સમીરની વાત સાંભળી દિયા ફક્ત એટલું જ બોલી શકી.
"સમીર...હું મારા માટેની તારી લાગણીઓની કદર કરું છુ.કોઈ પણ છોકરી તને જોવે ,તને મળે તો તારા પ્રેમમાં પડી જાય એવો છે તું . પણ મારા મનમાં એ ફિલીંગ નથી.હુ ફક્ત તને .."
"જાણુ છું કે તુ મને ફક્ત દોસ્ત માને છે "સમીરે દિયાની વાત કાપતા કહ્યું.,
અને એ પણ જાણું છું કે ... આટલું કહી સમીર અટકી ગયો.
કે શું સમીર ? દિયાએ પૂછ્યું
"કે તારા મનમાં એ ફિલીંગ રાકેશ માટે છે ." સમીરે પોતાની વાત પૂરી કરી.
"આ તુ શું બોલે છે સમીર?"
સમીર દિયાની એકદમ નજીક આવી તેનો ચહેરો પોતાના બન્ને હાથમાં લઈ, તેની આંખોમાં જોઈ કહ્યું , "હું સાચું જ કહુ છુ.મને પણ એમ જ હતું કે તારા દિલમાં રાકેશ માટે ફક્ત દોસ્તી જ છે . જ્યારે એ તારી સાથે હોય ત્યારે તારી આંખોમાં જે ખુશી દેખાય છે તેને મેં નજર અંદાજ કરી, કદાચ એટલા માટે કેમ કે હું તને ચાહવા લાગ્યો હતો અને એટલે જ હું કાલે તારા માટે આ રિંગ લેવા ગયો, તને પ્રપોઝ કરવા માટે.., પણ આજે સવારે રાકેશ બીમાર પડ્યો ત્યારે તેના માટે મેં તને તડપતા જોઈ. તું એક સેકન્ડ માટે પણ તેનાથી દુર નથી થઈ શકતી એ જોયા પછી મારો ભ્રમ તુટી ગયો દિયા."
"મને મનની મનમાં રાખતા નથી આવડતું એટલે જ આજે મે તને આ બધી વાત કરી . તારા જવાબની મને ખબર છે છતાં હ્રદયમાં ઉંડે સુધી એક આશા છે કે તું મારા પ્રેમને સમજી શકીશ અને એનાથી આપણી દોસ્તી નહીં તોડે."
સમીરની વાત સાંભળી દિયા સ્તબ્ધ થઈ ગઈ .જે વાત માટે પોતે ઈન્કાર કરી રહી હતી તેને સમીર કહી રહ્યો હતો.
દિયાએ સમીરના હાથ પોતાના હાથમાં લીધા અને કહ્યું ,
"મને કશું સમજાતું નથી સમીર .. હું શું કરું ? શું બોલું ? પણ હા એટલું ચોક્કસ કહીશ કે તુ મારો દોસ્ત છે અને હંમેશા રહેશે ."
"તો આ દોસ્ત ની એક વાત માની લે .. રાકેશને તારા પ્રેમનો એકરાર કરી દે ." સમીરે મુસ્કુરાતા ચહેરે કહ્યું
આ સાંભળી દિયાને રાકેશના પપ્પાની વાત યાદ આવી ગઈ.તેણે સ્વસ્થ થઈ સમીરને કહ્યું ,"સમીર મને થોડો સમય એકલા રહેવું છે , તુ પ્લીઝ રાકેશનુ જમવાનું આપી આવીશ ?
ઓકે દિયા ..પણ મારી વાત પર વિચાર કરજે . રાકેશને તારા મનની વાત જણાવવા માટે.
હા સમીર ...હું એ જ વિચારૂ છુ .
સમીર જમવાનું લઈ દવાખાને પહોંચ્યો.દિયાના બદલે સમીર આવ્યો એટલે રાકેશના મનમાં તેની છેલ્લી તસવીર આવી. તે ઉદાસ લાગતી હતી.. પણ કેમ? રાકેશના મનમાં પ્રશ્ન થયો.
બીજા દિવસે સવારે સમીર રાકેશ અને તેના પપ્પાને ઘરે લઈ આવ્યો . રાકેશના પપ્પા બધાને મળ્યા . ધનજી દાદાએ ઉપરના રૂમમાં બધી વ્યવસ્થા કરી રાખી હતી રાકેશની નજર દિયાને શોધતી હતી . ધનજી દાદાના કહેવા પ્રમાણે તે ઉપર ગયો. તેને હતું કે દિયા પોતાના રૂમમાં હશે એટલે તે પોતાના રૂમ તરફ જવાને બદલે સીધો દિયાન રૂમમાં ગયો પણ તે ખાલી હતો .પાછળ આવેલો સમીર આ બધું જોઈ રહ્યો હતો . તેણે રાકેશને કહ્યું ,
"રાકેશ આ બાજુનો રૂમ છે. એ તો દિયાનો રૂમ છે તું ભૂલી ગયો?"
"ના નથી ભુલ્યો.. પણ દિયા ક્યાં છે?"
"એ તો સવારે જ ઓફિસ જતી રહી"સમીરે રાકેશની વ્યાકુળતા જોઈ કહ્યું.
"અરે હા હું તો ભૂલી જ ગયો" કહી રાકેશ પોતાના રૂમ માં ગયો. બપોરે જમવાનો સમય થતા રાકેશ એના પપ્પા સાથે નીચે ડાઇનિંગ ટેબલ પર આવ્યો હવે તેમની તબિયતમાં ઘણો સુધારો હતો પણ ડોક્ટરના કહ્યા પ્રમાણે ખોરાક લેવાનો હતો .સવારમાં જ દિયા મહારાજને રાકેશ માટે અલગથી જમવાનું બનાવાનુ કહીને ગઇ હતી. એ પ્રમાણે મહારાજે ખીચડી અને સુપ અલગથી બનાવીને રાકેશ સામે મુક્યા .
"હવે તો મને સારું છે હું તમારી જેમ જ ખાઈ શકું છું અલગથી બનાવવાની જરૂર નથી."
"ના બેટા.. ડોક્ટરે કહ્યું છે ચાર પાંચ દિવસ સુધી હળવો ખોરાક જ ખાવાનો એટલે દિયાએ સવારે જ મહારાજને તારા બંને ટાઇમના જમવા નું લીસ્ટ આપી દીધું હતું." શારદા બાએ કહ્યું.
આ સાંભળી રાકેશના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. તે દિયાને મળવા માંગતો હતો, તેને જોવા માંગતો હતો . પરંતુ તેના માટે તેને સાંજ સુધી રાહ જોવી પડે તેમ હતી . તે જમીને ઉપર પોતાના રૂમ માં ગયો . તેના પપ્પા હજુ નીચે દાદા જોડે બેઠેલા હતા. દવાની અસરના કારણે રાકેશ ને ઊંઘ આવી ગઈ. તે ઉઠ્યો તો સાંજ ના સાત વાગી ચૂકયા હતા. તે ઝડપથી દિયાને મળવા માટે બહાર આવ્યો અને તેની રૂમમાં ગયો પણ રૂમમાં કોઈ ન હતું. એટલે તે સીધો નીચે હોલમાં ગયો . તેણે જોયું તો દિયા રસોડામાં કામ કરતી હતી . રાકેશને દિયા સાથે વાત કરવી હતી પણ તેના માટે એકાંત જોઈએ . બધા જમવા બેઠા . મહારાજે રાકેશને પુડલા પીરસ્યા. જે દિયાએ બનાવ્યા હતા. પુડલા જોઈ સમીરે કહ્યું,
" મહારાજ મારા માટે પણ બનાવો ને ."
"નાના સાહેબ એ દિયા બેને બનાવ્યા છે."મહારાજે કહ્યું.
દિયા એ સમીર સામે જોઈ કહ્યું ,"હું બનાવી આપું છું "
"ના તું જમી લે .. કાલે સવારે બનાવી આપજે ."
"પાક્કું ચલો" દિયાએ હસતા હસતા કહ્યું.
બીજે દિવસે સવારે રાકેશ ઉઠીને બહાર આવ્યો તો સમીર કસરત કરતો હતો. તેનું કસાયેલું શરીર જોઈ એક ક્ષણ માટે રાકેશને ઈર્ષા થઈ પણ તેણે જે રીતે છેલ્લા બે દિવસથી પોતાની મદદ કરી હતી તેના લીધે તેના માટે માન ઉપજ્યું હતું.
રાકેશ ને જોઈ સમીરને દિયાનો વિચાર આવ્યો . રાકેશ ના દિલની વાત જાણવા રાકેશ ને કહ્યું ,
"રાકેશ તને એક વાત પુછવી હતી "
"બોલ ને.. શું વાત છે?"
"આ દિયા કેવી છે.મતલબ કે, એમ તો હું એને થોડું થોડું ઓળખુ છું પણ તું તો એને ઘણા સમયથી ઓળખે છે ને તો મને જણાવ ને ?"
"પણ અચાનક કેમ આ સવાલ ?" રાકેશે આશ્ચર્ય સાથે પૂછ્યું.
" એકચ્યુલી ..હું તેને પ્રપોઝ કરવાનું વિચારૂ છુ"
આ સાંભળી રાકેશનો ચહેરો પીળો પડી ગયો.સમીર માટે થોડા સમય પહેલાં જે માન હતું તે ઈર્ષા એ લઈ લીધું . થોડીવાર વિચારી તેણે સમીરને કહ્યું ,
"એમ તો સારી છે પણ"
પણ શું ?
"એનો સ્વભાવ.. તને ખબર નથી .. ગુસ્સો તો હમેશા નાક પર જ રહે છે અને એની જિદ..તોબા તોબા .. જોઈએ એ તો જોઈએ જ.. ઓફિસમાં તો રોફ જમાવે . કોઈ ફરીયાદ કરે તો સીધી ધમકી આપે ..આ તો બધા વચ્ચે શાંત દેખાય બાકી ખતરનાક છે હો ..આ તો તુ મારો દોસ્ત છે એટલે સાચું કહુ છુ બાકી તારી મરજી."
રાકેશના છેલ્લા શબ્દો સંભળાતા દિયાના પગ સીડી પર જ અટકી ગયા .