કોઈ છોકરો આટલો બધો નર્વસ થઇ જાય.” કૃણાલે હવે સાવ ચોખ્ખું જ કહી દીધું.
“તું યાર ફરીથી બકવાસ કરી રહ્યો છે.” વરુણ હવે કૃણાલથી વિરુદ્ધ દિશામાં જોઇને બોલ્યો.
“કેમ આમ ફરી ગયો બે? હિંમત હોય તો મારી આંખમાં આંખ નાખીને બોલને? મને પણ છોકરીઓ ગમે છે અને અગિયારમાં ધોરણમાં મને રાધિકા જ્યારે પહેલીવાર મળી ત્યારે હું પણ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. પણ એ મારી ઉંમરની છોકરી હતી એટલે આવું થાય. પણ આ તો...” કૃણાલ જાણીજોઈને રોકાયો અને એણે ગુસ્સામાં પોતાનું ડોકું નકારમાં ધુણાવ્યું.
“પણ આ તો એટલે?” વરુણે હવે કૃણાલ સામે જોઇને સવાલ કર્યો.
“આ તો આપણા ટીચર છે, શિક્ષક..” કૃણાલ ફરીથી રોકાયો.
“તો?” વરુણે ફરીથી પૂછ્યું.
“અને તારા અને મારાથી લગભગ નવેક વર્ષ મોટા પણ હશેજ.” કૃણાલે પોતાની વાત પૂરી કરી હોય એવું લાગ્યું.
“એટલે તને એવું લાગે છે કે હું આપણી પ્રોફેસર સાથે લફરું કરવા માંગું છું? અને એ પણ પહેલી મુલાકાતમાં જ મેં એવું નક્કી કરી લીધું એમ?” વરુણે કૃણાલ પાસેથી રીતસર સ્પષ્ટતા માંગી.
“હા કારણકે સરખે સરખી ઉંમરના છોકરા-છોકરી વચ્ચે પ્રેમ થાય એ યોગ્ય છે પરંતુ એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે નહીં. સમાજના અમુક નિયમો હોય છે જે ગમે કે ન ગમે આપણે માનવા જોઈએ.” કૃણાલે કહ્યું.
“તો મને ચોખ્ખે ચોખ્ખું કહેવા દે કે મારો આવો કોઈજ ઈરાદો નથી. તું ખોટેખોટી ચિંતા કરી રહ્યો છે જેનું કોઈ કારણ જ નથી.” વરુણ હવે બેંચ પરથી ઉભો થયો.
“તારો એવો કોઈ ઈરાદો નથી એ તું ન માનતો હોય તો ભલે, પણ હું તો માનું જ છું કારણકે મેં તારી હાલત ક્લાસમાં જોઈ છે. તું એ ખોટે રસ્તે જાય એ પહેલા જ તને ત્યાંથી પાછા વાળવાની તારા ખાસ મિત્ર તરીકે મારી ફરજ છે. અને ધારોકે ને તું એ રસ્તે જઈશ તો તને મારો કોઈજ સાથ સહકાર નહીં મળે એ તું અત્યારથી જ નોંધી લેજે.” કૃણાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.
“તું ખોટેખોટી ચિંતા કરીને તારું બીપી આ ઉંમરે જ વધારી રહ્યો છે. એ નામ પ્રમાણે જ સુંદર છે આઈ અગ્રી, પણ બસ એટલું જ.” વરુણે કૃણાલના ખભે પોતાના આંગળા દબાવીને એને કહ્યું.
“અત્યારે તો હું તારી આ વાત માની લઉં છું.” કૃણાલે જવાબ આપ્યો.
“બસ હવે મારા ભાઈ, તારી પાસે ખોટું બોલીને હું ક્યાં જઈશ?” અને વરુણે કૃણાલને ગળે વળગાડી દીધો.
==:: પ્રકરણ ૮ સમાપ્ત ::==