"અરે બેન આ જોવો અહીં h લખવાનું તો રહી જ ગયું... મને મારી મહેંદી એકદમ પરફેક્ટ જોઈએ... શ્રેયસ નો અને મારો પ્રેમ આ મહેંદી માં જળકવો જોઈએ..." નિધિ પોતાને હાથે દુલ્હન મહેંદી લગાવડાવતી હતી. ચાર વર્ષ ના સગપણ બાદ શ્રેયસ અને નિધિ બે દિવસ પછી હંમેશ ને માટે એક થઈ રહ્યા હતા. હા... નિધિ અને શ્રેયસ ના લગ્ન છે બે દિવસ પછી.
ચાર વર્ષ પહેલાં નિધિ કોલેજ ના પ્રથમ વર્ષ માં જ હતી. અને તેના માટે માંગા આવવા ના શરૂ થઈ ગયા હતા. તેના માતા પિતા ને કોઈ ઉતાવળ ન હતી... નિધિ સ્વભાવ ની એકદમ સરળ. દેખાવ માં રૂપ રૂપ નો અંબાર... એક દિવસ નિધિ ના સમાજ ના આગેવાન એવા કિશોરભાઈ ના એકના એક દીકરા નું માંગુ આવ્યુ નિધિ માટે... શ્રેયસ, જેટલું સુંદર નામ એટલો જ સારો સ્વાભાવ... અને એથીયે વધારે દેખાવડો... કોલેજ ના બીજા વર્ષ માં ભણતો હતો... સારું ઘર અને સારો છોકરો હતો એટલે નિધિ અને તેના ઘરના એ સગપણ ની હા કહી દીધી...
સગપણ ના આ ચાર વર્ષ માં તો નિધિ અને શ્રેયસ એકમેક ના થઇ ગયા. બંને વચ્ચે અનહદ પ્રેમ... એકબીજા ના જન્મદિવસ પર મળી ને સરપ્રાઈઝ આપવી... બહાર ફરવા જવું... વારે તહેવારે નિધિ સાસરી માં જ જવા લાગી હતી... સાસુ સસરા પણ એટલા પ્રેમાળ કે નિધિ ને દીકરી ની જેમ રાખે... શ્રેયસ અને નિધિ બંને તો જાણે એકબીજા વિના હવે જીવી જ ન શકે... આટલો અનહદ પ્રેમ ક્યાંક જ જોવા મળે...
જોત જોતા માં ચાર વર્ષ નીકળી ગયા અને શ્રેયસ પોતાના પપ્પાની સાથે ધંધા માં ગોઠવાઈ ગયો... અને પછી નિધિ શ્રેયસ ના લગ્ન લેવાયા... આજે નિધિ ને મહેંદી લગાવાઇ છે... આ તરફ શ્રેયસ બેબાકળો બની ને નિધિ ને ફોન કરે છે... પણ નિધિ ના ઘરે આટલો અવાજ અને તેના હાથ માં મહેંદી લગાવાતી હતી એટલે નિધિ નું ધ્યાન નહોતું... થોડી વારે નિધિ ની કોઈ બહેન ને ધ્યાન ગયું કે નિધિ નો ફોન રણકે છે તો એણે ફોન ઉપાડ્યો... એવામાં જ શ્રેયસ બોલ્યો...
" ક્યાં હતી?? ક્યારનો ફોન કરું છું... તને ખબર છે ને મને તારી કેટલી ફિકર થાય જો તું ફોન ના ઉપાડે તો... "
" અરે જીજુ શાંત શાંત... આટલી જલ્દી શુ છે બે દિવસ પછી તો મારી બેન તમારી જ થઈ જવાની... થોડી ધીરજ રાખો..."
"નિધિ ક્યાં છે એને ફોન આપો... મારે વાત કરવી છે..."
"એના હાથ માં મહેંદી લાગે છે..."
" હા તો તમે એના કાન પાસે મોબાઈલ રાખો અને મને વાત કરાવો"
"હા..."
"હેલ્લો શ્રેયસ... શુ થયું..."
"તે મારો ફોન કેમ ના ઉપાડ્યો?? તને ખબર છે ને તારો ફોન એક મિનિટ પણ ના ઉપડે તો મને કેટલી ચિંતા થાય... તું કેમ કાઈ સમજતી નથી... ફોન તો ઉપાડવો જોઈએ ને... તું... "
"શ્રેયસ... શ્રેયસ... શાંત થા... આ જો મારા હાથ માં તારા નામ ની મહેંદી લાગી છે... એટલી સરસ લાગી છે કે ક્યાંક મારી જ નજર ના લાગી જાય..." નિધિ શ્રેયસ ને વચ્ચે અટકાવતા અને શાંત કરતા બોલી...
" સાચે જ મહેંદી આટલી સરસ લાગી છે???... કાશ હું ત્યાં હોત... નિધિ હવે આ બે દિવસ કેમ કરી ને નિકાળુ... જેમ જેમ દિવસ નજીક આવે છે હું એટલો જ અધીરો બની જાઉં છું..."
"શ્રેયસ હવે આપણે જલ્દી થી એક થઈ જશું બે દિવસ જ તો છે..."
"મારા માટે તો બે વર્ષ જેવું થઈ પડે છે..."
અને નિધિ હસવા લાગી... ફોન મૂકી ને બંને સુઈ જાય છે... લગ્ન નો આગલો દિવસ પણ બંને પોતપોતાના ઘરે મહેમાન અને કામ માં નીકળે છે... હવે આવ્યો નિધિ અને શ્રેયસ ના લગ્ન નો દિવસ... ચૉરી મસ્ત ગુલાબ ના ફૂલો થી શણગારાઈ છે... નિધિ નું આખું ઘર લાઈટો થી ઝગમગી રહ્યું છે... શરણાઈ અને ઢોલ તો એવા વાગે છે જાણે હાલ નાચવાનું મન થાય... નિધિ એ પાનેતર પહેર્યું જાણે કોઈ રાજકુમારી ના લગ્ન હોય એથી પણ વધારે સુંદર લાગતી હતી... આ તરફ શ્રેયસ પણ એટલો સરસ તૈયાર થયો હતો... વરરાજા ની ગાડી પણ એટલી સુંદર શણગારેલી હતી...
જાન નીકળે છે... અને શ્રેયસ નિધિ ને ફોન કરી ને વાતો કરી રહયો હતો...
"તૈયાર છે ને હું તો હવે બસ તને લાઇ જવા આવુ છું..."
"તારા માટે તારા નામ ની મહેંદી લગાવી અને સજી ધજી ને તૈયાર બેઠી છું... જલ્દી આવ અને જલ્દી લઈ જા..."
"હા બસ આ..." અને એકાએક ફોન કપાઈ ગયો... નિધીએ ફરી પ્રયત્ન કર્યો પણ ન લાગ્યો...
નિધિ ને થયું કદાચ ચારજિંગ નહિ હોય... અને તે પોતાની મહેંદી માં શ્રેયસ નું નામ વાંચે છે અને મન માં મલકાતી હતી... એટલા માં જ શરણાઈ ના સુર બંધ થઈ ગયાં... ઢોલ ઢબુકતા બંધ થઈ ગયા... કોઈકે નિધિ ના રૂમ માં આવી ને કહ્યું કે દુલ્હા ની ગાડી નો અકસિડેન્ટ થયો છે અને દુલ્હા નો જીવ ત્યાં જ નીકળી ગયો છે... નિધિ એ જ નજરે પોતાના હાથ ની મહેંદી જોતી રહી ગઈ અને ત્યાંરે તે ફસડાઈ પડી... જાણે સાચે બંને એકબીજા વિના નહોતા જીવી શકતા, નિધિ પણ ત્યાં ને ત્યાં જ દેહ છોડી ચાલી નીકળી શ્રેયસ પાસે....