Gamdani Prem Kahaani - 7 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | ગામડાની પ્રેમ કહાની - 7

Featured Books
Categories
Share

ગામડાની પ્રેમ કહાની - 7

ગામડાની પ્રેમકહાની

આરવે સુમનના લગ્ન તેની મરજી વિરુદ્ધ નહીં થાય. એ બીડુ પોતાની માથે લઈ લીધું. આરવે એ બાબતે એક રાત વિચારવાનો સમય માંગ્યો.

ભાગ-૭


આરવ બપોરે જમીને પોતાનાં રૂમમાં જતો રહ્યો. ધનજીભાઈ દ્વારા સોંપાયેલ કાર્ય મોટું હતું. વિચારવા માટે સમય થોડો‌ હતો. આરવે બધી માહિતી દેવરાજભાઈને મેસેજ દ્વારા આપી દીધી.

દેવરાજભાઈ પણ મેસેજ વાંચીને પરેશાન થઈ ગયાં. તેમણે બધી વાત મનિષાબેનને કરી. મનિષાબેન પણ સુમન પ્રત્યે સહાનુભૂતિ દાખવવા લાગ્યાં. બંને પતિ-પત્નીએ પણ એ બાબતે વિચારવાનું ચાલું કરી દીધું.

"સુશિલા, આ ખોટું કરી રહી છે. આપણે તેને સમજાવવી જોઈએ."

"એ ક્યારેય કોઈની વાત માની નથી. તો તેને સમજાવવાનો‌ કોઈ ફાયદો નથી. હવે આરવ જે યોજના ઘડે, એમાં તેનો સાથ આપીને જ કાંઈ કરી શકાય."

"હાં, એ વાત પણ યોગ્ય છે."

દેવરાજભાઈની વાત સ્વીકારી મનિષાબેન પોતાનાં કામે વળગ્યાં. હવે ખરી પરિક્ષા તો આરવની હતી.

સુમન તો હોસ્પિટલના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. મનનના મનમાં લાડું ફૂટી રહ્યાં હતાં. સુમનની સગાઈ નાં થઈ. એ વાત મનન માટે મીઠાઈ જેવી મીઠી હતી. પણ કહેવાય છે ને, મીઠાઈ વહેલી તકે ઉપયોગમાં નાં લેવાય, તો એ પણ ખરાબ થઈ જાય છે. એમ મનનને જે મોકો મળ્યો, તેનો મનન હવે લાભ નાં ઉઠાવે, તો એ મોકો પણ હાથમાંથી સરકી જાશે.

"મનન, તું થોડીવાર માટે ફ્રી છે??"

"હું તો આખી જિંદગી તારાં માટે ફ્રી છું." મનન સુમનને જોતાં મનમાં જ બબડ્યો.

"આજે ડીનર પર જઈએ??"

સુમનના એક સવાલે મનનને તો આખાં જીવનની ખુશી અત્યારે જ આપી દીધી. ત્યાં જ સુમનનો મોબાઈલ રણક્યો.

"હેલ્લો મિ.આરવ!! આટલાં દિવસો સુધી ક્યાં ગાયબ હતાં??"

સુમનને આરવનો કોલ આવતાં જ તે ક્યારેય ખુશ નાં થઈ હોય, એટલી ખુશ દેખાતી હતી. મનન માટે આ થોડુંક અજીબ હતું. આરવ વિશે મનન કાંઈ જાણતો નહોતો. તો મનનને આરવના લીધે સુમન ખુશ થાય, એ વાત પચાવવી મુશ્કેલ હતી. છતાંય દિલ પર થતી અસર ચહેરા પર નાં આવવાં દેવી એ આરવનો વણલખ્યો નિયમ!! એનો ભંગ તો નાં જ કરી શકાય.

મનન આરવ વિશે વિચારતો રહ્યો, ને સુમન મનન...મનન...ની બૂમો લગાવતી રહી. પણ સાંભળે કોણ?? સુમને જ્યારે મનનના ખંભે હાથ મૂક્યો, ત્યારે મનનને ખબર પડી, કે સુમન આરવ સાથે વાત કરીને પોતાને કંઈક પૂછી રહી હતી.

"બોલ, ડીનર પર આવીશ કે નહીં??"

"હાં, જરૂર આવીશ."

"આજ તારી એક ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરાવવી છે."

ખાસ વ્યક્તિ!! આ શબ્દ મનનને થોડો ખૂંચ્યો. એમાંય એ ખાસ વ્યક્તિ મનન અને સુમનની સાથે ડીનર પર આવે છે. એ વાત તો વધુ પરેશાન કરે એવી હતી. મનનનો 'આજે તો કહી જ દઈશ.' એ પ્લાન હવે નિષ્ફળ જવાનો હતો.

સુમન તો બોલીને જતી રહી. પણ હવે મનન માટે જાણવું જરૂરી હતું, કે આરવ છે કોણ?? જરૂરી પણ કેમ નાં હોય!! સુમન જેને ખાસ કહે, એ કેવો છે, કોણ છે, તેની સુમનના જીવનમાં શું ભૂમિકા છે, એ જાણવું મનન માટે જરૂરી નહોતું. પણ મનનના દિલ માટે એ જાણવું જરૂરી હતું.

આરવ ડીનર પર જવા તૈયાર થતો હતો. સુશિલાબેન આરવ સાથે વાત કરવાની મુંઝવણમાં હતાં. વાત કરવી, કે નાં કરવી?? એવાં વિચારો એમને સતાવતા હતાં. દિકરાના જન્મની સાથે જ તેને એકલો છોડી દેવો. એ વાત કાંઈ નાની તો નહોતી. છતાંય આજે એ જ દિકરો નજર સમક્ષ હતો. પણ વાત કરવા શરીરનાં એક પણ અંગ સાથ આપી રહ્યાં નહોતાં. સાથ આપે તો પણ કેમ?? નાનાં એવાં બાળકને છોડી દે, એ માઁ તો નાં જ હોય. એવું સુશિલાબેનને લાગતું હતું. બસ એ જ વિચારથી સુશિલાબેન આરવની સામે જતાં સંકોચ અનુભવતાં હતાં.

સાંજના સાત થઈ ગયાં. સુમન આજે વહેલી ઘરે આવી ગઈ. આરવ તૈયાર થઈને ધનજીભાઈ સાથે હોલમાં જ બેઠો હતો. સુમનના આવતાં જ તે ઉભો થઈને સુમન પાસે ગયો.

"તું અહીં આવ્યો, એ જણાવ્યું કેમ નહીં??"

"સરપ્રાઈઝ નામની કોઈ વસ્તુ પણ હોય ને!! બસ એટલે જ નાં જણાવ્યું."

"ઓકે, હું ફટાફટ તૈયાર થઈને આવું. પછી આપણે નીકળીએ."

"અરે, ક્યાં જવું છે??"

"પપ્પા, અમે લોકો બહાર ડીનર પર જઈએ છીએ. મનન પણ અમારી સાથે આવે છે."

"ઠીક છે, પાછા જલ્દી આવજો."

ડીનર!! એ પણ બહાર!! આ વાત સાંભળતાં જ સુશિલાબેનને એક ઝટકો લાગ્યો. તેમણે આરવ માટે પ્રેમભાવથી ગાજરનો હલવો બનાવ્યો હતો. આરવની પસંદ નાપસંદ તો તેમને ખબર નહોતી. પણ ગાજરનો હલવો સુશિલાબેન અને દેવરાજભાઈ બંનેને પ્રિય હતો. તો આરવને પણ પસંદ હશે, એમ માની સુશિલાબેને આરવ સાથે વાત કરી શકવાનાં બહાને હલવો બનાવી લીધો.

"તમારો હલવો હું આવીને ખાઈશ. ચિંતા નાં કરો." સુશિલાબેનના વિચારો આરવ પારખી ગયો. પોતે‌ આટલાં પ્રેમાળ દિકરાને નાનપણમાં એકલો મૂકી દુઃખ આપ્યું. એ વાતનો સુશિલાબેનને ભરપૂર પસ્તાવો હતો. આરવે કહ્યું, એ વાત સામે એક પણ શબ્દ બોલવાની તેમની હિંમત નહોતી. માત્ર હળવું સ્મિત કરીને સુશિલાબેન રસોડામાં જતાં રહ્યાં. સુમનના આવતાં જ આરવે બહાર જઈને કાર ઘરનાં મેઈન દરવાજાની બહાર કાઢી.

"મનનને તેની ઘરેથી લેતાં જવાનું છે, તો કાર સીધી ત્યાં જ લઈ‌ લે."

આરવે હકારમા ડોકું હલાવી કાર ચલાવી. સુમનની ગાઈડ લાઈન મુજબ આરવે મનનના ઘરની સામે કાર ઉભી રાખી. મનન તૈયાર થઈને કાનજીભાઈ સાથે બહાર ઓસરીમાં જ બેઠો હતો. આરવ અને સુમન કારમાંથી ઉતરીને કાનજીભાઈને પગે લાગ્યાં. આ સુમન અને આરવની આદત હતી. મનનને પણ સુમન કાનજીભાઈના પગે પડી તેમનાં આશીર્વાદ લે, એ વાત બહું પસંદ હતી. પણ આજે આરવની સાથે આશીર્વાદ લીધાં!! આ વાત મનનને ખટકતી હતી.

આરવ અને સુમન વચ્ચે શું સંબંધ છે, એ વાતની જાણ કોઈને નહોતી. સુમન ખુદ આ વાતથી અજાણ હતી. ઘણીવાર એવાં ઘણાં સંબંધો હોય છે, જેનાં દુનિયાની સામે કોઈ નામ નથી હોતાં. પણ એ સંબંધ બે વ્યક્તિ માટે ખાસ હોય છે. સુમન અને આરવનુ પણ એવું જ હતું. પોતે ભાઈ-બહેન છે, એ વાત દુનિયાને ખબર નહોતી.પણ છતાંય એ સંબંધ બંને માટે ખાસ હતો.

કાનજીભાઈના આશીર્વાદ લઈને ત્રણેય જૂનાગઢ જવાં નીકળી પડ્યાં. આરવને જોઈને મનનને એક જ વિચાર આવતો હતો. 'આરવ સામે પોતાની કોઈ ઔકાત નથી.' પણ તેની આ ધારણાં સાવ ખોટી હતી. અમુક સમયે વિચાર્યા વગર ધારણાઓ નાં બંધાય. એ વાત મનન પર લાગું પડતી હતી.

જોતજોતામાં ત્રણેય જૂનાગઢ પહોંચી ગયાં. ત્રણેય જયશ્રી રોડનાં તળાવ દરવાજે કોટેચા કોમ્પલેક્ષના પહેલાં માળે આવેલાં સ્વાતિ રેસ્ટોરન્ટમાં ગયાં. અંદર જઈને બધાએ ડીનર ઓર્ડર કર્યું. મનન વારંવાર સુમન તરફ જ જોઈ રહ્યો હતો. એ વાત આરવથી છુપી રહી શકી નહોતી.

"મનન, આ આરવ છે, મારાં પપ્પાના ફ્રેન્ડનો છોકરો!! ને મારાં બેસ્ટ ફ્રેન્ડના રૂપમાં મારો ભાઈ!!"

સુમન મનનને ભાઈ માનતી એ વાત જાણતાં જ મનન ગંભીર થઈ ગયો. સુમને આરવ સાથે વાત કરી ત્યારે મનન આરવ અને સુમન વિશે જે વિચારતો હતો, એ વાત પર તે ખુદને જ ગુનેગાર સમજવાં લાગ્યો. મનનને પોતાનાં વિચારો પર પછતાવો થયો. એ પછતાવો સાચો પણ હતો. કોઈને સમજ્યાં વગર જ તેનાં વિશે અટકળો બાંધવી યોગ્ય નથી. આવું ઘણીવાર ઘણાં લોકોથી થતું હોય છે. અત્યારે મનનથી પણ એવું જ થયું હતું. જે વાતનો મનનને ભરપૂર પછતાવો હતો.

સુમન આરવને ભાઈ માનતી, એ વાત આરવ માટે પણ ખુશીની વાત હતી. બંને હકીકતમાં ભાઈ-બહેન હતા. પણ આરવનુ નસીબ, કે એ વાત તે સુમનને જણાવી નાં શકતો.

ઘણી વખત અમુક બાબતો આપણી સામે જ હોય છે. પણ આપણે એનાંથી અજાણ જ રહીએ છીએ. સુમન સાથે પણ એવું જ થઈ રહ્યું હતું. આરવને પોતે ભાઈ માનતી, જ્યારે આરવ હકીકતમાં પણ તેનો ભાઈ જ હતો. એ વાત તેની જાણ બહાર હતી.

પણ, દુનિયાની એક હકીકત એ પણ છે, કે આપણે જે‌ માનીએ એ જ સાચું હોય છે. "માનીએ તો પથ્થરની મૂર્તિમાં પણ ભગવાન છે, ને નાં માનીએ તો ભગવાન પણ પથ્થરની મૂર્તિ જ છે."

અમુક સમય અને સંજોગો એવાં ઉભાં થાય છે, કે માણસે બધી બાબતો માત્ર માનવાની જ રહી જાય છે. હકીકત તે ક્યારેય જાણી નથી શકતાં. એમ સુમન અને આરવ બંને એવાં જ સંજોગોમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તે હકીકતે ભાઈ-બહેન છે, એ વાત ક્યારેય સુમન જાણી શકશે, કે આરવ તેને જણાવી શકશે, એ કહેવું થોડું મુશ્કેલ હતું.



(ક્રમશઃ)