3.
(બધાં જ કપલે શિમલાંમાં ખૂબ જ એન્જોય કર્યું, શિમલાંના ફરવાંલાયક મોટાભાગનાં સ્થળોએ બધાં કપલ ફર્યા, જેમાં તેઓ જાકુ હિલ, કૂફરી, ક્રાઇટ્સ ચર્ચ, ટોય ટ્રેન અને અંતે માલ રોડ ખરીદી અને ત્યાંની લોકલ ફૂડ ડિશનો આસ્વાદ માણે છે, તે બધાંને સૌથી વધુ મજા કૂફરી અને ટોય ટ્રેનમાં આવી...જે બધાંના જીવનનો એક સોનેરી અવસર કે લાઈફ ટાઈમ મેમરી બની ગયો...પણ જેમ ફોનમાં કોઈ વાઇરસ ઘુસી જાય અને મોબાઈલ ફોનને અસ્ત વ્યસ્ત કરી નાખે તેવી જ રીતે આવનાર ભવિષ્યમાં મનાલીમાં સુપ્રિયા અને આરવ સાથે જે ઘટનાં ઘટવાની હતી તે તો વાઇરસ કરતાં પણ વધુ ભયાનક હશે….)
સ્થળ - હોટલ હેવન (મનાલી)
સમય - સવારનાં 2 કલાક.
કેસરી હિન્દ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ મનાલીમાં આવેલ હોટલ હેવનની સામે આવીને ઉભી રહે છે, એ લોકો શિમલાંથી મનાલી જે રસ્તે થઈને આવી રહ્યાં હતાં, તે જ રસ્તામાં વચ્ચે કુલ્લુ આવતું હોવાથી તે બધાંએ કુલ્લુમાં થોડાંક કલાકો માટે રોકાણ કર્યું, અને કુલ્લુ શહેર જેનાં માટે જાણીતું છે, તે રિવર રાફટિંગનો પણ આનંદ માણ્યો, રિવર રાફટિંગમાં બધાં જ કપલ પોત - પોતાનાં અગાવથી જે ગ્રૂપ બનાવેલ હતાં, તે ગ્રુપમાં વહેંચાય ગયાં, અને રિવર રાફટિંગ કર્યું….
રિવર રાફટિંગમાં તે બધાંએ ખુબ જ આનંદ કર્યો, આ રિવર રાફટિંગ બિયાસ નદીમાં કરાવવામાં આવે છે, બિયાસ નદી, જે બિઆસ અથવા બ્યાસ નદી તરીકે પણ ઓળખાય છે, અને ઉત્તર ભારતમાં વહેતી એક મહત્વની નદી છે. આ નદી હિમાલય પર્વતમાળામાં આવેલાં ભારત દેશનાં હિમાચલ પ્રદેશ રાજ્યનાં મધ્ય ભાગમાંથી નીકળે છે અને 470 કિ.મી જેટલું અંતર કાપી પંજાબ રાજ્ય ખાતે સતલજ નદીમાં મળી જાય છે, તેની કુલ લંબાઈ 470 કિ.મી છે અને તેનો સ્ત્રાવ વિસ્તાર 20,303 સ્કવેર કિ.મી જેટલો મોટો છે.
આમ બિયાસ નદીએ એકદમ મોટી અને વિશાળ નદી છે, જે સીધે હિમાલયમાંથી બરફ ઓગળવાથી વહે છે, આ નદીનું પાણી આપણાં શરીરનાં તમામ રુવાટાં ખડા કરી દે તેટલું ઠંડુ હોય છે, આ ઉપરાંત આ નદીનો રસ્તો ઉચાણ અને નીચાણવાળા અને ખડકો માંથી પસાર થતો હોવાથી ત્યાં રાફટિંગ કરવાની એક અલગ જ મજા આવે છે, આ ઊપરાંત આ નદીની બને તરફ ઊંચા ઊંચા વૃક્ષો આવેલાં છે, જે કોઈ જંગલથી ઓછું ન હતું….જાણે એ નદી આપણને કુદરતનાં પ્રાકૃતિક સૌંદર્યને માણવાં માટે આપણને આવકારી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું….આ રાફટિંગ દરમ્યાન રાફટિંગ કરાવનાર કર્મચારી જ આપણને થોડાક જ રૂપિયામાં વીડિયો અને ફોટા પાડી આપે છે, જે ફોટા આપણી એ થ્રિલ, રોમાંચ, અને એડવેન્ચરની કાયમિક માટે યાદી રહી જાય.
આમ ખરેખર આ બધાં જ કપલ માટે રિવર રાફટિંગએ એક આનંદદાયક અને અવિસ્મરણીય બની ગયું, જેનો બધાં જ કપલે સાચા અર્થમાં આનંદ માણ્યો….ત્યારબાદ તેઓ બધાં મનાલી જવાં માટે રવાનાં થયાં...અને રાત્રીનાં 2 કલાકની આસપાસ તેઓ મનાલી પહોંચ્યા.
ત્યારબાદ બધાં કપલ તેઓને હોટલમાં જે રૂમ સોંપવામાં આવેલ હતાં, તે રૂમમાં પોત - પોતાનો સામાન લઈને જતાં હતાં, એવામાં સિકંદરે તેઓને આવતીકાલ સવારનું શેડ્યુલ સમજાવ્યું….!
બીજે દિવસે બધાં કપલે મનાલીનાં મુખ્ય આકર્ષણો જેવા કે જોગીની ધોધ, મનુ મંદિર, વશિષ્ઠ મંદિર, હિડમ્બા મંદિર, બિયાસ કુંડ, મનાલી મ્યુઝિયમ અને છેલ્લે મનાલીનાં ખુબ જ પ્રખ્યાત એવાં માલ રોડની મુલાકાત લીધી...જયાં બધાં જ કપલે ખરીદી અને ત્યાંની લોકલ ફેમસ ફૂડ ડિશનો પણ આસ્વાદ માણ્યો.
મનાલીમાં બધાં જ કપલને બે દિવસ રોકાવાનું હતું, જેમાંથી પહેલાં દિવસે મોટાભાગનાં આકર્ષણોની મુલાકાત લઈને આનંદ માણ્યો, જ્યારે બીજે દિવસે માત્ર બે જ સ્થળની મુલાકાત લેવાની હતી...તે સ્થળોમાં રોહતાંગ પાસ અને સોલાંગવેલી આ બે જ સ્થળોની મુલાકાત લેવાની હતી….
આથી બીજે દિવસે બધાં કપલ સિકંદરે અગાવ આપેલ સુચના પ્રમાણે સવારનાં 4 વાગ્યે હોટલનાં ગેટ પાસે આવી ગયા, અને હોટલની બહાર ત્યાંની લોકલ ટેક્ષીઓ પણ આવી ગયેલ હતી, જેના દ્વારા આ બધાં જ કપલ રોહતાંગ પાસ અને સોલાંગવેલી જવાનાં હતાં, એવામાં સિકંદર આવ્યો અને બોલ્યો.
"જુઓ ! આજે તમારે મનાલીનાં બે જ સ્થળોની મુલાકાત લેવાની છે જેમાં રોહતાંગ પાસ અને સોલાંગવેલી...આ બે સ્થળે ફરવામાં જ તમારો આખો દિવસ ક્યાં પસાર થઈ જશે એ તમને ખ્યાલ જ નહીં રહે, બીજી વસ્તુ કે હાલમાં અમે તમને બધાંને ફૂડ પેકેટ આપી રહ્યાં છીએ,ભૂખ લાગે ત્યારે ખાઈ લે જો...અને આજે સાંજે જ્યારે તમે ફરીને હોટલ પરત ફરો, પછી અમારી ટિમ દ્વારા ડી.જે પાર્ટીનું આયોજન કરવામાં આવેલ છે...તો તમારે આજે રાતે એ પાર્ટીમાં જોઈન થવાનું છે..જે પાર્ટી માત્રને માત્ર આપણાં આ ગ્રૂપ પૂરતી જ સીમિત હશે…!" - સિકંદર જાણે કોઈ મોટું રહસ્ય ખોલી રહ્યો હોય તેમ બોલ્યો.
ત્યારબાદ બધાં જ કપલ પોત - પોતાનાં અગાવથી જ જે ગ્રૂપ પાડવામાં આવેલ હતાં, તે ગ્રૂપ પ્રમાણે હોટલની બહાર ઉભેલ ટેક્ષીમાં બેસી ગયાં, અને મનાલીનાં મુખ્ય આકર્ષણ એવાં રોહતાંગ પાસ અને સોલાંગવેલીની મુલાકાત લેવા માટે એ બધી ટેક્ષીઓ મનાલીના એ ટેકરીવાળા રસ્તે આગળ વધવા માંડી…અને રસ્તામાં આવેલ એક દુકાન પરથી જેકેટ, આઇસ સૂઝ, કેપ, હાથ અને પગનાં મોજા અને ગોગલ્સ વગેરેની ખરીદી કરી…! અને ટેક્ષીના ડ્રાઇવરે જણાવ્યું કે આપણે પહેલાં રોહતાંગની મુલાકાત કરીશું અને ત્યારબાદ રોહતાંગથી પરત ફરતી વખતે આપણે સોલાંગવેલી ફરીશું...અને બધાં કપલે ટેક્ષી ડ્રાઇવરની વાત સાથે સહમતી દર્શાવી.
આ બાજુ બધાં જ કપલનાં મનમાં રોહતાંગ પાસની મુલાકાતને લઈને એક અલગ પ્રકારનો જ થનગનાટ અને ઉત્સાહ હતો, જેમાં આરવ અને સુપ્રિયા તો રોહતાંગ આવે એની જ આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યાં હતાં, સુપ્રિયાએ આજે પિંક કલરનું આઇસ જેકેટ પહેરેલ હતું તેમાં બહેદ આકર્ષક અને મોહક લાગી રહી હતી, એમાં પણ તેણે પહેરેલાં ગોગલ્સ જાણે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યાં હતાં, એમાં પણ કેપની કિનારીઓ માંથી બહાર આવી રહેલાં તેનાં વાળ સુપ્રિયાની મદકતાની ચાડી ખાય રહ્યાં હતાં….આ બાબતનો આરવે બે ત્રણ વખત ઉલ્લેખ પણ કર્યો પરંતુ સુપ્રિયાએ આ બધું હળવાશમાં લીધું.
થોડી જ મિનિટોમાં એક પછી એક બધી જ ટેક્ષીઓ રોહતાંગ આવી પહોંચી, જેવી રીતે સ્કૂલવાનમાંથી બાળકો એક અલગ ઉત્સાહ અને આનંદ સાથે બહાર નીકળે તેવી જ રીતે બધાં જ કપલ એક પછી એક ટેક્ષીની બહાર નીકળ્યાં, જેમાંથી અમુક કપલ તો ઠંડીને લીધે હજુપણ ઠુઠવાય રહ્યાં હતાં, પરંતુ પોતાની આંખો સામે રહેલ કુદરતી નજારો જોઈને બધાં જ કપલ મંત્રમુગ્ધ બની જાય છે.
રોહતાંગ પાસ એ મનાલીથી 51 કિ.મી દૂર આવેલ એક પર્યટક સ્થળ છે, જ્યાં દેશ વિદેશથી લોકો આ સ્થળની મુલાકાત લેવાં માટે આવે છે, રોહતાંગ એ એક ખીણ જેવો વિસ્તાર છે,જે મનાલીને હિમાચલની વધુ સ્વપ્નશીલ અને ડેઝર્ટ જેવા લેન્ડસ્કેપ્સ, સ્પીતીને લાહૌલથી જોડે છે, આ વિશાળ બરફનું રણસ્થાન છે, જ્યાં આવવાથી લોકોનાં મનને એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિથી ભરી દે તેવું કુદરતી સૌંદર્ય છે, આ કુદરતી સૌંદર્યને જોતાં જ જાણે તાજગી આપણી આંખોમાંથી આપણાં મનમાં પ્રવેશી રહી હોય તેવો અનુભવ થાય, આ ઊપરાંત આ સ્થળે એડવેન્ચરનાં શોખીન લોકો માટે સ્નોમેકિંગ સ્કીઇંગ અને આઇસ ઝોર્બિંગ બોલનો આનંદ તો અચૂક માણે જ છે, જે દરેક માટે એક થ્રિલર અને મેમોરેબલ મેમરી બની રહે છે, આમ બધાં કપલે રોહતાંગમાં ખુબ જ આનંદ માણ્યો, અને ફોટોગ્રાફી પણ કરી.
ત્યારબાદ બધાં જ કપલ રોહતાંગમાં ખુબ જ આનંદ માણ્યા બાદ સોલાંગવેલી જવાં માટે ટેક્ષી દ્વારા રવાનાં થયાં...સોલાંગવેલી મનાલીથી માત્ર 14 કિ.મી જ દૂર આવેલ છે પરંતુ ત્યાંના ટેકરી અને હિલ્લી રસ્તાઓને લીધે એ 14 કિ.મી જેટલું અંતર કાપવામાં જ એકાદ કલાક જેટલો સમય વીતી જાય છે, સોલાંગવેલી એ મનાલીથી રોહતાંગ જતી વખતે રસ્તામાં જ આવે છે…
થોડીવારમાં બધી જ ટેક્ષીઓ એક પછી એક સોલાંગવેલી આવીને ઉભી રહે છે, બધાં કપલ સોલાંગવેલી પહોંચે છે,એમાં પણ સુપ્રિયા અને આરવે તો મનોમન પેરાગ્લાઇડીંગ કરવાનું નક્કી કરેલ હતું….સોલંગવેલી હિમાચલ પ્રદેશમાં સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. મનાલીથી રોહતાંગ જવાના માર્ગ પર સ્થિત, દર વર્ષે આ સ્થળ પર પ્રવાસીઓનું વિશાળ સંખ્યામાં સ્વાગત કરે છે, જેમાં સાહસિક ઉત્સાહીઓ માટેનું પ્રિય, પેરાગ્લાઇડિંગને પેરાશુટિંગ, ઘોડેસવારી કરવા માટે ડ્રાઇવિંગ મીની-ઓપન જીપ્સ, જે તમામ વય જૂથોના પ્રવાસીઓ માટે આ બધું સોલાંગવેલીમાં ઉપલબ્ધ છે, એમાં પણ શિયાળા દરમ્યાન સોલાંગવેલીમાં સ્નોમેકિંગ સ્કીઇંગ અને આઇસ ઝોર્બિંગ કરવાં માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યાંસુધી આ બધી જ એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણવામાં ના આવે ત્યાં સુધી સોલાંગવેલીની મુલાકાત અધૂરી ગણાય, આમ બધાં કપલ સોલાંગવેલીમાં ખુબ જ આનંદ કરે છે, અને વિવિધ એન્ડવેન્ચર એક્ટિવિટીનાં થ્રિલનો પણ અનુભવ કરે છે, અને ત્યારબાદ તેઓ હોટલ પર પાછા ફરવા માટે સોલાંગવેલીથી રવાનાં થાય છે.
આમ આખો દિવસ રોહતાંગ અને સોલાંગવેલીમાં ખૂબ જ આનંદ માણ્યા બાદ બધાં જ કપલ હોટલ પરત ફર્યા, ફ્રેશ થયાં અને પછી ડિનર લીધું, રાતે હોટલનાં હોલમાં જ્યાં ડી.જે પાર્ટી ગોઠવવામાં આવી હતી ત્યાં પહોંચી ગયાં.
આ બાજુ આરવે સુપ્રિયાને ડી.જે પાર્ટીમાં જવાં માટે આગ્રહ કર્યો પરંતુ સુપ્રિયાને આજે આખા દિવસનાં મુસાફરીને લીધે ખુબ જ માથું અને આખું શરીર દુઃખી રહ્યું હતું...આથી સુપ્રિયાએ આરવને ડી.જે પાર્ટી માટે એકલાં જવાં માટે જણાવ્યું, અને પોતે હોટલનાં રૂમમાં આરામ કરશે એવું જણાવ્યું, આથી આરવ સુપ્રિયાને બ્લેન્કેટ ઓઢાડીને રૂમની લાઈટો બંધ કરી, અને નાઈટલેમ્પ ચાલુ કર્યો, અને રૂમ લોક કરીને પોતાની સાથે ચાવી લઈ ગયો, જેથી કરીને તેને પરત ફરતાં કદાચ મોડું થાય તો રૂમનું લોક એ ચાવી દ્વારા ખોલી શકાય અને જેથી કરીને સુપ્રિયાની ઊંઘ ના ઉડે.
ત્યારબાદ આરવ એકલો જ ડી.જે પાર્ટીમાં જાય છે, અને ખુબ જ નાચે છે, સાથે સાથે આ ટુર્સ દરમ્યાન તેનાં ઘણાં જ મિત્રો બની ગયાં હતાં, જેની સાથે હોલમાં બેસીને આરવ આલ્કોહોલ પણ પીવે છે, એક પેગ, બે પેગ...એમ કરી કરીને આરવે પાંચથી છ પેગ માર્યા, અને ક્યાં રાતનાં એક વાગી ગયો એ તેને ખ્યાલ જ ના રહ્યો….હાલમાં આરવની હાલત એવી થઈ ગઈ હતી કે તે માંડ માંડ ચાલી શકતો હતો, તેના શરીર પર જાણે આલ્કોહોલની પુરે પુરી અસર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું….છતાંપણ આરવ સુપ્રિયા તેને વઢશે એ ડરને લીધે દસ ટકા જેટલો તો કંટ્રોલ પોતાનાં શરીર પર રાખેલ જ હતો જેથી તે પોતે હોટલમાં પોતાના રૂમ સુધી કોઈપણની મદદ વગર શાંતિથી પહોંચી શકે…!
આરવ લથડીયા ખાતાં - ખાતાં હોટલમાં પોતાનાં રૂમ સુધી પહોંચી જાય છે, પોતાનાં રૂમની બહાર ઊભાં રહીને આરવ માંડ માંડ ખિસ્સામાંથી રૂમની ચાવી બહાર કાઢે છે….અને મહામહેનતે એ રૂમનો દરવાજો ખોલે છે…!
જેવો આરવ રૂમનો દરવાજો ખોલીને જોવે છે તો તેની આંખો આશ્ચર્ય અને નવાઈને લીધે પહોળી થઈ જાય છે, જાણે એક જ પળમાં આલ્કોહોલની અસર કે નશો ઉતરી ગયો હોય તેવું લાગી રહ્યું હતું…આરવનાં હૃદયનાં ધબકારા એકાએક વધી ગયાં, કપાળે હાજા ગગડાવી નાખે તેવી ઠંડીમાં પરસેવાનાં ટીપાઓ ઉપસી આવ્યાં, શ્વાસોશ્વાસ જાણે કોઈ ધમણ ચાલી રહી હોય તેમ ખુબ જ વધી ગયાં….કારણ કે જેવો આરવે રૂમનો દરવાજો ખોલ્યો તો સુપ્રિયા રૂમનાં બેડ પર હતી જ નહીં...ઉપરાંત સુપ્રિયા જે નાઈટડ્રેસ પહેરીને સૂતી હતી તે નાઈટડ્રેસ આખા રૂમમાં આમ તેમ પડેલ હતો….આથી આરવ સુપ્રિયા કદાચ નહાવા માટે બાથરૂમમાં ગઈ હશે એ વિચાર આવવાથી ઝડપથી બાથરૂમ પાસે ગયો...પરંતુ ત્યાં પણ સુપ્રિયા હતી નહીં… આથી આરવ મનોમન ખૂબ જ મુંઝાયો...અને સુપ્રિયાને શોધવા માટે આરવ ગાંડાની માફક આખી હોટલમાં આમતેમ આંટા મારવા લાગ્યો.
શું ? આરવ અને સુપ્રિયા સાથે જે અંધકારમય અને ડરામણી ઘટનાં બનાવની હતી તે આ જ હશે…? સુપ્રિયા આવી રીતે કોઈને પણ જાણ કર્યા વગર જ અચાનક ક્યાં જતી રહી હશે…? શું ? સુપ્રિયા સાથે કોઈ અજુગતું બન્યું હશે…? શું આરવ અને સુપ્રિયા એકબીજાને ફરી મળી શકશે…? શું આરવ અને સુપ્રિયા આ પરિસ્થિતિનો સમાનો કરી શકશે…?
ક્રમશ :
મિત્રો, જો તમે આ શોર્ટ સ્ટોરીનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ શોર્ટ સ્ટોરીનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ શોર્ટ સ્ટોરી વિશેનાં તમારા કિંમતી રીવ્યુ કે પ્રતિભાવો પણ મને જણાવી શકો છો.
મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com