Samaantar in Gujarati Short Stories by J S books and stories PDF | સમાંતર

The Author
Featured Books
Categories
Share

સમાંતર

એક તીણી ચીસ અને હળવા આંચકા સાથે ટ્રેને મુસાફરીની શરૂઆત કરી. ગાડી ની અંદર રહેલા મુસાફરો જલ્દી થી પોતપોતાની સીટ પર કબ્જો લેવા ની તૈયારી કરવા માં વ્યસ્ત થઇ ગયા હતા. નાના છોકરાઓ પોતાની બારી ની સીટ ને પોલીસ ને ચારો તરફ સે ઘેર લિયા હૈ ની જેમ ઘેરી વળ્યાં હતા. સ્ટેશન પર ની ચહલપહલ માં અચાનક એક ઘરમાંટો ફરી વળ્યો હતો. ગાડી ની ગતિ હજી ખુબજ ધીમી હતી એટલે સ્ટેશન પર પાણી ની બોટલ, વેફર ના પેકેટ્સ, ફળો, ભજીયા અને ચા વેંચતા ફેરિયાઓ લગભગ ગાડી ની લગોલગ દોડીને ને લાસ્ટ મિનિટ બિઝનેસ ની જેમ છેલ્લી લેન-દેન કરીલેવા માટે ઉતાવળા બન્યા હતા.

ગાડી એ અચાનક સ્પીડ પકડી અને સ્ટેશન ધીરે ધીરે પાછળ છૂટતું ગયું અને છેવટે આંખોથી ઓઝલ થઇ ગયું. સરલાબહેને આંખો પરથી ચશ્મા ઉતારી સાડીના પાલવથી લુછવા લાગ્યા. ચશ્મા લૂછી ને ફરીપાછા વ્યવસ્થિત રીતે પેહરી ને સરલાબહેની નજરનું રડાર ડબ્બામાં ચારેતરફ ફરી વળ્યું. સરલાબહેન એક પરિપક્વ ઉંમરના ઠસ્સાદાર વ્યક્તિત્વવાળા લાઇબ્રેરીયન હતા. છેલ્લા સોળ સોળ વર્ષો થી પુસ્તકો ની વચ્ચે રહી પુસ્તકો વાંચતા વાંચતા હવે એ ચેહરા વાંચવામાં પણ પાવરધા બન્યા હતા. સરલાબહેન સાઈડની ડબલ વિન્ડો સીટ પરની એક સીટ પર બિરાજમાન હતા, સમય પસાર કરવા એ એક 'નકાબ' નામનું પુસ્તક વાંચી રહ્યા હાથ જે એમને બંધ કર્યું અને ત્યાંથીજ તેમણે ડબ્બાની અંદરનું વિહંગાવલોકન હિન્દી મેં બોલે તો Observation શરૂ કરી દીધું.

સૌથી પેહલા એમને ડબ્બાની સામે બારી પાસે બેઠેલા બંને નાના છોકરાઓ ને ધ્યાનપૂર્વક જોયા. બંને છોકરાઓ ક્રમે કદાચ 8 એન્ડ 10 વર્ષના હશે, સરલાબહેને તારણ કાઢ્યું છોકરાઓ ના કપડાં અને રીતભાત પરથી એમને લાગ્ય છોકરાઓ ભાઈઓ હોવા જોઈએ અને એમની બાજુ માં બેઠેલા છાપું વાંચવાની કોશિશ કરી રહેલ ભાઈ કદાચ બંને છોકરાઓ ના પિતા હોવા જોઈએ.

એમની બાજુ માં જે સ્થૂળકાય પીઢ માજી બેઠા છે, જે વારંવાર પોતાના ગોઠણ પર હથેળીથી મસાજ કરી રહ્યા છે તે માજી કદાચ શહેર માં ગોઠણ ની સારવાર કરાવવા જઈ રહ્યા હશે. બીજી દિશા ની બારી પાસે જે યુવાન પોતાની બેગ ખોળામાં રાખી બેગ પર જ માથું મૂકી ને ઘોરી રહ્યો છે તે કદાચ શહેર માં જ નોકરી કરતો હશે. એની બાજુ માં બેઠેલા એક વડીલ જે નાનાકડી ડાયરી માં કશુંક ટપકાવી રહ્યા છે તે કદાચ શહેરમાં ખરીદી માટે જઈ રહ્યા હશે જે કદાચ એમના બજેટ નો હિસાબ કરી રહ્યા હશે. આમ કરતા ડબ્બા નો એક સેકશન લગભગ પૂરો થવા આવ્યો હતો પણ સરલાબહેનને હાજી સુધી કશુંજ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું નહોતું.

ત્યાંજ સરલાબહેની બાજ નજર બીજી બારી ની લાઈનમાં છલ્લે બેઠેલા એક યુગલ પર પડી અને સરલાબહેન મનમાં ને મનમાં હરખાયા કે હવે બાકી નો રસ્તો આ જોડી ની બોડી લેન્ગવેજ નું નિરીક્ષણ કરવામાં પસાર થઇ જશે. સરલાબહેન ને એ યુગલ ને જોઈને ધ્યાનમાં આવતા વાર ના લાગી કે આ જોડી તાજી જ પરણેલી અથવા તો લગ્ન ને એકાદ વર્ષ જ વીત્યું હોય એવી લાગે છે. કારણ ? કારણ કે એ જોડી એક મેક ને લગોલગ, એકબીજા ના હાથમાં હાથ નાખીને એક બીજાની આંખમાં આંખ પરોવી ને દુનિયા નું કોઈજ ભાન ના હોય તેમ વર્તન કરી રહી હતી. સરલાબહેને એક ઔર તારણ કાઢ્યું કે કદાચ આ જોડી એક સંયુક્ત પરિવાર માં રહેતા હશે અને એમને ઘરમાં મેલ-મિલાપ ની તકો પર્યાપ્ત નહિ મળતી હોય અને કદાચ બંને જણ શહેર માં નોકરી કરતા હોય અને ગાડી માં આવતા જતા બાકીની કસર પુરી કરી રહ્યા હશે.

સરલબેહેન પણ દુનિયાદારી ની પરવા કર્યા વગર પોતાનું સમગ્ર ધ્યાન એ યુગલ પર કેન્દ્રિત કરવામાં પરોવાઈ ગયા. અચાનક પેલા બંને છોકરાઓ વચ્ચે ટપલા-ટપલી શરુ થઇ ગઈ અને નાનો ટાબરીયો રડતા રડતા બાજુમાં બેસેલા છાપું વાંચવા માં મશગુલ ભાઈ ને ફરિયાદ કરતો સુર સરલબેહેન ના કાને પડ્યો. નાનો ટેણીયો કહી રહ્યો હતો, પપ્પા જુઓને ભાઈ મને ટપલીઓ મારે છે... અને સરલાબહેન ને પોતાના અવલોકન પર ગર્વ થઇ પડ્યો કે એમના અવલોકન મુજબ બંને ટેણિયાંઓ ભાઈઓ છે અને બાજુમેં એમના પિતા બેઠા છે.

ટેણિયાંઓની જોડી પરથી સરલાબેહેને પોતાનું ધ્યાન અને પોતાના કાંન ઉધ્ર્વગતિ કરી પરિણીત જોડી પર લાવી ને ફરીથી એમની કાનાફૂસી પર કેન્દ્રિત કર્યા. અને પોતાની અનુભવી આંખો ને એ હીરો-હેરોઇન ની શારીરિક આચરણ પર છૂટી રમતી મૂકી દઈ ને પ્રત્યક્ષ રીતે અવલોકન અને પરોક્ષ રીતે અનુશ્રવણ કરવા લાગ્યા.

મોબાઈલ ફોને ની ઘંટડી ના કર્કશ અવાજ થી સરલાબહેનનું ધ્યાન રાસલીલા પરથી મોબાઈલની દિશામાં મંડાયું. એ વડીલ જે પોતાની ડાયરી માં કશુંક ટપકાવી રહ્યા હતા એમનો મોબાઈલ ફુલ વોલ્યૂમ માં કર્કશ અવાજ થી પોતાની હાજરી નોંધાઈ રહ્યો હતો. વડીલે ફોને ઉપાડ્યો કાને માંડ્યો. કશુંક સાંભળીને ફરીથી ડાયરી માં લખી ને જવાબ આપ્યો કે હા જે બે ત્રણ વસ્તુઓ તમે કીધી એ મે ડાયરી માં લખી લીધી છે અને શહેરથી બીજી વસ્તુઓ સાથે આ વસ્તુઓ પણ લેતો આવીશ. અને ફરી પાછા હિસાબ કિતાબ માં મશગુલ થઇ ગયા. આ સાંભળી ને તો સરલાબહેન ને લાગ્યું કે વાહ, એમણે આ વડીલ વિષે જે ધારણા કરી હતી એમજ છે કે એ કાકા શહેરમાં કોઈ મોટી ખરીદી કરવા જય રહ્યા છે... આ વિચાર માત્રથી સરલબેહેન ને પોતાની અવલોકન શક્તિ ના ગુલદસ્તા માં એક ઔર ગુલાબ ઉમેરાતું લાગ્યું. સરલબેહેને પોતાના મન ને ગર્વ તરફથી ગુરુર તરફ જાત અટકાવીને પાછું એ યુગલ પર લાવી દીધું.

એ જુગલજોડી હજી પણ પોતાની અંગત દુનિયા માં રત હતી. સરલબેહેને સરવા કાને જેટલું સાંભળવા પામ્યા કે એ પરથી એટલું જરૂર સમજી સંખ્યા કે આ જોડી એકજ શહેર માં એકજ કમ્પની માં કામ કરી રહી હતી. લેડી કરમચંદ એ પણ જોઈ સકતા હતા કે આ જોડી એક બીજાના હાથમાં લાલ પેન થી દિલ ના ચિત્ર માં એકબીજાના નામનો પેહલો અક્ષર અંગેર્જી વર્ણમાળામાં ચીતરી રહ્યા હતા... આ ચિત્ર જોઈને સરલાબહેનને થોડું વિચિત્ર જરૂર લાગ્યું કે પ્રેમીઓ માટે જમાનો હાજી બદલાયો નથી. ચાલો સારું થયું કે આ પ્રેમી જોડા ને ભલે ઘરમાં તક ના મળતી હોય પણ આ ટ્રેનની મુસાફરી એમને પર્યાપ્ત માત્ર માં તકો સાંપડતી હતી...

એટલામાં થોડી દૂરની સીટ પર બેગ પર માથું મૂકી ઘોરતો આદમ જાગ્યો હતો અને સામેની સીટ પર બેઠેલા માજી જે પોતાના ગોઠણ પર હથેળી થી મસાજ કરી રહ્યા હતા એમને પૂછતો હતો, માજી તમને કશીક તકલીફ છે... માજી એ જવાબ આપ્યો હા દીકરા મારા ગોઠણ માં થોડા મહિનાઓ થી તકલીફ છે અને શહેર માં ડો. ગોઠણિયા પાસે સારવાર કરાવવા જય રહ્યા છે...જવાબમાં એ આદમને કહ્યું આ ડો. નું દવાખાનું તો એની ઓફિસ ની નજીક છે તો એ માજી ને પોતાની સાથે દવાખાના સુધી જરૂર લઇ જશે. આ સાંભળી ને સરલાબહેનનું મસ્તક અને મસ્તક ની અંદર રહેલી અવલોકન શક્તિ ફરીથી ગર્વ થી ગુરુર તરફ પ્રયાણ કરવા લાગ્યા કે એમને આ મુસાફરો વિષે જે જે ધાર્યું હતું એ બધું જ સાચું નીકળી રહ્યું હતું. અને સરલાબહેન ને મનમાં પોતાની અવલોકન શક્તિના અમૃત સાગર માં એક બે અમૃત ની બૂંદો વધારે ઉમેરાતી લાગી.

બસ હવે આ યુગલ વિષેની પોતાની નિરીક્ષણ શક્તિ નો પરચો પૂરો પડે એટલે લેડી શેરલોક હોમ્સ ના મસ્તક પર એક ઔર મોરપીંછ ઉગી નીકળે. એ મહાન ઉદેશ્ય થી આ સરલાબેહેને ફરીથી એ જોડી પર પોતાના ધ્યાન નું બિંદુ ફોકસ કર્યું. એ જોડીનું નામ પણ જાણવા મળી ગયું. હીરોનું નામ આનંદ અને હેરોઇન નું નામ તરુણી હતું, એટલેજ એ પ્રેમીએ પોતાના હાથમાં લાલ રંગ ના દિલના ચિત્ર માં અંગ્રેજી માં T અને પ્રેમિકા એ પોતાના હાથમાં A લખ્યા હતા. આ જોઈને સરલાબેહેનને પોતાને લાગવા માંડ્યું કે પોતે થોડો વહેલો જન્મ લઇ લીધો હતો... આ નવા જમાનામાં પાર્ક, મલ્ટિપ્લેક્સ અને ચાલતી ગાડી મા પ્રેમાલાપ કરવાનો એમના જમાનામાં ક્યાં અવસર મળતો હતો...ચાલો સારું છે આ પતિ-પત્ની ગાડીમાં તો એકબીજાને હૂંફ પુરી પાડી શકે છે બાકી કદાચ તો ઘરે જઈને સંસાર અને મર્યાદામાં કદાચ વર્ષો સુધી એકબીજાને જાણવા અને સમજવાનો સમય સાપંડતો નથી. જમાનો ખરેખર બદલાઈ ગયો છે.

અચાનક ગાડીની ઝડપ ઓછી થતી લાગી અને એક નાના શહેરથી મુસાફરીએ નીકળેલી ટ્રેન બીજા શહેર પહોંચી રહી હતી. ગાડી ની ગતિ ઔર ધીમી થતી થતી છેવટે નક્કી કરેલા સ્થળે ઉભી રહી. પોતપોતાના મુકામે પહોંચેલા પેસેન્જરો ટ્રેન નો ડબ્બો છોડી ને પ્લેટફોર્મ પર ઉતરી રહ્યા હતા અને બીજા નવા મુસાફરો પોતાનો વારો આવે એટલે ગાડીની અંદર ચડવા માટે રાહ જોઈ રહ્યા હતા. આનંદ અને તરૂણી પણ ડબ્બા માંથી ઉતારવા માટે ઉભા થયા. આનંદ ડબ્બા ના એક દરવાજા તરફ ગયો અને તરુણી બીજી તરફના દરવાજા તરફ વળી. સરલાબહેને આશ્ચર્યથી બારીની બહાર જોવા લાગ્યા કે આનું કારણ શું? એટલામાં એમને જોયું કે આનંદ એક બીજી જ સ્ત્રી ને ભેટી રહ્યો હતો ને કહી રહ્યો હતો કે ડાર્લિંગ વાઈફ તન્વી હું તને મિસ કરી રહ્યો હતો અને જો મેં મારી હથેળીમાં તારા નામ નો પેહલો અક્ષર T ચીતર્યો છે...અને બીજી બાજુ તરુણી પણ પોતાને લેવા આવેલા પુરુષ ને કહી રહી હતી કે મારા વહાલા પતિ આકાશ, મને મુસાફરી દરમ્યાન પણ તારી ખોટ એટલી બધી સાલતી હતી કે જો મેં મારી હથેળી માં તારા નામનો પેહલો અક્ષર A દોર્યો છે... અને બંને જોડીઓ એકજ દિશામાં સમાંતરે પોતપોતાના સંસાર માં રત થવા સ્ટેશન ની બહાર નીકળવા લાગ્યા.

આ જોઈને સરલાબહેનને મનોમન બોલી ઉઠ્યાં મારો આટલા વર્ષો નો અવલોકન શક્તિ અને અનુભવ આ જોડીએ સમૂળગો ઝાંખો પાડી દીધો. ઝમાનો ખરેખર બદલાઈ ગયો બળ્યું મારે શું? એમ વિચારી હાથમાં રહેલી બંધ પુસ્તક 'નકાબ' ફરીથી ખોલી ને વાંચવા લાગ્યા... પણ ચશમા પર ચડેલી ઝાખપ સાફ કરવાનું પણ ધયાન ના રહ્યું. અને ગાડી ફરીથી પાટા પર પુરપાટ દોડવા માટે ની નવી દોડ ચાલુ કરી. અને બંને જોડીઓની પણ પોતાના સામાજિક અને અંગત સંસાર ની ગાડી પણ સમાંતર મુસાફરી ચાલુ કરી હતી.