WHO IS MENTALLY RETARDED - 4 in Gujarati Fiction Stories by Tapan Oza books and stories PDF | મંદબુધ્ધિ કોણ...? ભાગ-૪

Featured Books
Categories
Share

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૪

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૪

ભાગ-૩ માં આપણે વાંચ્યું કે સેજલની આવી પરિસ્થિતિ અંગે જાણવા માટે રમેશભાઇએ સેજલના જન્મ સમયની વાત મને કહેવાની શરૂ કરેલી અને તે મુજબ સેજલનાં જન્મ પછી ઘરનાં બધા સભ્યો ખુબ ખુશ હતાં. તેના જન્મના એકાદ વર્ષમાં મારા સૌથી નાના ભાઇએ પ્રેમ લગ્ન કર્યાં. શરૂઆતમાં તો ઘરનાં સભ્યોએ આ લગ્નને અનુમતિ ન આપી પણ પછી બધાએ આ લગ્ન સ્વિકારી લીધા. તેની પત્નિ લાલચુ અને શંકાશિલ સ્વભાવની હતી. અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે અવનવા પેંતરા કરતી રહેતી હતી. અને તે હંમેશા મિલકતની બાબાતમાં મારા ભાઇને ચઢાવતી રહેતી. એટલે ધીરેધીરે ઝઘડાઓ ઘરમાં વધતાં રહ્યા. હવે આગળ...

ઘરનું વાતાવરણ ખરાબ થતું જોઇ રાખી પહેલેથી જ સેજલને ઝઘડાવાળા વાતાવરણથી દૂર રાખવા અગાસીમાં લઇ ગઇ હતી. અને ત્યારબાદ ગુસ્સામાં નાનો ભાઇ પણ અગાસીમાં ગયો. સેજલ તો પક્ષીઓને જોઇને ખુશ હતી. હસતી રમતી હતી. એટલે તેને રમતી અને હસતી જોઇ નાના ભાઇનો ગુસ્સો સહેજ શાંત થયો.

નાની વહુએ પોતાના પતિનું અને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે એક પેંતરો અજમાવ્યો. બધાનાં મહેણાટોણાથી માયુસ થઇને પોતે કુવામાં પડીને આત્મહત્યા કરવા જઇ રહી છે તેવું માહોલ ઘરમાં ઉભું કર્યું. શરૂઆતમાં તો કુવામાં પડીને મરી જશે તેવું બોલ્યા કરતી પણ કોઇ ખાસ ધ્યાન ન આપતું. એટલે તે નાટક કરવાં કુવા પાસે ગઇ અને જોરથી બોલી “હું બધાને નડુ છું ઘરમાં કકળાટનું કારણ લાગુ છું એટલે હું જ મરી જાઉં છું એટલે તમને બધાને શાંતિ મળશે.” તેનું આ વાક્ય પૂરૂ થયું અને કુવામાં જોરથી કોઇક એ પડતું મુક્યું હોય તેવો અવાજ આવ્યો અને સાથે એક સ્ત્રીની ચીખ. એટલે બધાને થયું કે નાની વહુ એ ખરેખર કુવામાં પડતું મૂકી આત્મહત્યા કરી. તે સમયે રાખી સેજલને તેડીને નીચે આવવા દાદરા ઉતરી રહી હતી અને ત્યારે જ ઘરમાં કોઇક બોલ્યું, “નાની વહુએ કુવામાં પડતું મૂક્યું એને બચાવો કોઇક જલદી.” એવું સાંભળી નાનો ભાઇ હાંફળો ફાંફળો થઇ ઝડપથી નીચે ઉતરવા આવ્યો. અને ખળભળાટમાં તેણે રાખીને ધક્કો માર્યો. અને ત્યારે જ રાખીના હાથમાંથી સેજલ છૂટી ગઇ અને સેજલ ચૌદ દાદરા પરથી ઘસડાઇને નીચે પડી. સેજલ લોહીલુહાણ થઇ ગઇ. બધા ગભરાઇ ગયા અને તેને ગામના દવાખાને લઇ ગયા.

સેજલ કોઇ રિસ્પોન્સ આપતી ન હતી. દવાખાને ડોક્ટરે સેજલને તપાસી. તેનું લોહી સાફ કર્યું અને ડોક્ટરને ખબર પડી કે માથાના ભાગમાં વાગ્યું છે. ડોક્ટરે સેજલને પાટા-પીંડી કરી આપી અને દવાઓ લખી આપી અને અમો બધા સેજલને ઘરે લઇ આવ્યા. ઘરે આવીને જોયું તો નાનો ભાઇ અને વહુ ઝઘડો કરતાં હતાં. નાનો ભાઇ સેજલના માથા પર પટાપીંડીઓ જોઇને રડી પડ્યો. એણે સેજલને તેડી લીધી અને સેજલની માફી માંગવા લાગ્યો. પણ સેજલ તો બેહોશ હતી અને ડોક્ટરના કહ્યા મુજબ તેને આરામની જરૂર હોઇ રાખી તેને રૂમમાં લઇ ગઇ અને ઘોડિયામાં સુવડાવી દીધી.

વાત-વાતમાં અમને જાણવા મળ્યું કે નાની વહુએ કુવામાં પડતું મુકવાનું નાટક કર્યું હતું. કુવામાં પાણી ભરેલી મોટી ડોલ ઉંચેથી નાંખી જોરથી ચીસ પાડીને સંતાઇ ગઇ હતી. એટલે તેની પાછળ દોડવામાં અને તેને બચાવવાની લ્હાયમાં સેજલની સાથે આ હાદસો થયો હતો. મને ત્યારે નાની વહુ ઉપર ખુબ જ ગુસ્સો આવ્યો હતો. પણ મને ત્યારે તો સેજલની ચિંતા થતી હતી. એટલે હું કંઇ પણ બોલ્યા વગર અમારા રૂમમાં જતો રહ્યો અને સેજલને જોઇ રહ્યો. મનમાં એક જ ડર હતો કે સેજલને કોઇ કાયમી ખામી રહી ન જાય તો સારૂ. જે રીતે સેજલ દાદરા પરથી નીચે પડેલી અને જે પ્રમાણમાં તેને વાગ્યું હતું તે મુજબ મારો આ ડર સ્વાભાવિક હતો.

ધીમે ધીમે દિવસો પસાર થતાં ગયાં. હું અને રાખી ઘરમાં કોઇની સાથે કંઇ જ બોલતા નહી. અને નાના ભાઇ અને નાની વહુને સેજલથી દૂર જ રાખવાના પ્રયત્નો કરતાં. હું મારા નાના ભાઇથી નારાજ હતો પણ જે બન્યુ તેમાં માત્ર તેનો જ વાંક ન હતો. એટલે કોઇને કંઇપણ કહ્યા સંભળાવ્યા વગર મારા કામથી મતલબ રાખતો. એક જ ઘરમાં રહેવા છતાં હું, રાખી અને સેજલ પરિવારથી ઘણાં દૂર થઇ ગયાં હતાં. વીસેક દિવસમાં ડોક્ટરે સેજલનો પાટો કાઢી નાંખ્યો. સેજલ પહેલા જેટલી સુંદર અને ક્યુટ દેખાતી તેવી જ ફરી દેખાવા લાગી પણ.....!! (વધુ આવતા અંકે)