પપ્પા પપ્પા તમે મારા આ મહિનાની પોકેટ મની હજુ આપી નથી. અને હા હવે મારે એમાં ઇમક્રીમેન્ટ જોઈએ, યાર મોંઘવારી તો જુઓ આટલા પૈસાથી મારે કેમ કરી ચલાવવાનું તમે સમજો જરા. અને હા મહિનાની પહેલી તારીખે મને મારી પોકેટ મની હવે મળીજ જવી જોઈએ. એકજ શ્વાસે દસ વર્ષનો પ્રથમ બોલી ઉઠ્યો.
અરે બેટા આપી દઈશ તારી પોકેટ મની પણ તારે આટલા રૂપિયાનું શું કામ હોય છે? પપ્પા બોલ્યા.
રસોડામાંથી બાપ દીકરાનો આ સંવાદ સાંભળતી મમ્મી પણ બહાર આવી બોલી ઉઠી, જોયું તમે, આને આ પોકેટ મનીના ખોટા રવાડે ચડાયો છે, હું તમને કેટલી વખત કહું છું પણ તમે મારી વાત સાંભળતા જ નથી, હજુ આટલો નાનો છે પણ પૈસાની વાત એવીરીતે કરે છે જાણે ઘર ચલાવતો હોય, રામ જાણે એને આટલા પૈસાની શું જરૂરિયાત પડે છે.
યાર મમ્મી તું પાછી સવાર સવારમાં ચાલુ ના થઈ જા. તમારા લોકોની જેમ મારે પણ પૈસાની જરૂર તો પડેજ ને. ચાલો પપ્પા લાવો મારા પૈસા આ મહિનાના, પછી હું જાઉં, પ્રથમ બોલ્યો.
અરે પણ આજે તો રવિવાર છે, સવાર સવાર માં આમ ક્યાં જવું છે તારે, મમ્મી બોલી.
પણ મમ્મી ને કોણ સંભાળે, પપ્પા પાસેથી પૈસા લઈ સીધો પ્રથમ ઘર બહાર નીકળી જાય છે. ત્યાંથી એના મિત્રો સાથે નક્કી કરેલી જગ્યાએ જાય છે ત્યાં એના મિત્રો પહેલેથી જ હાજર હતા.
અરે પ્રથમ આવી ગયો તું, પૈસા લાવ્યો કે નહિ? એક મિત્ર બોલ્યો.
અરે હા લાવ્યો છું, અને હા હવેતો મે પપ્પા પાસેથી ઇમક્રીમેન્ટ પણ માંગી લીધું છે માટે હવે વધારે પૈસા મળશે, પણ તમે બધા લાવ્યા કે નહિ, આપડે સામાન લેવા જવાનું છે આજે, પ્રથમ બોલ્યો.
હા બધા લઈને આવ્યા છીએ પૈસા, આ મહિને થોડું લેટ થયું પણ ચાલો હવે બધો સામાન લઈને, મોડું ના કરશો નહિ તો આ વખતે આપડું આવી બનશે.
ત્યારબાદ બધા મિત્રો એમને જોઈતો સામાન લઈ એક બિલ્ડિંગ આગળ જઈ ઉભા રહે છે. બિલ્ડિંગ માં અંદર પ્રવેશતા જ ઘણા બધા નાનકડા ભૂલકાઓ એમને જોઈ વીંટળાઈ વળે છે.
થોડા બાળકો ગુસ્સે લાગતાં હતાં તેમાથી એક બાળક બોલ્યું, કેમ આ વખતે તમે લોકો મોડા આવ્યા, અમે કેટલા દિવસથી તમારી રાહ જોઈ રહ્યા હતા.
અરે અરે દોસ્તો, જુઓ આ વખતે તમારા માટે સામાન પણ વધારે હતો ને, જુઓ તો ખરા, ચાલો બેસી જાઓ બધા પછી તમને બધાને તમારી માંગણી મુજબ વસ્તુઓ આપી દઈએ, પ્રથમ બોલ્યો.
ત્યારબાદ એક પછી એક બાળકનું નામ બોલી એમને લાવેલા સામાન માથી વસ્તુ આપવામાં આવે છે.
કોઇને સ્કૂલ કીટ, કોઈને બાર્બી, કોઈને શૂઝ, કોઈને રિમોટકંટ્રોલથી ચાલતી કાર, કોઈને કપડા તો કોઈને ટ્રેકિંગ બેગ... આમ બધાની પસંદગી મુજબની વસ્તુ આપવામાં આવે છે.
આ એક અનાથઆશ્રમ નું બિલ્ડિંગ હતું, પ્રથમ અને એના મિત્રો દર મહિને એક રવિવાર અહી આવી બધા બાળકો સાથે સમય પસાર કરતાં, અને પોતાની પોકેટ મની માથી બચાવેલા પૈસાથી આમજ અનાથઆશ્રમ નાં બાળકો માટે જરૂરિયાત ની વસ્તુઓ ની વહેંચણી કરતા, અને અનાથ બાળકોમાં આનંદ અને ખુશીઓ વહેંચતા. આ અનાથ બાળકો પણ એમની કાયમ રાહ જોઈ રહેતા જાણે એમની ખુશીઓ નો ખજાનો પ્રથમ અને તેના મિત્રો પાસેથી મળતો હતો તે અનાથ બાળકોને.
મિત્રો, જોયું તમે, ઘણી વાર આપડે આજની આ નવી પેઢી ને સમજવાની ભૂલ કરી રહ્યા છીએ. આજની પેઢી ફક્ત પૈસા ઉડાવવામાં નહિ પણ આમ ઉમદા કામ કરી લોકોને મદદ કરવામાં પણ પાછી નથી પડતી.
******************
Dhruti Mehta (અસમંજસ)