ઇશાનને ગોળી મારવામાં આવી, તેના એક કલાક પછી
‘આપણું કામ અડધું પૂર્ણ થયું…’, પરેશે હોટેલના રૂમમાં દાખલ થતાં તે વ્યક્તિને જણાવ્યું, જેણે ઇશાન પર ગોળી ચલાવી હતી.
ગોળી ચલાવનાર વ્યક્તિ હતો, વિવેક.
‘પરેશભાઇ... ઇશાનને મારવાથી આપણને શો લાભ થયો? ખજાના સુધી જવાનો માર્ગ તો એ જાણતો હતો...’, વિવેકે બેડ પર લંબાવ્યું.
‘એવું નથી. ઇશાનને તેનો પુર્નજન્મ યાદ કરવાના ઘણા પ્રયાસો કર્યા. પરંતુ બધા જ પ્રયત્નો નિષ્ફળ રહ્યા.’, પરેશે પાણીનો જગ ઉપાડી ગ્લાસ ભર્યો.
‘એટલે મારી નાંખવાનો...’, વિવેકે પરેશના હાથમાંથી ગ્લાસ લઇ પોતે પાણી પી ગયો.
‘ના, પરંતુ તેની પાસેથી આપણે જે જાણવું હતું. તે માહિતી હવે બીજેથી પણ મળી શકે તેમ છે. માટે તેની જરૂર રહી નહિ.’, પરેશ જગથી પાણી પીવા લાગ્યો.
‘ક્યાંથી મળશે?’, વિવેકે અધીરાઇ દર્શાવી.
‘તને ક્રમવાર યાદ કરાવું.’, પરેશે વિવેકને ખુરશી પર બેસવા ઇશારો કર્યો, ‘જો… તારૂ પહેલું કામ હતું - ઇશાન પર હુમલો કરવાનું, જે તે પંકજ સાથે મળીને બરોબર નિભાવ્યું. પરંતુ તેને કંઇ યાદ આવ્યું નહિ. બીજું કાર્ય ઇશાનનો પીછો કરવાનું હતું. તેની પાછળ પાછળ ફરવા છતાં પણ કંઇ જાણવા મળ્યું નહી. કામ નંબર ત્રણ, અહીં તેની સામે આવવાનું અને તેને વિચારતા કરી દેવો. જેમાં તું સફળ રહ્યો. પરંતુ તેના તરફથી કોઇ ગતિવીધિ દેખાઇ નહિ. આખરે તેના પર તે જ્ગ્યા એ જ બંદુક તાકવામાં આવી, જ્યાં ટીપુની હત્યા થઇ હતી, તોય... સાળાને કંઇ પણ યાદ આવ્યું નહિ. પછી તેનું શું કરાય...?’, પરેશ અટ્ટહાસ્ય કરવા લાગ્યો, ‘મૃત્યુ...મૃત્યુ... જ તેનું આખરી સરનામું હતું.’
‘આ તો તમે વાર્તા કરી. આમાં આપણને ઇશાન પાસેથી આશા હતી, તે માહિતી ક્યાંથી મળશે?, તેની કોઇ વાત આવી નહિ.’, વિવેકે પરેશ સામે ઝીણી નજર નાંખી.
એટલામાં ડોર-બેલ વાગી. પરેશે વિવેક સામે જોયું અને તેના ચહેરા પર સ્મિત ફર્ક્યું.
‘તું જે પૂછે છે ને, તેનો જવાબ દરવાજાની પેલે પાર છે. જા દરવાજો ઉઘાડ.’, પરેશે વિવેકને આદેશ કર્યો.
‘હું નહિ ખોલું. તમે જ જુઓ.’
પરેશે મલકાતાં મલકાતાં દરવાજો ઉઘાડ્યો. વિવેક આંખો પહોળી કરીને દરવાજા તરફ જ તાકી રહેલો. દરવાજો ખૂલતાં જ પરેશ વચ્ચે ઊભો હોવાને કારણે તેની સામે કોણ હતું?, તે ર્દશ્યમાન બન્યું નહિ. આખરે પરેશ રૂમમાં બેડ તરફ આવ્યો અને તેની પાછળ ડોર-બેલ વગાડનાર પણ. પરેશ ખુરશી પર બેઠો અને વિવેક માટે ર્દશ્ય સ્વચ્છ બન્યું. ડોર-બેલ વગાડનાર એક સ્ત્રી હતી. ઘેરા રાખોડી રંગનું, ત્વચાને ચીપકી જાય તેવું ડેનીમ અને શ્યામ રંગનો શર્ટ તે સ્ત્રીના વક્ષ:સ્થળના ઉભારને છુપાવી શકતો નહોતો. શ્યામ વિશાળ આંખો અને છાતી પરના મંદિર પર આવીને અટકી જતા ગોળ ગોળ ઘુમરીઓ જેવા વાળ. રૂપનો ભંડાર. તનના દરેક આરોહઅવરોહ કોઇને પણ ભાન ભૂલાવી નાંખે.
‘આ...આ... કોણ...?’, વિવેકનો અવાજ ગળામાં અટવાયો અને લથડિયા ખાવા લાગ્યો.
‘તું ઓળખે છે… મને...’, સ્ત્રીએ મોબાઇલ બેડ પર મૂકતા કહ્યું.
‘અવાજ તો સાંભળેલો લાગે છે...મને…’, વિવેકે યાદ કરવાનો પ્રયાસ કર્યો, ‘અરે...હા, આ અવાજ તો નીરજના મેડમનો છે, જેમણે ઇશાન પર હુમલો કરવા માટે પૈસા આપ્યા હતા.’
‘વાહ...અવાજ સારી રીત ઓળખી લીધો.’, પરેશે વિવેકને બિરાદાવ્યો.
‘તે દિવસે તમે દુપટ્ટો બાંધેલો હતો...ડ્રેસ પહેરેલો હતો... ચહેરો તો મેં જોયો જ નહોતો. મને ખબર નહોતી કે અમે રૂપસુંદરી માટે કાર્યરત હતા.’, વિવેકે લુચ્ચું સ્મિત સ્ત્રી તરફ ફેંક્યું.
‘યુ ઇડિયટ... અહીં પણ તારે પૈસારૂપી હાડકાને ખોરાક સમજી મારા પાલતુ કુતરાની જેમ જ કાર્ય કરવાનું છે. એટલે મને ઘુરવાનું બંદ કર...’, સ્ત્રી ગુસ્સે થઇ.
‘તમે જે કહો, એ મેડમ. પરંતુ એક વખત વાતોવાતોમાં નીરજે આપનું નામ કહ્યું હતું. મને યાદ નથી આવતું.’, વિવેક ખુરશી પર બેઠો.
‘તારે તેનું નામ જાણવાની જરૂર નથી.’, પરેશે વિવેકને ચૂપ થવા ઇશારો કર્યો.
‘યાદ આવ્યું...શ્વેતા મેડમ...’, વિવેકે ખુશીમાં તાળી પાડી.
‘ના...તેનું નામ શ્વેતા નથી...’, પરેશે વિવેક તરફ નજર નાંખી.
તે સ્ત્રી વિવેકની પાસે આવી, આંખોમાં આંખો પરોવી, ‘નામ છે...શ્યામા...’
*****
મૈસુરુ યુનિવર્સિટી, મુખ્ય કચેરી
‘નમસ્કાર, હું લશ્કર પોલીસ સ્ટેશનથી આવું છું.’, સ્ત્રી કોન્સ્ટેબલે કુલપતિની ઓફિસનો દરવાજો ઝરાક ઉઘાડ્યો.
‘આવો...! શું કામ હતું?’, ચશ્માની દાંડી સરખી કરતા કુલપતિએ પરવાનગી આપતા જ આવવાનું કારણ પણ પૂછી લીધું.
‘થોડી માહિતી જોઇતી હતી.’
‘બોલોને...’
‘આજથી ત્રણ-ચાર વર્ષ પહેલાં યુનિવર્સિટીમાંથી એમ.એ. હિસ્ટ્રી ભણેલા વિદ્યાર્થીઓની જાણકારી જોઇએ છે.’, સ્ત્રી કોન્સ્ટેબલે જણાવ્યું.
કુલપતિએ તુરત જ રજિસ્ટ્રારને ઇંટરકોમથી ફોન જોડ્યો, ‘એક મેડમને મોકલું છું. તે જે માંગે છે તે માહિતી તેમને મળી જવી જોઇએ.’ ફોન મૂકી કોન્સ્ટેબલને રજિસ્ટ્રારની મુલાકાત માટે જણાવ્યું.
‘ધન્યવાદ, સાહેબ...’, સ્ત્રી કોન્સ્ટેબલ કુલપતિની ઓફિસથી બહાર નીકળી.
રજિસ્ટ્રારનું કાર્યાલય કુલપતિની ઓફિસની જમણી બાજુ જ હતું. કોન્સ્ટેબલ ઝડપથી ત્યાં પહોંચી. રજિસ્ટ્રારે તેને વિદ્યાર્થી વિભાગમાં મોકલી અને વિભાગના અધિકારીને કુલપતિએ આપેલ સૂચના પહોંચાડી દીધી.
‘આવો...મેડમ! શું માહિતી જોઇએ...?’, વિદ્યાર્થી વિભાગ સંભાળતા અધિકારીએ કોન્સ્ટેબલને પૂછ્યું.
‘મને એમ.એ. હિસ્ટ્રીનો અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ, કે જેઓએ છેલ્લાં ત્રણથી ચાર વર્ષ દરમ્યાન અનુસ્નાતકની પદવી મેળવેલ હોય...તેમની માહિતી જોઇએ છે.’
‘તમે અંદરની તરફ આવી જાઓ. કોમ્પ્યુટરમાંથી જરૂરી એવી માહિતી મળી જશે.’, અધિકારીએ કહ્યું.
કોન્સ્ટેબલે અંદરની તરફ કોમ્પ્યુટર ટેબલની પાસે સ્થાન ગ્રહણ કર્યું. અધિકારીએ ચાર વર્ષ પહેલાંની માહિતી સ્ક્રીન પર ખોલવા માંડી. કોન્સ્ટેબલ પણ ધ્યાનથી દરેક પાસપોર્ટ સાઇઝ સ્કેન કરેલા ફોટોગ્રાફને ચકાસી રહેલી. આશરે ૨૬ વિદ્યાર્થીની માહિતી જોયા છતાં પણ તેમાંથી કંઇ જાણવા મળ્યું નહિ. ત્રણ વર્ષ પહેલાના વિદ્યાર્થીઓની માહિતી તપાસવાનું શરૂ કર્યું. પરંતુ કંઇ હાથે ન લાગ્યું. આમ ચારેક વર્ષના થઇ, કુલ ૧૦૮ વિદ્યાર્થીઓની તપાસ બાદ કોન્સ્ટેબલ ખાલી હાથે જ હતી. થોડી નિરાશ થઇ. બહાર નીકળી કોન્સ્ટેબલે ઇંસ્પેક્ટરને ફોન જોડ્યો અને કોઇ કામ લાગે તેવી માહિતી ન મળી હોવા બાબતે જાણ કરી.
‘કંઇ વાંધો નહિ. શોધી નાંખીશું.’, ઇંસ્પેક્ટરે ફોન કાપી નાંખ્યો.
સ્ત્રી કોન્સ્ટેબલે માહિતી ન મળવાના કારણે હતાશાના કારણે ગુસ્સામાં નિસરણીના કઠેડા પર હાથ પછાડ્યો.
*****
બીજા દિવસે સવારે...
‘હેલો...! મિસ્ટર ઇશાન... કેવું લાગે છે?’, મૈસુરના વાણીવિલાસ હોસ્પિટલમાં ડૉક્ટરે ઇશાનને ભાનમાં આવતો જોઇ પૂછ્યું.
‘હું... અહીં કેવી રીતે?... અને મને તો ગોળી વાગી હતીને…’, ઇશાનની જીભ થોથવાઇ.
‘આરામ કરો... હું કહું છું...’, ડૉક્ટરે ઇશાનને બેડ પરથી ઊભો થતા રોક્યો, ‘તમારા જમણા ખભા પર વાગેલી ગોળી હાડકાને સ્પર્શીને નીકળી છે, જેના લીધે હાડકામાં થયેલ ઇજાના ઇલાજરૂપે મજબૂત પાટો બાંધ્યો છે. ઓછામાં ઓછા ત્રણ મહિના તો લાગશે જ હાડકાને સહીસલામત થવામાં. વળી, અદ્દભૂત વાત એ છે કે તમે ડેક્ષ્ટ્રોકાર્ડિયાક છો, એટલે કે તમારૂ હ્રદય ડાબી તરફ હોવાની જગાએ જમણી તરફ છે. દુનિયાની વસ્તીની સરખામણીમાં ૧ ટકા આવા લોકો હોય છે. જે તમે છો. માટે જ ગોળી છાતીમાં ડાબી તરફ વાગવા છતાં...તમે હજી જીવિત છો. સૌથી મહત્વની વાત, તમે ચોક્કસ સમયગાળામાં હોસ્પિટલ પહોંચી ગયા, પાડ માનો ભગવાન અને તેનો જેણે તમને અહીં પહોંચાડ્યા.’
‘કોણ છે, તે?’, ઇશાને ડૉક્ટર સામે જોયું.
‘હું નથી ઓળખતો...’, ડૉક્ટર હાથ હલાવતા હલાવતા રૂમમાંથી બહાર નીકળ્યો, ‘હા, પોલીસ આવતી જ હશે. મેં તેમને જાણ કરી છે કે તું ભાનમાં આવી ગયો છે.’
ઇશાન વિચારમાં પડી ગયો. પોલીસ શું પૂછશે? અને શું જવાબ આપવો? મૂંઝવણ હતી.
*****
તે જ સમયે લશ્કર પોલીસ સ્ટેશન,
‘તમે અત્યારે વાણીવિલાસ હોસ્પિટલ પહોંચો. ગઇ કાલે ત્યાં એક દર્દી દાખલ કરવામાં આવેલ છે, જેની હત્યા કરવાનો પ્રયાસ થયો છે. શ્રીરંગપટમ વિસ્તારના પોલીસ સ્ટેશનથી ફોન હતો. ચકાસી લો કે આ ઘટનાને અને હોટેલમાં થયેલી હત્યા સાથે કોઇ સંબંધ તો નથી ને...’, ઇંસ્પેક્ટરે સ્ત્રી કોન્સ્ટેબલને આદેશ કર્યો.
‘હા! સાહેબ...’, સ્ત્રી કોન્સ્ટેબલ તુરત જ નીકળવા તૈયાર થઇ ગઇ. ઇંસ્પેક્ટરે તેની સાથે એક પુરૂષ કોન્સ્ટેબલ પણ મોકલ્યો.
‘તને શું લાગે છે? તુ જેને ઓળખવાનો દાવો કરે છે, તે વ્યક્તિની માહિતી તો મળતી જ નથી. અને બીજા જ દિવસે અન્ય એક વ્યક્તિની હત્યાનો પ્રયાસ... આપણે શોધી શકીશું?’, પુરૂષ કોન્સ્ટેબલે ગાડી હંકારતા હંકારતા સવાલ કર્યો.
‘ખબર નથી... આ વ્યક્તિને મળીએ તો ખરી. જોઇએ શું જાણવા મળે છે...?’, સ્ત્રી કોન્સ્ટેબલે કપાળ પર હાથ ફેરવ્યો. વિચારોમાં ક્યારે હોસ્પિટલ આવી ગયું, તેને ખબર જ ન રહી.
બન્ને કોન્સ્ટેબલ ઝડપથી ડૉક્ટરને મળ્યા અને ડૉક્ટરે તેમની સાથે એક નર્સને મોકલી આપી. બીજા માળ પર ૨૦૭ નંબરના રૂમમાં ઇશાન આરામમાં હતો. આંખો બંધ, પરંતુ વિચારોની ગતિમાં આંખો વ્યસ્ત હતી. અનેક ઘટનાઓ તેની સામે આવતી હતી. પ્રત્યેકના અંતે એના હાથ ખાલી અને આંખો સૂકાઇ જતી. ત્યાંજ દરવાજા પર કોઇનો હાથ ટકરાવવાનો અવાજ આવ્યો. ઇશાને આંખો ખોલીને નજર દરવાજા તરફ નાંખી. નર્સ હતી. તેની પાછળ કોન્સ્ટેબલ પણ રૂમમાં પ્રવેશ્યો.
‘તો તમે છો, જેમની હત્યા કરવાનો પ્રયાસ થયો છે?’
‘હત્યા કરવાનો નહિ, હત્યા કરી જ નાંખી હતી. ભલું થાય તેનું જેણે મને અહી સુધી પહોંચાડ્યો.’, ઇશાન કોન્સ્ટેબલના પ્રશ્નથી અકળાયો. તે આગળ કંઇ બોલે તે પહેલાં જ સ્ત્રી કોન્સ્ટેબલ પ્રવેશી.
એક ક્ષણ માટે ઇશાન ધબકારો ચૂકી ગયો. સ્ત્રી કોન્સ્ટેબલની આંખો પણ પહોળી થઇ ગઇ. બન્નેની નજર એકબીજાના ચહેરા પર અટકી ગઇ.
‘આ તો, તે જ છે જેને આપણે શોધીએ છીએ...મારા દાદાનો વિદ્યાર્થી…’, સ્ત્રી કોન્સ્ટેબલે તેના સાથીની સામે જોયું.
‘આપણે યુનિવર્સિટીમાં શોધતા હતા અને વિદ્યાર્થી તો અહી અભ્યાસ કરી રહ્યો છે.’, પુરૂષ કોન્સ્ટેબલે ઇશાન સામે જોયું.
ઇશાન કંઇ બોલી શક્યો નહિ. ચાતક સમી આંખો વર્ષારૂપી સ્ત્રી કોન્સ્ટેબલ પર જ ચોંટી ગઇ હતી.
આખરે ઇશાને મૌન તોડ્યું, ‘બાનુ...રૂક્યા બાનુ...’ , અને સ્ત્રી કોન્સ્ટેબલને તાક્યે જ રાખ્યું.
‘શું?’
‘મારી બાનુ...’, ઇશાને સ્ત્રી કોન્સ્ટેબલ તરફ હાથ લંબાવ્યો.
‘હું બાનુ નથી....’, સ્ત્રી કોન્સ્ટેબલે થોડો ગુસ્સો બતાવ્યો.
‘જો તું બાનુ નથી, તો કોણ છે?’, ઇશાને વળતો પ્રશ્ન કર્યો.
‘હું...હું...’, સ્ત્રી કોન્સ્ટેબલ થોડી ગભરાઇ.
‘હા... બોલને… તારી સાચી ઓળખ...’, ઇશાને બેડ પરથી ઉતરવાનો પ્રયાસ કર્યો. પરંતુ નર્સે તેને અટકાવ્યો.
‘હા! તો સાંભળ... હું છું... સુનિતા…’
*****