Pagrav - 1 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 1

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

પગરવ - 1

પગરવ

પ્રકરણ – ૧

સવારનાં કુમળાં તડકે આજે વર્ષોથી અડીખમ બનીને ઊભેલો એ લીલોછમ લીમડો આજે પણ એવી જ એસીની હવાને પણ ભૂલાવી દે એવી શીતળતા પ્રદાન કરી રહ્યો છે...એ સુંદર પર્ણો પણ મલકાઈ મલકાઈને કંઈ કહી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે...એની ઓથ હેઠળ તો કોઈની રોજ મહેફિલ ભરાય છે.... જેનું એક શરણું અને બીજું ઘર છે લીમડો...એ છે સવિતા....!!

રોજની જેમ આજે પણ એ આવીને આડી પડીને શુન્યમનસ્ક વદને લીમડાની સામે ટગર ટગર જોઈ રહી છે ત્યાં જ એક કોયલ જેવો મીઠડો અવાજ આવ્યોને તરત જ એનાં ચહેરાં પર એક ખુશીનું મોજું ફરી વળ્યું ને એ બોલી, " તું આવી ગઈ સુહાની બેટા ?? "

સુહાનીએ એક સ્મિત આપીને એમનો હાથ પકડીને પ્રેમથી બેસાડ્યાં...આ દ્રશ્ય જોઈને સામેની બાજુએ ઓટલા પર બેસીને વાતો કરી રહેલાં લોકોનો ઠેકડી ઉડાવવાનો અવાજ આવ્યો...ને એક છોકરો બોલ્યો, " આ ડોશી તો ગાંડી થઈ છે પણ છોકરીય જાણે ભાન ભૂલી ગઈ છે....પણ એનો ટાઈમ પાકો...સૂરજ ઉગવામા વહેલું મોડું કરે પણ એનાં સમયમાં એક મિનિટનો ય ફેર ન હોય....આ ડોશી માટે પોતાની જિંદગી ખરાબ કરી રહી છે..."

આ બધી વાતો એ અગિયાર વાગ્યાનાં એ શાંત વાતાવરણમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે પણ આ વાતની એક અબુધ સવિતા પર તો જાણે કંઈ અસર ન થઈ પણ બધું જ સમજનાર સુહાની પણ કંઈ પણ બોલ્યાં વિના જાણે બેધ્યાન બનીને પોતાનું કામ કરવા લાગી.

એણે પ્રેમથી નાનાં બાળકની જેમ જ સવિતા માટે થાળી પીરસી આપીને કહ્યું, " બા આ જમી લો..."

સવિતા : " પણ મારો સમર્થ ક્યારે આવશે ?? એ મજામાં તો છે ને ?? એણે તારી સાથે વાત કરી હશે ને ?? "

સુહાનીએ પોતાનાં નિસાસાને હોઠો હેઠળ છુપાવીને કુત્રિમ લજ્જા વેરતાં કહ્યું, " હા એ બહું ખુશ છે...આપણને બહું યાદ કરે છે... બહું પ્રેમ કરે છે પહેલાં કરતો એનાં કરતાંય વધારે....."

એક સમયની જમાદાર જેવી કહેવાતી રૂપવંતી સ્ત્રીને આજે એક જ ઘટનાએ પાગલ બનાવી દીધી છે...એ એવી રીતે જમી રહી છે જાણે નાનું બાળક પણ આનાથી વધારે સારું ખાય... આખું મોઢું ચીતરી દીધું છે.

સુહાનીએ ડીશ સાઈડમાં રાખીને કહ્યું, " બા શાંતિથી જમો...મારે કોઈ ઉતાવળ નથી... હું બધું કામ પતાવીને આવી છું...મમ્મી કંઈ નહીં કહે..."

જમવાનું પૂરું કરતાં એક સામાન્ય વ્યક્તિની જેમ સવિતા બોલી, " તોય ઘર હોય તો શું કામ ન હોય ?? મને દીકરી જેવી વહું મળી બાકી હું શું કરત?? ત્યાં જ તો એનું અચાનક બીજું પાસું બદલાઈ ગયું ને એ બોલી, " સમર્થ આવશે એટલે બધું જ થઈ જશે‌...તને રાણી બનાવીને રાખશે... ઘરમાં એક નહીં દસ દસ નોકરો હશે..." કહીને એક અબૂધની જેમ હસવા લાગી.

સુહાની બધાં જ પાસાંઓને સમજતી બોલી, " લો પાણી પી લો અને આ દવા..." પરાણે સમજાવીને દવા આપીને કહ્યું, "બા હું જાઉં છું કંઈ કામ હોય તો કહેજો, કહેવડાવજો... ત્યાં જ આજુબાજુ નજર કરીને એક નિસાસો નાંખતા બોલી, " હું જ આંટો મારી જઈશ..." કહીને જતી એ સુહાનીને પદમણી ચાલે જતી જોઈને સવિતા અબુધ બનીને જોઈ રહી...

*******

એક આત્મવિશ્વાસથી છલકાતી ચાલે જતી સુહાનીની એક નજર પડતાં જ બધાં શાંત થઈ ગયાં...એની સામે કંઈ પણ કહેવાની હિંમત ન થઈ...

એનાં જતાં જ એક ગોરો ચટ્ટો ધવલ બોલ્યો, " આ સુહાની કળિયુગની સીતા બનીને ક્યાં સુધી રહેશે ?? એ જમાના તો ગયાં..."

ત્યાં જ એક આધેડ વયના દેવુભા બોલ્યાં, "જો ને લાવણ્ય ભરેલો ગોરો દૂધ જેવો વાન, ઘાટીલો ચહેરો, સારી એવી ઉંચાઈ, મધ્યમ બાંધો, લાંબા રેશમી કાળાં વાળ, ને ચાલે એટલે તો જાણે એમાં ઓતપ્રોત થઈ જવાય...વળી એટલું ઓછું હોય એમ નાનપણથી શહેરમાં ઉછરીને મોટી થઈ છે અને વળી એન્જિનિયર બની છે.... છતાં ખબર કોઈની સામે આટલી મચક નથી આપતી..."

સિગરેટનો કશ લેતો અમર બોલ્યો, "કાકા આવશે આવશે એ દિવસ પણ આવશે...એની ઉંમર જ શું હજું તો ?? કહેવાય ને કે એનાં હોર્મોન્સ ઉછાળા મારશે‌‌ એટલે લાઈનમાં આવશે...બાકી એનાં માટે ઘરનાંને દિલનાં દરવાજા સદાયને માટે ખુલ્લાં છે...."

સંકેત : " યાર પણ એ તો છે જ... અત્યારે તો છોકરાઓની જ છોકરીઓ પણ કપડાંની જેમ બોયફ્રેન્ડ પણ બદલે છે...અને આવી છોકરીને તો લોકો માલ જ કહે....ખબર નહીં પણ સુહાની તો સુહાની જ છે....સુહાની ની તોલે કોઈ ન આવે... એનાં માટે તો હું આખી જિંદગી રાહ જોવા તૈયાર છું...."

અમર હસીને બોલ્યો, " એમાં ને એમાં તો ત્રીસ છોકરીઓને ના પાડી દીધી છે... એવું કહેતો હતો ને કે મારું મન સુહાની સિવાય કોઈ પર ઠરતુ જ નથી....પણ એવું ન થાય કે બાવાનાં બેય બગડે...ચાલો હવે જઈએ ત્યારે દેવીનાં દર્શન થઈ ગયાં હવે બધાં પોતાનાં કામે લાગો..."

સંકેતે પણ હસીને કહ્યું, " હા હા જાઓ ભાઈઓ તમારે તો ઘેર બૈરાં છે...સુહાની તો આંખો જ ઠારશે....બાકી તો બધું ઠારવા ઘરે જ જવું પડશે..."

દેવુભા : " ભઈલા અમારી તો શરમ કરો...ચાલો હવે...સમય સમયનું કામ કરશે.... શું થાય છે...બાકી સુહાની ચોવીસે તો પહોંચી જ હશે.... એનાં દોઢ વર્ષથી આ રીતે એક આશામાં જીવન વીતાવી રહી છે એ સમયગાળો કંઈ ઓછો ન કહેવાય કંઈ....પણ એનું મન જરાય ચલાયમાન નથી થતું..." કહીને વાતો કરતું એ ચાર પાંચ જણાનું ટોળું વિખરાઈ ગયું...

********

સુહાની ઘરે પહોંચી કે તરત એની મમ્મી વીણાબેન બોલ્યાં, " જમાડીને આવી સવિતાબેનને ??"

સુહાનીએ એકાક્ષરી જવાબ આપતાં કહ્યું, " હા.."

આજે વીણાબેન કદાચ સુહાની સાથે વાતો કરવા ઈચ્છી રહ્યા છે જ્યારે સુહાની એટલું જ અંતર રાખવા મથામણ કરી રહી છે...

સુહાની : " મમ્મી હું થોડું કામ પતાવીને આવું છું..."

વીણાબેન : "હવે શું કામ કરીશ ?? કેમ તું મારી સાથે આવી રીતે વર્તન કરે છે બેટા ?? આપણાં સંબંધોમાં આટલી ખાઈ કેમ આવી ગઈ છે અચાનક ?? હું તારી મા છું મને તારી ચિંતા નહીં થતી હોય ?? "

સુહાની : " મમ્મી તમને ચિંતા થાય છે શું કામ એકાદ બે મહિને કોઈને કોઈ રીતે ગતકડું રચીને મને છોકરાઓ બતાવ્યાં કરો છો... હું સમજતી નથી ?? તમે મારી ખુશીને લાગણીઓને સમજવાનું જ બંધ કરી દીધું છે..."

વીણાબેન : " બેટા એવું નથી...અમે તો તારું ભવિષ્ય...."

સુહાની : " મારું ભવિષ્ય સમર્થ છે તમને ખબર છે ને ?? "

વીણાબેન : " પણ એ તો હવે..." કહેતાં વીણાબેન ની આંખો ભરાઈ આવી. સુહાની વીણાબેનને જઈને ભેટી પડી.

વીણાબેન આંસુ ભરેલી આંખે આકાશ તરફ મીટ માંડીને બોલ્યાં, " પ્રભુ તું તો સર્વશક્તિમાન છે બધું જ જાણે છે...તો શા માટે આટલો રૂઠી ગયો છે... તું ધારત તો એ દોઢ વર્ષ પહેલાંનાં સમયને મુઠ્ઠીમાં કેદ કરી શકત !! મને ખબર છે આ ભાન ભૂલેલા માનવીને સાચાં રસ્તે લાવવાં આ બધું જરૂરી હતું... એમાં તે દેવદૂત જેવાં મારાં સમર્થ સાથે શું કામ આવું કર્યું ?? તને આ મારી ફુલ જેવી દીકરીનાં આંસુ નથી દેખાતાં ?? પાગલ બનીને કાગડોળે દીકરાની રાહ જોતી માતાનાં આંસુ નથી દેખાતાં ?? તું કેમ આટલો બેરહેમ અને કંઈ સાંભળતો જ ન હોય એવું વર્તન કરી રહ્યો છે....."

સુહાની : " મમ્મી તું કાનાને કંઈ ના કહે. એ તો પહેલેથી જ નટખટ છે...એણે જ સમર્થને ક્યાંક છુપાવી દીધો હશે...કોઈ નહીં શોધી શકે તો એ ચોક્કસ શોધી કાઢશે...એણે મારાં સમર્થને લાવવો જ પડશે..."

ત્યાં જ બૂટનો અવાજ આવતાં જ જાણે સજાગ થઈને મા દીકરી બધું ભૂલીને આંસુને લૂછીને હસી મજાક કરવાનો ડોળ કરવા લાગ્યાં.

અંદર આવીને અશોકભાઈ બોલ્યાં, " રોજ રોજ હવે તમારા નાટકની પણ ખબર પડી ગઈ છે... ક્યાં સુધી આ બનાવટી નાટક કરશો બેય મા દીકરી... ડાયલોગ પણ ગોખાઈ ગયાં છે.."

સુહાની : " પણ પપ્પા..."

અશોકભાઈ : " જ્યાં સુધી મારી સુહાનીને એનું હસતું રમતું જીવન પાછું નહીં મળે ત્યાં સુધી મને કંઈ થવાનું નથી... ચિંતા ન કરો..."

વીણાબેન : " પણ એ તો...."

અશોકભાઈ : "ચાલો વાતો પછી કરીશું... બહું ભુખ લાગી છે જમવા બેસીએ પેટમાં ઉંદરડા દોડી રહ્યાં છે..." કહીને વાતાવરણને હળવું બનાવી દીધું...

શું હશે સુહાની અને સમર્થની કહાની ?? સવિતાબેનની આવી સ્થિતિ શેનાં કારણે થઈ હશે ?? દોઢ વર્ષ પહેલાં એવું શું બન્યું હશે જેણે બધાંની જિંદગી બદલી નાખી ?? ઘણાં સવાલોનાં ઘણાં જવાબોને રહસ્ય, રોમાંચ, રોમાન્સ સાથે માણતાં રહો, પગરવ - ૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....