Kahi aag n lag jaaye - 1 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | કહીં આગ ન લગ જાએ - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કહીં આગ ન લગ જાએ - 1

પ્રકરણ – પહેલું/૧

નાના મોટા વાહનોની ગતિના સામાન્ય હળવા ઘોંઘાટ અને વહેલી સવારના ખાસ્સા એવા અજવાળા પરથી અંદાજો લગાવતા અધખુલ્લી આંખે ઘડિયાળમાં નજર કરી, ૭:૨૫ સમયનો જોતાં ફર્સ્ટ ફ્લોર પર આવેલા તેના બેડરૂમના બેડ પરથી ધીમી ચીસ સાથે રીતસર કુદકો મારતાં મીરાં બોલી,

‘મમ્મીમીમીમીમી...........................’

મીરાંની સવાર સવારની આવી અવારનવારની હરકતોથી ટેવાઈ ગયેલા વૈશાલીબેન
એ નીચે ડ્રોઈંગ રૂમમાં ન્યુઝ પેપર વાંચતા હળવી મજાક સાથે બુમ પાડતા પૂછ્યું..

‘અરે..આટલી વહેલી સવારે સપનામાં કોઈ ભૂત વળગી પડ્યું કે શું ?’

હજુ પણ નિંદ્રાધીન આંખો ચોળતાં ચોળતાં એકદમ જ સાવ બાઘાની માફક ઉતાવળથી નીચે આવીને આમ તેમ દોડાદોડ કરતાં વૈશાલીબેનની સામે જોયા વગર જ મીરાં બોલી.

‘ઓયે મારી મા...પ્લીઝ.....એક પણ સવાલ કર્યા વગર તું જલ્દીથી દોડ કિચનમાં અને મારા માટે જલ્દી નાસ્તો તૈયાર કર હું હમણાં ફટાફટ ફ્રેશ થઇને આવી આવું છું.’

‘પણ દીકરા..’

‘ઓયે મમ્મી તને કહ્યું ને પ્લીઝ, હમણાં નો પણ.. નો બણ..'
આટલું બોલતા મીરાં બાથરૂમ તરફ દોડી ગઈ અને વૈશાલીબેન ઉતાવળે કિચનમાં જઈને ઝડપથી મીરાંને મનગમતો નાસ્તો તૈયાર કરવામાં વ્યસ્ત થતાં મનોમન બોલ્યા..

શું કરવું આ છોકરીનું ? બધી જ રીતે દરેક બાબતમાં એકદમ પરફેક્ટ છે. બસ એક ઊંઘવાની બાબતમાં કુંભકર્ણને પણ આંટી મારી દયે એમ છે.

મીરાં રાજપૂત.

વૈશાલીબેન અને બળવંતભાઈની એકમાત્ર લાડકોડમાં ઉછરેલી આંખનું રતન, વ્હાલનું વાવેતર, પ્રસન્નતાનું પુંજી, અને દીકરાથી પણ સવાઈ દીકરી એટલે
મીરાં રાજપૂત.

૨૪ વર્ષ પહેલા વૈશાલી અને બળવંત બન્નેની તેમના કોમન ફ્રેન્ડસના લગ્ન સમારંભમાં અનાયાસે થયેલી મુલાકાત દરમિયાન પરસ્પર બન્ને ઔપચારિક પરિચય થી અવગત થયા પછીના સામાન્ય વાતચીતના દોરનો અવિરત સિલસિલો આગળ વધતાં બન્નેના વાણી, વર્તન અને વૈચારિકની સામ્યતાના સેતુથી સંકળાયેલા સ્નેહને પ્રેમલગ્નમાં પરિવર્તિત કરવા માટે એકબીજા એ જે સહિયારી રાજી ખુશીથી મંજુરીની મહોર મારી હતી તેમાં બન્નેના પરિવારનો પણ અઢળક રાજીપો સામેલ હતો.

બળવંતભાઈ શહેરની એક નામાંકિત મલ્ટી નેશનલ પ્રાઇવેટ કંપનીમાં સિવિલ ઇન્જિનીયરના હોદ્દા પર અને વૈશાલીબેન વર્ષોથી તેમના જ સંબંધીની એક એવી ટેક્સ કન્સલ્ટીંગ ફર્મમાં એકાઉટન્ટની જવાબદારી સંભાળતા જે તેની લોયલ્ટી અને સિદ્ધાંત સાથે કયારેય બાંધછોડ ન કરવાના આગ્રહના કારણે આજે તેની ત્રણ પેઢી પછી પણ શહેરમાં તેના ફર્મની શાખ અકબંધ હતી. સ્વ્પ્નસામ્યતા, સમાંતરસ્નેહ, અને સમજણથી સીંચેલા સુખી લગ્નજીવના ૧૫ માસ પછી મીરાંના અવતરણ દિવસને સમગ્ર રાજપૂત પરિવારે એક અનેરાં ઉત્સવ તરીકે ઉજવ્યો.

વૈશાલીબેન અને બળવંતભાઈ બન્ને એ મીરાંને તેના પ્રથમ રુદનથી લઈને છેક ત્રણ વર્ષ પહેલા અચાનક એક જીવલેણ હ્રદયરોગના હુમલામાં સ્વર્ગસ્થ થયેલા બળવંતભાઈના અવસાન સુધી દુઃખ શું છે તેની મીરાંને જાણ સુદ્ધાં થવા નહોતી થવા દીધી. બન્ને એ તેના આંખના તારાની માફક બાલ્યાવસ્થાથી લઈને છેક આજે જ્યારે મીરાંનો માસ્ટર્સ અભ્યાસના પૂર્ણતાની આરે છે ત્યાં સુધી જીવનના હર એક તબ્બકે મીરાંના જીવન ઘડતરમાં ક્યારેય કોઈપણ કચાશને સ્હેજ અમથો અવકાશ નહતો આપ્યો.

આજે ૨૨ વર્ષીય મીરાંએ સમજણની સીડીના પ્રથમ પગથિયે પગ મુકતા પહેલાં જ સંતુલન જાળવવા આંતરસુઝથી પરિપક્વતા અને આત્મવિશ્વાસની આંગળી ઝાલી લીધી હતી. અને એ પછીના અથાગ પરિશ્રમ, એકલવ્ય જેવી એકાગ્રતા અને એક સ્વયંની લક્ષ્યવેધ જેવી નિષ્ઠાની સાથે સાથે તેના માતા પિતાના આશિર્વાદ થકી તેના સમાજમાં પોતાનું એક અલગ અને સન્માનીય સ્થાન ઉભુ કરવામાં સફળ રહી હતી.

માત્ર બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ જ નહી સાથે સાથે શાર્પ માઈન્ડ પણ ખરું.
મીરાંની સાથેની સામાન્ય વાતચીતના વાર્તાલાપ દરમિયાન પણ કોઈ જાણીતા કે અજાણ્યા ‘પુરુષત્વ’ ને મીરાનું સંપૂર્ણ વસ્ત્ર પરિધાનથી ઢંકાયેલું દેહલાલિત્ય પણ ક્ષણિક વિચલિત કરવા પર્યાપ્ત હતું.

પણ આંશિક પુરુષવર્ગનું મીરાંને તેના અનુપમ,અપ્રિતમ શરીર સોષ્ઠવને જાણી, તાણી અને માણી લેવાના તેની છીછરી વિચારશક્તિની મર્યાદાના અભિશાપ થી હૈરત ભરી હરકતમાં આવીને ક્ષણિકભરમાં ગંધાઈ જવાના જન્મજાત કુદરતી સંકેતનું ઇન્ડીકેશન મીરાંને અત્યંત હાસ્યાસ્પદ લાગતું.

સ્ત્રી સૌન્દર્ય વિશેની અન્ય સ્ત્રી કે પુરુષની સરખામણી અને મીરાંની અંગત માન્યતા વચ્ચે અસંગતતા હતી. સુંદર અને ખુબસુરતના તફાવતથી તે અવગત હતી.

સિક્સ પેક ધરાવતા બાહુબલી પુરુષ કરતાં, સુંદર અને ખુબસુરત શબ્દો વચ્ચેના ભેદ અને શબ્દાર્થને અલંકૃત ભાષામાં પરિભાષિત કરવાને સામર્થ્યવાન પુરુષને મીરાં પ્રથમ પસંદગી આપતી.

સુંદરતા એ ઈશ્વરનું વરદાન છે અને તેને ખુબસુરતી બક્ષવી એટલે ખુદના ઘડવૈયા બનીને જાતને ટાંકવા જેવી વાત છે. સૌન્દર્ય એ એક એવું ગીત કે ચિત્ર છે કે જેને તમે આંખ અને કાન બંધ હોય ત્યારે પણ જોઈ અથવા સાંભળી શકો. સ્વયંનું સૌન્દર્યએ અંતરાત્માની સિતાર છે. તેને સુરીલું કે કર્કશ વગાડવું એ સ્વયંના સરગમની સમજણ પર આધારિત છે.

રાઈફલ અને પિસ્ટલ બંનેના સ્ટેટ લેવલના શૂટિંગ કોમ્પીટીશનના મહદ્અંશના મેડલ અને પારિતોષિકમાં મોટાભાગે તેનું નામ આરક્ષિત જ રહે એ આત્મવિશ્વાસને કાયમ રાખવા માટે સ્પોર્ટ્સ અને ફીટનેશ માટે તે સતત સતર્ક રહેતી. તેના રાઈફલ અને પિસ્ટલના નિશાનેબાજીનો કીર્તિમાન આજ સુધી કોઈ તોડી શક્યું નથી. મીરાંએ શોખથી તેની પાસે લાઈસન્સ સાથેની પિસ્ટલ પણ રાખેલી. ક્યારેક મૂડને કિક લાગી જાય તો અસ્સલ રોબીનહૂડના ગેટઅપમાં કમર પર ફટાકડી લટકાવીને જયારે બુલેટ પર નીકળી પડે ત્યારે તેનો એ દમદાર રૂઆબ જોઇને કોઈ કાચો પોચો તેની પડખે ચડવાની હિંમત ન કરે. નીડર, બહોશ ,બિન્દાસ, ચપળ, અને હંમેશા વર્તમાનમાં જીવવા ટેવાયેલી. લાઈફમાં કઈ પણ કરવું તેમાં ૧૦૦% આપી દેવા તેવા તેના આ સ્વભાવને મીરાં તેનું સૌથી સબળું સમજતી. તેની અંગત જિંદગીમાં આવેલા ઘણાં નાજુક પળોના વણાંક પર એક ગૂઢ અવઢવમાં અટવાઈ જતી ત્યારે કોઈ સચોટ અને તટસ્થ નિર્ણય લેવામાં મીરાં ક્યારેય નાસીપાસ નહતી થઇ.

ફ્રેન્ડ સર્કલ ખરું પણ, આંગળીના વેઢે ગણી શકાય એટલું. કવોન્ટિટી નહી પણ ક્વોલીટીમાં બીલીવ કરતી.

તેની સૌથી મનગમતી પ્રવૃત્તિ એ કે જયારે પણ સમય મળે ત્યારે તે કલાક, બે કલાક એક બ્લાઈંડ ટ્રસ્ટમાં અચૂક નિસ્વાર્થ પણે સેવા આપવા પહોંચી જતી. એક એવા સમુદાયની વચ્ચે કે જેની દુનિયામાં વિશ્વના કોઈપણ શબ્દની પરિકલ્પનાનો માત્ર એક જ રંગ છે. મીરાં તેના સત્સંગના સંગથી તેમના અંધકારમય જીવનને રંગીન અને સંગીન કરવાનો શક્ય એટલો પુરુષાર્થ કરતી. કોઈ દ્રષ્ટિહીનના નિર્દોષ સ્મિત માત્રથી જાણે કે મીરાંને ખુશીનો ખજાનો મળી જતો.

અભ્યાસ કોમર્સનો પણ, સાહિત્ય અને સંગીત સાથે પણ એટલો જ લગાવ. સંગીતના પપ્પા પાસે અને સાહિત્યના મમ્મી પાસે મળેલા અમુલ્ય વારસાને તેણે સ્વયંને તેમાં આત્મસાત કરીને જતનથી જાળવી રાખ્યો હતો. સાહિત્યમાં ખાસ કરીને મનોરંજન ક્ષેત્ર માટે અલગ અલગ પ્લેટફોર્મ પર સમાયંતરે તેના મૂડ મુજબ આર્ટીકલ લખ્યા કરતી.

સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચેની અત્યંત પાતળી ભેદરેખાની પરિભાષા અને પરિચયથી મીરાં પરિચિત અને સતર્ક હતી એટલે એ બાબતે વૈશાલીબેન સંપૂર્ણ પણે નિશ્ચિંત હતા.

આજથી તેના કોમર્સ માસ્ટર્સના ચોથા અને અંતિમ સેમેસ્ટરની એક્ઝામનો પ્રથમ દિવસ હતો અને ૮:૪૫ સુધીમાં કોઈપણ કાળે કોલેજ પહોંચવું જરૂરી હતું.
ફટાફટ ફ્રેશ થઈને ડાર્ક બ્લ્યુ જીન્સ ઉપર ખાદીની પ્લેન લાઈટ પીંક કુર્તી અને સનગ્લાસ પહેરીને હેન્ડબેગમાં જે યાદ આવતું ગયું તે ઉતાવળે નાખતાં નાખતાં નાસ્તા માટે ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ને મમ્મીને રીતસર બુમ પાડતાં બોલી,

‘મમ્મી... ૭:૫૫ થઇ ગઈ છે. તું નાસ્તો રહેવા દે હું ઓલરેડી લેઇટ છું અને મને ...’ મીરાં વાક્ય પૂરું એ પહેલાં ગરમા ગરમ બટેટા પૌવા, બ્રેડ બટર, અને ફૂલ સાઈઝ ચા થી ભરેલો મગ વૈશાલીબેન ડાઈનીંગ ટેબલ પર ગોઠવતા બોલ્યા,

‘અરે, એવું તે શું છે આજે કે ઉઠતાં વેત જ આટલી દોડધામ કરી મૂકી છે ? કૈક કહીશ ?

બ્રેડના બાઈટની સાથે ચા નો ઘૂંટડો ભરતાં મીરાં બોલી,
“અરે, સોરી મમ્મી હું તને ગઈકાલે સાવ કહેતા જ ભૂલી ગઈ કે આજથી ફાઈનલ એક્ઝામ સ્ટાર્ટ થઇ રહી છે, તો સવારે જરા મને વહેલી ઉઠાડી દેજે પણ... ચલ એ છોડ હવે. મને બાઈકની ચાવી નથી મળી રહી. યાદ નથી ક્યાં આડીઅવળી મુકાઇ ગઈ છે. પ્લીઝ જરા શોધી ને આપ ને ફટાફટ.’ મોજડી પહેરતા મીરાં બોલી.

‘અચ્છા, તું પહેલાં શાંતિથી નાસ્તો કરીલે હું શોધી આપુ છું.’
‘હવે નાસ્તો અત્યારે રહેવા દે, ૮:૧૦ થઇ ગઈ છે.’ આટલું બોલીને બન્ને ચાવી શોધવા લાગ્યા પણ ચાવી હાથ ન લાગી એટલે વૈશાલીબેન બોલ્યા,
‘તો કાર લઈને જતી રહે.’

‘મમ્મી, છેલ્લાં એક વીકથી કાર જે હાલતમાં પડી છે ને, જો તેની સાફ સફાઈ કરવાંમાં રહીશ ને ત્યાં સુધીમાં તો મારી એક્ઝામ પૂરી થઇ જશે. અચ્છા ઠીક છે હું ઓટો કરી લઈશ.’

આટલું બોલતાં બહાર નીકળી મેઈન ગેઇટ બંધ કરીને ઝડપથી ચાલવાનું શરુ કરતાં ચાર રસ્તાના કોર્નર પર આવીને જોયું ત્યારે એક પણ ઓટો રીક્ષા નજરે ન પડતાં કોર્નર પર આવેલા પાનના ગલ્લાં વાળાને પુછતાં માલુમ થયું કે આજે સ્થાનિક ઓટો વાળાની સ્ટ્રાઈક છે.

‘ઓહ માય ગોડ’ મીરાંથી મનોમન બોલાઈ ગયું. હવે સમય થયો ૮:૨૫. કોલેજ પહોંચવા માટે મીરાં પાસે હવે માત્ર છેલ્લી ૨૦ મિનીટ હતી. ઉચાટમાં આજુબાજુ તરફ નજર ફેરવી તો રોડના સામે છેડે એક ટેક્ષી જોતાં એ તરફ દોડી. વ્હાઈટ યુનિફોર્મમાં આશરે ૨૫ થી ૨૭ વર્ષનો એક મધ્યમ માત્રા ની દાઢીધારી યુવાન ટેક્ષીનો ટેકો લઈને ન્યુઝ પેપર વાંચતો હતો તેને જોઇને મીરાં એ અંદાજો લગાવ્યો કે કદાચ આ જ ટેક્ષી ચાલક હશે એટલે ઉતાવળમાં પૂછ્યું,
‘હેલ્લો, આપની ટેક્ષી છે ?
‘જી.’
પ્લીઝ, મને અહીં નજીકમાં સ્ટીફન કોલેજ ડ્રોપ કરશો. ??
‘સોરી મેડમ’
‘સોરી ? કેમ ? આશ્ચર્ય સાથે મીરાં એ પૂછ્યું
‘હું ઓલરેડી એંગેજ છું. પેસેન્જરને પીક-અપ કરવા જ આવ્યો છું એટલે...’
પેલો યુવાન હજુ તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ મીરાં બોલી,
‘પ્લીઝ, મારે સમયસર પહોંચવું ખુબ જ અગત્યનું છે. એવું હોય તો આપ ડબલ ચાર્જ લઇ લેજો. પણ એમાં એવું છે કે આજે.....’ હજુ મીરાં તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં ટેક્ષી ચાલક કારનું બેક ડોર ઉઘડતાં બોલ્યો માત્ર એટલું જ બોલ્યો કે,

‘બેસી જાઓ.’

એક નિશ્ચચિન્તતાના હાશકારા સાથે કારમાં મીરાં બોલી, ‘થેંક યુ.’
પછી મનોમન વિચાર્યું જે એક જ સેકન્ડમાં આનો વિચાર કેમ બદલાઈ ગયો હશે ?

ટેક્ષી ચાલકે કાર કોલેજની દિશા તરફ હંકારવાનું શરુ કર્યું.
ટેક્ષીની અંદરની સુઘડતા મનમોહક અગરબત્તીની માઈલ્ડ સ્મેલ અને મ્યુઝીક સીસ્ટમ પર ઇન્સટ્રુમેન્ટલ ટ્રેક પર વાગતી ઓમ જય જગદીશની ધૂનની મીરાં એ નોંધ લીધી.
ટેક્ષી ચાલકને લાગ્યું કે આ મેડમને ખરેખર કોઈ ખાસ અગત્યનું કામ છે એટલે તેણે તેના પેસેન્જરની પરવા કર્યા વગર મીરાંને ડ્રોપ કરી આવવાનું વિચાર્યું.
હજુ ૫ મિનીટ કાર આગળ ગઈ હશે ત્યાં મીરાં અચાનક જ બોલી,

‘ઓહ માય ગોડ.. ઓહ શીટ..કોણ જાણે આજે તે કેવો દિવસ ઉગ્યો છે.’
એકદમ જ અકળાઈને મીરાં બોલી.

‘કેમ, હવે શું થયું મેડમ ?’ ટેક્ષી ચાલકે પૂછ્યું.

‘અરે ઉતાવળમાં હું મારું પર્સ લેતાં જ ભૂલી ગઈ હે ભગવાન. હવે શું કરું ? આઈ એમ સોરી. પ્લીઝ એક કામ કરો હું તમને મારા ઘરનું એડ્રેસ આપું છું. જ્યાંથી હું ટેક્ષીમાં બેઠી તેની સામેની ગલીના છેડે જ મારું ઘર છે. તમારું જે કંઈપણ પેમેન્ટ થશે એ તમને ત્યાંથી આપી દેશે. હું તમને મારો નંબર પણ આપું છું. સોરી સવાર સવારમાં તમને તકલીફ આપું છું એ બદલ.’
એક્ઝામના ટેન્શનમાં મીરાં એકધારું બોલી ગઈ.

મીરાં ને અકળાતાં જોઇને હળવા સ્મિત સાથે બોલ્યો,

‘અરે .. મેડમ ઠીક છે, આવું તો ચાલ્યાં કરે. એ બધું રહેવાં દો આ લો મારું કાર્ડ જેમાં મારું નામ અને કોન્ટેક્ટ નંબર છે. હું અવાર નવાર આ તરફ આવું છું. ગમે ત્યારે તમારી અનુકુળતા એ કોલ કરજો ત્યારે પેમેન્ટ લઇ જઈશ. ચિંતા ન કરો.’
વાક્ય પૂરું થતાંની સાથે જ કાર સ્ટીફન કોલેજના ગેઇટ પાસે સ્ટોપ થઇ. એટલે ટેક્ષી માંથી ઉતરતાં મીરાં બોલી,

‘કેટલાં રૂપિયા આપવાના થાય છે મારે ?’
‘જી, મેડમ ૭૦ રૂપિયા.’

‘થેંક યુ સો મચ. આજે તમે ન મળ્યા હોત તો મારી પરીક્ષા નહીં પણ અગ્નિપરીક્ષા થઇ જાત. ઠીક છે હું આપને કોલ કરીશ, આપ મારો નંબર ને નામ નોટ કરી લો.’
ટેક્ષી ચાલકે એ કહ્યું,

‘તેની જરૂર નથી.’

આટલું બોલીને મીરાં કોલેજની બિલ્ડીંગ તરફ જતાં જતાં ટેક્ષી ચાલકે આપેલા કાર્ડમાં તેનું નામ વાચ્યું.

‘મિહિર ઝવેરી’.

મીરાં એ ટેક્ષી માટે પૂછ્યું ત્યારથી લઈને કોલેજ કેમ્પસમાં એન્ટર થઈને ગઈ ત્યાં સુધીના મીરાંના હાવભાવ અને તેની બોડી લેંગ્વેજ વિશે મનોમન હસતાં હસતાં મિહિર કારનો યુ ટર્ન લઈને રવાના થઈ ગયો.

આ ઘટનાને વીત્યા ને એક સપ્તાહ જેટલો સમય પસાર થઇ ગયો. મીરાંને તેની એક્ઝામના પ્રીપેરેશનની વ્યસ્તતા અને કયારેક નાના મોટા કામ માટે વૈશાલીબેનને હેલ્પ કરવા ના કારણે સમયનો અભાવ રહેતો. અને ખાસ તો એક મહિના પહેલાં તેના ફ્રેન્ડ અર્જુન એ તેના નાટ્યગ્રુપની આપેલી એક વાર્તાને નાટકની સ્ક્રિપ્ટ ફોરમેટમાં લખ્યા પછી પ્રૂફ રીડીંગ અને ફાઈનલ ટચ આપીને પ્રોમિસ કરેલા સમયગાળામાં કમ્પ્લીટ કરીને આપવાના ટેન્શનમાં પેલા ટેક્ષી ચાલકને કોલ કરવાનું તો સાવ ધ્યાન બહાર જ રહી ગયું. અને આજે તેના બેડરૂમમાં સૂતા સૂતા એક નોવેલ વાંચી રહી રહી હતી ત્યારે તેમાં ટેક્ષીનો ઉલ્લેખ આવ્યો એટલે અચાનક જ યાદ આવતાં તે વિચાર કરવાં લાગી કે એ કાર્ડ તેણે ક્યાં મુક્યું હતું. હેન્ડબેગમાં કે કોઈ બુકમાં ? જ્યાં જ્યાં શક્યતા હતી ત્યાં બધે જ ખાંખાખોળા કર્યા છેવટે હેન્ડબેગ ફંફોસીને ઊંધી કરી નાખી પણ અંતે કાર્ડ ન જ મળ્યું એટલે તેણે તેના કેરલેસ નેચર પર ગુસ્સો આવતાં આદત મુજબ હેન્ડબેગનો ઘા કર્યા પછી મનોમન બોલી. કે માત્ર ૭૦ રૂપિયા જેવી મામુલી રકમ માટે કરીને પેલા ટેક્ષીવાળાના દિમાગમાં કેવી ઈમેજ ઊભી થશે. ? હવે ક્યાં અને કેમ તપાસ કરવી ? લેઇટ નાઈટ સુધી ચાલતી રહેલી એ માનસિક મથામણ શાંત પડતાં જ ઊંઘી ગઈ.

નેક્સ્ટ ડે સમય હતો સવારના ૧૧:૨૫ નો. મીરાં કોલેજની લાઈબ્રેરીના છેવાડેના એક કોર્નરના ટેબલ પાસેની ચેર પર એકલી ૮ થી ૧૦ પુસ્તકો લઈને તેની ફર્ધર સ્ટડીઝ માટેની માહિતીને તે બુક્સ માંથી સર્ચ કરીને નોટ કરી રહી હતી ત્યાં જ અચાનક તેની બાજુમાં સાઈલેંટ મોડ પર મુકેલા મોબાઈલ પર વૈશાલીબેનનો કોલ આવતાં ફ્લેશ થતાં મીરાં એ કોલ રીસીવ કરતાં ધીમા અવાજમાં બોલી,
‘હેલ્લો, મમ્મી.’
પણ, સામા છેડેથી કોઈ અજાણ્યા પુરુષનો અવાજ આવ્યો
‘આપ મીરાં રાજપૂત બોલી રહ્યા છો. ?’
‘જી, હું મીરાં રાજપૂત, આપ કોણ ?’
‘જી, હું સીટી હોસ્પિટલમાં થી વાત કરી રહ્યો છું. આપના મમ્મી વૈશાલીબેનને અહીં હોસ્પીટલમાં લાવવામાં આવ્યા છે, તો આપને ઇન્ફોર્મ કરવાં માટે કોલ કર્યો છે.’

અચાનક માત્ર આટલું જ સાંભળીને પહેલાં તો મીરાં એકદમ જ ઘબરાઈ ગઈ પછી સ્વસ્થ થતાં બોલી.
“ઓહ.. નો. શું થયું છે તેને ? કેમ છે તેને હવે ? પ્લીઝ આપ તેને ફોન આપશો ?’

કમ્પાઉન્ડરે વૈશાલીબેનને ફોન આપ્યો એટલે તેઓ બોલ્યા.
‘હેલ્લો મીરાં, મને સારું છે. કંઈ તકલીફ નથી. બસ તું અહીં આવી જા પછી વાત કરીએ.’
‘પણ, મમ્મી અચાનક કેમ હોસ્પિટલ ?’
અરે, તું આવ એટલે વાત કરીએ ઓ.કે.’
હજુ મીરાં કશું આગળ બોલવા જાય એ પહેલાં તેમણે કોલ કટ કર્યો.
કોલ કટ થયાંની ક્ષ્રણે જ મીરાંએ ફટાફટ બધું જ કલેક્ટ કરીને કેમ્પસની બહાર દોડી પાર્કિંગમાં જઈ બાઈકની ડીકીમાં રીતસર બધું ઘા કરીને બાઈક દોડાવ્યું સીટી હોસ્પિટલ તરફ.
બાઈકની સ્પીડ કરતાં અનેક ગણી સ્પીડ તેના કલ્પ્નાતીત વિચારોની હતી. સખત ટ્રાફિકની સાથે સાથે બાઈકની ગતિ અને અમંગળ વિચારોથી ફંટાઈ જતી મતિ વચ્ચે મીરાંએ સંતુલન રાખવાનું હતું. મક્કમ અને મજબુત મનોબળ ધરાવતી મીરાં માટે એ સ્હેજ અઘરું હતું પણ અશક્ય નહીં.

ફટાફટ સીટી સેન્ટર હોસ્પીટલના બેઝમેન્ટમાં બાઈક પાર્ક કરી લીફ્ટ મારફતે સીધી ઓ.પી.ડી. કાઉન્ટર પર જઈને ઇન્ક્વાયરી કરતાં કર્મચારી એ જવાબ આપ્યો,

‘સીધા જઈને લેફ્ટ સાઈડમાં થર્ડ ચેમ્બર. ડોકટર કમલ ત્રિવેદી’

દર્દીઓની ખાસ્સી એવી ભીડમાંથી સાવચેતી ભરી ઉતાવળથી ડોક્ટરની ચેમ્બર પાસે પહોંચીને બહાર બેસેલાં આસીસ્ટન્ટને પુછતાં તે મીરાંને ડોક્ટરની ચેમ્બરની સામેના રૂમમાં લઇ ગયો.
અંદર દાખલ થતાં જ કોર્નરમાં દીવાલને અડીને આવેલાં બેડ પર જાગૃત અવસ્થામાં પડેલા વૈશાલીબેનને ગ્લુકોઝ બોટલની ટ્રીટમેન્ટથી જોડયેલા જોઇને મીરાંની આંખો ભીની થઇ ગઈ. વૈશાલીબેનના ચહેરા પર જાણે કોઈ પુષ્કળ શ્રમનો થાક જણાઈ રહ્યો હતો. હળવેકથી વૈશાલીબેનના માથા પર હાથ ફેરવતાં મીરાં બોલી,

‘પહેલાં ડોક્ટર જોડે વાત કરી લઉં ઓ.કે.’
અશ્રુ ભીની આંખે વૈશાલીબેને માત્ર કશું જ બોલ્યા વગર માત્ર આંખના પલકારાથી પ્રત્યુતર આપ્યો.

ચેમ્બરમાં દાખલ થતાં ડોકટર કમલને પોતાનો પરિચય આપતાં બોલી,

‘હેલ્લો, હું મીરાં, મીરાં રાજપૂત. વૈશાલીબેનની ડોટર. શું થયું છે મમ્મીને ?

‘જી, ચિંતા કરવાં જેવું કશું નથી. તેનું બ્લડ પ્રેશર મીનીમમ લેવલથી નીચે જતું રહ્યું હતું એટલે તેમને ચક્કર આવી ગયા હતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી એટલે પ્રાયમરી ટ્રીટમેન્ટ આપી છે. એક થી બે બેઝીક રીપોર્ટસ કઢાવવા જરૂરી છે જો આપ કહો તો આગળની પ્રોસીજર હું સ્ટાર્ટ કરું. ડોકટર એ વિસ્તાર થી જણાવતાં કહ્યું

‘ઓ, શ્યોર ડોક્ટર. પણ એમને એડમીટ કરવાં પડે એમ હોય તો હું...’
મીરાં તેનું વાક્ય પૂરું કરે એ પહેલા જ ડોક્ટર બોલ્યા,

‘અરે.. બિલકુલ નહીં, નાઉ શી ટોટલી નોર્મલ. બટ આઈ થીંક કે સેટિસ્ફેક્શન માટે રીપોર્ટસ કઢાવવા જરૂરી છે. આશરે ૧૫ થી ૨૦ મિનીટ્સ બાદ આ બોટલ કમ્પ્લીટ થાય એટલે આપ તેમને ઘરે લઇ જઈ શકો છો. એન્ડ પ્લીઝ મેડમ પેમેન્ટ અને પેપર પ્રોસીજર આપ પૂરી કરી લો ત્યાં સુધીમાં હું તેમના રીપોર્ટસ કઢાવવા માટેની સૂચના આપી દઉં.’

‘ઓ.. શ્યોર.’ આટલું બોલીને ફરી વૈશાલીબેન પાસે આવીને પૂછ્યું,
‘કેવું લાગે છે હવે ? ચક્કર આવે છે ?
‘ના દીકરા હવે સારું છે.’
‘પાણી આપું ?’
‘હા, થોડું.’
પાણી પીવડાવતાં મીરાં બોલી,
‘હું આવું છું હમણાં.’
ત્યાર બાદ બધી જ ફોર્માલીટીઝ પૂરી થયાં બાદ ફરી મીરાંએ ડોક્ટરને પૂછ્યું,

‘મમ્મી અહીં આવ્યાં ત્યારે કઈ કંડીશનમાં હતા. ?’
‘એ બેહોશ હતાં.’ ડોકટરે જવાબ આપ્યો.

‘પણ તો તેઓ અહીં સુધી આવ્યાં જ કઈ રીતે ?’ આશ્ચર્ય સાથે મીરાંએ પૂછ્યું.

વધુ આવતાં રવિવારે............

© વિજય રાવલ

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવdસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.