Of cloud - 16 in Gujarati Fiction Stories by અવિચલ પંચાલ books and stories PDF | મેઘના - ૧૬

Featured Books
Categories
Share

મેઘના - ૧૬

રાજવર્ધન મનમાં બધા વિચારો એક પછી એક કરીને આવી રહ્યા હતાં. પણ પરિસ્થિતિની અનુકૂળતા જોતાં તેણે પોતાના મનને શાંત કરીને ડાઈનિંગ ટેબલ પર બેઠો. અનુજ તેની સામે આવીને બેઠો ત્યારબાદ વીરાએ તેમનો બ્રેકફાસ્ટ સર્વ કરી દીધો.

બ્રેકફાસ્ટ પૂરો થયાં પછી અનુજ અને રાજવર્ધન ઊભા થયાં એટલે વીરાએ પોતાની કારની ચાવી અનુજ ને આપીને કહ્યું, “આજે તમે બંને ઘરે જલ્દી પાછા આવી જજો.” રાજવર્ધને ઇશારામાં હા પાડી પછી બંને સાથે બહાર નીકળી ગયા.

અનુજ રાજવર્ધનને તેની ઓફિસે મૂકીને પોતાના ક્લિનિક પર જતો રહ્યો. રાજવર્ધન પોતાની ઓફિસમાં દાખલ થયો એટલે બધા તેને એકધારી નજરે જોઈ રહ્યા હતાં. આ રાજવર્ધનને થોડું અજીબ લાગ્યું. પણ તેણે એ તરફ ધ્યાન આપ્યું નહીં.

તે સીધો પોતાની કેબિનમાં જતો રહ્યો. કેબિનમાં દાખલ થયા પછી તેની નજર ડેસ્ક પર મૂકેલા એક ફોટોફ્રેમ પર પડી જેમાં આર્યવર્ધનની સાથે પોતે અને મેઘના હતાં. ફોટોફ્રેમને હાથમાં લઈને સાફ કરીને પાછી મૂકી પછી ખુરશી બેસીને પોતાનું કામ કરવા લાગ્યો.

*****************************
વીરા અનુજ અને રાજવર્ધનના ગયા પછી પોતે કિચનની સફાઈ કરીને મેઘના ના રૂમમાં નજર કરી તો જોયું કે મેઘના હજી ઊંઘી રહી હતી. એટલે વીરા પાછી ફરી. ત્યાં જ અંજલિ તૈયાર થઈને ગેસ્ટરૂમ માંથી બહાર નીકળી.

અંજલિ ઉત્સાહિત અવાજે બોલી, “ગુડ મોર્નિંગ વીરા. બ્રેકફાસ્ટ કરી લીધો કે બાકી છે ?” વીરાએ હસીને કહ્યું, “ના, ભાઈ અને મારા હસબન્ડ થોડા સમય પહેલાં ગયા. એટલે હું કિચનની સફાઈ કરીને ભાભીને જોવા માટે આવી હતી પણ તે હજી સૂઈ રહ્યા છે.”

આ સાંભળીને અંજલિની આંખોના ભવા ઊંચા થયાં. તે તરત મેઘના જે પલંગ પર સૂઈ રહી હતી તેની પાસે ગઈ. એટલે વીરા તેની સાથે જ પાછી ગઈ. અંજલિએ એકવાર મેઘના ને જગાડી પણ મેઘના જાગી નહીં. એટલે ટેબલ પર મૂકેલા પાણીના ગ્લાસમાંથી પાણી મેઘના ના ચહેરા પર નાખ્યું અને તરત બહાર નીકળી ગઈ.
વીરા ને કઈ સમજાતું નહોતું એટલે તે ત્યાં જ ઊભી રહી. ચહેરા પર પાણી છાંટાયું તેથી મેઘના તરત જાગી ગઈ. મેઘનાએ જોયું તો સામે વીરા ઊભી હતી. મેઘના ગુસ્સે થઈને બોલી, “તું પાગલ થઈ ગઈ છે ?” વીરાએ કહ્યું, “ભાભી મે કઈ કર્યું નથી.” ત્યારે અંજલિ રૂમમાં પાછી આવીને બોલી, “હું પાગલ થઈ ગઈ છું.”

અંજલિને જોઈને મેઘનાનો બધો ગુસ્સો ગાયબ થઈ ગયો. તે તરત ઊભી થઈને અંજલિને ગળે વળગી પડી. મેઘનાએ અંજલિને પોતાના હાથ વિટાળી દીધા. થોડીવાર પછી તેઓ છૂટા પડયા. ત્યારે અંજલિએ જોયું કે મેઘનાની આંખોમાંથી ખુશી આંસુ વહી રહ્યા હતા.

અંજલિએ પોતાના હાથ વડે મેઘનાનો ચહેરો પકડીને મેઘના ના આંસુ લૂછયા અને બોલી, “હવે હું આવી ગઈ છું એટલે ફરી રડીશ નહીં. ચાલ હવે જલ્દી તૈયાર થઈ જા.” મેઘના હસીને ફરીથી અંજલિને ગળે મળીને બાથરૂમ જતી રહી. અંજલિ એ પાછળ ફરીને જોયું તો વીરા હજી તેને જોઈ રહી હતી.

અંજલિ બોલી, “વીરા, આજે તારા ભાભી માટે આપણે એકસાથે તેનો મનપસંદ બ્રેકફાસ્ટ બનાવીશું.” આમ કહીને અંજલિ વીરા નો હાથ પકડીને કિચનમાં લઈ ગઈ. અંજલિ જે જે સામાન માંગતી તે વીરા આપતી ગઈ. થોડીવારમાં અંજલિએ બટાકાપૌઆ બનાવી દીધાં.

બટાકાપૌઆ બની ગયા પછી વીરા બોલી, “અંજલિ, ભાભીને આ પૌઆ ભાવતા નથી.” અંજલિએ હસીને કહ્યું, “તેને આ ચોક્કસ ખાશે. આ તેનો મનપસંદ બ્રેકફાસ્ટ છે. થોડી વાર પછી તને ખબર પડી જશે. હવે આ બધું ટેબલ પર ગોઠવી દે.” વીરા કઈ પણ દલીલ કર્યા વગર અંજલિ કહ્યા પ્રમાણે કરવા લાગી.

15 મિનિટ પછી અંજલિ, વીરા અને મેઘના ડાઈનિંગ ટેબલ પર હતાં. મેઘનાએ કહ્યું, “વીરા, આજે બ્રેકફાસ્ટમાં શું બનાવ્યું છે ? ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે.” અંજલિએ મેઘનાની પ્લેટમાં પૌઆ મૂકતાં કહ્યું, “આજે બ્રેકફાસ્ટ મે બનાવ્યો છે. એટલે તેની સુગંધ આવી રહી છે.”

મેઘના ચૂપ રહીને અંજલિ સામે જોઈને હસી પડી. એટલે અંજલિ હસતાં હસતાં બોલી, “મે તને કહ્યું હતું ને કે કાલે સવારે તું મારા હાથે બનાવેલો બ્રેકફાસ્ટ ખાઈશ.” આ સાંભળીને ત્રણેય એકસાથે હસી પડયા. નાસ્તો કરતી વખતે વીરાએ પૂછ્યું, “ અંજલિ, તમે કોલેજમાં ભાભીના બેસ્ટફ્રેન્ડ હતા ને ?”

અંજલિ એક સ્મિત સાથે હા પાડી. એટલે વીરા બોલી, “તમે મને મારા ભાઈ અને ભાભીની લવસ્ટોરી કહેશો ?” આ સાંભળી મેઘના જાણે શરમાઇ ગઈ હોય તેમ તેનો ચહેરો લાલ થઈ ગયો. મેઘનાએ અંજલિ ના પાડવા માટે ઈશારો કર્યો. પણ અંજલિએ તે ધ્યાનમાં લીધા વગર કહ્યું, “કેમ નહીં, જરૂર કહીશ.”