દિવસો આમ જ પસાર થવા લાગ્યા હતા, જિંદગીમાં આગળ વધારવાને બદલે પલક હારીને બેઠી હતી. જેની પલકની સાથે જ હતી તે પલકને ખૂબ જ સમજતી. પલક પણ જેનીને સમજતી પણ પલકની જિંદગી જ તેને ગમતી નહોતી તેથી તે જેનીને ક્યારેક સમજી શકતી નહિ. કિસ્મતે તેની જિંદગી છીનવી લીધી હોય તેવું તેને લાગતું હતું. પવન તો આગળ વધી ગયો હતો પણ પલકની જિંદગી જાણે અટકી ગઈ હતી. કોલેજ શરૂ હતી, પલક અને જેની સાથે જ અભ્યાસ કરે અને સાથે જ આખો દિવસ રહેતી.
પરીક્ષા આવતા બંને સાથે મહેનત કરીને પરિક્ષા આપતી. આ વખતે પરીક્ષા પુરી થઈ હતી અને હવે થોડા દિવસનું વેકેશન હોવાથી બંને તેના ઘરે જવાની હતી. જવાના આગળના દિવસે રાતે બંનેએ સામાન પેક કર્યો અને બીજા દિવસે પલક તેના પપ્પા સાથે ઘરે પહોંચી અને જેની પણ તેના ભાઈ સાથે તેના ઘરે પહોંચી. પલક ઘરે આવી હતી, સૌ તેને ખૂબ લાડ કરતા પણ પલકનું મન ઉદાસ જ હતું.
ઘરે આવ્યાના બીજા જ દિવસે સાંજનો સમય હતો, પલક હીંચકે બેઠી હતી. જેનીનો ફોન આવતા તેની સાથે ઘણી બધી વાતો કરી. ત્યાં જ નિખિલભાઈ આવ્યા, નિખિલભાઈ પલક પાસે બેઠા અને તેની જ પાસે એક છોકરો બેઠો હતો. સ્વભાવે શાંત, થોડી દાઢી આંખો ચમકતી અને જોતા જ મન મોહી લે તેવો છોકરો.
તે હતો રુદ્ર. પલકે તેની સામે જોયું, રુદ્રએ ધીમું હાસ્ય કર્યું. પલક અને નિખિલભાઈ વાતો કરી રહ્યા હતા અને રુદ્રને કોઈનો ફોન આવતા તે બહારની તરફ ગયો. નિખિલભાઈ પલકને કહેવા લાગ્યા," પલક, આ મારી સાથે જે છોકરો છે, તે રુદ્ર છે. તારી જિંદગી તે એક છોકરાના લીધે નીરસ બનાવી દીધી છે, ઘરમાં દરેક તારી ચિંતા કરે છે અને પપ્પા તો તારા માટે અલગ અલગ છોકરાઓ પણ જોવા લાગ્યા છે.. પણ મને રુદ્ર બહુ ગમે છે, એ તને સમજી શકશે.. અને જો તને રુદ્ર પસંદ પડે તો જ આપણે આગળ કંઈક નિર્ણય લઈશું."
" આ શું બોલો છો તમે, હજુ મારે ભણવાનું પણ બાકી છે અને હું.. મને નઈ ફાવે કોઈ પણ છોકરા જોડે." પલક થોડી અકળાઈને બોલી.
ત્યાં જ રુદ્ર ફરી ત્યાં આવ્યો અને ફરી પલકને એજ મીઠી અને વ્હાલભરી સ્માઈલ આપી. હાસ્ય એટલું બધું નિખાલસ હતું કે પલક તે જોતા જ થોડીવાર માટે ચૂપ થઈ ગઈ. રુદ્રના હાસ્ય વખતે ગાલના ખાડા જોઈને પલકનું મન ખીલી ઉઠ્યું. થોડી વાર માટે થયું કે , આ છોકરો સારો જ હશે, નિખિલભાઈ ક્યારેય કોઈ ને સમજ્યા વિના મારી પાસે ન લાવે. પણ ફરી મનમાં એ જ આવ્યું કે, કોઈ સારું નથી આ દુનિયામાં, બધા રમત રમવામાં જ હોશિયાર છે, હું કેમ ભરોસો કરી લવ આ અજાણ્યા છોકરા પર."
આમ અવનવું વિચારી વિચારીને પલક તેને ઇગ્નોર જ કરતી રહી. નિખિલભાઈની ઈચ્છા હતી કે પલક એકવાર રુદ્ર સાથે સરખી વાત કરે માટે તે રુદ્ર અને પલક બંનેને નજીકના ગાર્ડનમાં લઈ ગયા અને ત્યાં બંનેને એકલા મૂકી થોડી વાર દૂર જતા રહ્યા.
પલક મોં ફુલાવીને બેઠી હતી અને રુદ્ર પણ ત્યાં જ બેઠો હતો. થોડી વાર બંને એમ જ બેસી રહ્યા અને પછી પલક રુદ્ર સામે જોઈને બોલી, "તને નિખિલભાઈએ કહ્યું છે ને મારી સાથે રહેવાનું.?"
" હા, એમણે તો કહ્યું જ છે, પણ હવે હું આ માસૂમ પલકને જાણવા માંગુ છું, સમજવા માંગુ છું." રુદ્ર પલકની સામે તેની પ્રેમાળ આંખોથી જોઈને બોલ્યો.
પલક બોલી, " મને સમજવી છે.. થોડું હસીને ફરી.. મને આજ સુધી ખુદ હું નથી સમજી તો તમે કેવી રીતે સમજશો.. જિંદગી રમત બની ગઈ છે મારી.. શું કરવું એ જ નથી જાણતી હું."
" આ જેને તું રમત કહો છો તે તમારા જીવનનો એક કિસ્સો હતો, કહાની નહીં. અને કિસ્સાઓ ઘણી વખત હૃદય પર કબજો જમાવીને બેઠા હોય છે, પણ જીવન એક વખત મળે છે, મર્યા બાદ ફરી આ જ જિંદગી મળે છે કે નહીં એ કોઈ જ નથી જાણતું, જિંદગીને દિલથી સમજો તો જન્નત લાગશે..આટલું બોલ્યા બાદ રુદ્રએ તેનો હાથ માથા પર રાખી કહ્યું, પલક માફ કરજે તને આ બકવાસ લાગ્યું હશે, પણ હું જેટલું સમજુ છું એટલું કહ્યું મેં... બાકી તારા પર વીતેલું છે એ માત્ર હું અનુભવી શકું છું પણ સહન તું કરે છે એટલે હું માત્ર શબ્દો થકી જ બધું કહી શકું."
પલક થોડીવાર માટે રુદ્ર સામે જ જોઈ રહી, બધું જ ભૂલીને પલક માત્ર રુદ્રને સાંભળતી હતી અને તેના શબ્દો પુરા થયા બાદ પણ તેના વિચારોમાં હજુ રુદ્રના જ વિચારો ચાલતા હતા. તે રુદ્રને જોઈ રહી હતી અને થોડીવાર માટે ચૂપ જ બેઠી રહી. બંને શાંત બેઠા હતા.
પલક વિચારી રહી હતી, " આ જેટલું બોલ્યો એટલું દિલથી બોલ્યો હશે.. દરેકની સામે થતા સવાલો આજે રુદ્ર સામે ચૂપ કેમ થઈ ગયા.. આવું કેમ થાય છે.. ના.. ના.. ના... મને કોઈના પર ભરોસો નથી, હું એકલી જ રહેવા માંગુ છું."
પલક આ બધું જ વિચારતી હતી અને રુદ્ર તેને જોઈ રહ્યો હતો. થોડીવાર થઈ ત્યાં રુદ્રએ ફરી પલકને કહ્યું, " મને તારો મોબાઈલ નંબર નિખલભાઈએ આપ્યો છે, જો તારી મંજૂરી હોઈ તો હું તને એસએમએસ કરી શકું.?
ખૂબ જ વ્હાલભરી રુદ્રની આંખો, તેની બોલવાની રીત અને તેના શબ્દોમાં જાણે ખોવાય ગઈ હોય તેમ પલકે હા કહી દીધી. આગળ કંઈ વિચારે એ પહેલાં જ નિખિલભાઈ ત્યાં આવ્યા અને ત્રણેય ફરી ઘરે પહોંચ્યા.
વધુ રસપ્રદ કહાની વાંચો આગળના ભાગમાં..