ઉમાશંકર જોષી સ્મરણાંજલિ
ગાંધીજી, નાનાલાલ અને મુનશીજી પછીના ‘યુગ પ્રચારક સાક્ષર’તરીકે કવિશ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ જેમને ઓળખાવ્યા છે....તે ઉતમસર્જક,કવિ,એકાંકીકાર,વાર્તાકાર,નિબંધકાર,વિવેચક,સંશોધક,અનુવાદક,સંપાદક,આજીવનશિક્ષક અને સાહિત્યકાર શ્રી ઉમાશંકર જેઠાલાલ જોષીનો જન્મ ૨૧ જુલાઈ ૧૯૧૧ના સાબરકાઠાના ઇડર તાલુકાના બમણા ગામમાં થયો હતો. સાહિત્ય ક્ષેત્રે જેટલી પણ પદવી હોય તે બધી ઉપર દર્શાવ્યા મુજબ મૂર્ધન્ય કવિ,લેખક શ્રી ઉમાશંકરને લાગુ પડી શકાય એટલું વિશિષ્ટ અને અસંખ્ય સાહિત્યોનું પ્રદાન કરી, સાહિત્ય ક્ષેત્રે ગુજરાતનું નામ સમગ્ર રાષ્ટ્રમાં રોશન કર્યું છે.ગુજરાત અને ગુજરાતીને ભક્તિથી ગાનારા આ ઉમાશંકર કાલિદાસ અને રવિન્દ્રનાથની કોટિએ પહોચ્યા છે.
બમણા ગામમાં 4 ધોરણ પાસ કરીને વધુ અભ્યાસની સગવડ ન મળતા ઇડરની શાળામાં છાત્રાલયમાં રહીને અંગ્રેજી 7 ધોરણ પાસ કર્યા. ઇ.સ. 1928 માં અમદાવાદની પ્રોપકારી હાઇસ્કૂલમાંથી મેટ્રિક પાસ કર્યું. આમ, બમણાની પ્રાથમિક શાળામાં અને ઇડરની માધ્યમિક શાળામાં અભ્યાસ કરી,અમદાવાદમાં પ્રથમ નંબરે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પણ ઈ.સ.૧૯૩૦ માં ગાંધીજીનીઅંગ્રેજો વિરુદ્ધની સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાવા માટે અભ્યાસ છોડી દીધો.ઇ.સ. 1931માં છેલ્લા છએક મહિનાગુજરાત વિધ્યાપીઠમાં શ્રી કાકા સાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. આ દરમ્યાન મળેલ જેલવાસે તેમને કવિ અને લેખક તરીકે ઉતમ સર્જન કરવા પ્રેર્યા.પ્રથમ જેલવાસ દરમિયાન મહાન ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ’અને બીજા જેલવાસ વખતે કાવ્યો અને એકાંકીઓનું સર્જન કર્યું.ઈ.સ.૧૯૩૬માં મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં બી.એ.અર્થશાસ્ત્ર અને ઈતિહાસ સાથે પાસ કર્યું.મુંબઈની વિલેપાર્લેની ગોકળીબાઇ માધ્યમિક શાળામાં શિક્ષક થવાની સાથે ગુજરાતી સંસ્કૃત વિષયમાં પ્રથમ વર્ગમાં એમ.એ.કરી મુંબઈની કોલેજમાં ખંડ સમય વ્યાખ્યાતા થયા.ઈ.સ.૧૯૩૯માં અમદાવાદની ગુજરાત વર્નાક્યુંલર સોસાયટી(જે પાછળથી ગુજરાત વિદ્યાપીઠ તરીકે જાણીતી થઇ.)માં અધ્યાપક રહ્યા.નિવૃત્તિ બાદ ‘સંસ્કૃતિ’માસિકનો પ્રારંભ કર્યો.ગુજરાત સાહિત્ય અકાદમીના કારોબારી સભ્ય હોવાની સાથે ગુજરાત યુનિવર્સીટીના ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ તરીકે રહ્યા.આ દરમ્યાન કવિની શ્રદ્ધા વિવેચન સંગ્રહ,કાલેલકર ગ્રંથાવાલીનું સંપાદન,નિશીથ કાવ્યસંગ્રહ જેવી શ્રેષ્ઠ કૃતિઓ રચી એકાનોખા સાહિત્યકાર તરીકે ભારત સહીત વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા.
શ્રી ઉમાશંકરની સાહિત્ય યાત્રા ટુકમાં જોઈએ તો...
વિશ્વશાંતિ,નિશીથ,ગંગોત્રી,પ્રાચીના,આતિથ્ય,વસંતવર્ષા,મહાપ્રસ્થાન,અભિજ્ઞા,સપ્તપદી,ધારાવસ્ત્ર સુધીની સમગ્ર કવિતાની યાત્રામાં ગાંધીયુગ તથા અનુગાંધી યુગના વિચારોનું વહન કરતી કવિતાઓ ખરા અર્થમાં ૨૦મી સદીથી વાસ્તવદર્શી કવિતા બની છે.જેમાં કલ્પનાસભર,ભાવનીતરતું કોમલ અને ભવ્ય કવિહૃદય ઝળકે છે....તો...શ્રાવણી મેળો અને વિસામો વાર્તાસંગ્રહ દ્વારા ગુજરાતીઓને તેજ બક્ષ્યું,પારકા જાણ્યા નવલકથા નિરાળા પ્રયોગ તરીકે લખી,સપના ભારા અને હવેલીના એકાંકીઓ ગ્રામજીવનની અનોખી કલાત્મકતા આપનારા નીવડ્યા..ગોષ્ઠિ અને ઉઘાડી બારી જેવા લલિત નિબંધો અપૂર્વ રસથી ઝળહળે છે.સમસંવેદન, કવિની શ્રદ્ધા ,કવિની સાધના જેવા વિવેચન ગ્રંથો,....અખો- એક અધ્યયન સંશોધન ગ્રંથ,હૃદયમાં પડેલી છબીઓ,ઇસમુસીદા જેવા ચરિત્રનિબંધો,આંદામાનમાં ટહુક્યા મોર જેવા પ્રવાસગ્રંથો,સાહિત્ય જગતને અનોખી ભેટ સમાન ગણાય છે.તો અંગ્રેજીમાં કલીદાસઝ પોએટીક વોઈસ,ઇન્ડિયન લેકચરર પર્સનલ એકાઉન્ટ,એન ઈન્ડિયા એન્ડ ઇન્ડિયન લીટરેચર પણ અનોખી કૃતિઓ છે.
1957માં કલ્કત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ બન્યા.1968માંગુજરાત સાહિત્ય પરિષદ દિલ્હીના24મા અધિવેશનના પ્રમુખ બન્યા હતા.1952માં ચીન,જાવા,બાલી,લંકા,1956મા અમેરિકા, તો 1957મા જાપાન અને 1961માં રશિયાનો પ્રવાસ કર્યો હતો. ગાંધીયુગના અગ્રણી સર્જક એવા શ્રી ઉમાશંકરને તેમની સાહિત્યની સાધનાની ફલશ્રુતિરૂપે 1939માં રણજિતરામ સુવર્ણચંદ્રક,1944માં મહિડા પરિતોષિક,1947મા નર્મદ સુવર્ણચંદ્રક,1965મા ઉમાસ્નેહ રશ્મિ પરિતોષિક,1973માં સાહિત્ય અકાદમી પરિતોષિક,1968માં ભારતીય જ્ઞાનપીઠ પરિતોષિક (કન્નડ કે.વી.પૂટપ્પા સાથે વહેચાઈને) તો 1979મા સોવિએટ લેન્ડ પુરસ્કાર,1982માં કુમારન, આશાન પુરસ્કાર મેળવ્યા હતા॰
આટલું બધું અમુલ્ય અને અઢળક સાહિત્ય પ્રદાન કરનાર મોટા લેખક અને કવિ હોવા ઉપરાંત ઋજુ હૃદયના આ માનવીમાં માનવતા પણ ભરપુર હતી.સમાજના દરેક કામ દિલ રેડીને કરતા અને માણસના ગુણ કરતા દોષને પહેલા પારખી જતા હોવા છતાં તેને પ્રત્યે નકારાત્મકતાને બદલે હકારાત્મકતાથી જ વર્તતા.મિત્રો પ્રત્યેનું તેમનું વત્સલરૂપને કારણે વત્સલ વિશ્વ માનવી તરીકે ઓળખાયા.આવા મહાન વિભૂતિ પાસે અનેક મહાન પદો મહાનતા પામવા આવ્યા એવું કહેશું તો જરા પણ અતિશયોક્તિ નહિ લાગે!
19 ડિસેમ્બર 1988 ના કેન્સરને પરિણામે આ દુનિયાને અલવિદા કહેનાર આવી મહાન વિભૂતિ માટે શ્રી વિનોદ ભટ્ટે સાચું જ કહ્યું છે “આપણી પાસે એક જ ઉમાશંકર છે,એક અને માત્ર એક જ..”.ખરેખર સાહિત્યની દુનિયામાં અનન્ય ઉમાશંકર છે અને રહેશે જ...આવા મહાન આત્માને શત શત વંદન.......