Angat Diary - Gersamaj in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - ગેરસમજ

Featured Books
Categories
Share

અંગત ડાયરી - ગેરસમજ

અંગત ડાયરી
============
શીર્ષક : ગેરસમજ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૨૮, જૂન ૨૦૨૦, રવિવાર

ડિસેબીલીટી એટલે વિકલાંગતા. આંધળા, બહેરા કે મૂંગા વ્યક્તિ ડિસેબલ કહેવાય. એમને દ્રશ્ય દેખાતું ના હોય, શબ્દો સંભળાતા ન હોય અને એક અક્ષર પણ બોલાતો ન હોય. જો ઝીણી નજર કરતી તપાસ કરશો તો આપણા સમાજમાં એવા ઘણાં નેગેટીવ માણસો છે જેને પોઝીટીવ વિઝન નથી. ઈમાનદારી, સત્ય અને પ્રામાણિકતાની વાતો સાંભળવી તેઓને બિલકુલ ગમતી નથી. એમની જીભેથી ક્યારેય સજ્જનો માટે પ્રોત્સાહક શબ્દ કે ઉત્સાહ વર્ધક કોમેન્ટ નીકળતી નથી. આવા માનસિક ડિસેબલ લોકો જે સમાજ, સંસ્થા કે ગ્રુપમાં વધુ પ્રમાણમાં હોય તેને ‘નર્ક ઝોન’ ના બધાં જ નિયમો આપોઆપ લાગુ પડે છે.

ગેર સમજ એટલે મિસ અન્ડરસ્ટેન્ડિંગ. મોકલનારે સંદેશો જે અર્થમાં મોકલ્યો હોય એ જ અર્થ મેળવનાર સમજે તો એને અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય અને જો મેળવનાર જુદો અર્થ સમજે તો એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કે ગેરસમજ કહેવાય.
અમારા વર્ગશિક્ષક દરેક મુદ્દો સમજાવી લે પછી છેલ્લે પૂછતા, ‘સમજાઈ ગયું? જો ન સમજાયું હોય તો ફરી સમજાવું. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો?’. મોટે ભાગે વર્ગના એક-બે હોંશિયાર વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરી એકાદ-બે પ્રશ્ન પૂછતા. અમુક તો બિચારા એવા હતા કે એમને એ પણ ખબર નહોતી કે શિક્ષકે જે સમજાવ્યું એ ખરેખર એમને સમજાયું છે કે નહીં?
તમે શું માનો છો? તમને જીવન સમજાઈ ગયું છે? કોશિશ કરો આ પ્રશ્ન નો સ્પષ્ટ ઉતર આપવાની.

‘જિંદગી કા સફર હૈ એ કૈસા સફર કોઈ સમજા નહીં કોઈ જાના નહિ...’

મિત્રો, હું તમને સૌને મારા અંગત જ માનું છું અને એટલે જ મારા દરેક આર્ટીકલમાં હું ગાઈ-વગાડીને એક વાત સમાજ સમક્ષ મૂક્યા કરું છું, તમારી સમક્ષ મૂક્યા કરું છું કે : આપણી ભીતરી સંવેદનાઓને સમજવામાં આપણે જબ્બરદસ્ત ગેરસમજ કરીએ છીએ.

ના.. ઉતાવળ ન કરતા.. હું સમજાવું.
દસ રૂપિયાનું કામ કરીને સો રૂપિયા કમાઈ લેતી વખતે ભલે તમને ‘સફળ’ થયાનો અહેસાસ થતો હોય પણ જયારે તમે કોઈ ગરીબ કે જરૂરિયાત વાળાનું સો રૂપિયાનું કામ દસ રૂપિયામાં કરી આપો છો ત્યારે જે ‘પ્રસન્નતા’ અનુભવો છો એ ‘લાખ’ રૂપિયાની હોય છે એ વાતનો તમે ઇન્કાર નહીં કરી શકો. ઘણા રીક્ષાવાળાઓ તેની રીક્ષામાં લાખ-દોઢ લાખનો થેલો ભૂલી જનારને એનો થેલો પરત પહોંચાડ્યાના સમાચાર છાપામાં છપાય છે ત્યારે ગજબના ‘આનંદ-પ્રસન્નતા-ગર્વ’નો અહેસાસ આપણને થાય છે એનું કારણ શું? તમારું ભીતર તમને આવા અહેસાસ દ્વારા શું સંદેશ મોકલી રહ્યું છે?

હું એવા શિક્ષકોને ઓળખું છું જેનો દીકરો એની જ સંસ્થામાં ભણતો હોય અને પિસ્તાલીસ ટકા માંડ મેળવતો હોય. આવા સજ્જનોને મહાભારતના ‘ધૃતરાષ્ટ્ર’ જેવા ચરિત્રો પ્રત્યે ‘અણગમો’ વ્યક્ત કરવાનો અધિકાર છે. બાકીના લોકો એવી બૌધિક કસરત ન કરે તો સારું. ટ્રાફિક પોલીસ સો રૂપિયામાં પતાવટ કરવા તૈયાર હોય છતાં હજાર રૂપિયાની પૂરેપુરી પહોંચ ફડાવનાર ‘સજ્જન’ને એના મિત્રો સાથે કે ગ્રુપમાં ‘ભ્રષ્ટાચાર વિરોધી’ ચર્ચા કરવાનો અધિકાર છે. જુના જમાનામાં ‘ખોટું’ બોલવા માટે હિમ્મતની જરૂર પડતી, આજકાલ ‘સાચું’ બોલવા માટે હિમ્મતની જરૂર પડે છે. સદગુરુની કૃપા થાય તો સત્યના માર્ગે ચાલી શકાય.

ગુરુ એટલે મૂંગાને બોલતો કરે, પાંગળાને પર્વતારોહણ કરાવી દે અને પરમ આનંદની અનુભૂતિ કરાવે એવા શિક્ષક, વડીલ, સંત કે મિત્ર. આ કોઈ જાદુ કે ચમત્કારની વાત નથી. જોજો ફરી ગેરસમજ ન કરતા. અમુક વાક્યો બોલવામાં આપણી જીભ તાળવે ચોંટી જાય છે ને? નેગેટીવીટીમાં પીએચ.ડી. કરનાર વ્યક્તિ માટે પોઝીટીવ બોલવું કે વિચારવું એ શું પર્વતારોહણથી ઓછી અઘરી વાત છે? જીવનમાં જયારે કોઈ પોઝીટીવ શિક્ષક, સંત, મિત્ર કે પુસ્તક પ્રવેશથી પરિવર્તન આવે - ગાળ સુવિચારથી, ખોટી વિવેચના વખાણથી, કુતર્ક પ્રોત્સાહક કમેન્ટથી રિપ્લેસ થઇ જાય તો સમજી લેવું કે સદગુરુનો સાક્ષાત્કાર થઇ ગયો.

આપણો અંતરઆત્મા-ભીતરી અવાજ આવો જ એક સદગુરુ છે. આવતા રવિવારે એટલે કે તારીખ પાંચમી જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા છે. કશી જ ગેરસમજ વિના આ આખું અઠવાડિયું ભીતરી અંતરાત્મા રૂપી સદગુરુનો અવાજ સાંભળવાની, સમજવાની અને આપણા વાણી-વર્તન-વિચારમાં એને ઉતારવાની કોશિશ કરીએ તો કેવું?

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)