જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 40
લેખક – મેર મેહુલ
જુવાનસિંહ સુરુની ઓરડીમાં થઈને બાજુનાં આલીશાન રૂમમાં પ્રવેશ્યો હતો.તેણે એક વર્ષ પહેલાં જે વ્યક્તિઓને એક કેસમાં કસ્ટડીમાં લીધાં હતાં એ જ લોકો અત્યારે તેની સમક્ષ ઉભા હતા.તેણે એક વ્યક્તિને બેડ પર ભુરી ચાદર ઓઢીને સૂતેલો જોયો. જુવાનસિંહે એ ચાદર હટાવી ત્યારે તેનાં હોશ જ ઉડી ગયાં.
“ઓહ..માય..ગોડ…”જૈનીતનો ચહેરો જોઈ જુવાનસિંહથી બોલાય ગયું.જુવાનસિંહે પુરી ચાદર હટાવી ત્યારે તેને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો.જૈનીતનું ગરદનથી લઈને કમર સુધીનું શરીર કોટનના પાટામાં લપેટાયેલું હતું.જૈનીતના ચહેરા પર પણ નાના-મોટાં ઘાવ હતા.જેના પર લોહી જામી જવાને કારણે તેનો ચહેરો વધુ બેડોળ લાગતો હતો.
“કોણે કર્યું આ બધું?”જુવાનસિંહે પૂછ્યું.
“વિક્રમ દેસાઈ અને તેના ગુંડાઓએ”જોકરના લિબાસમાં ઊભેલાં વ્યક્તિએ ખૂણામાં બેઠેલાં રેંગા તરફ નજર કરીને કહ્યું. બેહોશીના ઇન્જેક્શનની અસર હેઠળ રેંગો હજી બેભાન હતો.
“અહીં પણ વિક્રમ દેસાઈ”જુવાનસિંહે કહ્યું.
“થોડાં દિવસોમાં જ તેની કબર ખોદાઈ જશે.”બકુલે કહ્યું, “તેનો ડાબો હાથ આપણી ગિરફ્તમાં છે એટલે એ હવે ચૂપ નહિ બેસે.તેના જમણા હાથને બીલમાંથી કેવી રીતે બહાર કાઢવો એ મને ખબર છે”
“તું આ રેંગાને મારી નાખવાનું તો નથી વિચારતોને?” જુવાનસિંહે ભમરો ચડાવી પૂછ્યું, “જો એવું વિચારતો હોય તો તું ભૂલ કરે છે”
“ના જુવાનસિંહ”બકુલે શાંત સ્વરે કહ્યું, “એવું કરવું હોત તો એ અત્યારે તમારી નજર સામે ના હોત અને રેંગા પાસેથી હજી ઘણીબધી માહિતી ઓકાવવાની છે”
જુવાનસિંહે એક ઊંડો શ્વાસ લીધો.બાજુમાં રહેલાં સ્ટુલ પર બેઠો અને ગજવામાંથી સિગરેટ કાઢી સળગાવી.
“જૈનીત બેડ પર છે તો આ જોકરના લિબાસમાં કોણ છે?” જુવાનસિંહે કશ ખેંચીને પૂછ્યું.
“હું ખુશાલ પ્રજાપતિ”ખુશાલે કહ્યું, “જૈનીતનું અધૂરું કામ હું પૂરું કરું છું”
“મારે શરૂઆતથી અંત સુધીની વાત જાણવી છે.તમને મળી હોય એ બધી જ નાની-મોટી માહિતી”જુવાનસિંહે ફરી ઊંડો કશ ખેંચીને કહ્યું.
“આ એક મિશન છે એવું સમજી લો” આ વખતે નિધિ બોલી, “એવું મિશન જે અંજામ સુધી પહોંચશે એટલે સુરતમાંથી વિક્રમ દેસાઈ નામનો જે સુંવર છે તેનો ખાત્મો થઈ જશે”
“શું બોલે છે આ છોકરી”અચાનક જુવાનસિંહ ઉગ્ર બની ગયો, “વિક્રમ દેસાઈ કોણ છે એ ખબર નથી અને ખાત્મો કરવા નીકળ્યા છો”
“અમને ગાજર-મૂળી ના સમજતાં જુવાનસિંહ”ખુશાલનો અવાજ પણ ઉંચો થઈ ગયો, “તમારી પાસે વિક્રમ દેસાઈ વિશે જેટલી જાણકારી નથી એટલી અમારી પાસે છે”
“તો પછી કોની રાહ જુઓ છો?,મને એ જાણકારી આપો.બની શકે એટલી હું મદદ કરીશ” છેલ્લાં થોડાક સમયમાં વિક્રમ દેસાઈને હચમચાવી દેનાર વ્યક્તિની સામે એ ઉભો છે એ જાણી જુવાનસિંહ ટાઢો પડી ગયો.
“એટલે જ તમને અહીં બોલાવ્યા છે”કહેતાં ખુશાલે બેડ નીચેથી એક ફાઇલ કાઢી જુવાનસિંહના હાથમાં ધરી.
“તમે એકવાર આ ફાઇલ જોઈ લેશો એટલે તમને બધી ખબર પડી જશે”ખુશાલે કહ્યું.
જુવાનસિંહે સ્મિત કર્યું અને ફાઈલને સાચવીને કમરમાં ઘુસાવી દીધી.
“તમે લોકોએ જે જંગ છેડી છે તેના માટે હિંમત જોઈએ”જુવાનસિંહે વખાણ કરતાં કહ્યું, “આજ સુધી હું પણ આ હિંમત નથી કરી શક્યો”
“જો તમારે સરાહના કરવી જ હોય તો આ જે વ્યક્તિ બેડ પર છે તેની કરો”નિધિએ જૈનીત તરફ હાથ ચીંધી કહ્યું, “આ વ્યક્તિને કારણે જ આ બધું શક્ય બન્યું છે”
“એ તો મને ખબર છે”જુવાનસિંહે ફરી સ્મિત કર્યું, “આવું ગાંડપણ આની સિવાય કોઈ કરી પણ ના શકે”
થોડીવાર ઓરડીમાં શાંતિ પ્રસારાઈ ગઈ.સૌ જૈનીતના ચહેરા તરફ જોઈને ગર્વ લઈ રહ્યા હતાં. જુવાનસિંહે સૌનું ધ્યાન ભંગ કરતાં કહ્યું, “જૈનીતને કેટલાં સમયમાં રીકવરી આવશે અને આ રેંગાનું શું કરવાનું છે?”
“હજી થોડો સમય લાગશે”ખુશાલે કહ્યું, “અને રેંગાને થોડાં સમય માટે અહીં જ રાખીશું.તેની પાસેથી જરૂરી માહિતી મળી રહેશે એટલે તમારાં હવાલે કરી દઈશું, જો તમને કોઈ પ્રૉબ્લેમ ના હોય તો”
“ના ભઈ મને શું પ્રોબ્લેમ હોય?”જુવાનસિંહે હસીને કહ્યું, “મને થોડી ખબર છે,વિક્રમ દેસાઈના ડાબા હાથને કોણે મરડી નાખ્યો છે.તમારો શિકાર છે.તમે જાણો અને વિક્રમ દેસાઈ જાણે. હું તો હાલ મારા ઘરે નિરાંતે સૂતો છું”
જુવાનસિંહની વાત સાંભળી સૌ હસી પડ્યા. ખુશાલે આગળ આવી જુવાનસિંહ સામે હાથ લંબાવતા કહ્યું, “તમે અમારી મદદ કરો છો એ માટે તમારો આભાર માનું એટલો છે જુવાનસિંહ”
“મારી પાસે વરદી છે છતાં હું કંઈ કરી શકતો નથી અને તમે લોકો વગર વરદી એ આટલું કરો છો એ હિસાબે મારે તમારો આભાર માનવો જોઈએ”જુવાનસિંહે ખુશાલ સાથે હાથ મેળવતાં કહ્યું, “અને હું નીકળું છું હવે,કોઈ જોઈ જશે તો કારણ વિના પ્રોબ્લેમ થશે”
“થોડાં દિવસ આપણે કોન્ટેકટ નહિ કરીએ”ખુશાલે કહ્યું.જુવાનસિંહે ગરદન વડે હકારમાં ઈશારો કર્યો અને સુરુની ઓરડી તરફ આગળ વધ્યો.ચાર ફૂટના બારણે ઝુકતા પહેલાં તેને કંઈક યાદ આવ્યું એટલે જુકેલો જુવાનસિંહ ઉભો રહી પાછળ ફર્યો.
“તું જમણા હાથને બીલમાંથી બહાર કાઢવાની વાત કરતો હતો”જુવાનસિંહે કહ્યું, “કેવી રીતે કાઢીશ બિલમાંથી?”
“ક્રિશા…”સસ્મિત સાથે ખુશાલે કહ્યું.તેનાં મગજમાં ગજબનો પ્લાન હતો.જો એમાં નાની અમથી પણ ભૂલ થાય તો પૂરાં મિશન પર ખતરો આવી શકે એમ હતો.છતાં તેણે રિસ્ક લીધું હતું.એટલે જ તેના સ્મિતમાં અજીબ રહસ્ય છુપાયેલું જણાતું હતું.
કદાચ જુવાનસિંહ એ રહસ્ય ન જાણી શક્યો. તેણે ફરી મુંડી ધુણાવી,નીચે ઝૂકી એ બહાર નીકળી ગયો.
***
મને જુવાનસિંહે ગિરફ્તાર કરી લીધો હતો.મેં એક મૂર્ખામી ભર્યું કામ કર્યું હતું.હું એ ભૂલ જ ગયો હતો કે ભલે કદાચ રૂમમાં કેમેરા ન લાગ્યાં હોય પરંતુ લોબીમાં તો કેમેરા હોય જ.આ વાત ગાંડાને પણ ખબર હોય.ખબર નહિ હું કેમ આ વાત ભૂલી ગયો.
જુવાનસિંહે મને એ રોકોર્ડિંગ બતાવ્યું.હું રંગે હાથે પકડાય ગયો હતો.તેઓએ મને ગુડદામાં બે-ત્રણ લાત મારી આવું કરવાનું કારણ પૂછ્યું પણ હું ચૂપ હતો.તેઓ જેટલીવાર મને પૂછતાં હતા હું એક જ જવાબ આપતો હતો, “એ મર્ડર મેં જ કર્યું છે પણ હું કારણ નહિ જણાવી શકું”
આખરે તેઓ મને મારી મારીને થાક્યાં પણ મેં મોઢું ના ખોલ્યું તે ના જ ખોલ્યું.પુરી રાત મને અંધારી ઓરડીમાં પુરી રાખવામાં આવ્યો હતો.
સવારે જુવાનસિંહ ઓરડીમાં આવ્યા.હું કુણામાં સૂતો હતો.આવીને તેણે મને પેટમાં લાત મારી.
“હરામી સાલા”તેઓએ ગાળ બોલતાં કહ્યું, “છોકરીઓની જિંદગી બરબાદ કરે છે?,રેપ કરીશ એમ તું?”
“પણ મેં શું કર્યું સાહેબ?”મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.
“તને શું લાગે,તું બધું કરી નાંખીશ અને કોઈ તને જોશે નહિ?”જુવાનસિંહે કહ્યું, “છેલ્લાં અઠવાડિયાથી તારાં પર નજર છે મારી,કાલે હું ગફલતમાં રહી ગયો નહીંતર તને રંગે હાથે પકડી પાડવાનો હતો”
“તમે જે કર્યું હોય એ”મેં કહ્યું, “મેં કોઈની લાઈફ બરબાદ નથી કરી અને મેં કોઈનું રેપ પણ નથી કર્યું”
“એ બધું કોર્ટમાં બોલજે”ઇસ્પેક્ટરે કહ્યું, “હાલ તું મુજરીમ છે”
જુવાનસિંહ ચાલ્યાં ગયાં.પૂરાં સુરત સામે મારો ચહેરો આવી ગયો હતો.ન્યૂઝ ચેનલ,સમાચાર પત્રોમાં મેં એક મોટા બિઝનેસમેનનું ખૂન કર્યું એવાં ન્યૂઝ ફેલાય ગયાં.હું કારણ વિનાનો બદનામ થઈ ગયો.મારાં પર મર્ડર અને રેપનો કેસ કરવામાં આવ્યો હતો.જુવાનસિંહે મને હોટેલ વિજય પેલેસમાં જતાં જોઈ લીધો હતો. તેઓના મતે હું હવસનો પૂજારી હતો.
શું કરવું એ મને સમજાતું નહોતું.જુવાનસિંહ તેઓની સાથે મળેલો હતો કે નહીં એ પણ મને નહોતી ખબર.જો એ તેઓને સાથે મળેલો હતો તો મારું તો આવી જ બન્યું હતું.જેલમાં જ મારાં રામ રમી જવાના હતા.જો મારાં ઘરે તપાસ કરવામાં આવી તો?,તેઓના હાથમાં લેપટોપ આવી ગયું તો?,એ લોકો મને શરીરનો વ્યાપાર કરવાનાં ગુન્હામાં ફસાવી દેશે તો?
હું ડરી ગયો હતો. શું કરવું એ મને સમજાતું નહોતું.
(ક્રમશઃ)
જૈનીતની સાથે આ શું થઈ રહ્યું હતું?,કોણે જુવાનસિંહને જૈનીતની બાતમી આપી દીધી હતી?,જૈનીતનો એ અજાણ્યો દુશ્મન કોણ હતો?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226