Aatmani antim ichchha - 5 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આત્માની અંતિમ ઇચ્છા - ૫

Featured Books
  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

Categories
Share

આત્માની અંતિમ ઇચ્છા - ૫

આત્માની અંતિમ ઇચ્છા

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૫

લોકેશ હજુ લસિકાના અસ્તિત્વ વિશે ગુંચવાડામાં હતો. લસિકા જીવે છે કે મરી ગઇ હતી તે હવે નક્કી કરવું પડે એમ હતું. જો મરી ગઇ હોય અને એની આત્મા જ કાવેરી પાછળ પડી હોય તો કોઇ અનિષ્ટની સંભાવના વધી જતી હતી. કાવેરીને જે સ્ત્રી મળી એ અદ્દલ લસિકા જેવી જ પોતાને તો દેખાઇ હતી. લોકેશ કાવેરીને લસિકા વિશે કંઇ કહી શકે એમ ન હતો. તે પોતાનો ભૂતકાળ કાવેરીથી છુપાવેલો જ રાખવા માગતો હતો. કાવેરીને લસિકા સાથેના સંબંધની ખબર પડે તો લગ્નજીવન પર સંકટ આવી શકે એમ હતું. સ્ત્રીઓનું કંઇ કહેવાય નહીં એ ક્યારેક સ્વાભાવિક રીતે અને ઉદાર દિલથી લગ્ન પહેલાંના સંબંધ સ્વીકારી શકે અને નકારી પણ શકે. કાવેરી પાસેથી એ સ્ત્રીની ઓળખ મેળવવાનો તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. તેણે નક્કી કર્યું કે એક-બે દિવસમાં જ તે લસિકાના ગામ જઇને તે હયાત છે કે નહીં? તેની તપાસ કરી આવશે. કાવેરી પાસે એ સ્ત્રી વિશે કોઇ માહિતી ન હતી. એક રીતે એ સારું જ હતું. તેનો ભૂતકાળ હજુ દિલની રહસ્યમય જમીનમાં ભંડારાયેલો જ રહ્યો હતો. કાવેરીએ તેના એ સ્ત્રી વિશેના સવાલ નિરર્થક ગણાવ્યા પછી વધારે પૂછવાનું માંડી વાળ્યું.

તળાવના કિનારે થોડી વાર બેઠા પછી કાવેરી સાથે લોકેશ કારમાં ઘર તરફ આવવા નીકળ્યો. તેણે જોયું કે કાવેરી અતિશય ખુશ હતી. તે હવે માનતી હતી કે કોઇ ચમત્કાર થવાનો છે અને તે મા બનવાની છે. આજનું વિજ્ઞાન હજુ તેના માટે કોઇ ઉપાય શોધી શક્યું ન હતું ત્યારે આવી અતાર્કિક વાતોથી શું લાભ થશે એ લોકેશને સમજાતું ન હતું. રસ્તામાં એક જગ્યાએ લોકેશે કાર ઊભી રાખી. અને બંને એક હોટેલમાં જમ્યા. લોકેશે જોયું કે જમતી વખતે અનેક વાર કાવેરીનો હાથ તેના પેટ પર ફરતો હતો અને તેના ચહેરા પર પેટમાં બાળક હોય એવી ખુશી વ્યાપી જતી હતી.

લોકેશે ઘરે આવ્યા પછી આરામ કરવા બેડ પર લંબાવ્યું. તેની સામે લસિકાનો ચહેરો વારંવાર તરવરી જતો હતો. જ્યારે આ તરફ મોરાઇ માની તસવીર સામે કાવેરી નતમસ્તક બેઠી હતી. તે મોરાઇ માનો આભાર માની રહી હતી. લોકેશને લાગ્યું કે કાવેરી બહુ શ્રધ્ધાળુ છે. લોકેશની ક્યારે આંખ મીંચાઇ ગઇ એનો ખ્યાલ જ ના રહ્યો. સાંજે કાવેરીએ ચા બનાવી તેને ઉઠાડ્યો ત્યારે તેણે ઘડિયાળમાં જોયું તો છ વાગી ગયા હતા. તે ફટાફટ ચા પીને તૈયાર થઇ ગયો.

કાવેરી કહે:"અત્યારે ક્યાં ચાલ્યા?"

"અરે! હું તો ભૂલી જ ગયો હતો કે કાર સાંજે કંપનીમાં પાછી આપવાની છે. આજે મેનેજરને કોઇ કામથી સાંજે બહારગામ જવાનું છે. તેમને સાત વાગ્યા સુધીમાં કાર પહોંચાડવાની છે. હું કાર આપીને આવું છું..." કહી લોકેશ કપડા પહેરવા લાગ્યો. ત્યાં તેના મોબાઇલની રીંગ વાગી. તેણે જોયું તો મેનેજર પાટીલનો જ ફોન હતો.

"જી, હું કાર આપવા આવું જ છું...જી, જી, અચ્છા, વાંધો નહીં...હું જઇ આવું છું..." લોકેશે ટૂંકાક્ષરી જવાબો આપ્યા. લોકેશના દિલમાં ખુશી વ્યાપી રહી હતી. એ ચહેરા પર આવી ના જાય તેનું ખાસ ધ્યાન રાખ્યું. તે મેનેજરના હુકમનું પાલન કરી રહ્યો હોય એવો એકમાત્ર ભાવ ઊભો થવા દીધો.

મેનેજરનો ફોન પતાવી લોકેશ બોલ્યો:"કાવેરી, મારે અત્યારે બહારગામ જવું પડશે. કંપનીના કામથી મેનેજર સાહેબ જવાના હતા. એમને કોઇ કામ આવી ગયું છે એટલે મને જવાનો હુકમ કર્યો છે...."

"ક્યાં જવાનું છે?" કાવેરીએ પૂછ્યું.

"રાજવિલા શહેરમાં..." લોકેશ ઘણા વર્ષ પછી આ ગામનું નામ કોઇની સામે બોલી રહ્યો હતો.

"તમે એકલા જ જશો? ક્યારે આવશો?"

"ડ્રાઇવર સાથે આવશે. દૂરની મુસાફરી છે એટલે બે દિવસની ગણતરી કરીને કપડાં કાઢી આપ..."

"મને સાથે લઇ જાવને!" કાવેરીએ લાડથી કહ્યું.

લોકેશને આ તક અનાયસ મળી હતી. તે લસિકાની તપાસ માટે રાજવિલા નજીકના ગામમાં જવાનો જ હતો. હવે કાવેરીને કોઇ સંજોગોમાં સાથે લઇ જઇ શકાય એમ ન હતી. તેણે કાવેરીના બંને હાથની હથેળીઓ પોતાના હાથમાં લઇ પ્રેમથી કહ્યું:"મારે એકલા જ જવાનું છે. ત્યાં કંપનીના બીજા માણસો સાથે કામ માટે ફરવાનું થશે અને તું એકલી પડી જશે. કામ પતી જાય તો એક જ દિવસમાં આવી જઇશ...."

કાવેરી માની ગઇ એ જોઇ લોકેશને રાહત થઇ.

લોકેશ કંપની પર પહોંચ્યો ત્યારે ડ્રાઇવર સેલાબ આવી ગયો હતો. સેલાબે કારને ચેક કરી લીધી. ડિઝલ ભરાવવા પૈસા લઇ લીધા. લોકેશે મેનેજર સાથે ફોન પર વાત કરી અને કારમાં બેસી ગયો.

કાર રાજવિલા શહેર તરફ જઇ રહી હતી એમ લોકેશના વિચારોની ગતિ વધી રહી હતી. તે મનોમન ખુશ થયો. તે રાજવિલા નજીક કોઠારિયા ગામ જવા માગતો હતો. જ્યાં લસિકાનું ઘર હતું. તે હવે લસિકાને યાદ કરવા માગતો ન હતો પણ અચાનક કાવેરીને આવેલા સપનાએ લસિકાનું સ્મરણ કરાવી દીધું હતું. કાવેરીએ સપનામાં એક સ્ત્રીને જોઇ અને તે સ્ત્રીએ તેને એક જર્જરિત મકાનમાં બોલાવી મા બનવાના આશીર્વાદ આપ્યા એ લસિકા હતી એવો ભાસ હતો કે ખરેખર એ જ હતી એ જાણવા લોકેશ અધીરો બન્યો હતો. વિચાર કરતાં લોકેશને કારમાં ક્યારે ઊંઘ આવી ગઇ એનો ખ્યાલ ના રહ્યો. મોડી રાત્રે કાર રાજવિલા નજીક પહોંચી ત્યારે ડ્રાઇવર સેલાબે હોર્ન મારતાં આંખ ખૂલી ગઇ અને તેણે પૂછ્યું:"સેલાબ, ક્યાં પહોંચ્યા? મને તો ઊંઘ જ આવી ગઇ..."

લોકેશને સમજાતું ન હતું કે આજે તેને ઊંઘ વધારે કેમ આવી રહી છે.

"સાહેબ, આપણે રાજવિલાની નજીક જ છીએ. સોરી, એક ગાય વચ્ચે આવી ગઇ હતી એટલે મારે જોરથી હોર્ન વગાડવું પડ્યું..."

"વાંધો નહીં. તું સ્ટેશન પાસેના કોઇ ગેસ્ટ હાઉસ પાસે કાર લઇ લેજે..."

"જી, સાહેબ..."

થોડીવાર પછી સેલાબે રાજવિલા સ્ટેશન પાસે એક જૂના ગેસ્ટ હાઉસ નજીક કાર ઊભી રાખી.

લોકેશે બે રૂમ બુક કરાવી. બંનેએ જે મળ્યું એ ખાવાનું ખાઇ લીધું અને સૂઇ જવા પોતપોતાની રૂમમાં ગયા.

લોકેશને હવે જલદી ઊંઘ આવે એમ ન હતી. કારમાં તે ઘણા કલાક ઊંઘી ગયો હતો. તે પલંગ પર આડો પડ્યો. તેણે આંખો મીંચી દીધી. રાત્રિના શાંત વાતાવરણમાં કૂતરાના રડવાનો અવાજ લોકેશને ગભરાવી ગયો. તેણે આંખો ખોલી જોયું કે રૂમની બારીનો પડદો પવનમાં ઊડી રહ્યો છે. બહાર આકાશ કાળું ધબ્બ હતું. અચાનક આકાશમાં તેને લસિકા ઉડતી દેખાઇ. તે ચોંકી ગયો. તે દોડીને બારી પાસે પહોંચી ગયો. એક વાદળ ઝડપથી આગળ જઇ રહ્યું હતું. તેને થયું કે કાવેરીએ ઉડતી સ્ત્રીની વાતો કર્યા પછી એ સ્ત્રી લસિકા હોવાની શક્યતા ઊભી થયા બાદ લસિકા જ બધે દેખાવા લાગી છે. બંધ અંધારા ઓરડામાં એક સ્ત્રીનું ચિત્ર હતું એમાં પણ લોકેશને લસિકા દેખાવા લાગી હતી. લોકેશને થયું કે આ ભ્રમ છે કે સત્ય? તે લસિકાના ગામ નજીક આવ્યા પછી જ આવું વધારે લાગી રહ્યું હતું. લોકેશે બારી બંધ કરીને પડદો લગાવી દીધો.

ભારે મથામણ પછી લોકેશને મોડી રાત્રે ઊંઘ આવી.

બીજા દિવસે સવારે તે કંપનીના કામ માટે ત્રણેક જણને મળ્યો. બપોર પડી ગઇ હતી. તેણે ડ્રાઇવરને ગેસ્ટ હાઉસમાં રોકાવા માટે કહ્યું અને જાતે કાર લઇ કોઠારિયા જવા નીકળી ગયો.

અડધા કલાકમાં તે કોઠારિયા ગ્રામ પંચાયતની ઓફિસ પર આવી ગયો. જોયું તો ખાસ ભીડ ન હતી. તેણે મરણનું સર્ટિફિકેટ મેળવવા ફોર્મ લીધું. એમાં લસિકાની વિગતો ભરી અને ક્લાર્કને આપ્યું.

"આવતા અઠવાડિયે આવજો...." કહી ક્લાર્કે ફોર્મ મૂકી દીધું અને પોતાના બીજા કામમાં લાગી ગયો.

"ભાઇ, આજે દાખલો ના મળી શકે? હું બહારગામથી આવ્યો છું..." લોકેશે વિનંતી કરી.

"ભાઇ, આગળના ઘણાના દાખલા બનાવવાના બાકી છે..." ક્લાર્કનો સપાટ જવાબ આવ્યો.

"એક કામ કરોને...મને એટલું તો જોઇ આપો કે આ ફોર્મની વિગતો સાચી છે કે નહીં? ઘણા વર્ષ પછી આવ્યો છું એટલે યાદ નથી.." લોકેશના આ આગ્રહનો એ કડક સ્વરમાં સરકારી જવાબ આપે એ પહેલાં ખિસ્સામાંથી પાંચસો રૂપિયાની નોટ ધરી દીધી. ક્લાર્કે કોઇ દલીલ કર્યા વગર લઇ લીધી અને વિનમ્ર સ્વરમાં બોલ્યો:"ઊભા રહો, જોઇ આપું છું.."

ક્લાર્કે કોમ્પ્યુટરમાં જોઇને નવાઇથી કહ્યું:"આ નામની કોઇ સ્ત્રીનું મરણ બતાવતું નથી. કોણ છે આ તમારા?"

"એ..મારી મિત્ર હતી...આ તરફ આવતો હતો એટલે એના પિતાએ કહ્યું કે દાખલો લેતા આવજો. પણ તમે આગળ-પાછળની તારીખોમાં જુઓને મરણ નોંધાયેલું હશે...કદાચ મારાથી તારીખમાં ભૂલ થતી હશે..."

ક્લાર્કે થોડીવાર પ્રયત્ન કર્યા પછી નિરાશ થઇ કહ્યું:"આ તારીખના આખા મહિનાના મરણ જોઇ ગયો. ક્યાંય નામ દેખાતું નથી. પાકી તારીખ લઇ આવો..." અને પાંચસોની નોટ પાછી સરકાવી.

લોકેશે ઇશારો કરી રાખવા કહ્યું:"તમે મહેનત કરી એ બદલ રાખો..." અને બહાર નીકળી ગયો.

લોકેશ ચોંકી ગયો હતો. લસિકા તો મરી ગઇ હતી. પેપરમાં આવ્યું જ હતું કે એક યુવતીની લાશ કોઠારિયાની નદીમાંથી મળી છે. શું તેના મરણની વિગતો લસિકાએ ગાયબ કરી દીધી હશે? લસિકા કાવેરી પાછળ જ કેમ પડી છે? કે પછી ખરેખર જીવે છે? લસિકા વિશે ક્યાંથી વધારે વિગત મેળવવી એ લોકેશને સમજાતું ન હતું. ગામમાં તે પૂછવા જઇ શકે એમ ન હતો. તેને એક વિચાર આવ્યો અને તેણે કારને શહેર તરફ લીધી. આજે તે કોઇપણ સંજોગોમાં લસિકાના જીવન-મૃત્યુનો ખુલાસો કરીને જ રહેવા માગતો હતો.

*વધુ હવે પછીના પ્રકરણમાં*