પ્રસંગ 9 : વ્યસનના Hot-Spot અને હિરેન પ્રજાપતિની પહેલ
લીમડા ચોક :
લીમડા ચોક પાસે બહુ મોટું આલાપ કોમ્પલેક્ષ આવેલું છે. આલાપ કોમ્પ્લેકસમાં પ્રિયવદનની ઓફિસ આવેલી હતી. આલાપ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરનો એરીયા બહુ મોટો હોવાથી અમે લોકો ક્યારેક રાત્રે જમીને તેની દિવાલો ઉપર બેસીને સિગારેટ પીતા, ગપ્પા મારતા અને ઠંડા પવનનો આનંદ માણતા.
Wills ઉપર Garam લખીને પીધી
અમે જ્યારે પણ સિગારેટ પીવા જતાં ત્યારે અમે બધા એક જ બ્રાન્ડની સિગારેટ પીતા હતા. તે બ્રાન્ડ એટલે Garam. Garam સિવાય કોઈ બીજી બ્રાન્ડની સિગારેટ પીતા નહીં એક વખત ઘણી જગ્યાએ શોધવા છતાં Garam સિગારેટ મળી નહી પરંતુ અમારે તો Garam બ્રાન્ડની જ સિગારેટ પીવી હતી. બધા વિચારતા હતા કે હવે શું કરવું? તેમાં મને એક આઈડિયા આવ્યો, અમે wills બ્રાન્ડની સિગારેટ લીધી અને wills છેકીને તેના પર Garam એવું બોલપેનથી લખી નાખ્યું અને પછી અમે બધાએ હોશે હોશે એ સિગારેટ પીધી અને અમે Garam જેવો જ સિગારેટનો આનંદ માણ્યો. આવા ઉંધા-ચતા પ્રયોગો અમે કરતા રહેતા.
જયુબેલી ગાર્ડન :
અમારી હોસ્ટેલથી થોડે દૂર, જયુબેલી ચોક પાસે bsnl નું ટેલિફોન એક્સચેન્જ આવેલું હતું. તે સમયે મોબાઈલનો આવિષ્કાર થયો ન હતો અને હોસ્ટેલના ફોન પર ફક્ત incoming કોલ આવતા. ફોન પર lock લાગેલું હતું એટલે અમારે જ્યારે ઘરે ફોન કરવો હોય ત્યારે અમે બધા જયુબેલી ટેલીફોન એક્સચેન્જે જતા. અમારા ગ્રુપમાંથી કોઈને કોઈને તો ઘરે ફોન કરવાનો જ હોય એટલે અમે બધા રાત્રે ટેલિફોન એક્સચેન્જએ પહોંચી જતા. ફોન થઈ ગયા બાદ અમે સામે આવેલા જયુબેલી ગાર્ડનમાં બેસવા જતા હતા. આમ તો, જ્યુબિલી ગાર્ડન મોટું ગાર્ડન હતું પરંતુ રાત્રે બહુ ઓછા લોકો ત્યાં આવન-જાવન કરતા હતા એટલે અમે ગાર્ડનમાં મોજ મસ્તી કરતા.
હિરેન પ્રજાપતિની પહેલ
જયુબેલી ગાર્ડનમાં અમે માવા અને ગુટકાની મોજ ઉડાવતા. એક વખત હિરેન પ્રજાપતિ નામનો સામાજિક કાર્યકર અમારી પાસે આવ્યો અને અમારા વિષે તેણે માહિતી મેળવી. અમે પંચનાથની હોસ્ટેલમાં રહીએ છીએ અને અહીં માવા અને ગુટકા ખાવા આવીએ છીએ તે તેણે જાણ્યું પછી તેમણે અમને માવા, સિગારેટ અને ગુટખા ખાવાથી શુ નુકશાન થાય છે તે વિશે વિસ્તૃતમાં પ્રવચન આપ્યું. તેની વાતોથી પ્રભાવિત થઈને અમે ત્યાં ને ત્યાં માવા, ગુટકા અને સિગારેટ છોડવાનો સંકલ્પ કર્યો તેની સાથે એ પણ સંકલ્પ કર્યો કે અમે હોસ્ટેલમાં જઈને બીજા લોકોને પણ વ્યસન છોડાવીશું. અમે હોસ્ટેલમાં જઈને તરત જ આ સંકલ્પનો અમલ શરૂ કર્યો. પહેલા તો અમે હોસ્ટેલમાં જેટલા લોકો માવો, ગુટકા અને સિગારેટ ખાતા-પીતા હતા તેનું એક list બનાવ્યું અને દરેકને રૂબરૂ મળીને તથા એક સાથે મિટિંગ કરીને માવા, ગુટકા અને સિગારેટથી શું નુકસાન થાય છે તેની વિસ્તૃત માહિતી આપી. હોસ્ટેલના લોકો પહેલાથી જ અમારા પ્રભાવમાં હોય અમારે આ કાર્ય માટે ઓછી મહેનત કરવી પડી અને બધાએ એકસાથે માવા, ગુટકા અને સિગારેટ છોડવાનો સંકલ્પ કર્યો. પરંતુ વાંદરા ગુલાટ મારતા ના ભૂલે તેમ 3-4 મહિના પછી એક પછી એક એમ, બધા લોકો પાછા માવા, ગુટકા અને સિગારેટના રસ્તે ચડી ગયા. જેમ સોડા બોટલ માં ઉભરો આવે અને થોડીવાર પછી ઠરી જાય તેમ અમારા સંકલ્પો પણ ઠરી ગયા. sorry હિરેનભાઈ !!!
પ્રસંગ 10 : ચતુર ચીકાની ચાલાકી
આમ તો, ચતુર ચીકાની ચાલાકીના ઘણા કિસ્સાઓ છે પરંતુ આજે એક મશહૂર કિસ્સો હું તમને કહું છું. એક વખત પ્રિયવદનને કામ માટે અમદાવાદ જવાનું થયું. ત્યારના સમયમાં અમદાવાદ જવા માટે બહુ ઓછી ટ્રાવેલ્સો મળતી અને જે પણ મળતી તેનો ટાઈમ રાતના હતો તેમાં પણ બસનું બુકીંગ અઠવાડિયા પહેલા કરવું પડતું હતું. જ્યારે પ્રિયવદનને તો બીજે દિવસે જ અમદાવાદ જવાનું થતું હતું અને તે પણ બસના સમય અનુસાર જઈ શકાય તેનું જોખમ હતું. પ્રિયવદનને પહેલા તો ટિકિટ મળશે કે નહીં તેની ચિંતા હતી અને જો ટિકિટ બુક થઈ જાય તો પણ બીજે દિવસે તેને કામ હોવાથી તે સમયસર બસમાં પહોંચી શકશે કે નહીં તેની ચિંતા હતી. પ્રિયવદન ચીકાને સાથે લઈને ટિકિટ બુકિંગ કરાવવા માટે ગયો ત્યારે ચીકાએ બુકિંગવાળા સાથે એવી ચાલાકીથી વાત કરી કે બુકિંગવાળાએ ટિકિટ તો બુક કરાવી આપી પણ સાથે સાથે એ પણ બાહેંધરી આપી કે જ્યાં સુધી પ્રિયવદન બસમાં પહોંચશે નહીં ત્યાં સુધી બસ ઉપડશે નહીં એટલે કે ચીકાની ચાલાકીથી પ્રિયવદનની બસની ટિકિટ તો બુક થઈ ગઈ પરંતુ એ પણ confirm થઈ ગયું કે જ્યાં સુધી પ્રિયવદન આવે નહીં ત્યાં સુધી બસ ઉપડશે નહીં.
ચીકાની ચાલાકીનો બીજો નમૂનો એ હતો કે તેના કોલેજમાં ભણતી બીજા ક્લાસની છોકરીઓ પણ ચીકાને હોસ્ટેલમાં તેડવા મૂકવા આવતી હતી. ચીકાને હોસ્ટેલના કોઈ પાસે પોતાનું કામ કરાવવાનું હોય તો તેને વાતોમાં ભોળવીને તેની પાસે કામ કરાવીને જ ઝંપતો અને સામેવાળો પણ તેની વાતોમાં આવીને હોંશે હોંશે તેનું કામ કરી આપતો.
સા....રો.....અમદાવાદી...
ક્રમશ: