teacher - 19 in Gujarati Fiction Stories by Davda Kishan books and stories PDF | ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 19

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 19

એસ.વી.પી. એકેડેમીના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ હવે પૂર્ણ થઇ ગઇ હતી. દિવાળી વેકેશન પણ નીકળી ગયું હતું. શિક્ષણ જગત માટે એક મોટો તહેવાર આવી રહ્યો હતો. આ તહેવાર એટલે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ.

રાષ્ટ્રીય શિક્ષણ દિવસના દિવસે શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજન પૈકી વક્તૃત્વ સ્પર્ધા, વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નાટક તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવનું વક્તવ્ય પણ રાખવામાં આવ્યું હતું.

આ તહેવારના એક અઠવાડિયા પહેલા જ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, નાટકનાં રિહર્સલ થી માંડીને ઓડિટોરિયમમાં બધા સામે પોતાનું વક્તવ્ય આપવાની તૈયારી વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. એસ.વી.પી એકેડમીમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે દર વર્ષે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ શાળાના કાર્યક્રમની ખાસિયત એ છે કે, શિક્ષણ દિવસને લગતી તમામ પ્રકારની માહિતીઓ, શિક્ષણ દિવસનું મહત્વ, શિક્ષણનું મહત્વ તેમજ એક શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ કેવો હોવો જોઈએ તે બધું વિદ્યાર્થીઓ દ્વારા જ સમજાવવામાં આવે છે. કોઈ પોતાના વક્તવ્યમાં આનો ઉલ્લેખ કરે છે, તો કોઈ નાટ્યાત્મક કૃતિ સ્વરૂપે આ વિશે સમજાવે છે.
તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી.

"અમિત, કેટલા દ્રશ્યો તૈયાર થયા છે?" પાર્થ સરે માઈકને ચેક કરતાં પૂછ્યું.

"સર, બે દ્રશ્યો સંપૂર્ણ રીતે તૈયાર છે, ત્રીજા દ્રશ્યની તૈયારીઓ કરીએ છીએ." અમિતે સ્ક્રિપ્ટનું પાનું ફેરવતા કહ્યું.

"ઓકે ગુડ! બધા જ દ્રશ્યો પરફેક્ટ પ્લે થવા જોઈએ."

"ઓકે સર."

બધા દ્રશ્યોની પ્રેક્ટિસ અને રિહર્સલ સારી રીતે પૂર્ણ થયા હતા, હવે શિક્ષણ દિવસ થોડી જ ક્ષણોમાં આવવાનો હતો. બધા લોકો ખૂબ જ ઉત્સાહિત હતા.

(મંચને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે, સમગ્ર ઓડીટોરિયમ પ્રેક્ષકોથી ભરાઈ ગયું, કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.)

"માનનીય ટ્રસ્ટીગણ, માનનીય આચાર્યશ્રી, આદરણીય મુખ્ય મહેમાનશ્રી, હું દેવાંશી દવે એસ.વી.પી અકેડમી તરફથી આપ સૌનું શિક્ષણ દિવસ સમારોહમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ દિવસ એટલે શિક્ષણ જગત માટે એક તહેવાર. આપણી શાળાની પરંપરા પ્રમાણે દર વર્ષે આપણે સૌ સાથે મળીને આ તહેવાર ઉજવીએ છીએ. આ તહેવાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે એક પર્વ સમાન છે. આ તહેવારને એસ.વી.પી. એકેડમી શિક્ષા પર્વ તરીકે ઉજવે છે. સમગ્ર ગુજરાતમાં શિક્ષણ દિવસ આ રીતે ઉજવતી એક માત્ર સંસ્થા એટલે એસ.વી.પી. એકેડમી. આ તહેવાર દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વખતે આપણી શાળાના વિદ્યાર્થીઓએ વકતૃત્વ સ્પર્ધા તેમજ નાટકનું આયોજન કર્યું છે. સાથે સાથે શિક્ષણ જગતમાં મોટું નામ મેળવી ચૂકેલા મહાનુભાવ એટલે શ્રી નાયક સર પણ આજે આપણને 'શિક્ષણ શ્રેષ્ઠ વિચાર' વિષય પર વક્તવ્ય આપશે. આગળના કાર્યક્રમનો દોર સંભાળવા માટે હું તને મેડમ ને આમંત્રિત કરું છું."

"એસ.વી.પી. એકેડમી દ્વારા આયોજિત શિક્ષા પર્વમાં હું તન્વી પટેલ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજનો દિવસ એટલે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. તારીખ 11 નવેમ્બરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 2008માં થયેલી. આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી શ્રી મૌલાના અબુલ કલામ આઝાદના જન્મ દિવસે એમની યાદમાં ઉજવવામાં આવે છે. હવે વધારે સમય ના વેડફતા હું આપણી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નાટિકામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મંચ પર આમંત્રિત કરું છું અને ટૂંક સમયમાં આપણે નિહાળવા જઈ રહ્યા છીએ એક સુંદર મજાની નાટિકા.

(તન્વી મેડમે પોતાનું વ્યક્તવ્ય પૂર્ણ કર્યું કે તરત જ સ્ટેજ પરનો પડદો બંધ થયો. બધી જ લાઈટો નાટકને અનુરૂપ ગોઠવાઈ ગઈ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક શરૂ થયું. પડદો ધીરે ધીરે ખુલી રહ્યો છે.)

નોંધ:- અહીં નાટકના પાત્રોમાં વિદ્યાર્થીઓના સાચા નામ નથી પરંતુ નાટકને અનુરૂપ નામો આપવામાં આવ્યા છે.

દ્રશ્ય - 1

(એક નાનકડાં ગામડાંમાં બીજે ગામથી બે શિક્ષકો આવે છે.)

બિપિન રાવ : ચાલો ચાલો ચાલો, ચાલો બાળકો ભણવા ચાલો, થોડી રમત રમવા ચાલો, થોડું ગણિત ગણવા ચાલો, શિક્ષકોને મળવા ચાલો, ખોટાં સામે લડવા ચાલો, ભણતરના બાગમાં ફરવા ચાલો, ચાલો ચાલો ચાલો.

મૂળજી કાકા : અરે અરે ભાઈ, અમારા ગામના છોકરાઓને ક્યાં લઈ જાઓ છો?

પંકજ દેસાઈ : બાપા, અમે તો અહીં બાજુની શાળા છેને, ત્યાંથી આવ્યા છીએ.

મૂળજી કાકા : એ બધુ ઠીક, પણ અમારે અહીં ના છોરાઓ ના ભણે.

બિપિન રાવ : અરે બાપા, એમ કેમ કહો છો? શિક્ષા પર તો સૌનો અધિકાર છે.

મૂળજી કાકા : તું દલીલ કરે મારી હાયરે?

પંકજ દેસાઈ : ના બાપા, અમે તો અહીં ગામનો વિકાસ કરવા આવ્યા છીએ.

મૂળજી કાકા : ઓહો! આ સુટ પહેરીને તમે વિકાસ કરશો એમ? પેલાં આ છોકરાઓના વાલીઓને તો પૂછી લો.

બિપિન રાવ : હા, એ છોકરાઓ ક્યાં છે તમારા બધાના પપ્પા?

બિરજુ : મારા બાપુ તો નદી કાંઠે છે, કપડાં ધોવે છે.
ટીનો : મારા બાપુ ઘેર સંચો ચલાવે છે.

મુનો : મારા બાપુ તો પાદરે બેઠા છે, ચપ્પલ સીવતા હશે.

પંકજ દેસાઈ : આપણે વારાફરતી આ બધાને મળશું.

જીવલો : ઓ શહેરથી આવેલા સાયબો, આ તમે અમારા ગામના છોકરાઓને ભડકાવશો નહીં હો... તમે છો કોણ?

બિપિન રાવ : હું બિપિન રાવ અને આ પંકજ દેસાઈ. અમે બંને બાજુના ગામની શાળામાંથી આવ્યા છીએ.

જીવલો : એ તો બધાને ભણાવે રાખે એ જ ને?

પંકજ દેસાઈ : અરે હા પણ,...

જીવલો : પણ વણ કાંઈ નહીં.. અમારા ગામના છોકરાઓ ના ભણે એટલે ના જ ભણે.(જીવલાએ સાહેબની વાત કાપતાં કહ્યું.)

બિપિન રાવ : અરે પણ, અમે આ છોકરાઓના વાલીઓને સમજાવશું.

જીવલો : એના માટે તમારે અમારા ગામના સરપંચની પરવાનગી લેવી પડે.

બિપિન રાવ : અમે તૈયાર છીએ. ચાલો આ ગામના સરપંચ સાથે વાત કરી લઈએ.

પંકજ દેસાઈ : હા, ચાલો બીપીનભાઈ.

જીવલો : એ... ગામના સરપંચ ને મારા પ્રણામ.

સરપંચ : આવને જીવલા, કેમ છે તું? અને તારી સાથે આ શહેરના લોકો કોણ છે?

જીવલો : શેઠ, આ તો બાજુના ગામની શાળામાંથી આવ્યા છે.

સરપંચ : ઠીક, બેસો. શું લેશો? એ મંગળા... ત્રણ ચા મુક તો.

પંકજ દેસાઈ : અમારે કશું જ નથી પીવું.

સરપંચ : તો બોલો, મારા જેવું શું કામ પડ્યું?

બિપિન રાવ :શેઠ, અમે બાજુના ગામની પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. હું બિપિન રાવ અને આ પંકજભાઈ દેસાઈ. અમારી શાળાના શિક્ષકોએ એક સર્વે કર્યો છે. અમને ખબર પડી છે કે તમારા ગામમાં કોઈ લોકો ભણતા જ નથી. આવું કેમ? આઠમા ધોરણ સુધી તો શિક્ષણ લેવું જ જોઈએ.

સરપંચ : ઓહ! તો વાત આ છે એમ ને! જુઓ, અમારા ગામમાં પહેલેથી જ આ પ્રથા ચાલી આવે છે. અમારા ગામના છોકરાઓ ના ભણે. પોતાની પેઢી ઉપર જ બેસે. મોચીનો છોકરો મોચી જ બને, ધોબીનો છોકરો તો ધોબી જ બને. એટલે માફ કરશો. અમારા ગામના કોઈ પણ છોકરાઓ ભણશે નહીં.

બિપિન રાવ : શેઠ, પહેલા અમારી વાત તો સાંભળી લો. (વિનંતીના ભાવ સાથે)

સરપંચ : ઠીક છે. જે કહેવું હોય એ જલદી કહો.

પંકજ દેસાઈ : આપણી સરકાર ધોરણ ૧ થી ૮ સુધી મફત શિક્ષણ આપે છે. અન્ય સહાય પણ કરે છે. ભણવાથી માત્ર વિદ્યાર્થીઓનો જ નહીં પણ સમગ્ર પરિવારનો વિકાસ થશે. એક શિક્ષિત વ્યક્તિ પોતાના પરિવારને શિક્ષિત કરશે, એક શિક્ષિત પરિવાર અન્ય પરિવારોને શિક્ષિત કરશે. એ જ રીતે આખું ગામ શિક્ષિત થશે, જે થી જિલ્લો, સમાજ, રાજ્ય અને અંતે આપણો દેશ શિક્ષિત થશે.

બિપિન રાવ : સેઠ, શિક્ષા મેળવવામાં કોઈ જ પ્રકારનું નુકસાન નથી. અમારા ગામના બધા બાળકો ભણે છે.

સરપંચ : એ ભણશે એટલે અમારા કહ્યામાં નહીં રહે એનું શું?

બિપિન રાવ : અરે સેઠ, એ લોકો ભણશે તો પણ તમારા કહ્યામાં રહેશે તેમજ અમુક ખોટી થતી વસ્તુઓને સુધારવાનો પ્રયત્ન પણ કરશે.

સરપંચ : પણ અમારા ગામની પરંપરાનું શું?

પંકજ દેસાઈ : સેઠ, ભણતર મેળવવું એ કોઈ પરંપરાને વિરુદ્ધનું કાર્ય નથી. પ્રાચીન સમયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગુરુ સાંદિપની પાસેથી વિદ્યા મેળવી હતી. રહી વાત પરંપરાની તો સમય સાથે પરિવર્તન આવશ્યક છે. પહેલાં સ્ત્રીની સતી થવાની પરંપરા હતી જે રાજા રામ મોહન રાય દ્વારા નાબૂદ કરવામાં આવી.

સરપંચ : પણ અમારી પરંપરા નાબૂદ ના થાય.

બિપિન રાવ : આપના મતે જો આ બાળકો શિક્ષણ મેળવશે તો શું નુકસાન થશે એ કહો.

સરપંચ : અરે તમે નુકસાનની વાત કરો છો! આ છોકરાઓ કોઈના કહ્યામાં નહીં રહે, ભણીને શહેર ચાલ્યા જશે એટલે એમનાં માં બાપનું ધ્યાન કોણ રાખશે? છે આનો જવાબ?

બિપિન રાવ : માફ કરજો શેઠ પરંતુ આ બાળકોને જો યોગ્ય શિક્ષણ ના મળ્યું તો ઘણી જગ્યાએ તેઓ છેતરાઈ જશે. જો એમનામાં હુનર હશે તો તેઓ ફક્ત તેમનું જ નહીં પરંતુ આ આખા ગામનું નામ રોશન કરશે. ઠીક છે, આપ બે - ત્રણ દિવસમાં વિચારી લો. અમે આવતાં સોમવારે ફરી આવશું. અત્યારે અમને રજા આપશો સેઠ. રામ રામ.

(બંને સાહેબો ત્યાંથી નીકળી જાય છે. જીવલો હવે સરપંચના કાન ભરે છે.)

જીવલો : એ સેઠ, એ સાહેબની વાતોમાં ના આવો હો, એ તો બધાને મોટી મોટી વાતો કરશે અને પછી ત્યાં આપણા ગામના છોરાવને કામ કરાવશે.

સરપંચ : જો જીવલા, હું જે નિર્ણય લઈશ એ તપાસ કરાવીને જ લઈશ. તું ચિંતા ના કર.

દ્રશ્ય 1 સમાપ્ત.
(પ્રથમ દ્રશ્ય અહીં પૂર્ણ થાય છે, મંચ પરનો પડદો બંધ થયો. તાળીઓના ગડગડાટ સંભળાયા.)

બીજું દ્રશ્ય શરૂ થઈ રહ્યું છે. પડદો ખુલી રહ્યો છે. સરપંચે બંને સાહેબોને એમના ઘરે બોલાવ્યા છે.

દ્રશ્ય 2

પંકજ દેસાઈ : હા, તો શું વિચાર્યું છે સેઠ?

સરપંચ : મેં થોડું વિચાર્યું છે અને મારા ઓળખીતાઓ પાસે તપાસ પણ કરાવી છે, એવું જાણવા મળ્યું કે શિક્ષા મેળવવી હિતમાં છે. અમે તો ના ભણ્યાં, આ બાળકો ભણે તો આ સારું જ છે.

બિપિન રાવ : હા સેઠ, તમે પણ ભણી શકો છો.

સરપંચ : હવે મારે ક્યાં જાજા વરહ કાઢવાના, હવે તો જીવનનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે ઓલો બાપ બોલાવી લેશે.

બિપિન રાવ : એ વાત તો સાચી હો સેઠ.

સરપંચ : તમારી શાળાના આચાર્ય ખીમજી ભાઈ મારો લંગોટિયો દોસ્તાર છે. એણે મને બધું જ સમજાવી દીધું છે. સ્કૂલમાં દાખલો લઈ આપવાની બધી જવાબદારી મારી. પણ તમારે આ છોકરાઓના વાલીઓને સમજાવવા પડશે.

બિપિન રાવ : અરે સેઠ, એ તો અમે કરી લેશું.

સરપંચ : ઠીક છે, આ જીવલાને સાથે લેતાં જાવ, એ પણ કંઇક શીખશે. એ જીવલા આ બધા કામ કેમ થાય એ જોજે અને કંઇક શિખજે હો, ગામની પંચાતમાં જ સમય ના વેડફતો.

જીવલો : હા બાપા, પણ તમને કહી દઉં છું કે ઓલા બિરજુ, ટીનીયો અને મુન્યા ભેરો હું પણ નિશાળે જઈશ.

સરપંચ : હા, જાજે હો.

(બંને શિક્ષકો વારાફરતી બધાના વાલીઓ પાસે જાય છે અને બધું જ સમજાવે છે. સરપંચનો સહકાર છે એટલે બધાં સહેલાઈથી માની પણ જાય છે.)

પંકજ દેસાઈ : ચાલો હાશ. એક કામ તો પાર પડ્યું.

બિપિન રાવ : હા પંકજ ભાઈ, સારું થયું આ ગામના સરપંચ માની ગયા, નહીં તો આપણે છોકરાઓના વાલીઓને મનાવવા મુશ્કેલ થઈ જાત.

પંકજ દેસાઈ : હા હો. સારું ચાલો, હવે બાકીનું કામ કાલે શાળાએ કરશું. અત્યારે પાછા સરપંચને મળીને નીકળી જઈએ.

(સ્ક્રીન આવે છે. સોમવારે રાતનો સમય.)

ટીનો : ઘરર ઘરર ઘરર ઘરરરરર

ટીનાના મમ્મી : અરે દીકરા, આ શું કરે છે?

ટીનો : હું પ્લેન ઉડાવવાની પ્રેક્ટીસ કરું છું.

મમ્મી : ઓહો!

ટીનો : હા, ગુરુવારથી નિશાળે ભણવા જવાનું છે, હું ભણીને પાઇલટ બનીશ.. મોટા મોટા વિમાન ઉડાવિશ.

મમ્મી : હા દીકરા હા, ઉડાવજે હો, પેલાં તું જમી લે.

(બધા બાળકો પોતાના સપનાઓમાં ખોવાયેલ હતાં, ભણીને સારી નામના મેળવશે એવા અનેક સ્વપ્નની ઉડાન ભરી રહ્યા હતાં.)

બધાં બાળકો હવે શાળાએ જવા લાગ્યા હતા. જીવલો પણ હવે નિશાળે જવા લાગ્યો હતો. નવી નવી વાતો, સારાં સંસ્કારો, પ્રયોગો શીખી રહ્યા હતાં. બધું જ બરોબર ચાલી રહ્યું હતું.
ગામના છોકરાઓ દર શનિવારે સાંજે પાંચ વાગ્યે પાદરે બધાને એકઠાં કરતાં અને પોતે શાળાએ શિખેલ વસ્તુ બધાને શીખવાડતા.

જોત જોતાંમાં વર્ષો નીકળી ગયા. આટલા વર્ષોમાં ગામનો નકશો બદલાઈ ગયો હતો. સુખ દુઃખના અનેક પ્રસંગો બન્યાં હતાં. છોકરાઓ હવે જુવાનિયા બની ગયા હતાં.

બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે પડદો બંધ થયો અને આ દ્રશ્ય પૂર્ણ થયું.

દ્રશ્ય 3

(પડદો ખુલ્યો, નવું દ્રશ્ય શરૂ થયું હતું. પડદો ખુલતાની સાથે જ પ્રેક્ષકોમાંથી જોર જોરથી સિટીઓ વાગી, તાળીઓના ગડગડાટ સાથે નવા દ્રશ્યને લોકોએ આવકાર્યું.)

પડદો ખૂલતાં જ ત્રણ યુવાનો શૂટ બૂટમાં, હાઈ પ્રોફાઈલ વ્યક્તિત્વ, બ્લેક બ્લેઝર અને ગોગલ્સ સાથે કોઈ કંપનીના માલિક હોય એવું લાગી રહ્યું હતું. ગામમાં છોકરાઓ રમી રહ્યા હતાં, એમાંથી એક છોકરો આ ત્રણની નજીક આવ્યો.

છોકરો : કોનું કામ છે? કોને મળવા આવ્યા છો?

ટીનો : અરે અમે આ જ ગામના લોકો છીએ, હું તો જગુ ભાઈને ત્યાં આવ્યો છું, આ બિરજુ ભાઈ છે જે મુનશી ભાઈના ઘરે આવ્યા છે અને આ મહેશ છે. આ પણ કાનજી કાકાને મળવા આવ્યો છે. અમે શહેરથી આવ્યા છીએ.

છોકરો : જગુ કાકાને ત્યાં આવ્યા છો? તો તમે ટીન્યો જ ને?

ટીનો : હા, ટીનો ઉર્ફે તપન.

છોકરો : તો મને ના ઓળખ્યા?

ટીનો : તું કોણ છે?

છોકરો : તમારા ત્રણેયના માસ્તર ભૂપદ ભાઈનો પૌત્રો છું.

બિરજુ : અરે વાહ! ક્યાં છે ભુપદ ભાઈ માસ્તર? અમારે તેમને મળવું છે.

છોકરો : ચાલો, હું તમને લઈ જાવ.

(ત્રણેય સૌથી પહેલાં ભૂપદભાઈ માસ્તરને મળવા ગયા.)

છોકરો : દાદા, ઓ દાદા.. જુઓ કોણ આવ્યું છે તમને મળવા!

માસ્તરજી : કોણ છે? અરે આવો આવો. માફ કરજો પણ ઓળખાણ ના પડી.

મુન્નો : ભૂલી ગયા માસ્તરજી? હું મહેશ, તમારો મુન્નો, આ બિરજુ અને આ ટીનો.

માસ્તરજી : એ આવો આવો છોકરાઓ. તમને કેમ ભુલાય! આ તો હવે ઉંમર થઈ ગઈ છે એટલે આંખો બવ કામ નથી કરતી. આવો બેસો. કેમ છો બધા?

બિરજુ : અમે હેમ ખેમ છીએ હો. તમે કહો.

માસ્તરજી : બસ દીકરા, અહીંયા તો જેમ પેલાં હતું એમ જ છે. બસ નજર કમજોર થઈ છે અને શરીર થોડું સુકાઈ ગયું છે. હું રહ્યો નિવૃત્ત માણસ. આ ગામમાં ઘરનું મકાન છે. રોજ પરોઢે છાપું વાંચી લવ. સાંજે રેડિયો સાંભળું અને બાકી આરામ કરું. તમે કહો. બવ જાજા વર્ષે આવ્યા. શું કામ ધંધો કરો છો?

બિરજુ : સાહેબ, મારે એક કાપડની ફેક્ટરી છે.
આ આપણો તપન વિમાન ઉડાવતો થઈ ગયો છે અને મહેશ શહેરમાં મોટી કંપનીમાં CA છે.

માસ્તરજી : વાહ વાહ લે સારું સારું. તમે મારું નામ ઊંચું કર્યું ખરાં હો.

(આમ વાતો ચાલતી રહી, ત્રણેય વિધાર્થીઓ અને માસ્ટર યાદોમાં ખોવાઈ ગયા. આ નાનકડાં ગામડાંનો પણ હવે સારો એવો વિકાસ થયો હતો, આટલી સફળતા મેળવ્યા પછી પણ આ વિદ્યાર્થીઓ પોતાના ગામને અને સાહેબને ભૂલ્યાં નહોતાં.)

"મહેનત કરો તો ફળ હંમેશા મળે જ છે." આ શીખ સાથે પડદો પડ્યો અને નાટકનો અંત આવ્યો.

(આ નાટિકા લેખકની પોતાની જ કૃતિ છે, આ રચના લેખકની પોતાની હોવાથી કોપી કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ નાટકનો પરવાનગી વગર ઉપયોગ એક કાનૂની ભંગ છે. ચેતવણી)

બધાં લોકોને આ નાટક ખૂબ જ ગમ્યું. તાળીઓના નાદથી આખું ઓડીટોરિયમ ગુંજી ઉઠયું.

"વાહ, વાહ, અદભૂત... આપણા આ વિદ્યાર્થીઓએ ખરેખર પ્રશંસનીય કામગીરી કરી છે." આચાર્ય વિકાસ સરે મંચ પર આવીને કહ્યું.

નાયક સરે પણ પોતાનું વક્તવ્ય આપ્યું. વિદ્યાર્થીઓની વકતૃત્વ સ્પર્ધા પણ લેવાઈ ગઈ હતી.

વકતૃત્વ સ્પર્ધાનું પરિણામ આવવાનું બાકી હતું.

શું હશે પરિણામ?

આગળ જાણવા માટે વાંચતા રહો....

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com