VAHUE VAGOVYA MOTA KHORDA - 3 in Gujarati Classic Stories by Arvind Gohil books and stories PDF | વહુએ વગોવ્યા મોટા ખોરડા - 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વહુએ વગોવ્યા મોટા ખોરડા - 3





જેમ ગાયોના ધણમાંથી કોઈ એક ગાય વિખૂટી પડી જાય એમ દેવલ પણ આજે એકલી-અટૂલી હતી. સાવ નિઃસહાય થયેલી આ છોકરી ગુસ્સામા લાલ-પીળી થઈ ગઇ હતી. એનું શરીર આખું અંગારાની માફક ધખવા લાગ્યું હતું. કાશીબાના શબ્દો એના મગજમા ખીલાની જેમ ખૂંચતા હતા. સમશેરસિંઘના કાન પણ આ બધું સાંભળવા તૈયાર નહોતા પણ પંડની માંને શુ કહી શકે!. આ બધું સાંભળી ગામની બાઈઓ પણ મોઢામાં આંગળા નાખી ગઈ હતી. એમાં પણ જે નવી વહુઓ હતી, એ પોતાની સાસુને લઈને ભગવાનનો આભાર માનતી હતી. જેમ ઝાડની ડાળી પર પડતા કુહાડાનો ઘા તેના લીલા પાંદડાની ચિંતા નથી કરતો, તેમ સમય પણ હૃદય સંવેદનાની પરવા નથી કરતો. આમ ચાલતા સમય સાથે જ જમણો પગ સમકુટ પર મૂકી નવદંપતિએ ગૃહપ્રવેશ કર્યો. દેવલને તો કાશીબાના કડવા વચનો સપના જેવા લાગતા હતા. એને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો કે ગૃહપ્રવેશ સાથે આવું સાંભળવા મળશે !

ઓતરદા' બારની ડેલીએથી ઘરપ્રવેશ બાદ જમણા હાથ પર ઉગમણા બારના મકાનની ઓસરીના ત્રણ પગથિયાં ચડતા જ કંકુ પગલાં કરવા માટેનો કુમકુમ થાળ આવી ગયો.પોતાનું ઘરચોળું થોડું ઊંચું કરી કાંસાના તાસમાં બન્ને પગ રાખી દીધા. પછી ધીમેથી પોતાના બંને પગને એક પછી એક બહાર કાઢીને કુમકુમવાળા પગલે ધીરા ડગલાં દેતી દેવલ ઓસરીમાંથી ગણેશ સ્થાપનવાળા ઓરડા તરફ આગળ વધી. રામશંકરગોર ગણેશ પૂજન કરાવવા માટે તૈયાર ઉભા હતા. નવદંપતિને વિધિ માટે ગણપતિ સામે બેસાડી દીધા. જરૂરી વિધિ કરાવીને સિક્કાની રમત આદરી. જેનાથી આપ સૌ સારી રીતે વાકેફ છો. આ રમત પુરી થયા બાદ વર-વધુની છેડાછેડી છોડવામાં આવી.

સમય વીતતો જતો હતો અને લગ્નની બધી વિધિ પણ પુરી થતી જતી હતી. બધા પોત-પોતાની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. વ્યાળું પાણી કરી સમશેરસિંઘ દોસ્તો સાથે ડાયરામાં ગયા. દેવલનું પેટ તો કાશીબાના શબ્દો થી જ ભરાય ગયું હતું છતાં બધાનું માન જાળવવા થોડું જમી લીધું. ઘરનું બધું કામ સગા-વહાલા દ્વારા પૂરું કરવામાં આવ્યું. ઘરની ઓસરીમાં દેવલ પાસે બેઠેલી ગામની સ્ત્રીઓ તથા બીજી છોકરીઓ એની મશ્કરી કરતી હતી. દેવલ પણ સમય જોઇ હસવાનું નાટક કરી લેતી. રાતના લગભગ સાડા નવ વાગ્યા હશે. ત્યાં જ કોઈ વડીલે બૂમ મારી "હવે ક્યાં સુધી હા...હા... હી... હી... કરશો સુઈ જાવ બધા" પુરી મહેફિલ ઠપ થઈ ગઈ. દેવલને પણ આ શબ્દો મીઠા લાગ્યા કારણ કે એને અત્યારે એકાંતની જરૂર હતી. ધીમે ધીમે બધા વિખાવા લાગ્યા. દેવલ સમોવડી બે સખી ઉભી થઇ એનો હાથ પકડી શરમાતા શરમાતા દેવલને તેના પિયુના ઓરડા તરફ લઈ ગઈ. આમ તો એમના કરતા બમણી શરમ દેવલને આવવી જોઈએ પણ મનના વલોપાતે એની શરમ છોડાવી દીધી હતી. એ તો બસ કઠપૂતળી ની માફક એ બે સહેલીના ઈશારા પર કામ કરતી હતી. ઓરડાની અંદર દેવલને ભોંય પર બેસાડવામાં આવી અને બંને સહેલીઓ આછા આછા હાસ્ય સાથે બહાર નીકળી ગઈ.

દેવલને હવે મન મોકળું મૂકી રડવાનો મોકો મળી ગયો હતો. એને પાછા એ જ વિચારોને વલોવવાનું શરૂ કર્યું. તારો બાપ તો બવ માથાભારે થઈ ફરે સે............. તારી મા સેજલબા થઈ ફરે સે........ અમારે તો નભાઈ અને ...... આબરૂ નેવે મૂકી આયા સો....... આવા બધા ત્રુટક ત્રુટક શબ્દો મગજમાં ઘુમવા લાગ્યા. આંખોમાં ચોધાર આંસુ વહી રહ્યા છે. બહાર કોઈ સાંભળે નહિ એમ નાના નાના ડુસકા ભરી રહી છે. એની આંખોનીની કોમળ ચામડી હવે થાકી ગઈ હતી. આંસુની ખારાશ સહન ન થતા હવે તે ધીમે ધીમે સુજવા લાગી હતી. અઢળક વિચારો વચ્ચે એનું મગજ હલકું થતું જતું હતું, એ ગાંડી થવાની તૈયારીમાં જ હતી એટલામાં ઓરડા નું બારણું ખુલ્યું અને સમશેરસિંઘ નું આગમન થયું. બારણું ખુલવાના અવાજ સાથે જ અચાનક દેવલ ભાનમાં આવી ગઈ અને ઉભી થઇ ગઇ. એનો ઘૂંઘટ સરખો કરી ધીમી ગતિએ ત્રણ ડગલાં આગળ વધી, પતિ પાસે પહોંચી પગે લાગવા જાય છે. ત્યાં તો સમશેરસિંઘે એના બે ખભા પકડી રોકી લીધી. જેટલી કોમલતાથી કોઈ સુમનને પકડવામાં આવે એટલી જ કોમલતાથી દેવલને પકડી પુષ્પોથી સજાવેલી સેજ પર બેસાડી.

સમશેરસિંઘ ના વાત્સલ્યભર્યા સ્પર્શથી જ ખારા સમુંદરમાં મળતી વિચારોની નદી એકદમ મીઠા સરોવર તરફ વળી ગઈ હતી. દેવલના નેણ હજુ પણ નીચા હતા,મન કોઈ દિવસ નહિ અનુભવેલા પ્રેમનો અહેસાસ કરતું હતું, એક અલગ જ પ્રકારની હૂંફ એના મનને પ્રફુલ્લિત કરતી જતી હતી, બે દિવસથી ઓળખાણમાં આવેલ માણસ સામે પૂરું હૃદય ખોલવાની ઈચ્છા તીવ્ર બનતી જતી હતી. આટલી જલ્દી મનના વિચારોને બીજી દિશામાં એક સ્ત્રી જ ફેરવી શકે છે. થોડા સમય પહેલા દુઃખના વાદળોથી છવાયેલું આકાશ ઘડીના છઠ્ઠા ભાગમાં જ ચોખ્ખું ચણાક થઈ ગયું હતું. હવે દેવલ જેમ શ્રાવણ મહિનામાં એક ઢેલ મોરના ટહુકાને સાંભળવા તલપાપડ થાય એમ પોતાના પતિના પ્રેમભર્યા શબ્દો સાંભળવા તૈયાર હતી. સમશેરસિંઘ પણ બે દિવસથી ઘૂંઘટામા દેખાઇ રહેલા રૂપને જોવા અધીરા હતા.તેથી જ બંને હાથ વડે ઘૂંઘટ ઊંચો કર્યો. ત્યાં તો જાણે કુદરતે નવરાશની પળોમા ઘડેલી કોઈ મીણની મૂર્તિ, અને એનું ચંદ્રમાં સમાન મુખ તો સમશેરસિંઘ જોતા જ રહી ગયા ! દેવલ પણ લજામણી ના છોડની માફક શરમાતી શરમાતી સંકોચાતી જતી હતી. એને પોતાનો ચહેરો હજુ પણ નીચો રાખ્યો હતો. તે ઢોલિયા પર તેના પગ થોડા વાળી તેના ઉપર હાથ રાખી પોતની ચુડલીઓ જોઇ શકે એટલી નજર નીચી હતી. તેના પતિએ ધીમેથી હડપચી ઉપર હાથ રાખી તેનું મુખ ઉપર કરાવ્યું. પતિ-પત્નીની આંખો ચાર થઈ ગઈ. પ્રેમનો વરસાદ બંને બાજુથી વરસવા લાગ્યો. મૌન તોડતા વાતનો તાગો સમશેરસિંઘે જ જોડ્યો.

"કેટલી સુંદર છે તું!, કુદરતની કળાનો અદભુત નમૂનો છે તું!, આટલા સાદા રૂપ સાથે કેટલો સરળ સ્વભાવ છે તારો!, મારા પાનખર જીવનમાં તું એક નવી વસંત લઈને આવી છું." સમશેરસિંઘ દેવલના વખાણ એકીશ્વાસે કરી રહ્યા હતા. જ્યારે દેવલ થોડું થોડું શરમાઇને હજુ પણ મૌન જ હતી. "હે! દેવલ મારી માં ના શબ્દોએ તને બહુ માઠું લગાડી દીધું હશે કાં!, હશે હવે એ ભૂલી જજે એમનો સ્વભાવ થોડો ગરમ છે એટલે આવું બોલી ગયા હશે પણ તું એમનું મનમાં ના લેતી, એમના વતી હું તારી માફી.........." આટલું જ્યાં સમશેરસિંઘ બોલ્યા ત્યા દેવલે પતિ ના અધ્ધર ઉપર હાથ રાખી દીધો. "પરણ્યાની પહેલી રાતે કોઈ પતિ તેની પત્નીની માફી માંગે ખરો!, શુ કામ તમે મને પાપમાં પાડો છો." દેવલે પહેલીવાર પોતાની જીભ ચલાવી. એક તો સમશેરસિંઘ નુ હૃદય દેવલના પ્રેમમાં વહેતુ હતું અને ઉપરથી આ શબ્દોએ તો સાવ વીંધી નાખ્યું. સમશેરસિંઘ પણ તલવારની માફક તેજ અને તીક્ષ્ણ મગજવાળા હતા. પણ જ્યાં પોતે ખોટા હોય ત્યાં નાના બાળકની માફી માંગતા પણ અચકાતા નહીં. આથી જ દેવલની માફી માંગી રહ્યા હતા. સમશેરસિંઘે એની માં ના શબ્દો ફરીવાર યાદ દેવડાવ્યા ત્યારે દેવલે કહ્યું "તમે શા માટે દુઃખી થાવ છો, બાપે વાવેલા બાવળના કાંટા સંતાનને ના ચુભે તો કોને ચુભે?, મારા બાપે પણ અહીં આવી તમારા બાપુજીને ના કે'વાના શબ્દો કીધા છે, જે તમે પણ સાંભળ્યા છે, ત્યારે તમને પણ મારી જેમ ખોટું લાગ્યું હશે, અને આ બધું મિલનની પહેલી રાતે નો સંભારવાનું હોય, અને રહી વાત બાની તો બે જ દિવસમાં એવું કામ કરી બતાવીશ કે બા રાજી ના રેડ થઈ જશે," આ વાત સાથે જ બંનેના મો પર સ્મિત ફરી વળ્યું. અને દિવાની વાટ પણ સળગીને થાકી હતી, આથી ધીમે ધીમે અંધારું પણ વધતું જતું હતું. પતિ-પત્ની સારસ-સારસી ની જેમ એક થઈ રહ્યા હતા. રાત પણ શરમાતી નજરે આ મિલનને જોય રહી હતી.

સવારના ચારેક વાગ્યા હશે ત્યાં દેવલ જાગી ગઈ. અને કોઈને પૂછ્યા વગર આખા ઘરનું કામ કરવા લાગી. બળદ અને ભેંસોને નિરણ કરી તે નાહવા ગઈ,નાહીને જૂનું પાણી કાઢી ગળણું રાખી ગોળા ખંગાળી દીધા. ત્યારપછી ચાર ભેંસોને દોહી નાખી, વાસીદુ કરી નાખ્યું, કાશીબા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું, આ બધું કામ દેવલને ખૂબ ગમતું પણ આજે તો આ કાશીબાને રીઝવવા માટે જ કરતી હતી. છતાં કાશીબાએ જાગીને તરત જ થોડા અપમાનજનક શબ્દો તો કહી જ દીધેલા.

* * * * * * * *

ભલે ઉગા ભાણ, ભાણ તારા લઉ ભામણા.
મરણ જીવણ લગ માણ, રાખો કશ્યપ રાઉત.

દિવસ ઊગી ગયો હતો. કરણુંભાની ડેલીમાં ખાટલા ઉપર એક વ્યક્તિ બેઠો બેઠો ચલમ ખેંચતો હતો. જેની ઊંચાઈ લગભગ સાત થી આઠ ફૂટ હશે, એકસો ને સાઈઠ કિલો વજનનો દેહ આખા ખાટલા પર એકલો માંડ સમાયેલો, જાણે કોઈ ભૂખ્યો સાવજ કોઈ શિકારની શોધમાં હોય એમ વારંવાર મૂછો ઉપર હાથ ફેરવતો અને મોટે મોટેથી ખોંખારા ખાતો હતો. આ બીજું કોઈ નહિ ભીખુભા હતા. ભીખુભા એટલે હમીરભાનું અડધું અંગ,હમીરભાનો જીગરજાન દોસ્ત. જે દેવલની જાનનો વળાવીયો થઈને આવ્યો હતો. હમીરભાએ તો ચાર વળાવીયા મોકલવાનું નક્કી કરેલું પણ ભીખુભાએ ના કહેલી. હમીરભાને એમ હતું કે દુશમનનો પ્રદેશ છે એટલે જો કંઈ બની જાય તો વધુ વળાવીયા હોય તો સારું પણ ભીખુભાએ ચોખ્ખી ના પાડી દીધેલી અને કહેલું કે "જો હમીર કાંઈ બની જાય તો સો માણસો સુધી આ તારો ભાઈ એકલો વધી પડશે. અને એથી પણ વધુ દુશમનો હોય તો આ ભીખુના બે કટકા થઈ જશે અને એક એક કટકો સો-સો માણસોને ભારે પડશે. પણ આપડી દેવલને કાંઈ નહિ થવા દઉ. હું ય જોઇ લઉ કે દુશમન કેવા પાણીદાર છે." આથી જ ભીખુભા પોતાનું પાણી બતાવવા વારંવાર ખોંખારા ખાતા અને મૂછો પર હાથ દેતા. પણ સુલતાનપુરના લોકો ને ખબર હતી કે જો હમીરભા શેર છે તો ભીખુભા સવાશેર છે. હમીરભાને બહુ સારા કહેવડાવે એવા ભીખુભા. નાના છોકરા તો જોઈને જ ડરી જાય એવા રાક્ષસ જેવા લાગે, અને વાત પણ સાચી હતી ભીખુભામાં કાયા પ્રમાણે તાકાત પણ હતી. એકવાર ખેતરે આવી ચડેલા નારને બે પગ પકડીને ઉભો ફાડી નાખેલો. એટલે જ સુલ્તાનપુરના લોકો આ બધું જોય આંખ આડા કાન કરી લેતા હતા. ભીખુભાને કાલના કાશીબાના શબ્દોની જાણ નહોતી, બાકી તો કાલે જ ખેલ ખેલી નાખેત.

સવારના સાતેક વાગ્યા હશે, શિરામણ કરીને વળાવીયો થઈને આવેલા ભીખુભા અને બાર ગાડાખેડુ જે કરિયાવર ભરી આયા હતા, તેમની વિદાયની તૈયારી થઈ ગઈ હતી. કાશીબા ત્રામ્બાની થાળીમાં પલાળેલા કંકુની કંકાવટી, બાજુમા થોડા ચોખા અને નાની નાની કટકી કરેલો ગોળ લઈ ઉભા હતા. અને દેવલને સાદ કરી બોલાવતા હતા. આજે દેવલે પહેલીવાર બાપાએ કરિયાવરમાં આપેલી સાડી પહેરી હતી. જાણે કોઇ સ્વર્ગની અપ્સરા હોય એવું લાગતું હતું. ચહેરા ઉપર ના તો ખુશી હતી કે ના તો કોઈ દુઃખનો પડછાયો. એકદમ સ્થિર મુખમુદ્રાવાળી ચાર દિવસ પહેલાની છોકરી આજે વહુ બનીને બહાર આવી રહી હતી. અને ધીમા ડગલે તે કાશીબા તરફ આગળ વધી રહી હતી.

કાશીબા પાસે પહોંચતા જ કાશીબાએ હાથ લાંબો કરી કંકાવટીવાળી થાળી દેવલને આપતા કહ્યું " લો વહુબેટા આ થાળી અને તમારા ગામના ભાઈઓ તથા વડીલોને ચાંદલા કરી મીઠા મોઢા કરાવીને વિદાય આપો". આવા મીઠા બોલ કાશીબા ના મોઢે દેવલ પહેલીવાર સાંભળતી હતી. એને તો વિશ્વાસ નો'તો આવતો પણ પછી છેલ્લે ઉભેલા એના ભીખુકાકાને જોઈને લાગ્યું કે કાશીબા પર કમાલ ભીખુભાનું અસ્તિત્વ કરે છે. દેવલે થાળી લઈ એની નણંદ સરસ્વતીને આપી. સરસ્વતી થાળી લઈ દેવલની પાછળ પાછળ ચાલવા લાગી. દેવલ એક પછી એક ગાડાચાલક ને ચાંદલો કરી,ચોખા ચોંટાડી, મોઢામાં ગોળની કટકી મૂકી, માથા પર હાથ મૂકી મીઠણાં લેતી લેતી " ખમ્મા! મારા વીર!, ખમ્મા! મારા બાપ!, ખમ્મા મારા મામેરિયા!" જેવા શબ્દો બોલતી જાય છે.

આ બધું છેલ્લે ઉભેલા ભીખુભા અનિમેષ નજરે જોઇ રહયા છે. હંમેશા નક્કોર રહેલો કાળમીંઢ પથ્થર આજે પીગળવા લાગ્યો હતો. તે આજે દેવલનું નવું જ રૂપ જોતા હતા. બંને દોસ્તની લાડકી છોકરી આજે એમને વહુના રૂપમાં વિચિત્ર લાગી ! હમીરભા અને ભીખુભા મદમસ્ત હાથી હતા તો દેવલ અંકુશ લઈ બેઠેલાં મહાવત સમાન હતી. ભીખુભા પેટથી વાંજ્યા હતા એટલે દેવલ ને બબ્બે માં-બાપ નો પ્રેમ મળેલો. દેવલ ભીખુભાને પણ હમીરભા જેટલી જ વ્હાલી હતી એટલે જ કરિયાવરના બે ગાડા ભીખુભાએ મોકલાવ્યા હતા. આજે એ નાની દેવલ નજર સામે આવી રહી હતી જે ખોળામાં બેસી લાડ કરતી, એમની મૂછોને અડવાની એમના સિવાય કોઈની હિંમત નો'તી એને દેવલ જોરથી ખેંચતી, ડાયરામાં હમીરભા અને ભીખુભાને બધા વચ્ચે ધમકાવી ચાલી જતી. આ બધી વાતો ભીખુભાને યાદ આવવા લાગી હતી. એમનું હૃદય પહેલીવાર પીડાથી સંકોચવા લાગ્યું હતું. જાન વિદાય સમયે લાચાર દોસ્ત હમીરની વ્યથા એકદમ નજીકથી અનુભવી રહ્યા હતા, પોતાના બાપના મોત પર પણ નહીં રોયેલા માણસની આંખો આજે ખારા પાણીથી લથપથ હતી. બસ ખાલી કાયા પ્રમાણે મોટી આંખો હોવાથી આ આંસુ બહાર નહોતા આવ્યા. દેવલ ધીમે ધીમે ભીખુભા પાસે આવી. ભીખુભા એ ચાંદલો કરાવવા માટે માથું નીચું નમાવ્યું ત્યાં તો આંસુ ભરેલી આંખોમાંથી એક ટીપું દેવલે ચાંદલો કરવા લંબાવેલા હાથ પર પડી ગયું.

દેવલ એના કાકા સામું જોય રહી, દેવલ ના ચહેરા પર હાસ્ય અને આંખમા આંસુ નો ગજબ સંગમ હતો. " કાકા! તમે પણ, આવો રાવણ જેવા માણહ થઈને રોતા ભૂંડા લાગો છો હો." ભીખુભા તો આ છોકરીના બોલવા સામે જોતા જ રહ્યા "હા..મને ખબર છે . તું બહુ મોટી થઈ ગઈ છે ને.." આટલું બોલ્યા ત્યાં તો દેવલે ગોળનો કટકો ભીખુભાના મોઢામાં મૂકી દીધો. આ પીડા દેવલ પણ સહન કરી રહી હતી. પણ એ હવે તો કાકાને બથભરી રોઇ શકે એવું પણ નહોતું. કારણ કે આમ કરવાથી સાસરિયાની મર્યાદા તૂટતી હતી. એ આજે પોતાના મામેરિયાના ચહેરા છેલ્લી વાર જોઇ રહી હતી. ભૂખ્યા દીપડાના વનમા આ હરણી આજથી એકલી રેવાની હતી. હવે ભીખુભા દેવલને માથે હાથ મૂકી કશું બોલ્યા વગર ગાડા ચાલકો સાથે સેજકપુર તરફ રવાના થયા.

બીજી બાજુ કાશીબએ સરસ્વતીને બૂમ પાડી "સરસ્વતી, જા ભાભી માટે કાઢેલું દાતરડું લઈ આવ" સરસ્વતી ઘરમાં ગઈ અને કકરાવ્યાં વગરનું દાતરડું લઈને આવી. દેવલ તો હજુ માંડ પોતાના ઓરડામાં પહોંચી હતી, એનું મન વિચારમાં હતું કે ભીખુકાકાને કાલ સાંજવાળી વાત કરી દીધી હોત તો સારું હતું. પણ પાછી એ જ મનથી ના પાડી દેતી ના....ના એમા મારા સાસરિયાની આબરૂ જાય એટલે આવું ના કેવાય. હજુ આ બધા વિચાર આવ્યા હતા. બીજી બાજુ ભીખુભા અને ગાડાવાળા ગામની બહાર માંડ નીકળ્યા હશે ત્યાં તો કાશીબા એ દેવલને સાદ કર્યો. દેવલ દોડતી ગઈ કાશીબા પાસે "જી બાઇજી". કાશીબા એ મો ચડાવી દેવલ ને કહ્યું "લ્યો આ દાતરડું, જાવ ભેંસો માટે ચાહટ્યો વાઢી આવો,અને આ શું નવી સાડી અને ઘરેણાં પહેર્યા છે. નવા લૂગડામાં ઝરડાં ભરાશે તો ફાટી જશે એટલે જુવો તમારા માટે જૂની સાડી કાઢી છે તેને પહેરી લો અને ઘરેણાં કાઢી નાંખો." એકીશ્વાસે કાશીબાએ કહી દીધું. દેવલ તો આખી ધ્રુજી ગઈ કે પહેલા જ દિવસે આવું? , નવી વહુ બે દિવસ પણ સારા કપડાં ના પહેરે? આ સવાલ મનમાં ચકરાવા લાગ્યો હતો, સાસરિયામાં જઇને નવા નવા કપડાં પહેરવાનો હરખ એકદમ સમાઇ ગયો. આવા વિચારો થી હમીરભાનું લોહી જે શરીરમાં ફરી રહ્યું હતું એ ગરમ થઇ ગયું. પણ સેજલબાની સલાહ તેને ઘોડી ની લગામ ની જેમ રોકી રાખતી હતી. એ તો દાઝની મારી ઓરડામાં ગઈ અને જૂની સાડી પહેરી, બધા ઘરેણાં ઉતારી, અને દાતરડું લઈ તેની કાકીમાં સાથે ખેતર તરફ ચાલતી થઈ.

ગામમાંથી નીકળેલી દેવલ આજે ગજબ લાગતી હતી. જાણે વીસ-વીસ વરસથી સુલતાનપુરનું કામ ખેંચતી વડારણ જેવી લાગતી હતી. કોઈ કળી નહોતું શકતું કે આ હજુ કાલે પરણીને આવેલી નવી વહુ છે. ખાલી હાથની તાજી મહેંદીનો રંગ નવી વહુનો સંકેત આપતો હતો. જૂની સાડીનો લાંબો લાજનો ઘૂંઘટો કાઢી હાથમાં દાતરડું અને નિરણ બાંધવાના દોરડા સાથે તે તેના કાકીમાં સાથે ગામમાંથી બહાર નીકળી ગઈ.

ઘરમાં બેઠેલા કરણુંભા કાશીબાનો દેવલ પ્રત્યેનો અણગમો કાલ સાંજથી જોઇ રહ્યા હતા. એટલે જ તેઓ કાશીબા અને તેની સાગરીત તરીકે કામ કરતી તેમની દીકરી સરસ્વતીને બૂમ મારી પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું "જો કાશી!.

..............(ક્રમશ: )

થોડા ટિપ્પણ
(૧) ચારે દિશાના નામ
ઉગમણા - પૂર્વદિશા
આથમણા - પશ્ચિમદિશા
ઓતરાદા - ઉતરદિશા
દખણાદા - દક્ષિણદિશા

(૨) સમકુટ: એટલે નવદંપતિએ ગૃહપ્રવેશ સમયે ઉપરા-ઉપરી
અવળા સવળા ગોઠવેલા માટીના કોડિયા. જેને
ગામડાની ભાષામાં સાટપટીયા કહેવામાં આવે
છે. એક એવી માન્યતા છે કે જે સટપટિયાના
વધુ કટકા થાય એનું ઘરમાં ચાલે.

(૩) ભલે ઉગા ભાણ.... વાળો દુહો ઝવેરચંદ મેઘાણીનો છે.

લેખક: અરવિંદ ગોહિલ.