Cleancheet - 22 - last part in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | ક્લિનચીટ - 22 - છેલ્લો ભાગ

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ક્લિનચીટ - 22 - છેલ્લો ભાગ

અંતિમ પ્રકરણ – બાવીસમું-૨૨

સ્વાતિ એકદમ સ્વસ્થ હતી. સૌ ના ચહેરાના હાવભાવ જોઇને સ્વાતિને ખ્યાલ આવી ગયો કે હવે સસ્પેન્સની ચરમસીમા આવી ગઈ છે એટલે ઊંડો શ્વાસ ભરીને બોલી...

‘હું આવતીકાલે ઓસ્ટ્રેલીયા જઈ રહી છું.’
‘ફોર સેટલ ફોરએવેર. અને આ કોઈ જોક નથી. આઈ એમ ટોટલી સીરીયસ.’

પીનડ્રોપ સાઇલેન્ટની વચ્ચે થોડી ક્ષણો માટે સૌ જે સ્થિતિમાં હતા એમ ને એમ જ સ્ટેચ્યુ થઇ ગયા. કોઈ સપનામાં પણ ન વિચારી શકે એવા સ્વાતિના સ્ફોટક નિવેદન પછી સૌ એકબીજાના ચહેરા પરના પ્રશ્નાર્થચિન્હ અને અનપેક્ષિત પ્રતિભાવોની અંકિત મુદ્રાઓ જોતા જ રહ્યા. પણ, સ્વાતિનું આ વાક્ય સાંભળીને સૌથી જબરદસ્ત ધક્કો અદિતીને વાગ્યો. તેની વિચારશક્તિ જાણે કે શૂન્ય થઈ ગઈ. સ્વાતિ કંઈપણ કરી શકે પણ અદિતીને છોડીને તેનાથી દુર જઈ શકે એ વિચારમાત્ર જ અયોગ્ય સ્થાને હતો.

એક સુનામી જેવા સન્નાટાને તોડતાં સૌ પહેલાં વિક્રમ એ પૂછ્યું,

‘સ્વાતિ, વ્હોટ ઈઝ ધીઝ. ?’
વિક્રમ હજુ કશું આગળ પૂછવા જાય કે સ્વાતિ કઈ જવાબ આપે એ પહેલાં અદિતી ખુજ ધીમા અને ગળગળા સ્વરે બોલી..

‘પ્લીઝ.. સૌ પ્રથમ તો કોઈપણ સ્વાતિને કંઈપણ નહી પૂછે. હું માનું છું ત્યાં સુધી કોઈનો કંઈપણ વિચાર કર્યા વગર જો સ્વાતિએ ફાઈનલી આટલું મોટું પગલું ભરવાનો અંતિમ નિર્ણય કરી જ લીધો છે તો તેની પાછળ હું માનું છું ત્યાં સુધી કોઈ બહુ મોટું કારણ પણ હોવું જ જોઈએ. માત્ર હું જ નહી પણ આપણે સહુ આશા રાખીએ કે હવે પછીના તેના આગળના નિર્ધારિત ભવિષ્યની વ્યૂહ રચના અને સૌ ને છોડીને જવાના સબળ કારણો વિષે કોઈ કઈપણ સવાલ પૂછે એ પહેલા તેના પ્રમાણિત પ્રત્યુતર સ્વાતિ સ્વયં જ આપે તેટલી અપેક્ષાના અધિકારી તો આપણે સૌ છીએ જ એવું હું માનું છું અને આજે.....’
આટલું બોલી અટકી જઈને આલોકને ઈશારો કરતાં આલોક એ પાણીનો ગ્લાસ અદિતીને આપ્યો. પાણી પીધા પછી આગળ બોલતા કહ્યું..
‘અને આ હું એટલા માટે કહી રહી છું કે.. આજે ફરી..’
આટલું બોલી ને અદિતી અટકી ગઈ.

દેવયાની બોલ્યા, ‘કેમ અટકી ગઈ ?’
‘કઈ નહી મમ્મી, મને આવું લાગે છે કે મેં સ્વાતિને બોલવાનો અવકાશ નથી આપ્યો તો આજે સ્વાતિએ બોલવાનો અને સૌ એ .. અને ખાસ કરીને મારે સાંભળવાનો અવસર છે. આગળ સ્વાતિ બોલશે.’

તીક્ષ્ણ વ્યંગબાણ થકી સટીક લક્ષ્યવેધ કરતાં શૂળની માફક ભોંકાતા અદિતીના તેજાબી સંવાદોથી સ્વાતિ અત્યંત વ્યથિત થઇ રહી હતી. પણ સ્વાતિને ખ્યાલ હતો કે આ તો હજુ પ્રારંભ જ છે અને તેના એક વાક્યની પ્રસ્તુતિના પ્રત્યુતરમાં અનંત અને અવિરત પડઘાઓ પડઘાયા જ કરશે. સવાલોની સરવાણીઓ ફૂંટશે. શંકા કુશંકાના ષટકોણ રચાશે. સૌની વિચારધારા પર આધારિત ધારણા અને અસમંજસના આરોહ અવરોહને સંતુલિત માત્રામાં સંકલિત સાથે સ્થિર કરવા માટે શાંત સમચોરસ સર્વ સામાન્ય સમજણની પાર્શ્વભૂમિકા સાથે એક આંશિક પારદર્શક સળંગ સંવાદોની સંગોષ્ટઠી આ વિરાટ વિષમ વિષયવસ્તુની પરિભાષાના વિસ્તૃત પરિચય માટે જરૂરી છે.

થોડા સમય પછી ગંભીર વાતાવરણ વચ્ચે વિક્રમ બોલ્યા..
‘સ્વાતિ, હવે હું તને જે પૂછું તેનો તું મને લોજીક સાથે જવાબ આપજે.’

એટલે અદિતી એ સ્વાતિને પૂછ્યું,
‘સ્વાતિ, પાપા એ તને કઈ પૂછવાનો અધિકાર તો છે ને ?’
વધુ એક વ્યંગબાણ, અને સ્વાતિ આવા અનેક વેધક પીડાયુક્ત વ્યંગબાણોના પ્રહારોના આક્રમણના પ્રતિક્રમણની પૂર્વ માનસિક તૈયારી સાથે જ તેના આ કઠોર નિર્ણય પર આવી હતી.

‘માત્ર પાપા નહી આપ દરેકને અધિકાર છે.’
સ્વાતિ એ જવાબ આપ્યો.

સ્વાતિને જવાબના પ્રત્યુતરમાં અદિતીએ પૂછ્યું,
‘હું ઓસ્ટ્રેલીયા જાઉં છું અને, હું ઓસ્ટ્રેલીયા જાઉં ? આ બન્ને વાક્યમાં કઈ ફર્ક ખરો, સ્વાતિ ?’
‘પણ અદી, તે મને પ્રોમિસ આપ્યું છે કે હું જે માંગીશ એ તારે મને આપવું પડશે.
તો...’

અદિતી આંશિક ઠપકાના સ્વરમાં કહ્યું ,

‘સ્વાતિ આ તે માંગ્યું નથી.. શરતની આડમાં તે અમારા સૌના અધિકારના અવગણનાની પરવા કર્યા વગર છીનવી લેવાની પેરવી કરી છે. તે મારી પાસે કશું માંગતા પહેલા જ તારા સ્ક્રીપટેડ પ્રિપ્લાન મુજબ ફક્ત તારા અંગત નિર્ણયને માત્ર ઔપચારિક રીતે સાર્વજનિક કર્યો છે ધેટ્સ ઈટ.’
અદિતી એ એક માર્યાદિત આક્રોશ સાથે વાક્ય પૂરું કયું.

આરોપ પ્રત્યારોપ,તર્ક- વિતર્ક અને સવાલ જવાબની ચર્ચા વિચારણાની સાથે સાથે હવે ધીમે ધીમે વાતવરણ થોડું ગંભીર થવા જઈ રહ્યું હતું.. એટલે વિક્રમ બોલ્યા..

‘બેટા સ્વાતિ, ચલો થોડીવાર સૌ માની લઇ એ કે તું તારા દ્રષ્ટિકોણ થી તારા સ્થાન પર યોગ્ય છે, પણ તારી નિર્ણય લેવાની રીત ગલત છે. તારે નિર્ણય લેતા પહેલાં એક વાર અમને સૌને વિશ્વાસમાં લેવાનું ઉચિત ન લાગ્યું ? અને તે એવું કયા કારણોસર માની લીધું કે અમે તને ઓસ્ટ્રેલીયા જવા નહી દઈએ. અરે અમે તો આટલા વર્ષોથી તમને બન્નેને કહી ને થાક્યા કે ચલો સૌ ત્યાં જ સેટલ થઇ જઈએ. અને લાસ્ટ યર તને આવવાની ઈચ્છા હતી ત્યારે અદિતી એ તને ખાસ દબાણ કરીને કહ્યું હતું કે તું જઈ શકે છે. તું ઓસ્ટ્રેલીયા સેટ થવાનું વિચારે તેની સૌથી મોટી ખુશી અદિતીને થશે. પણ દીકરા આવી રીતે આવડો મોટો નિર્ણય....એક આંચકા સ્વરૂપે..આઈ કાન્ટ બીલીવ ધીઝ.’

સ્વાતિને ખ્યાલ હતો જે સૌને મર્યાદામાં રહીને એક સંતોષકારક ગળે ઉતરે એવા જવાબ આપવાના છે એટલે અગાઉ થી ઘૂંટેલા અને ગોખેલા ડીપ્લોમેટીક આન્સર માંથી કોઈ એક પર પસંદગી ઉતારીને બોલી..

‘જો હું ઓસ્ટ્રેલીયા જઈ રહી છું, તેમાં કોઈને કઈ પ્રોબ્લેમ જ નથી તો પછી આપણે આ ટોપીક પર આટલી ગંભીરતાથી શા માટે ચર્ચા કરી રહ્યા છીએ ?’

આવું સાંભળી ને અદિતી અકળાઈને બોલી,

‘પ્રોબ્લેમ તો પહેલાં પણ કોઈ ને ક્યાં હતો જ. ? તારે જ નહતું જવું. ક્યા, કેમ અને કેટલી ગંભીરતા છે એ માટે ફક્ત તું તારો ચહેરો એક વાર આઈનામાં જોઈ લે સ્વાતિ. અને તું ઓસ્ટ્રેલીયા જઈ નથી રહી પણ, ભાગી રહી છે. એન્ડ ઇટ્સ ફેક્ટ. તું અમને સમજાવી નથી રહી અમને સમજાવવાના પ્રયત્ન કરી રહી છે જે સહજતાથી પર છે.’

‘બટ અદી નાઉ વોટ્સ ધ પ્રોબ્લેમ ?’ સ્વાતિ થોડા ઊંચા સ્વરમાં બોલી.

એ પછી અદિતી બોલી કે...

’સ્વાતિ, મને બરાબર યાદ છે લાસ્ટ યર જયારે તારા ફ્યુચર પ્લાન વિષે આપણે બન્ને સીરયસલી ડીશકશન કરતાં હતા ત્યારે તે કહેલું કે તને ભવિષ્યમાં ઓસ્ટ્રેલીયામાં સેટલ થવાની ઈચ્છા ખરી પણ, તે એમ કહ્યું હતું કે અદિ તું સાથે આવે તો જ. જે કોઈ કાળે શક્ય નહતું અને નથી. તું કોઈપણ હિસાબે મને એકલી છોડીને જવા રાજી જ નહતી.આપણે બન્ને એ ખુબ લમણાઝીંક કરી એ સમયે અમે તને સમજાવવાના કોઈ જ પ્રયત્ન બાકી નહતા રાખ્યા પણ તું એક ની બે ન થઇ તે ન જ થઇ. તે કહ્યું હતું કે તારો પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર અદિ જ છે. અને મારા દિલ્હી જવાની આગલી રાત્રે ડીનર ટેબલ પર થયેલી આપણી ડિસ્કશન પરથી મને અંદરથી કોઈ એવો છુપો ડર સતાવી જ રહ્યો હતો કે નક્કી હંમેશ માટે હું કૈક ગુમાવવા જઈ રહી છું અને આજે મારી એ ધારણા સાચી પડી. અને આજે ફક્ત મને જ નહી પણ અહી બેઠેલાં દરેકને એ એક જ સવાલ સતાવે છે કે આ એ જ સ્વાતિ છે જે આત્મવિશ્વાસથી કહેતી કે અદિતી જ મારી દુનિયા છે. દુઃખ એ વાત નું નથી કે તું મને છોડી ને જઈ રહી છે પણ તું જે રીતે સૌ ને છોડીને જઈ રહી છે દુઃખ એ વાતનું છે સમજી. બસ આટલો જ પ્રોબ્લેમ છે.’
હવે અદિતી ધીરે ધીરે પોતાના ઈમોશન્સ પર કાબુ ગુમાવી રહી હતી.

અદિતીના શબ્દો કરતાં પણ અદિતીના અવ્યક્ત શબ્દોની આંતરિક પીડાથી જે રીતે અદિતી પીડાઈ રહી હતી તે તેની વેદના સ્વાતિને છેક ઊંડે સુધી ખુપીને ખટકતા ફાંસની માફક વારંવાર ખૂંચ્યા કરતી હતી અને છેલ્લાં ઘણાં દિવસોના મનોમંથન પછી અનુમાનિત પ્રત્યાઘાતોના પરિણામ ભોગવવાની પૂર્વ તૈયારી સાથે જ આજે સ્વાતિ એ તેના નિર્ણય ને અમલમાં મુકવાનું નિર્ધારિત કર્યું હતું.

હવે દેવયાનીથી ન રહેવાયું એટલે પૂછ્યું કે..
‘સ્વાતિ, અમને સૌને જણાવવા માટે તે માત્ર ૨૪ કલાકનો જ સમય આપ્યો એ તને યોગ્ય લાગે છે ? અને સાવ અચાનક જ આ રીતે અણધાર્યા નિર્ણય લેવા માટેની કોઈ તો પૂર્વભૂમિકા હશે ને ?’

સ્વાતિ એ દેવયાની જવાબ આપતાં કહ્યું,

‘મમ્મી કશું જ યોગ્ય નથી. આ મારો નિર્ણય પણ નહી. છતાં પણ મને આશા છે કે જે કોઈ સવાલોના જવાબ અત્યારે મારી પાસે પણ નથી તેનો જવાબ કદાચ ઉચિત સમય પર આધરિત હોય. એટલે હું આ ઘડીએ કશું જ કહી શકવાને સમર્થ નથી એમ સમજુ છું.’
એટલું બોલીને સ્વાતિ રડવા લાગી એટલે સંજના તેની બાજુમાં આવીને સાંત્વના આપવા લાગી.

અલોક અને શેખર સાવ બુત બનીને બેઠાં હતા. તેમના મનમાં પણ ઘણાં સવાલો સળવળતા હતા પણ તેઓ એ વિચાર્યું કે પહેલા પારિવારિક ચર્ચાનો અંત આવે પછી સૌ હકથી દલીલો અને મંતવ્ય સાથે એકાંતમાં સ્વાતિ જોડે તેના નિર્ણય પર વિચાર વિમર્શ કરીશું.

વિક્રમ એ પૂછ્યું,
‘સ્વાતિ શું શેડ્યુલ છે આવતીકાલનું ?’
‘પાપા, રાત્રે ૧૧:૫૦ ની ડાયરેક્ટ ફ્લાઈટ છે આવતી કાલે. મુંબઈ ટુ સિડની. ત્યાં વાત થઇ ગઈ છે. એવરીથીંગ હેઝ બીન એરેન્જડ ધેર. અને નેક્સ્ટ મંથ તો આપ અને મમ્મી આવો જ છો ને.’

દેવયાની એ પૂછ્યું,
‘બટ સ્વાતિ આટલાટૂંકા સમયગાળામાં તું બધી તૈયારી કરી રીતે કરીશ ?’

‘થઇ ગઈ છે. મમ્મી. ઓન્લી પેકિંગ જ બાકી છે એટલે તો આ બન્ને ને બોલાવ્યા છે.’
સંજના બોલી, ‘અમારુ સદભાગ્ય કે આટલો સમય તો તે અમને આપ્યો. થેન્ક્સ સ્વાતિ.’
‘સંજના હવે તું પણ ?’

ત્યાં ભીની આંખો ની કોર સાથે ગળગળા આવશે શેખર બોલ્યો,
‘સ્વાતિ તારું આ સરપ્રાઈઝ હું લાઈફટાઈમ યાદ રાખીશ. આઈ નેવર ફોરગીવ યુ.’

કોઈપણ તેના આંસુ રોકી ન શક્યું. સંજના પણ હિબકે ચડી. શેનું દુઃખ કરવું ? સ્વાતિ એ સૌથી આટલી મોટી વાત છુપાવી તેનું કે સૌને છોડી ને જાય છે તેનું ? અને સૌ થી મોટું રહસ્ય તો એ જ રહ્યું કે છુપાવવું શા માટે પડ્યું ? દુઃખ સમાંતર અને અનંત હતું. કોઈ ને હજુ કશું સમજાતું જ નહતું.

સ્વાતિને બન્ને છેડાનું દુઃખ સૌને છોડીને જવાનું અને સૌ ને થતી પીડાનું દુઃખ.સ્વાતિ આવું કરી શકે એ વાત તો દુરની રહી એ આવું વિચારી શકે એવું પણ કોઈના માન્યા ન આવે એવું હતું સ્વાતિનું આ આકરું પગલું.

અદિતીથી ન રહેવાયું એટલે એ વિક્રમને વળગીને રડતાં રડતાં બોલી..
‘પાપા.. પાપા ..’ આગળ કશું બોલી જ ન શકી.
અદિતીને શાંત પાડતા વિક્રમ બોલ્યા..
‘અદિતી પ્લીઝ બેટા કૂલ પ્લીઝ કંટ્રોલ યોર સેલ્ફ પ્લીઝ બેટા.’

‘પાપા, સ્વાતિ એ કેમ આમ કર્યું ? ક્યાં મારી ભૂલ થઇ ગઈ ? હું સ્વાતિને ઓળખવામાં ક્યાં થાપ ખાઈ ગઈ પાપા. ? જે સ્વાતિ વિશે હું આંખ બંધ કરીને કંઈપણ સચોટ પ્રીડીકશન કરી આપતી આજે એ જ સ્વાતિએ અંધારામાં રાખીને આપણા સૌ ની આંખે પાટા બાંધી દીધા. કેમ પાપા કેમ ? મને સ્વાતિ પર નહી પણ તેના નિર્ણય પર શંકા છે. જે હું વિચારી ન શકું એ આજે સ્વાતિ એ કરી બતાવ્યું.’

સ્વાતિની પીડા બાણસૈયા પર સુતેલા ભીષ્મપિતામહ સમાન થઈ ગઈ. લગાતાર એક પછી એક તીર ભોંકાતા જાય પણ કોઈની પણ સામે પ્રતિકાર, વળતો પ્રહાર કે પ્રત્યુતર આપી શકે ? ન તો સ્વયંની પીડાનું કારણ દર્શાવી શકે અને કોઈને સંતોષકારક જવાબ આપી શકે.

એટલે પછી બાદમાં થોડી મક્કમ થઈ દરેકની સામે એક નજર ફેરવતા સ્વાતિ એ બોલવાની શરૂવાત કરી,..

‘નાઉ પ્લીઝ લીસન એવરીબડી કેરફુલી.’
‘મારી વાતમાં કેટલી તટસ્થતા અને તથ્ય છે એ હવે તમે નક્કી કરી લેજો. અને આ મારું અંતિમ સત્ય છે. હું અને અદિતી બન્ને એકબીજા માટે શું છીએ એ વાત સર્વ સામાન્ય અને તેનાથી સૌ સારી રીતે અવગત હોવા છતાં પણ એ વાતનું પુનરાવર્તન કરવું મને ગમશે. અને આ વાતના સંદર્ભ થકી હું મારા ઓસ્ટ્રેલીયા જવાના કારણને કોઈપણ સમર્થન આપવા નથી માંગતી. અમારા બન્ને વચ્ચે પરસ્પર એકબીજાના ડેમ બલાઇન્ડ ટ્રસ્ટના પર્યાય માટે મારા અંતરમનમાં એક દિવસ એવો વિચાર અંકુર ફૂટ્યો કે ભવિષ્યમાં સંભવિત સંજોગોવસાત અમારા બન્ને વચ્ચે આવનારા અવકાશની પૂર્તિ માટે અમારા બન્ને માંથી કોઈ એકનું સ્થાન કોણ લઇ શકે ? એ ધુંધળું વૈકલ્પિક વિચારચિત્ર સમયાન્તરે ક્રિસ્ટલ ક્લીઅર થઇ ગયા પછી જ મેં આટલો મોટો નિર્ણય મેં લીધો છે.’

‘એટલે ?’ વિક્રમ એ પૂછ્યું.

‘પાપા અદી માટે હવે હું સાવ એકદમ જ નિશ્ચિંત છું, આલોકના કારણે. આલોકમાં અદિતી માટે મેં એટલા હદ સુધીનો પ્રેમ જોયો છે કે કદાચ અદિતી મને ભૂલી જશે તો પણ મને દુઃખ નહી થાય પણ હા, આલોક પ્રત્યે મને ઈર્ષા જરૂર થશે એટલા માટે કે આલોક એ મારા એ અભિમાન ને ઓગળી નાખ્યું કે મારા જેટલો પ્રેમ મારી અદિને કોઈ ન કરી શકે. અને સામે અદિ માટે મને એટલું જ પ્રાઉડ ફીલ થાય છે કે કોઈ પોતાની જાત ભૂંસી અને ભૂલી ને મારી અદી ને પ્રેમ કરે એવો સળંગ સ્નેહ સથવારો શોધવામાં તે સફળ રહી .’
ત્યાં આલોક કશું બોલવા ગયો, પણ આલોક હજુ આલોક કઈ કશું બોલવા જાય એ પહેલા તો સ્વાતિ દોટ મુકી અદિતીને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી સામે અદિતીની આંખે જાણે કે ચોમાસું બેઠું હોય એમ ચોધાર આસુંઓની સરવાણી ફૂટી.

અદિતી ગળે વળગીને રડતાં રડતાં માંડ માંડ બોલી
‘બસ.. બસ.. બસ..પાગલ હજુ કેટલું રડાવીશ. ?

આગળ અદિતી બોલી,
‘સ્વાતિ આપણા બન્નેના માત્ર તન જુદા છે પણ પ્રાણ તો એક છે અને પાગલ કયારેય પ્રાણના પર્યાય ન હોય. છતાં, એક વાત પૂછું સ્વાતિ ?
‘હા, બિન્દાસ પૂછ.’ સ્વાતિ એ રડતા રડતા કહ્યું
થોડો સમય ચુપચાપ લગાતાર સ્વાતિની આંખોમાં જોયા પછી અદિતી બોલી,
‘ના, પૂછીને હું તારા ભરોસાનું અપમાન નહી કરું પણ તારા ભરોસાનું સન્માન કરીને માની લઉં છું કે તે જે કહ્યું એ જ તારું આ અંતિમ સત્ય છે.’

પંદર થી વીસ મિનીટ્સ જેટલો સમય પસાર થઇ ગયા પછી વિક્રમ અને દેવયાની સિવાય બધા જ ફરી ગેસ્ટ રૂમમાં જતા રહ્યા.

હવે ગંભીર વાતાવરણને થોડું હળવું કરવું જોઈએ એવા ખ્યાલથી શેખર ફિલ્મી અંદાઝમાં બોલ્યો,
‘અરે ચલો ઇસી બહાને આલોક અબ સ્વાતિ કે ફંડે કે ફંદે સે બચ જાયેગા.'

એટલે સામે આલોક એ પણ એ જ શૈલીમાં જવાબ આપ્યો,
‘અરે યાર અગર યે રુક જાતી હૈ તો લાઈફ ટાઈમ ઇસ કે સબ ફંડે કબૂલ હૈ.'

એટલે સ્વાતિ થોડા રીલેક્સ મૂડમાં આવી ને આલોકના બન્ને ગાલ ખેંચતા તેની બિન્દાસ અદામાં બોલી,

‘ઓ..ઓ.. યે મત સમજના કી ઇતને સસ્તે મેં તેરા પીછા છોડુંગી. તુમને મેરી જાન કો મુજ સે છીન લીયા હે સમજા. અરે... યે તો અદિતી હમારે બીચ મેં આ ગઈ હૈ, વરના ઇસ પ્યારે ઘોંચું કો તો મેં કચ્ચા ચબા જાતી.’

ફરી એકવાર બધાની આંખો હર્ષોઉલ્લાસ થી છલકાઈ ગઈ. હજુ’યે કોઈનું દિલ કે દિમાગ એ માનવા તૈયાર નહતું કે ખરેખર સ્વાતિ સૌને છોડી ને આ રીતે જઈ શકે.
પણ આટલી ગહન ચર્ચા પછી હવે તો સ્વાતિ જઈ જ રહી છે એ નક્કર વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા વિના કોઈ છુટકો જ નહતો.

છેવટે શેખર અદિતી અને સ્વાતિની સામે જોઇને બોલ્યો,
‘સાચે જ સ્વાતિ તું એક એવી પઝલ છો કે શાયદ જેનું પરફેક્ટ પ્રીડકશન કરવામાં ખુદાને પણ બે વાર વિચારવું પડે. જે દિવસે મેં તને પહેલી વાર જોઈ ત્યારથી લઈએ ને અત્યાર સુધી હું તને સમજવામાં કાયમ નિષ્ફળ જ રહ્યો. એવું કેમ, તું કેમ આવી છો ?’

સ્વાતિ એ કહ્યું, ‘એટલા માટે કે હું મારી ફેવરીટ છું, અને હમેશાં માટે આવી જ રહેવાંની છું.’
ત્યાર બાદ

શેખરના સચોટ સવાલનો જવાબ આપતાં અદિતી બોલી,
‘આઈ એગ્રી વિથ યુ, બટ આજ તો સ્વાતિએ એવી ગુગલી નાખી કે એક જ બોલમાં સૌને ક્લીન બોલ્ડ કરી દીધા.પણ જે કઈ પણ થયું તે છતાં મારી સ્વાતિને આજે હું ટોટલી લાઈફટાઈમ માટે ક્લિનચીટ આપું છું.’

આલોક, સ્વાતિને એક તરફ લઇ જઈને ગંભીર મુદ્રામાં આવીને પૂછ્યું,

‘સ્વાતિ, તે જે રીતે તારી વાક્છટા થી વશીકરણ કરીને તારો એકડો સાચો છે એ કોળિયો સૌના ગળે શીરાની માફક ઉતારી દીધો પણ, હવે મને તો જે સત્ય છે એ કહી દે. હું કોઈને પણ નહી કહું.’

સ્વાતિની આંખમાં ઝળઝળિયાં આવવાની તૈયારી માં હતા ત્યાં આલોકની આંખોમાં આંખ પોરવી ને જવાબ આપ્યો,

‘એ સત્ય જો તને કહી શકાતું હોત તો આજે આ મારે અર્ધસત્યનો આશરો ન લેવો પડ્યો હોત આલોક.’

‘એટલે.. હું કઈ સમજ્યો નહી.’ નવાઈ સાથે આલોક એ પૂછ્યું.

‘આલોક, જળ માછલીના જીવન અને જળ જ માછલીના મરણ નું કારણ છે. એક સનાતન સત્યની માફક જે જીવાડે એ જ મારે. મારા માટે તારું આ વાક્ય જ આજીવન ઘાવ અને મરહમ બન્નેનું કામ કરશે....

‘હું કઈ સમજ્યો નહી.’

‘સ્વાતિ તું આ રીતે સમજાવે છે તો...’ હજુ આલોક આગળ કશું બોલવા જાય એ પહેલાં આલોકના મોં પર સ્વાતિ એ તેની હથેળી રાખતા બોલી,

‘હવે મારું સત્ય એક્સ્પાયર ડેટેડ થઇ ગયું છે આલોક બાબુ. એન્ડ પ્લીઝ નાઉ ફૂલસ્ટોપ હિયર.’

આટલું બોલતાની સાથે મણ એકના ડૂમાને ગળી ને સ્વાતિ ઝડપથી ત્યાંથી નીકળીને તેના બેડરૂમમાં જતી રહી.

આજે સ્વાતિની છેલ્લી રાત્રી હતી એટલે સ્વાતિ સાથે મન ભરીને મિલિયન્સ ઓફ મિલિયન્સ ટેરાબાઈટ મેમરીના મેળાના માહોલની મોજ અને ધીંગામસ્તી વચ્ચે હોટેલમાં ગ્રાન્ડ ડીનર લઈને પછી સૌ એ છેક સવાર સુધી લોંગ ડ્રાઈવ,,મ્યુઝીક, ડાન્સ,ગેમ્સ અને જોકસની સાથે એક અનફોરગેટેબલ નાઈટ પસાર કર્યા પછી ઘરે આવીને વહેલી સવારે જે પાંચ વાગ્યે આવીને સૂતા પછી છેક ૧૨ વાગ્યા બાદ એક પછી એક ઉઠતાં ગયા અને ફ્રેશ થઇ ને સૌ ૧ વાગ્યા પછી ફૂલ બ્રેકફાસ્ટ કરીને ફરી પાંચેય નીકળી પડ્યા શોપિંગ માટે પછી થાક્યા એટલે ઘરે પરત આવ્યા છેક સુર્યાસ્ત બાદ.

પછી સાંજના ૭:૪૫ નો સમય થતાં સૌ ગોઠવાયા ડ્રોઈંગરૂમ માં. ૮:૩૦ સુધીમાં એરપોર્ટ પહોંચી જવાનું નક્કી કર્યું હતું એટલે એક કારમાં વિક્રમ, સંજના અને શેખર ગોઠવ્યા અને બીજી કારમાં દેવયાની, આલોક, અદિતી, શેખર અને સ્વાતિ બેઠા.
હળવો ટ્રાફિક પણ હતો એટલે ધીમે ધીમે હંકારતા એકઝેટ ૮:૨૫ ની આસપાસ એરપોર્ટ આવી ગયા.

સિડની માટે એરલાઈનનું કાઉંટર થોડી સમય પહેલા જ ઓપન થયું હતું એટલે કતાર થોડી લાંબી હતી તેમાં સ્વાતિ લગેજ લઈને જોડાઈ ગઈ. અડધો એક કલાકમાં લગેજ અને બોર્ડીંગ પાસની પ્રોસીઝર પૂરી કરીને સ્વાતિ ફરી વિઝીટર લોન્જમાં જ્યાં સૌ બેઠાં હતા ત્યાં આવી વિક્રમ અને દેવયાની બન્નેના ચરણસ્પર્શ કર્યા બાદ દેવયાનીને ગળે વળગતા દેવયાની એકદમ ઈમોશનલ થઇ જતાં સ્વાતિ બોલી,
‘અરે, મોમ વ્હાય આર યુ ક્રાઈંગ ? તમે અને ડેડ તો આવો જ છો ને નેક્સ્ટ મંથ, તો પછી શા માટે રડવાનું ?’

દેવયાની એ સ્વાતિને પૂછ્યું,
‘દીકરા કઈ ભુલાઈ જતું નથી બધું જ યાદ કરીને લઇ લીધું છે ને તે ?’

‘મમ્મી, હવે મારી પાસે ફક્ત મારી યાદો જ છે, અને બાકી બધું તો જ ભૂલી જવાનું છે ને.’ સ્વાતિ હસતાં હસતાં બોલી

સંજના સતત સ્વાતિને જ જોઈ રહી હતી તેનો ખ્યાલ સ્વાતિને હતો જ એટલે સંજના કઈ પણ બોલે એ પહેલા સ્વાતિ ક્યાંય સુધી તેના ગળે વળગી રહી હવે
સંજનાના ધીરજનો બાંધ હવે તૂટી જવાની કગાર પર હતો એવો સ્વાતિને ભાસ થતાં તે ભાંગી પડે એ પહેલા બોલી,
‘હેય મારી સંજુ આટલી કમજોર ક્યારથી થઇ ગઈ યાર ? તું તો હંમેશા મારી હરેક તકલીફના સમયે મારી ઢાલ બનીને ઊભી રહી છો અને આજે તું જ હિમ્મત હારી જઈશ તો કેમ ચાલશે માય ડીયર ?’

‘હું હિંમત નથી હારી સ્વાતિ પણ, તું સાવ જ આમ અચાનક જ સૌને આ રીતે છોડી ને જતી રહી છે તે દુઃખની કળ નથી વળતી. બસ વારંવાર એ જ વિચારીને દુઃખ થાય છે કે અમે તને પ્રેમ કરવામાંમાં ક્યાં ઉણા ઉતર્યા ? તને ક્યાં અમારો પ્રેમ ઓછો પડ્યો ? અને પ્રેમ ઓછો પડ્યો તો અમને તેની ગંધ સુદ્ધાં કેમ ન આવી ? બસ આ વાત નથી જીરવાતી મારાથી અને એટલે હું....’
આટલું બોલતા સુધીમાં તો સંજનાના ગળું ભરાઈ આવ્યું. ફરી એકવાર સ્વાતિ એ સંજનાને બથમાં ભીંસીને સાંત્વના આપતાંની સાથે શાંત પાડવાની કોશિષ કરી સોફા પર બેસાડીને સ્વાતિનો મૂડ ચેન્જ કરવા માટે બોલી..
‘હવે બસ તું ફટાફટ મેરેજની ડેટ ફાઈનલ કર એટલે હું આવી ગઈ સમજી લે. અરે યાર તું એક કોલ કરીશ ત્યાં હું હાજર થઇ જઈશ બસ. પછી આપણે સાથે જઈશું ન્યુઝીલેન્ડ, પ્રોમિસ. ઓ.કે. ચલ નાઉ બી એ ગૂડ ગર્લ. એન્ડ સ્માઈલ પ્લીઝ.’

શેખર અને આલોક બન્ને સાથે થોડે દુર ઊભા હતા ત્યાં સ્વાતિ આલોક પાસે જઈ તેની બન્ને હથેળી સ્વાતિ તેના બંને હાથમાં લઇ આલોકની આંખોમાં આંખો નાખતા બોલી..
‘આલોક, હવે હું કોને સતાવીશ ? તને કોઈપણ હદે સતાવવાનો હક્ક એકમાત્ર મારી પાસે જ હતો, પણ હવે...’

‘કેમ એવું બોલે છે સ્વાતિ, કે ‘હતો’ ? ‘હતો’ મીન્સ ? હતો, છે અને રહેશે જ ફોરએવર.’
‘પણ, આલોક હવે હું તારા થી દુર જઈ રહી છું. ખુબ જ દુર.’

‘અરે પણ તો એમાં શું થઇ ગયું ? સ્થળ બદલવાથી સંબંધોના સમીકરણ થોડા બદલાઈ જાય ?’

‘બટ આલોક આઈ ડોન્ટ બીલીવ ઇન લોંગ ડીશટન્સ રીલેશનશીપ.’
‘તો એમ કર ને તું અહીં રોકાઈ જા અથવા અમે તારી પાસે આવી જઈએ એમાં શું ?’
‘કાશ..’
આટલું બોલીને સ્વાતિ અટકી ગઈ પછી...

‘સ્વાતિ, એવેરીથીંગ ઈઝ ઓ.કે. ?’
‘આઈ હોપ’
કહીને સ્વાતિ એ અદિતીને પોતાની પાસે આવવાનો ઈશારો કર્યો એટલે અદિતી શેખર નજીક ઉભાં રહેલા સ્વાતિ અને આલોક પાસે આવીને આલોકને પૂછ્યું,
‘શું કહે છે સ્વાતિ ?’

‘જો ને અદિતી હજુયે કેવી આડી અવળી ગોળગોળ પઝલ જેવી વાતો કરે છે સ્વાતિ.’
‘કેમ હવે તો એવું તે શું કહ્યું?’ અદિતી એ પૂછ્યું
‘કહે છે મારો હક્ક હતો, હવે નથી ? એ કેવું ?’ આલોક બોલ્યો

‘સાચું કહું આલોક, સ્વાતિ એ જાતે જ આપણને તેનાથી દુર કરી દેવાનું નક્કી કરી જ લીધું છે તો પછી હવે શબ્દ અને સંબોધન નિરર્થક બની ગયા છે. તમે વાસ્તવિકતાને ટાળીને નજરઅંદાજ શકો પણ હંમેશ માટે ખત્મ ન શકો. અને આંખો બંધ કરી દેવાથી કંઈ રાત નથી પડી જતી.’


‘ઓયે.. બસ હવે તારી આ બધી ફિલોસોફીની ફાઈલ બંધ કર અને સ્માઈલ કર મારી ચીકુડી.’ સ્વાતિ બોલી
એ પછી આલોક તરફ જોઇને બોલી..

‘આલોક, સમજી લે કે આજે મારી અને અદી બન્ને વચ્ચેના એક પડછાયાનું સેપરેશન થઇ રહ્યું છે,અશક્ય હોવા છતાં પણ. એટલા માટે કે હવેથી અદિતીના પ્રેમના પરવાનાનો પ્રતિનિધિ અને અધિકારી માત્ર તું એક જ રહીશ એવા ભારોભાર ભરોસાથી હવે હું સાવ એક નાના અમથા ઝાકળબિંદુની માફક હળવી થઇ ને જઈ રહી છું.’

આલોક અદિતી ને સંબોધતા બોલ્યો.

‘અદિતી, સ્વાતિ એ મારા માટે તે જે કઈ કર્યું છે તેના માટે હું રોજ લાઈફટાઈમ સ્વાતિને થેન્કયુ કહું તો પણ ઓછુ પડશે.’

‘ ઓયે બસ બસ હો, તું અક્ષયકુમાર જ ઠીક છે અમોલ પાલેકર ન બનીશ હવે સમજ્યો.’
આટલું બોલ્યા પછી સ્વાતિ, અદિતી અને આલોક ત્રણેય એકબીજાને થોડા સમય સુધી વળગી રહ્યા પછી સ્વાતિ બોલી,
'
ચલ અદિ.. હું નીકળું ?’

બન્ને ની આંખોથી અશ્રુધારોઓ વહી રહી હતી.. અદિતી બોલી,

‘સ્વાતિ આમ પણ તું અમને સૌને અંધારામાં રાખીને આબાદ રીતે નીકળી જ ગઈ છો ને. ઘા કર્યા વગર ઘાયલ કરવાની તારી આ કળા મને ગમી ,એના માટે હું તને ક્યારેય માફ નહી કરું જોઈ લે જે અને ..’

બસ આટલું બોલતા તો એકદમ જ સ્વાતિને ભેટીને અદિતીએ ધ્રુસકે ધ્રુસકે રડવાનું શરુ કર્યું એટલે વિક્રમ અને દેવયાની સંજના બધા અદિતીને સંભાળવા લગતા વિક્રમ બોલ્યા..
‘અદિ દીકરા હવે પ્લીઝ તારી જાત ને સંભાળ તો. બસ હવે સૌ હસતાં હસતાં સ્વાતિને વિદાય આપીએ અને ચલો હવે ગ્રુપ ફોટોસ થઇ જાય એટલે બાજુમાં ઊભા રહેલા એક વ્યક્તિને ૪ થી ૫ ગ્રુપ ફોટોસ ક્લિક કરવાનું કહી ને સ્વાતિને મિડલ માં ઊભી રાખીને સૌ બન્ને સાઈડ ગોઠવાઈ જતા ફોટોસ ક્લિક થઇ ગયા.

શેખર એ સ્વાતિને તેની પાસે આવવાનો ઈશારો કર્યો એટલે સ્વાતિ તેની પાસે આવીને પૂછ્યું, ‘હા, બોલ શેખર.’
શેખર એ પૂછ્યું,
‘મારી સાથે કોફી શેર કરીશ ?’
‘ઓ, યા શ્યોર કેમ નહી.’
‘તો ચાલો આપણે બન્ને ત્યાં કોફી કાઉંટર પર જઈએ.’
શેખર અને સ્વાતિ બન્ને કોફી કાઉંટર તરફ જતા જતા બોલ્યા.
‘અમે આવીએ છીએ હમણાં.’

શેખર એ પૂછ્યું, ‘વિચ વન યુ લાઈક ?’
‘જે તારી ફેવરીટ હોય એ.’
‘અચ્છા,’
એમ કહીને શેખર એ બે કપાચીનો કોફીનો ઓર્ડર આપતાં સ્વાતિને પૂછ્યું,
‘સ્વાતિ એક વાત કહે તે દિવસે જયારે તું બેન્ગ્લુરુથી મુંબઈ આવી હતી ત્યારે તે મારાં કેમરાના કાર્ડમાંથી તે તારાં અને આલોકના ફોટોસ કેમ ડીલીટ કર્યા ?’

‘આઈ થીંક શેખર કે ઇટ્સ વોઝ સમ પર્સનલ મોમેન્ટ મેમરી તો મેં એ..
અને જો તને ખરાબ લાગ્યું હોય તો આઈ એમ સો સોરી.’

‘અરે ઇટ્સ ઓ.કે. મેં તો એટલાં માટે પૂછ્યું કે તારાં કહેવાથી જ એ બધાં ફોટોસ મેં ક્લિક કર્યા હતા તેમાં મારી કોઈ ભૂલ તો નથી થઇ ગઈ ને ?’

‘એ તો શેખર તને પણ ખ્યાલ છે કે શા માટે ક્લિક કર્યા હતા કે જયારે આલોક નોર્મલ થઇ જાય તો તેને બતાવી એ તો તે મેમરી રીવાઈન્ડ થાય તો તે એક એક પળ ને યાદ કરીને ફરીથી.....’
આટલું બોલી ને અટકી ગઈ
એટલે શેખર એ પૂછ્યું ..’તો એ બધાં ફોટોસ આલોકને બતાવ્યા કે નહીં ?’
‘અરે યાર શેખર એ એક વાર ખબર નઈ મારા થી શું એવી મિસ્ટેક થઇ ગઈ તો બધાં જ ફોટોસ ડીલીટ થઇ ગયા .. પણ હવે એવું લાગે છે કે સારું થયું કે ડીલીટ થઇ ગયા .. કેમ કે હવે જો બધું જ સાવ નોર્મલ થઇ ગયું છે તો એ દુ:ખદ ઘટનાના દિવસોને શા માટે યાદ કરવા ? ઠીક છે ને ?’
‘અચ્છા સ્વાતિ થોડી વાર માટે તારાં ગોગલ્સ ઉતારીશ ?.’
એટલે સ્વાતિ એ ગોગલ્સ ઉતર્યા
શેખર, એકીટસે સ્વાતિની આંખોમાં જોતો રહ્યો એટલે સ્વાતિ એ પૂછ્યું.
‘શું જોઈ રહ્યો છે ?’
‘હું એ જોઈ રહ્યો છું, જે હજુ ડીલીટ નથી થયું.’
એક સેકંડ માટે સ્વાતિ ઝંખવાઈ ગઈ પણ બીજી જ સેકન્ડે ખડખડાટ હસતાં હસતાં શેખરની વાતનો છેદ ઉડાડતાં બોલી...
‘શેખર સાચું કહું તારી નજીકની નજર કમજોર થઇ ગઈ છે જલ્દીથી કોઈ સારા આઈ સ્પેશિયાલીસ્ટ પાસે ચેકઅપ કરવી લે યાર.’

‘સ્વાતિ મને એક વાત પૂછું..?’

‘શેખર તારી એક વાત પહેલાં તું મારી એક વાત ધ્યાનથી સાંભળી લે. ખુબ જ મજેદાર અને યાદગાર કિસ્સો છે. સાંભળ’

‘હું અને અદિ એકવાર બાય ટ્રેઇન દાર્જલિંગ જઈ રહ્યા હતા, આશરે સવારના ૮ વાગ્યાનો સમય હશે. અમારી સામેની સીટ પર એક ૬૦ થી ૬૫ વર્ષની ઉંમરના એક મહાશય ખુબ જ પોપ્યુલર એસ્ટ્રોલોજીની કોઈ એક બૂક ખુબ જ ધ્યાનથી વાંચી રહ્યા હતાં. અત્યારે હું એ બૂકનું નામ હું ભૂલી ગઈ છું. લાંબી શ્વેત દાઢી સાથે તેના ચહેરા પર એક અલગ જ પ્રકારનું તેજ હતું. મને તેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી લાગ્યું. એટલે થોડી વાર પછી મેં એ મહાશય ને પૂછ્યું,
‘નમસ્કાર, અંકલ આપ એસ્ટ્રોલોજર હો. ?
એક હળવા સ્મિત સાથે મૃદુ સ્વરમાં બોલ્યા, ‘જી’
એકાક્ષરી પ્રત્યુતર સાથે તેમની શાલીનતા અને વિદ્વતાનો પરિચય મળી ગયો.
એટલે મેં અને અદિ એ પરસ્પર તે મહાશય ને ખ્યાલ ન આવે એમ ઈશારામાં એવું નક્કી કર્યું કે બન્ને એકબીજાના નામની ફેરબદલ કરીને પોતાના ફ્યુચર વિશે કઈંક પૂછીએ. એટલે પહેલાં મેં પૂછ્યું.
‘અંકલ, આપ મેરે એક પ્રશ્ન કા ઉત્તર દે સકતે હૈ ?
‘પૂછો બેટી,’
એટલે મેં અદિતીનું નામ આપીને પૂછ્યું,
‘મેરા નામ અદિતી હૈ. મેરે ભવિષ્ય કે બારે મેં કુછ કહીયે.’
એટલે તે મહાશય કહ્યું કે, ‘બેટા તુમ્હારા ભવિષ્ય ઇસ દેશ મેં નહી હૈ.’
પછી અદિતી એ પૂછ્યું, ‘મેરા નામ સ્વાતિ હૈ, ક્યા મુજે જિંદગી મેં કભી મેરી બહન કી કમી મહેસુસ હોગી ?’
‘બેટી એસા હોગા તબ યે ઉસ કે પર્યાય મેં તુમ્હે દુગની ખુશી કા પ્રાવધાન કર કે દેગી.’

એ મહાશયનું અમારા બંને માટેનું પ્રીડીક્શન અમને અયોગ્ય લાગ્યું એટલે અમે બંને મનોમન હસવા લાગતાં થોડીવાર પછી જયારે એ મહાશય જે બોલ્યા એ શબ્દો એ કિસ્સો અને એ મહાશયને હું અને અદિ આજ સુધી નથી ભૂલ્યા.’

‘શું બોલ્યા હતા એ.’ શેખર એ આશ્ચર્ય સાથે પૂછ્યું

‘બેટા, જિંદગી મેં એક બાત યાદ રખના. નામ બદલ ને સે કભી કિસીકી તકદીર નહી બદલતી,’

‘એટલે આજે તારા સઘળા સવાલોનો આ એક જ જવાબ છે..
નામ બદલવાથી તકદીર ન બદલાય શેખર.’
આ સાંભળી ને શેખર કઈ બોલવા જાય એ પહેલાં..
સ્વાતિ એ ઈશારો કરતાં શેખર આગળ બોલતા અટકી ગયો એ પછી સ્વાતિ બોલી,
જયારે જયારે કોઈ માનવીય સંબંધોની પરિભાષા મારી સમજણ બહારની હોય ત્યારે મારી મોસ્ટ ફેવરીટ ફિલ્મ “સાગર” નો એક સંવાદ જે કાયમ મારા દિલની નજીક છે એ તારી જોડે શેર કરું કદાચ તને ગમશે....’

“ ઇન્સાન બનના સબ કે નસીબ મેં નહી હોતા, કિસી કિસી કો ખુદા બનના પડતા હૈ”

‘હવે બહુ થયું તારું કેબીસી શેખર બાબુ હવે આપણે નીકળીએ ? આટલું બોલીને સ્વાતિ શેખરના ગળે વળગી ત્યારે બંને ની આંખો ભીની થઇ ગઈ.

એ પછી બન્ને કોફી કાઉંટર પરથી ઉઠીને સૌની પાસે આવ્યા.

અને ફરી એક વાર સૌને ગળે વળગતાં સ્વાતિ બોલી,
‘હવે જવાની અંતિમ વેળા એ બધાને એટલું જ કહીશ કે,

‘હું એવું માનું છું કે આપણે બધા જ કોઈને કોઈ રીતે મિલન અને વિદાયની ક્ષણ અને સમયના કોઈ એક પ્રારબ્ધ બિંદુ પર ઊભા છીએ, બસ.’

છલકાતી આંખોથી ઓઝલ ન થાય ત્યાં સુધી સૌને હાથ ઉંચો કરતી જતી રહી.

છુટ્ટા પડીને ઈમિગ્રેશન, કસ્ટમ, સિક્યોરીટી બધા માંથી પસાર થઈને છેવટે ફ્લાઈટમાં તેની વિન્ડો સીટ પર ગોઠવાઈ ગઈ એઝ પર ફાઈનલ એનાઉન્સમેન્ટ મુજબ ફ્લાઈટ રાઈટ ટાઈમ પર જ હતી પણ છેવટે કોઈ ટેકનીકલ ઇસ્યુના કારણે ટેક ઓફ થવામાં પ્રોબ્લેમ થઇ રહ્યો હતો.

ત્યાં અદિતીનો કોલ આવ્યો..
‘હા, અદી એવરીથીંગ ઈઝ ડન આઈ એમ ઓન માય સીટ.’
‘સ્વાતિ, એક વાત કહું ?’
‘હા, અદિ બોલ.’
‘મને કેમ હજુ પણ એવું ફીલ થયા કરે છે કે... તું ફ્લાઈટ માંથી ઉતરી, દોટ મુકીને મને ગળે વળગીને કહીશ કે સોરી અદિ હું મજાક કરતી હતી તારી જોડે. હું તને છોડી ને કયાંય નહી જાઉં ?’
‘અદી, પ્લીઝ નાઉ આઈ કાન્ટ કન્ટ્રોલ માય સેલ્ફ.. પ્લીઝ ફોરગીવ મી. ઓ.કે હું કોલ કટ કરું છું ફ્લાઈટ ટેક ઓફ થઇ રહી છે.. બાય ...’

અને ફોન મુકતાની સાથે જ બન્ને હથેળીઓ તેના મોં પર દબાવી દીધી.

ફ્લાઈટમાં ૧૦% સીટ્સ ખાલી હતી અને સ્વાતિના ત્રણ સીટની રો માં બાજુની બંને સીટ્સ પણ ખાલી હતી. રાત્રીના ૧૧: ૫૫ નો સમય. ફ્લાઈટ રનવે પર આવતાં હવે ટેકઓફની અંતિમ ઘડીઓની સાથે ફ્લાઈટ તેની નિર્દેશ અનુસારની દિશામાં તીવ્ર ગતિ સાથે ઉડાન ભર્યા પછી થોડા સમયમાં હવામાં સ્થિર થઇ ગયું.

આ તરફ ફ્લાઈટના ગતિની તીવ્રતા કરતાં અનેક ગણી તીવ્ર હતી સ્વાતિની પીડાની ગતિ. સીટ બેલ્ટની સાથે સાથે હવે તેણે ખુબ જ મક્કમતા જકડી રાખેલા સંયમના બાંધને પણ છોડી નાખ્યો. ફ્લાઈટના ઇંધણ કરતાં તેનું કાળજું વધુ બળતું હતું. ધીમે ધીમે કરતાં ફ્લાઈટ હવે તેની લઘુતમ ઉંચાઈ પર આવી ગઈ હતી પણ સ્વાતિના ચુપકીદીની વેદના ગુરૂતમ સીમારેખાને પણ ક્રોસ કરી ગઈ હતી. થોડી વાર પછી પેસેન્જર હવે તેમના ઇલેક્ટ્રિક ડીવાઈસનો ઉપયોગ કરી શકશે તેનું એનાઉન્સમેન્ટ થયું.
બસ કયાંય સુધી એક પછી એક છેલ્લાં બે દિવસના અનુમાનિત સંવાદોના પડઘા તેના કાનમાં પડઘાતા રહ્યા. દરેકના શૂળની માફક ખુંચતા શાબ્દિક વ્યંગબાણોના અનુવાદમાં માત્ર ને માત્ર અનહદ પ્રેમ સિવાય કશું જ નહતું. પણ સંજોગના શિકાર થઈને સૌના દિલ દુભાવ્યા તેનું પ્રાયશ્ચિત કેમ કરીને કરવું ? સૌની લાડલી, દિલનો ટુકડો અચાનક સૌને આટલો મોટા આઘાતનો આંચકો આપીને ૨૪ કલાકમાં આટલી દુર જતી રહેશે એ દરેકને માટે એક વજ્રઘાત સમા કોરડાના પ્રહારની સાથે એક વણ ઉકેલ્યો કોયડો પણ હતો. ક્ષણ પ્રતિક્ષણ વંટોળની માફક આવતાં વિચારોના ટોળાને ખાળવાની કલાકો સુધી મથામણ કરતી રહી.

આ કઠોર અને અન્યની દ્રષ્ટિ એ નિર્દય લાગતાં નિર્ણય લેવાની ગાંઠ મારતાં પહેલા સ્વાતિએ જડતાભરી માનસિકતા થકી તેના તન, મન અને મસ્તિષ્કને છેક લાગણીશુન્યની ચરમસીમા સુધી લઇ તો ગઈ પણ હવે આ જડતાને તેના પંડમાંથી મુક્ત કરવા માટે સ્વાતિ પાસે હવે એક જ અંતિમ ઉપાય હતો જે અમલમાં મુકવા તેણે તેના લેપટોપ બેગ માંથી લેપટોપ કાઢી ને તેના ખોળામાં મુક્યું અને એ પછી.

એક હિડન ફોલ્ડરને સર્ચ કરી ને ઓપન કરતાં.. શેખરનો જવાબ સ્વાતિના કાને પડઘાતો રહ્યો..

“જે હજુ ડીલીટ નથી થયું એ’ , ડીલીટ નથી થયું.., ડીલીટ નથી થયું .., નથી થયું .

એબનોર્મલ આલોક સાથેની મુલાકાતની પ્રથમ રાત્રિના સંવાદની શરૂઆત શેખર એ પોતાના પરિચયથી શરુ કરીને છેક પોતાના હસતા રમતા આલોકને ફરી એક નવજીવન બક્ષવા માટેની જયારે ગુજારીશ કરી એ જ ક્ષણે સ્વાતિએ મનોમન લીધેલા આકરા પ્રણની પ્રણાલીને નિભાવવા સ્વયં એ કરેલા પરકાયા પ્રવેશ કરીને ભાન ભૂલેલા આલોકને ભાનમાં લાવતા લાવતા સ્વાતિ ખુદ એ ભાન ભૂલી ગઈ કે કઈ ક્ષણે આલોક તેનું સર્વસ્વ બની ગયો. સુખ અને દુઃખની પરાકાષ્ઠાના અંતિમબિંદુ ને અડકી ને આડી પડેલી એક અત્યંત પાતળી મનના મતભેદની રેખાના મધ્યબિંદુ એ પોતાની જાત ને પળે પળે સંતુલિત રાખીને અહી સુધી આવેલી સ્વાતિ હવે તેના તૂટેલા મનોબળની સાથે પારાવાર પીડાના ધોધમાર ધોધમાં ક્યાંય સુધી ફસડાઈને ઢસડાતી રહી.

‘અતિત’ નામ આપેલા ફોલ્ડરને ઓપન કરતાં જ

પહેલું જ પીક....

કે જેમાં આલોક કોઈ નાના બાળકની માફક સ્વાતિના ખોળામાં માથું મુકીને સૂતો છે તે જોઇને સ્વાતિના ચહેરા પર કૈંક અલગ જ ખુશી ઉપસી હતી..

તે પીક સ્વાતિ એ ડીલીટ કર્યું..

બીજું પીક...

આલોક ઉતાવળે વીંટેલા ટુવાલ સાથે ડ્રોઈંગરૂમમાં આવે છે અને અચાનક સ્વાતિ ને જોઈને સંતાવવા જતા તેનો ટુવાલ લગભગ નીકળી જવાની તૈયારી માં હતો અને ત્યારે ખડખડાટ મુક્ત મને હસતી સ્વાતિ....

એ પીક પણ રડતાં રડતાં ડીલીટ કર્યું.

ત્રીજું પીક....

સોફા પર બેસીને પુસ્તક વાંચતા આલોકના ખંભા પર માથું ઢાળીને અત્યંત ખુશ અને વિચારમગ્ન બેઠેલી સ્વાતિ..

એ પણ ડીલીટ..

આલોકના વાળ વિખેરતી, ટાઈ બાંધતી, ચોકલેટ ખવડાવતી, આલોકના ખોળામાં બેસેલી, ગાલ ખેંચતી. આલોક ભર નિંદ્રામાં સૂતો હોય ત્યારે રંગબેરંગી કલર્સથી તેના ચહેરાને જોકરના ચહેરાની માફક ચીતરતી, આલોકની આંખે પાટો બાંધીને આંધળો પાટો રમતા. પગમાં મોચ આવેલા સ્વાતિને મલમ લગાડી આપતો આલોક, વાતો કરતાં કરતાં સુઈ ગયેલા આલોકના ગાલ પર કીસ કરતી સ્વાતિ. આ એક એક દ્રશ્ય ને કેમેરામાં કૈદ કરતાં કરતાં સ્વાતિ ખુદ અદિતીના કિરદારમાં કૈદ થઇ ગઈ. બે એકસરખા ચહેરાના એક સરખા ચિત્ર અને ચરિત્રનો ભેદ પારખવામાં ઈશ્વરની આઉટ ઓફ લીમીટ મિસ્ટેકને સ્વાતિ સતત તેના ટેરવાં સ્પર્શ વિહોણા ન થઇ જાય ત્યાં સુધી બસ....

ડીલીટ.. ડીલીટ... ડીલીટ.. ડીલીટ.. કરતાં કરતાં તેની અંદર અવિરત ફાટતા જ્વાળામુખી ને શાંત કરવા હેડ ફોન લગાવીને..તેનું ધ મોસ્ટ ફેવરીટ સોંગ પ્લે કર્યું..

“અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈ,
રુખ હવાઓ કા જિધર કા હૈ ઉધર કે હમ હૈ”

સમાપ્ત.

© વિજય રાવલ
© ક્લિનચીટ

vijayraval1011@yahoo,com
૯૮૨૫૩ ૬૪૪૮૪
૭૭૭૮૦ ૦૯૧૮૪

All copyright reserved by Vijay Raval of Novel nemed ‘ક્લિનચીટ.’

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.