Prinses Niyabi - 36 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | પ્રિંસેસ નિયાબી - ભાગ 36

Featured Books
  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

  • ઉર્મિલા - ભાગ 10

    દરવાજા પર પ્રાચીન ભાષામાં ખોદાયેલા શબ્દો "મૂકી દેવું એ જ મુક...

  • આસપાસની વાતો ખાસ - 11

    10. હિતેચ્છુ “અરે સાહેબ,  હું તો તમારો  મિત્ર અને હિતેચ્છુ છ...

  • છેલ્લો દિવસ

    અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આવતીકાલ...

Categories
Share

પ્રિંસેસ નિયાબી - ભાગ 36

ને એ દિવસ પણ આવી ગયો. સવારથી જ યામનમાં ખૂબ અવરજવર હતી. લોકો હર્ષઉલ્લાસમાં હતા. ચારેતરફ આનંદ જ આનંદ હતો.

નિયાબી અને અગીલાએ રંગારંગ કાર્યમાં ભાગ લીધો હોય એવી રીતે તૈયાર થયા હતા.

ઓનીર: અગીલા ધ્યાન રાખજે રાજકુમારીની સુરક્ષા પણ જરૂરી છે.

નિયાબી: એની કોઈ ચિંતા નથી. આજે જો પકડાઈ પણ જવાય તો પણ લડી લઈશું.

ઓનીર ચૂપ થઈ ગયો.

અગીલા: તું ચિંતા ના કર હું ધ્યાન રાખીશ. પછી એણે ઓનીરને આંખોના ઈશારાથી સાંત્વન આપ્યું.

ઓનીર અને અગીલાએ સાથે જ નક્કી કર્યું હતું બધું. નિયાબી અને અગીલા જ્યારે રાજાને છોડાવવા જશે ત્યારે ઓનીર પોતાની રીતે એમનો સાથ આપશે. જ્યારે એ લોકો રાજાને છોડાવવા જાય ત્યારે જરૂર પડે તો જાદુનો ઉપયોગ કરી શકે એટલે જ ઓનીરે નિયાબી અને અગીલાને જવાની વાત માની હતી. ને નિયાબી પણ આ વાત જાણતી હતી.

બધા લોકો ઉજવણીમાં સામેલ થઈ ગયા. ખોજાલ અને નાલીનના લોકો બરાબર આ લોકોની જાસૂસી કરી રહ્યા હતા. યામનના મોટા મેદાનમાં મોટુ મંચ બનાવવામાં આવ્યું હતું. એની ઉપર રાજા નાલીન, ખોજાલ અને બીજા મહાનુભાવો બિરાજેલા હતા. લોકો હર્ષઉલ્લાસ સાથે એમનું અભિવાદન કરી રહ્યા હતા. પરિસ્થિતિ જોઈને અગીલા અને નિયાબી ત્યાંથી નીકળી મહેલ પર પહોંચી ગયા. નકશા પ્રમાણે એ લોકો અંદર પ્રવેશી આગળ વધવા લાગ્યા. ઓનીર સતત એમની પર નજર રાખી રહ્યા હતો. એ લોકો અંદર ગયા એટલે ઓનીર ત્યાંથી નીકળી એ લોકો રાજા માહેશ્વરને લઈને જ્યાં આવવાના હતા એ જગ્યાએ જવા નીકળ્યો.

નિયાબી અને અગીલા સાવધાની પૂર્વક આગળ વધવા લાગ્યા. આ રસ્તો એક ગુપ્ત રસ્તો હતો. ત્યાં એમને કોઈ સમસ્યા નડી નહોતી રહી. ત્યાં એક લોખંડનો ઉપર ખુલે એવો દરવાજો હતો. અગીલાએ આગળ વધી ધીરે રહી એ દરવાજો ઊંચો કર્યો. એને ત્યાં કોઈ દેખાયું નહિ. એ લોકો દરવાજો ખોલી બંધીગ્રહ સુધી પહોંચી ગયા. ત્યાં સૈનિકો હતા.

અગીલા: રાજકુમારી અહીં એક જ કોટડી છે. મને લાગે છે એમાં જ રાજા હશે.

નિયાબીએ આગળ પાછળ જોયું પછી બોલી, હા મને પણ એવું જ લાગે છે. પણ ત્યાં સૈનિકો છે. કેવી રીતે આગળ વધીએ?

અગીલા થોડું વિચારી બોલી, નિયાબી હું કાલનિંદ્રાચક્રનો ઉપયોગ કરું?

નિયાબી: પણ એની અસર રાજા માહેશ્વર ઉપર પણ થશે. ને આપણી પર પણ. તો પછી આપણે એમને કેવી રીતે બહાર કાઢીશું?

અગીલા થોડું વિચારીને બોલી, નિયાબી આપણે એમને ઉઠાવી લાવીશું. ને આપણી પર અસર નહિ થાય. પછી બહાર નીકળતા પહેલા હું વિસ્મરતીન જાદુનો ઉપયોગ કરીશ. બધું બરાબર થઈ જશે.

નિયાબી: સારું પણ સાચવીને.

પછી અગીલાએ કાલનિંદ્રાચક્રનો ઉપયોગએ બંધીગ્રહ પૂરતો કર્યો. થોડીજ ક્ષણોમાં બધા સૈનિકો ટપોટપ સુવા લાગ્યા. નિયાબી અને અગીલા આગળ વધ્યા ને કોટડી પાસે આવ્યા. કોટડીમાં એક કૃશ અને વૃદ્ધ વ્યક્તિ સુતેલી દેખાય. નિયાબીએ સામે દીવાલ પર લટકેલી ચાવી લઈ દરવાજો ખોલ્યો. પછી બંનેએ મળી રાજા માહેશ્વરને ઉઠાવી જ્યાંથી અંદર આવ્યા હતા એજ દરવાજા તરફ આગળ વધ્યા. પહેલા નિયાબી અંદર પ્રવેશી. પછી બંનેએ મળી રાજા માહેશ્વરને ત્યાંથી નીચે લઈ લીધા. પછી અગીલાએ કાલનિંદ્રાચક્ર હટાવી લીધું. બધા સૈનિકો ઉઠીને એકબીજા સામે જોવા લાગ્યા. શુ થયું એની ખબર પડે એ પહેલા અગીલાએ વિસમતીન જાદુનો ઉપયોગ કરીને એમની સ્મૃતિ ભૂંસી નાંખી. ને દરવાજો બંધ કરી દીધો.

જાદુની અસર પુરી થતા રાજા માહેશ્વર પણ ઉઠી ગયા. એ સામે ઉભેલી નિયાબી અને અગીલાને જોવા લાગ્યા. એમની આંખો જાણે કોઈને શોધી રહી હતી.

નિયાબીએ માથું નમાવી અભિવાદન કરતા કહ્યું, રાજા માહેશ્વર હું નિયાબી અને આ મારી મિત્ર અગીલા. અમે તમને લેવા માટે આવ્યા છીએ.

રાજા માહેશ્વરે આંખો ઝીણી કરતા પૂછ્યું, કંજ?

અગીલા: રાજા માહેશ્વર કંજ નથી આવ્યો. અમે એમના મિત્રો છીએ. નાલીનના જાસૂસો એની પર નજર રાખી રહ્યા છે. હવે આપણે અહીં થી નીકળવું જોઈએ. રાંશજ આપણી રાહ જોઈ રહ્યા છે.

રાજા માહેશ્વર માથું હલાવી હા કહ્યું. પછી ત્રણેય આગળ વધવા લાગ્યા. જ્યાંથી પ્રવેશ્યા હતા ત્યાં થી બહાર નહોતું નીકળવાનું. રાંશજે બીજો રસ્તો બહાર નીકળવા માટે દર્શાવ્યો હતો. એ લોકો એ તરફ આગળ વધવા લાગ્યા.

ઓનીર બહાર નીકળવાના રસ્તાએ આવી ગયો. એ દૂર ઉભો રહીને બધું જોઈ રહ્યો હતો. એ રસ્તા પર એક વ્યક્તિ ઉભી હતી. ઓનીરને લાગ્યું કે એ રાંશજ હશે. એ પણ ત્યાં ઉભો રહી રાહ જોવા લાગ્યો. થોડીવારમાં અગીલા અને નિયાબી રાજા માહેશ્વર સાથે બહાર આવ્યા.

રાંશજ રાજાને જોઈ ખુશ થઈ ગયો. આગળ વધીને એણે રાજાનો હાથ પકડી કહ્યું, રાજા માહેશ્વર પ્રણામ.

રાજા માહેશ્વરે રાંશજ સામે જોતા કહ્યું, રાંશજ તું? કેમ છે?

રાંશજની આંખોમાં આંસુ આવી ગયા. એ બોલ્યો, હું બરાબર છું. ને તમે?

રાજા માહેશ્વર સ્મિત સાથે બોલ્યાં, તને દેખાવ છું એવો રાંશજ.

રાંશજે નિયાબી અને અગીલા સામે જોયું ને બોલ્યો, ખુબ ખુબ આભાર આપનો. હવે તમે નીકળો. થોડીવારમાં બધાને આ વાતની ખબર પડી જશે. હું રાજા માહેશ્વરને સુરક્ષિત જગ્યાએ મૂકી તમારી મદદ માટે આવી જઈશ.

નિયાબી: એની કોઈ જરૂર નથી. તમે રાજા માહેશ્વરની સુરક્ષા સુનિશ્ચિત કરો. આગળ જે થશે એ અમે જોઈ લઈશું.

પછી રાંશજ રાજા માહેશ્વરને લઈ ત્યાંથી નીકળી ગયો. ને સૌથી પહેલા પોતાની જગ્યાએ પાછો આવી ગયો. કોઈને ખબર ના પડી કે રાંશજ થોડીવાર માટે ત્યાંથી ગાયબ હતો. નિયાબી અને અગીલા પણ પાછા આવવા માટે નીકળી ગયા. ઓનીર પણ ખુશ થતો ત્યાંથી નીકળી ગયો. થોડી જ વારમાં બધા પાછા રંગારંગ ઉજવણીમાં સામેલ થઈ ગયા. કોઈને ખબર ના પડી કે શુ થયું? જાસૂસો પણ હાથ મસળતા રહી ગયા.

આ તરફ મહેલમાં ભગદળ મચી ગઈ. સૌથી પહેલા મંચ પર બેઠેલા ખોજાલને જાણ કરવામાં આવી. આ વાત સાંભળી ખોજાલ ગુસ્સે થઈ ગયો. એણે નાલીનના કાનમાં આ વાત કરી. આ સાંભળી નાલીનના તો હોશ જ ઉડી ગયા. પણ બંને એવી જગ્યાએ હતા કે પોતાના હાવભાવ પણ ચહેરા પર લાવી શકે એમ નહોતા. કેમકે જો એમાનું કઈ પણ કરે તો પ્રજાને ખબર પડી જાય. ને રાજા નાલીન સમસ્યામાં મુકાઈ જાય. ખોજાલે ત્યાંથી જ રાજા માહેશ્વરની શોધખોળના આદેશ આપી દીધો. બંનેની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી.

રાંશજ ત્યાં બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો હતો. પણ એ એકદમ સ્વસ્થ હતો. એના ચહેરા પર કોઈ ભાવ નહોતો. પણ એનું મન આજે ખૂબ ખુશ હતું.

જેવા પ્રસંગો પત્યા નાલીન અને ખોજાલ મહેલમાં આવી ગયા. ખોજાલનો ગુસ્સો સાતમા આસમાને હતો. નાલીન તો હક્કોબક્કો થઈ ગયો હતો.

ત્યાં કોટડીની સુરક્ષા કરી રહેલા સૈનિકો ત્યાં આવી ગયા. બધા માથું નમાવી ઉભા રહ્યા.

ખોજાલ એ લોકોને જોઈ જોરથી બરાડ્યો, કેવી રીતે બન્યું? શુ કરતા હતા તમે બધા? એક ડોસાને સાચવી ના શક્યા?

પણ એકપણ સૈનિક બોલ્યો નહિ. બધા થરથર કાંપી રહ્યા હતા.

આ જોઈ રાંશજ બોલ્યો, શાંત સેનાપતિ ખોજાલ. એ લોકો ડરેલા છે. તમે એ લોકોને વધુ ડરાવી રહ્યા છો. શાંતિથી પૂછો.

ખોજાલ જોરથી બરાડ્યો, રાંશજ શાંતિ? કઈ શાંતિ? શુ કર્યું છે આ લોકોએ એ તમને ખબર નથી?

નાલીન: શાંત થઈ જાવ તમે લોકો. પહેલા એ જાણવાનો પ્રયત્ન કરો કે આ બન્યું કેવી રીતે? તમે આમ બુમો પાડતા રહેશો તો કઈ હાથમાં નહિ આવે.

ખોજાલ ચૂપ થઈ ગયો.

રાંશજે શાંતિથી પૂછ્યું, સૈનિક બોલો કેવી રીતે આ બન્યું? તમે લોકો શુ કરતા હતા?

એક સૈનિક: ક્ષમા પ્રધાનજી ક્ષમા. પણ અમને કઈ જ ખબર નથી. અમારી નજર સામે કંઈજ બન્યું નથી.

ખોજાલ એકદમ ગુસ્સામાં બોલ્યો, તો તમે બધા સુઈ ગયા હતા?

સૈનિક: ક્ષમા સેનાપતિજી. પણ અમે સુઈ પણ નથી ગયા. અમે બધા જાગતા જ હતા.

રાંશજ: તો પછી તમને ખબર કેમ નથી?

સૈનિક: ક્ષમા પ્રધાનજી પણ હું સાચું કહું છું. અમને કઈ જ ખબર નથી. અમે ત્યાં જ હતા. પણ ત્યાં કોઈ આવ્યું નથી કે ત્યાંથી કોઈ બહાર નીકળ્યું નથી. અમે જોયું તો કોટડીનો દરવાજો ખુલ્લો હતો અને રાજા માહેશ્વર ત્યાં નહોતા.

નાલીન એકદમ ગુસ્સામાં બોલ્યો, તો શુ રાજા ત્યાંથી ગાયબ થઈ ગયા? કોઈ ભૂત એમને ઉઠાવી ગયું?

સૈનિકો કઈ બોલ્યાં નહિ.

ખોજાલ: મને ખબર છે આ કામ બાહુલના દીકરાનું જ છે. એણે જ કઈક કર્યું છે. આપણે એને અને એના લોકોને તરત જ બંધી બનાવી લેવા જોઈએ. એમને પકડીને પુછીશું તો ખબર પડી જ જશે.

રાંશજ: એ શક્ય નથી. એ લોકો ત્યાંજ આપણા જાસૂસોની નજર સમક્ષ જ હતા. એ લોકો ત્યાંથી ક્યાંય ગયા પણ નથી.

ખોજાલ: આ એમની કોઈ યોજના હશે. રાજા નાલીન આપણે હમણાંજ એમને પકડી લેવા જોઈએ.

રાંશજ: રાજા નાલીન એવું કરવું આપણા માટે યોગ્ય નથી. લોકો ચૂપ નહિ રહે. આપણે એમને પકડીશુ તો લોકો આપણને એમને પકડવાનું કારણ પૂછશે. આપણે લોકોને શુ કારણ આપીશું? આપણી પાસે કોઈ જવાબ છે?

ખોજાલ એકદમ ગુસ્સે થતા બોલ્યો, બસ રાંશજ આજે આ જે કંઈપણ થયું છે એનું કારણ પણ તમેજ છો. મેં તો ત્યારેજ કહ્યું હતું કે રાજા માહેશ્વરને મૃત્યુદંડ આપો. પણ તમે મારી વાત ના માની. ને આજે આ સમસ્યા ઉભી થઈ. ત્યારે જ મારી વાત માની હોત તો આજે આ દિવસ ના જોવો પડતો.

નાલીન: ખોજાલ જે બની ગયું છે એને વખોડીને ભૂલો જોવાનું રહેવા દો. હવે અત્યારે આ પરિસ્થિતિમાં શુ કરવું એ વિચારો. અત્યારે પહેલા રાજા માહેશ્વરને શોધો. નહીંતો જો પ્રજાની વચ્ચે એ આવી ગયા તો આપણા માટે સમસ્યા ઉભી થશે.

ખોજાલ: તો પછી કંજ અને એના મિત્રોને પકડી લો. તરત જ સચ્ચાઈ ખબર પડી જશે.

રાંશજ: પણ એવું કરવું યોગ્ય નથી.

નાલીન: રાંશજ એ સિવાય બીજો કોઈ ઉપાય છે તમારી પાસે? ને મને પણ એની પર જ શંકા છે.

રાંશજ: પણ રાજા નાલીન.......

નાલીને એને વચ્ચે જ રોકતાં કહ્યું, ખોજાલ તમે એ લોકોને બંધી બનાવી લો. આગળ જે થશે એ જોયું જશે.

ખોજાલ: જી રાજા નાલીન. આવતીકાલે સવારે પહેલું કામ એજ કરીશ. પછી એને રાંશજ સામે જોયું અને ત્યાંથી નીકળી ગયો.

નાલીન: રાંશજ તમે વધુ ના વિચારો. હવે જે થશે એ જોયું જશે.

રાંશજ: જી જેવી આપની આજ્ઞા. પછી રાંશજ ત્યાંથી નીકળી ગયો. એણે પહેલું કામ કંજને આ વાતની જાણ કરવાની કરી.

રાંશજ નો સંદેશો મળતા નિયાબી અને એની ટુકડીએ કઈ કર્યું નહિ. બધા શાંતિથી સુઈ ગયા. કેમકે હવે એમણે કઈ કરવાની જરૂર જ નહોતી. હવે જે કરવાનું હતું એ ખોજાલે અને નાલીને કરવાનું હતું. ને બાકી જે બચ્યું એ યામનની પ્રજા કરવાની હતી. એ લોકોને પૂરો વિશ્વાસ હતો કે હવે યામનની પ્રજા એમનો સાથ આપશે. ને કંઈપણ અયોગ્ય બન્યું તો એ લોકો રાજા માહેશ્વરને ઉભા કરી દેશે. પછી તો નાલીન કે ખોજાલ કઈ કરી શકશે નહિ. એટલે એ લોકો નિરાંતે સુઈ ગયા.


ક્રમશ...................