Yog-Viyog - 19 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 19

Featured Books
Categories
Share

યોગ-વિયોગ - 19

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૧૯

વૈભવી પોતાના બેડરૂમમાં પડખાં બદલી રહી હતી. અભયે આજે જે કર્યું હતું એ પછી એના માટે આ ઘરમાં કોઈને પણ મોઢું બતાવવું શક્ય નહોતું. અભયે જાહેરમાં તમાચો માર્યો હતો એને, અને એ પણ વસુમાની હાજરીમાં ! પોતાનું વર્ચસ્વ આ ઘરમાં જમાવવા માટે પરણીને આવી એ દિવસથી વૈભવી ઝઝૂમી રહી હતી. એનો પૈસો, એની સુંદરતા કે એની બુદ્ધિ કશુંયે કામ નહોતું લાગ્યું હજુ સુધી. આ ઘર વસુમાનું હતું અને એમના બધા જ દીકરાઓ- વૈભવીનો પતિ સુદ્ધા- આજની તારીખ સુધી એમનો પડ્યો બોલ ઝીલતા હતા.

પોણા બે થવા આવ્યા હતા. પોણા અગિયાર- અગિયાર વાગ્યાનો ગયેલો અભય હજી ઘરે નહોતો આવ્યો અને આજે વૈભવીનું અભિમાન એને ફોન કરતા પણ રોકી રહ્યું હતું.

‘‘ક્યાં ગયો હશે... બેઠો હશે કોઈ બારમાં ઢીંચતો.’’ વૈભવીને ઊંઘવાની કોશિશ કરવા માંડી. એને કોઈ રીતે ઊંઘ નહોતી આવતી. અભય પાછો આવે એટલે ફરી ઝઘડો માંડવો હતો એને. આટલાં વર્ષોની એની જૂની આદત હતી. અભય જો ઝઘડો અધૂરો મૂકીને બહાર જતો રહે, એ સામાન્ય રીતે એમ જ કરતો... તો વૈભવી એના પાછા આવવા સુધી રાહ જોતી. રાતના બે-ત્રણ, સવારે ચાર- વૈભવીને સમયની કોઈ પરવા નહોતી. અભય જેવો ઓરડામાં દાખલ થાય કે તરત જ જ્યાંથી એ અધૂરો મૂકીને ગયો હોય ત્યાંથી જ પીક-અપ કરતી વૈભવી !

‘‘હું થાકી ગયો છું- એ બાઈથી અને એના સ્વભાવથી. શું કરું કહે! એને છોડી પણ શકું એમ નથી. મારી દીકરી સોળ વર્ષની છે પ્રિયા, એનાં લગ્ન થશે કાલે ઊઠીને, મારી નોકરી, મારો ધંધો- બધામાં એ બાઈ સાપની જેમ ફેણ ફેલાવીને બેઠી છે. બહુ મુશ્કેલ થશે એનાથી છૂટા પડવું.’’

‘‘હું ક્યાં છૂટા પડવાનું કહું છું.’’ પ્રિયાની આંખોમાં આંસુ હતાં.

‘‘તું નથી કહેતી, હું કહું છું. એક પળ નથી રહેવું મારે એની સાથે. એનો શબ્દેશબ્દ દઝાડે છે મને. નાની નાની વાતમાં એની ચાલાકીથી હવે મને નફરત થવા લાગી છે... એ જેમ કહે એમ કરું છું. એને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું. મનથી,’’ ને પછી ઊંડો નિઃશ્વાસ નાખીને ઉમેર્યું, ‘‘મારી ઇચ્છા ના હોય છતાં તનથી પણ... શું કરું તો એ શાંતિથી રહે અને રહેવા એ સમજાતું નથી.’’

‘‘અભય, તમારે એના પર હાથ ઉપાડવાની જરૂર નહોતી.’’

‘‘માણસમાં ધીરજની પણ હદ હોય છે પ્રિયા, મારે હાથ ઉપાડવો નહોતો, મારાથી ઊપડી ગયો. બાકી હું કંઈ જાનવર નથી. મારી માને તો હજુ ખબર જ નથી. એને ખબર પડશે તો કેટલો પ્રોબ્લેમ થશે, કોને ખબર...’’

‘‘અભય, મેં બહુ વિચારી જોયું. તમે અગિયાર વાગ્યે આવ્યા ત્યારથી શરૂ કરીને હમણાં સુધી હું તમારી વાત પર જ વિચારી રહી હતી. મને લાગે છે તમારી વાત સાચી છે. અત્યારના સંજોગોમાં બાળકની જવાબદારી તમને અને મને બંનેને તકલીફ કરશે.’’

‘‘સ્વીટહાર્ટ, છતાંય તું જે નક્કી કરે એ. હું તારી સાથે જ છું. કાલે સવારે હું આવીશ તારી સાથે ડોક્ટર પારેખના ક્લિનિકમાં.’’

પ્રિયા એક ક્ષણ જોઈ રહી અભયની સામે, પછી એને વળગી પડી. એના ગળામાં હાથ નાખીને એની છાતીમાં માથું નાખી દીધું અને એકદમ ધીમેથી કહ્યું, ‘‘આઈ લવ યુ અભય, આઈ રિયલી લવ યુ...’’

‘‘આઈ લવ યુ ટૂ પ્રિયા...’’ પ્રિયાના વાળમાં આંગળીઓ ફેરવતા શૂન્યમાં જોઈને અભયે કહ્યું, ‘‘કોણ જાણે મારાથી આવું કેવી રીતે થઈ ગયું ? આઈ એમ સોરી પ્રિયા, મને માફ કરી દે.’’

‘‘બસ અભય બસ, હવે માફી નહીં માગતા, નહીં તો હું રડી પડીશ.’’ પ્રિયાએ કહ્યું, અને અભયની છાતીમાં માથું નાખી એની પીઠ ઉપર હાથ ફેરવતી રહી, ‘‘હું સમજી શકું છું તમારું ટેન્શન... મારે પણ હરિદ્વાર ફોન નહોતો જ કરવો જોઈતો. બે દિવસ રાહ જોઈ હોત તો શું ખાટુંમોળું થઈ જવાનું હતું અભય ? આઈ એમ સોરી...’’

બંને જણા એકબીજાની માફી માગતાં રહ્યાં અને વહાલ કરતાં રહ્યાં. બીજા દિવસે સવારે પ્રિયાએ ડોક્ટર પારેખને ત્યાં જવાનું હતું. અભયે સાથે આવવાનું તો કહ્યું પણ પ્રિયાને એ નહોતું સમજાતું કે હવે એ અંજલિને કઈ રીતે ટાળે ? અથવા અભયને કઈ રીતે કે એની જ બહેન આ વાત જાણે છે અને એની સાથે ક્લિનિક આવવા તૈયાર થઈ છે. અવઢવ અને અસમંજસમાં પ્રિયાએ અભયને કશું ના કહ્યું. આખરે રાત્રે પોણા બે વાગ્યે પ્રિયાએ અભયને કહ્યું, ‘‘તમારે જવું નથી ?’’

અભયે પ્રિયાના ચિબુક ઉપર એક ચુંબન કરીને પૂછ્‌યું, ‘‘કેમ, થાકી ગઈ મારાથી ?’’

પ્રિયાએ અભયને લપેટી લીધો પોતાના હાથમાં અને કહ્યું, ‘‘જીવનભર અહીંયા રહો અભય, હું ક્યારેય તમારાથી નહીં થાકું, પણ હું નથી ઇચ્છતી કે ઝઘડો આગળ ચાલે.’’

‘‘ઝઘડો તો આગળ ચાલશે જ પ્રિયા, નથી જાણતી તું ? હું ગમે તેટલા વાગ્યે ઘેર જઈશ, એ ઝઘડો પૂરો કર્યા વિના ઊંઘશે નહીં. એટલે જ વિચારું છું કે જઈને એને જે કહેવું હોય એ સાંભળી લઉં તો ચાર-પાંચ કલાકની ઊંઘ મળે. જો બહુ મોડો જઈશ તો મા ઊઠશે તો અમારા ઓરડામાં ચાલતી આર્ગ્યુમેન્ટ એમના કાન સુધી પહોંચશે...’’

‘‘એટલે જ કહું છું, તમે નીકળો.’’ અને પછી જરા હોંશિયારીથી અભયને તકલીફ ન પડે એ રીતે એણે કહ્યું, ‘‘સવારની ચિંતા નહીં કરતા, હું મેનેજ કરી લઈશ.’’

‘‘અરે, એમ સાવ એકલી થોડી મોકલાય તને ? મારામાં િંહમત છે મેં જે કર્યું છે એ માટેની જવાબદારી લેવાની. ’’

‘‘હું એકલી નથી અભય.’’ પ્રિયાને ખબર હતી આના પછીનું વાક્ય બોમ્બશેલની પાછળ ફૂટવાનું છે, ‘‘અંજલિ આવવાની છે મારી સાથે.’’

રિલેક્સ થઈને સૂતેલો અભય વીજળીનો કરંટ લાગ્યો હોય એમ બેઠો થઈ ગયો, ‘‘શીટ... અંજલિ ક્યાંથી આવી આખી વાતમાં ?’’

‘‘હું... આઈ મીન ડોક્ટર પારેખને ત્યાં અમે ભેગાં થઈ ગયાં...’’

‘‘શ ું ? શું ? જાણે છે એ ?’’

‘‘ડોન્ટ વરી, મેં એને કંઈ નથી કહ્યું.’’

‘‘હે ઈશ્વર, આ શું થવા બેઠું છે ? ચારે તરફથી જાણે મુસીબતોનો પહાડ તૂટ્યો છે. અંજલિ મારી માને કીધા વિના રહેશે નહીં અને મારી મા બે ને બે ચાર કરી લેશે.’’

‘‘યુ મીન, વસુ આન્ટી આ બધું...’’

‘‘જાણતી નથી, પણ એની નજરની બહારેય નહીં હોય પ્રિયા ! મારી માથી ચતુર સ્ત્રી મેં બીજી જોઈ નથી. એ મને પૂછશે નહીં, પણ મારાથી એમની આંખોનો સામનો નહીં કરાય. શીટ... પ્રિયા, શીટ...’’

‘‘આઈ એમ સોરી ડાર્લિંગ, આઈ એમ રિયલી સોરી...’’ પ્રિયા અભયને ગળે વળગીને એને મનાવવાનો પ્રયાસ કરી રહી હતી, પણ અભયને તો જાણે પગ નીચેની જમીન નીકળી રહી હતી. એક તરફથી સૂર્યકાંત મહેતાના મુંબઈમાં હોવાના સમાચાર વૈભવી તરફથી આવ્યા, બીજી તરફ એમનું શ્રાદ્ધ કરીને આવેલી મા, ત્રીજી તરફ પ્રિયાની પ્રેગનન્સી અને ચોથી તરફ વૈભવીનું ઘવાયેલું અભિમાન. ચારે તરફથી ઘેરાયેલો અભય ખરેખર અકળાઈ ઊઠ્યો. પ્રિયાને હવે કશું કહેવાનો અર્થ નહોતો. એણે ઊઠીને શૂઝ પહેરવા માંડ્યા. પ્રિયાનું મોઢું પડી ગયું હતું. એ જાણતી હતી કે આ વાત અભયને કેટલું મોટું નુકસાન કરશે, એની પાસે પણ કોઈ રસ્તો નહોતો. એને આટલા મોટા નુકસાનનો અંદાજ આજે સવાર સુધી નહોતો, પણ હવે તીર કમાનથી નીકળી ચૂક્યું હતું...

‘‘જેવી એનેસ્થેસિયાની અસર ઊતરે કે તરત મને ફોન કરજે.’’

‘‘હા...’’ પ્રિયાનો અવાજ રડમસ હતો અને ફરી એક વાર એણે સાવ મૂરઝાયેલા અવાજે અભયને કહ્યું, ‘‘આઈ એમ રિયલી સોરી ડાર્લ્રિંગ...’’

‘‘નોટ અ પ્રોબ્લેમ...’’ અભયે પ્રિયાના માથા પર હાથ ફેરવ્યો, ‘‘ટેક કેર, આઈ લવ યુ.’’ અને ફ્લેટનો દરવાજો ખોલી સડસડાટ નીચે ઊતરી ગયો. પ્રિયા ત્યાં જ સોફ પર ધબ દઈને બેસી પડી, ‘‘હવે ? હવે શું થશે ?’’ પ્રિયાનું મન ચકરાવે ચડી ગયું.

‘‘ટ્રીન... ટ્રીન....’’

બેમાં પાંચ.

શ્રીજી વિલાના ફોનની ઘંટડી રણકી રહી હતી.

વસુમાને ખબર નહીં, ખાતરી હતી કે આ ફોન કોનો હોઈ શકે. એમણે એમના કાના સામે જોયું. એક સ્મિત કર્યું અને ઓરડાના દરવાજા ઉઘાડી ફોન ઉપાડવા આગળ વધ્યાં.

વસુમા ફોન ઉપાડવા આગળ વધ્યાં ત્યારે એમનું હૃદય જાણે એમને પૂછી રહ્યું હતું, ‘‘વસુ, તું જાણે છે આ ફોન કોનો છે. શું કહીશ એને ? તેં જે કર્યું છે એને વિશે ખુલાસો માગશે તો આપી શકીશ ? કોને પૂછીને આમ પૂરો કરી નાખ્યો સંબંધ ? એવું પૂછશે તને કે પચીસ વર્ષ રાહ જોયા પછી માત્ર અડતાળીસ જ કલાકનો સમય ? તો શું કહીશ?...’’

પણ એમના મનમાં સાથે જ એક બીજી સ્પષ્ટતા પણ હતી જ. ‘‘એ જે પૂછશે એનો જવાબ આપીશ... મારા મને જેમ કહ્યું એમ કર્યું છે મેં... મારા ઈશ્વરની પરવાનગી લીધી છે...’’

પોતાના ઓરડામાંથી માત્ર ટેલિફોન સુધી પહોંચવાનાં પંદર-વીસ ડગલાંમાં કંઈ કેટલાય વિચાર આવ્યા અને ભૂંસાઈ ગયા વસુમાના મનમાં...

જાનકીના ઓરડામાં ટેલિફોનની ઘંટડી સાંભળીને અજય ઊભો થવા જતો હતો, પણ જાનકીએ એનો હાથ પકડીને રોક્યો.

‘‘કેમ ?’’ અજયને નવાઈ લાગી.

‘‘શું કેમ ? પપ્પાજીનો ફોન છે.’’

‘‘તને કેવી રીતે ખબર ?’’

‘‘હું પણ પત્ની છું... સ્ત્રી છું અને પપ્પાજીનો નહીં, પણ પુરુષનો સ્વભાવ ઓળખું છું.’’ અજયે જાનકીને ખેંચીને પડખામાં લીધી અને એના ખભે માથું મૂકી, એના શરીરની આસપાસ હાથ લપેટી ફરી ઊંઘવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

જોકે, અજય કે જાનકી બેમાંથી કોઈનેય હવે ઊંઘ ક્યાં આવવાની હતી ?

અજયના બાહુપાશમાં લપટાઈને સૂતેલી જાનકીએ ઈશ્વરને મનોમન પ્રાર્થના કરી, ‘‘હે ઈશ્વર, મા અને પપ્પાજી વચ્ચે પહેલો જ સંવાદ એટલો સુંદર થાય કે પચીસ વર્ષનો સમય પલક ઝપકતાં ભૂસાઈ જાય.’’

વૈભવીનું મગજ ચકરાવે ચડ્યું હતું. અભયે એનું કરેલું અપમાન કોઈ રીતે ભુલાતું નહોતું. ઊંઘ આવવાનો તો સવાલ જ નહોતો. ઊલટાનું આવતી કાલે સવારે સૂર્યકાંત મહેતા ઘરમાં આવે ત્યારે શું કરવાથી આ અપમાનનો બદલો લઈ શકાય એની ગણતરીઓમાં વૈભવી પડખાં ઘસતી હતી. વૈભવીએ પોતાના ઓરડામાં પડખાં ઘસતાં ફોનની ઘંટડી સાંભળી. અભય જે રીતે ગયો હતો એ રીતે એને ફાળ પડી. એ ઊભી થઈને પોતાના રૂમની બહાર નીકળી... પેસેજમાં આવીને ઉપર જ ઊભી રહી. એણે લાકડાની રેલિંગ પરથી ઝૂકીને નીચે જોયું. અંધારું હતું. એક નાનો નાઇટલેમ્પ ચાલુ હતો.

‘‘હલ્લો...’’ વસુમાએ ફોન ઉપાડ્યો હતો.

કાનથી શરૂ કરીને સૂર્યકાંત મહેતાના આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. એ જ રણકતો અવાજ, એ જ ભાષાની મીઠાશ, એ જ ઉચ્ચારોની શુદ્ધતા... ‘‘એટલી જ સુંદર દેખાતી હશે વસુ ? કે ઉંમરે આંકા પાડ્યા હશે એના ચહેરા ઉપર ?’’

‘‘હલ્લો...’’ વસુમાએ ફરી કહ્યું. સૂર્યકાંત મહેતાની જાણે જીભ ઊપડતી જ નહોતી. એમને બોલવું હતું, કહેવું હતું, પણ જાણે અવાજ થીજી ગયો હતો. એક અક્ષર ગળામાં બહાર જ નહોતો નીકળતો. એ ફોન પકડીને એમ જ ઊભા હતા- સ્થિર, ચૂપચાપ, આંખ બંધ કરીને. જાણે આજથી પચીસ વર્ષ પહેલાંની વસુંધરા એમની સામે ઊભી રહીને એમને વીનવતી હતી... ‘‘બોલો, કંઈક તો બોલો...’’

એ જ વખતે એમના કાનમાં ફરી એ જ રણકતી ઘંટડી જેવો અવાજ રેડાયો, ‘‘બોલો કાંત, હું સાંભળું છું...’’

‘‘તો એને ખબર છે કે આ મારો ફોન છે. ’’ એમનું પતિપણું પોરસાયું, ‘‘મારા ફોનની રાહ જોતી હતી એમ ને ?’’ છતાંય એ કશું બોલી શક્યા નહીં.

‘‘પચીસ વર્ષે તમારા શ્વાસનો લય સાંભળી શકું છું કાંત, રોકો નહીં જાતને... બોલો !’’

સૂર્યકાંત મહેતાને જઈને વસુંધરાને ભેટી પડવાનું મન થયું. આ સ્ત્રી! એમની પત્ની, જાણે પુસ્તકની જેમ વાંચતી હતી એમને... એમના શ્વાસના લય પરથી એમના મનનો અવઢવ સમજી શકતી હતી. આવી સ્ત્રી - આવી અદભુત સ્ત્રીથી પચીસ વર્ષ દૂર કેવી રીતે રહી શક્યા પોતે? સૂર્યકાંત મહેતા એક ઝટકામાં જાણે પચીસ વર્ષ પાછળ જવા માગતા હતા. ‘‘બધો ભૂતકાળ ભૂંસાઈ જાય, ફરી એક વાર એક કોરી પાટી મળે મને, અને સંબંધોના ગણિતનો દાખલો ફરી એક વાર ગણી શકાય તો કેવું ?’’ એમના મનમાં વિચાર આવ્યો, આંખો ભીની થઈ ગઈ. એમણે ગળું ખોંખાર્યું... અને માંડ કહ્યું, ‘‘વસુ...હજી જાગે છે ?’’

‘‘હું સૂતી જ ક્યાં છું તમારા ગયા પછી ? કેટલી રાતો ઉઘાડી આંખે જ ઊંઘી છું...’’

‘‘બહુ તકલીફ આપી મેં તને.’’

‘‘સમયે ! કાંત, આપણે બેઉ સમયનો માર ખાતા હતા, પણ નિયતિના એ ઝંઝાવાત સામે હાથમાં હાથ પકડી રાખ્યો હોત તો...’’

‘‘હા ! હું જ ભાગી નીકળ્યો. ઊભો ન રહી શક્યો મુશ્કેલીઓ સામે... ગુનેગાર છું તારો.’’

‘‘ના રે...’’ સૂર્યકાંતને હતું કે વસુ રડી પડશે, ફરિયાદ કરશે. આટલાં વર્ષોના દિવસોનું રોકી રાખેલું રૂદન છાતી ફાડીને વહી નીકળશે, પણ એમના આશ્ચર્ય સાથે વસુમાના અવાજમાં ગજબની સ્થિરતા હતી. ‘‘ગુનેગાર કોણ અને કોનું ? તમારા મને જેમ કહ્યું એમ તમે કર્યું અને મારા મને જેમ કહ્યું એમ હું કરતી રહી... જૂની વાતો યાદ કરવાનો સમય નથી હવે. તમે આવ્યા છો એ વાત જ પૂરતી છે છોકરાંઓ માટે.’’

હિંમત કરીને સૂર્યકાંતે પૂછી નાખ્યું, ‘‘ને તારા માટે ?’’

બે-ચાર ક્ષણો એમ જ શાંત અને છતાં ભયાનક વજન સાથે પસાર થઈ ગઈ. પછી જાણે આંખો મીંચીને કશુંક વસુમાએ થૂંકની સાથે છાતીમાં ઉતારી દીધું, ‘‘કાંત, હું તમારા જ ફોનની રાહ જોતી હતી. આવતી કાલે સવારે આવો છો ને ?’’

‘‘હં ?! ?!’’ હવે સવાલ પૂછાયો હતો અને જવાબ આપ્યા વિના સૂર્યકાંત મહેતાનો છૂટકો નહોતો, ‘‘હા, હા, આવું છું.’’

‘‘ભલે તો, સવારે મળીએ.’’ વસુમાએ કહ્યું.

‘‘હેં ? હા...’’ સૂર્યકાંત જાણે આગળ શું કહેવું તે સમજી જ શક્યા નહીં.

‘‘જય શ્રી કૃષ્ણ...’’

‘‘જય શ્રી કૃષ્ણ...’’ સૂર્યકાંત મહેતા હજીયે ફોન પકડીને ઊભા હતા અને સામે છેડે ફોન મુકાઈ ગયો હતો.

ફોન મૂકીને વસુમાએ જોયું તો ઘરના દરવાજે અભય ઊભો હતો. અભય અને વૈભવી પાસે ઘરના મુખ્ય દરવાજાની ચાવી રહેતી. એમના રાતે પાછા ફરવાના સમય ભાગ્યે જ નિશ્ચિત હતા. એટલે ઘરના બીજા સભ્યોની ઊંઘ ના બગડે એટલા માટે એમની ચાવી એમની પાસે રહેતી. અભય દરવાજો ખોલીને અંદર આવ્યો હતો અને વસુમાને ફોન પર વાત કરતાં જોઈ રહ્યો હતો. વૈભવી ઉપર ઊભી હતી, એટલે એણે અભયને આવતો જોયો, પણ વસુમાની પીઠ મુખ્ય દરવાજા તરફ હતી અને સમગ્ર ધ્યાન કદાચ ફોનમાં, એટલે મુખ્ય દરવાજો ખૂલવાનો હળવો અવાજ એ સાંભળી શક્યાં નહીં... પણ વૈભવી એટલું તો સમજી જ શકી કે ફોન સૂર્યકાંત મહેતાનો હતો. વસુમાએ અભયની સામે જોયું, એવી રીતે જાણે પૂછતા હોય કે અત્યાર સુધી ક્યાં હતો ?

‘‘અ..બ.. એક કામ હતું, એટલે બહાર ગયો હતો.’’ અભયે જાણે વગર પૂછ્‌યે જ જવાબ આપી દીધો અને પછી એક ક્ષણ પણ વસુમાની આંખમાં આંખ નાખવી ના પડે એટલે સડસડાટ પગથિયા ચડીને ઉપર ચાલી ગયો. પેસેજમાં જ એણે વૈભવીને ઊભેલી જોઈ છતાં એ સીધો પોતાના રૂમમાં જતો રહ્યો. વૈભવીએ અભયને બાવડાથી પકડવાનો પ્રયત્ન કર્યો, અભયે હાથ છોડાવી દીધો... વૈભવીએ ચીડમાં જોરથી કહ્યું, ‘‘સાહેબ અડધી રાતે રખડીને ઘેર પધાર્યા છે... એવું તે કયું કામ હોય જે રાતે અગિયારથી બેમાં જ થાય ?’’ નીચે ઊભેલાં વસુમાએ એક વાર પણ ઉપર જોયા વગર ફરીને પોતાના ઓરડા તરફ જવા માંડ્યું...

અભયને સંભળાય એટલા મોટા અવાજે વૈભવીએ વસુમાને સંબોધીને કહ્યું, ‘‘આ સુખડનો હાર સવાર પહેલાં ઉતારી લેજો, બાકી આપણા બધાયની અક્કલ એ હારની જોડે પ્રદર્શનમાં મુકાશે.’’

વસુમાએ જાણે કશું સાંભળ્યું જ નથી એમ પોતાના ઓરડા તરફ આગળ વધી ગયાં.

અને, વૈભવી મનોમન ગાંઠ વાળીને પોતાના રૂમમાં દાખલ થઈ. અભય ડ્રેસિંગ એરિયામાં કપડાં બદલી રહ્યો હતો. એણે બારણું આડું કર્યું હતું. વૈભવીએ પગની લાતથી બારણું ખોલ્યું.

‘‘ક્યાં હતા અત્યાર સુધી ?’’

‘‘બહાર.’’

‘‘કોની સાથે ?’’

‘‘તું નથી ઓળખતી. એક બિઝનેસ અસોસિયેટ છે.’’ અને ડ્રેસિંગ રૂમના બારણાની વચોવચ ઊભેલી વૈભવીને હાથથી ખસેડીને પલંગ તરફ આગળ વધ્યો. વૈભવી દોડી અને અભયને કોલરમાંથી પકડી લીધો. ‘‘ક્યાં જાવ છો ?’’

અભય હસી પડ્યો, ‘‘રાતે બે વાગ્યે નાઇટશૂટ પહેરીને માણસ ક્યાં જાય ? સૂવા જાઉં છું...’’

‘‘હું સૂવા નહીં દઉં. બેદિવસે આવ્યા છો... તમારા પિતાની પચીસ વર્ષે ખબર મળી છે. મારી સાથે વાત પણ નહીં કરો ?’’ વૈભવીએ રંગ બદલ્યો.

‘‘જો, મને ઊંઘ આવે છે. જે વાત કરવાની હતી એ હું આવ્યો કે તરત પતી ગયા. હવે શું વાત કરવાની ?’’ પોતાના ગળામાં નાખેલા વૈભવીના હાથ કાઢીને અભય આડો પડ્યો.

વૈભવીએ અભયને ફરી કોલરમાંથી પકડી લીધો અને હચમચાવી નાખ્યો. ‘‘અભય, તમારે માફી માગવી પડશે.’’

અભયે ખૂબ શાંતિથી એના હાથ કોલરમાંથી છોડાવ્યા, ‘‘માગત, જો તેં મને થપ્પડ ના મારી હોત. હવે હિસાબ બરાબર થઈ ગયો વૈભવી, ન તારે મારી માફી માગવાની, ન મારે તારી...’’

‘‘તમે મને જાહેરમાં થપ્પડ મારી છે.’’

ફરી હસી પડ્યો અભય, ‘‘ને તેં પણ...સૂઈ જા વૈભવી ને મને પણ સૂવા દે. હું થાક્યો છું. ’’

‘‘મારાથી ?’’ વૈભવીએ પૂછ્‌યું અને અભયના હોઠ પર આંગળી ફેરવી.

‘‘એવું મેં કહ્યું નથી.’’ અભયે વૈભવીની આંગળી ખસેડી નાખી અને પડખું ફેરવીને સૂવાની કોશિશ કરવા માંડ્યો. વૈભવીએ પડખું ફરીને સૂતેલા અભયની ઉપર પગ નાખ્યો, ગળામાં હાથ નાખ્યો. એકદમ એને ચંપાઈને સૂતી અને એના ખભા પર, ગળા પર હોઠ ફેરવવા માંડી. ગળામાં નાખેલો હાથ આગળ લઈ જઈને એણે અભયના નાઈટશૂટના શર્ટના બે બટન ખોલી નાખ્યા અને એની છાતી પર હાથ ફેરવવા માંડ્યો.

અભય શાંત, સ્વસ્થ પડી રહ્યો. એ જાણતો હતો કે આ હાથ કાઢી નાખવાથી વૈભવી વધુ ગુસ્સે થશે... થોડી વાર એ હાથ એમ જ ફરતો રહ્યો અને પછી વૈભવીએ અભયના ખભાને ખેંચીને એને ચત્તો કરી નાખ્યો. લગભગ એની ઉપર સૂઈ ગઈ અને એના ગળામાં, એની છાતી પર, એની કાનની બૂટ પર ચુંબન કરવા લાગી...

‘‘વૈભવી, રાતના બે વાગ્યા છે.’’ અભયે કહ્યું અને એને સહેજ ખસેડવાની કોશિશ કરી.

‘‘કેમ જાણે કોઈ વાર રાતના બે વાગે મને પ્રેમ કર્યો જ નથી તમે... કેટલા મિસ કર્યા તમને, ખબર છે ? ફોન પણ બંધ કરી દીધો હતો...’’ વૈભવીના હોઠ, એના હાથ અભયના પુરુષત્વને જગાડવાની કોશિશ કરી રહ્યા હતા.

‘‘ત્યારની વાત જુદી હતી. હવે મારી ઉંમર થઈ છે.’’ અભયે કહ્યું અને પડખું ફરવાની કોશિશ કરી, પણ વૈભવીએ એના ખભાને પકડી રાખ્યો હતો... ‘‘અભય, પ્લીઝ ! મારી ભૂલ થઈ ગઈ. મને ગુસ્સો આવી ગયો. આઈ એમ સોરી...’’ વૈભવીના હાથ હજીયે અભયના શરીર ઉપર ફરી રહ્યા હતા.

‘‘ઇટ્‌સ ઓ.કે. વૈભવી, આપણે કાલે વાત કરીશું.’’

‘‘ભલે, વાત કાલે કરીશું, પણ અત્યારે વહાલ તો કરો.’’

‘‘હું ડિસ્ટર્બ છું વૈભવી...’’

‘‘કે પછી બહારથી ધરાઈને આવ્યા છો ?’’

‘‘વૈભવી, પ્લીઝ ! મારે અત્યારે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી.’’

‘‘ઓ.કે. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, માત્ર પ્રેમ ! અભય ! મને પ્રેમ કરો, બાકી તમને સૂવા નહીં દઉં.’’ વૈભવીએ કહ્યું અને અભયના નાઇટશૂટના શર્ટના બીજાં બે બટન ખોલ્યાં...

‘‘ઓ.કે.’’ અભયે કહ્યું અને મશીનની જેમ નાઇટશૂટનું શર્ટ કાઢીને મૂકી દીધું.

એ પછીની પળો એ ઓરડામાં બે શરીરો વચ્ચે બંધાયેલો એક એવો સંબંધ હતો જેમાં એક શરીર પોતાની જીદ પર મુસ્તાક હતું અને બીજું માત્ર મશીનની જેમ પોતાની ફરજ બજાવી રહ્યું હતું...

એ સમયે જો વૈભવીની આંખો ખૂલી હોત તો કદાચ એને અભયની ભીની આંખો દેખાઈ હોત, પણ એને એ આંખોની ભીનાશ જોવાની ફુરસદ આટલાં વર્ષોમાં ક્યારેય નહોતી મળી, તો આજે ક્યાંથી મળે ?

સંતોષથી આંખ મીંચીને ચત્તીપાટ સૂતેલી વૈભવી ઉપરથી ખસીને જ્યારે અભય પડખું ફરીને સૂતો ત્યારે અભયે પોતાની ભીની આંખો લૂછી કાઢી અને મનોમન પ્રિયાના ચહેરા પર હાથ ફેરવી લીધો.

સવારે ઊઠીને છાપું વાંચી રહેલા સૂર્યકાંતની પાછળ જઈને ગળામાં હાથ નાખી ગાલ ઉપર એક ચૂમી કરતાં લક્ષ્મીએ કહ્યું, ‘‘ગુડ મોર્નિંગ ડેડી !’’

‘‘ગુડ મોર્નિંગ માય લવ !’’ સૂર્યકાંતે હાથ પકડીને લક્ષ્મીને આગળ કરી અને પોતાના ખોળામાં બેસાડી.

‘‘ડેડી, આ શું કરો છો ?’’

‘‘મારી ઢીંગલીને વહાલ કરું છું, કેમ ?’’ સૂર્યકાંતે લક્ષ્મીના વાળમાં હાથ ફેરવ્યો. એના કપાળ પર, ગાલ પર હળવેકથી હાથ ફેરવતાં એકદમ સભર નજરથી આ જોઈ રહ્યા, ‘‘માય ડોલ...’’

‘‘ડેડી ! હવે હું મોટી થઈ ગઈ છું.’’ લક્ષ્મી સહેજ શરમાઈ.

‘‘એવું ગઈ કાલે પેલા છોકરાએ શીખવાડ્યું કે ?’’ સૂર્યકાંતે મજાક કરી. લક્ષ્મી વધુ શરમાઈ. એણે સૂર્યકાંતને બાથ ભરીને એમની છાતીમાં મોઢું સંતાડી દીધું અને લાડભર્યા અવાજે કહ્યું, ‘‘ડેડી...’’

‘‘ગમે છે તને ?’’ સૂર્યકાંતે પૂછ્‌યું.

લક્ષ્મી સીધી થઈ ગઈ. એણે સૂર્યકાંતની આંખોમાં જોયું, ‘‘ઇટ ઇઝ ટૂ અર્લી ડેડી, અઘરું છે હમણાંથી કંઈ પણ કહેવું... સારો છોકરો છે, સમજદાર છે, મેચ્યોર છે, સારું કમાય છે, દુનિયા જોઈ છે, પણ...’’

‘‘તમારી નવી પેઢીની આ વાત મને બહું ગમે છે.બહુ નિખાલસ છો તમે બધા. તમારા ગમા-અણગમા ખાસ્સા સ્પષ્ટ છે.’’

‘‘જિંદગી જોડવાની છે ડેડી, જે માણસ સાથે આખી જિંદગી રહેવાનું હોય એને સમજવો તો પડે કે નહીં ?’’

‘‘વાહ બેટા ! સમજવો જ જોઈએ. નહીં તો જિંદગી ક્યાંની ક્યાંય ફંટાઈ જાય...’’ ઊંડો નિઃશ્વાસ નાખી સૂર્યકાંત મહેતાએ ઉમેર્યું, ‘‘મારી જેમ...’’

‘‘ડેડી, જૂની વાતો શું કામ યાદ કર્યા કરો છો ? ચાલો, તૈયાર થઈ જાવ, આપણે જવાનું છે.’’ લક્ષ્મીએ એમને ચિયર-અપ કરવાનો પ્રયત્ન કર્યો.

ફિક્કું હસ્યા સૂર્યકાંત મહેતા, ‘‘બેટા, મારામાં જો તારા જેટલી સ્પષ્ટતા અને હિંમત હોત તો બહુ બધી જિંદગીઓ બગડતા અટકી ગઈ હોત.’’

‘‘હું સમજી નહીં ડેડી.’’ લક્ષ્મીએ કહ્યું.

દીકરીને કહેવું કે નહીં એના નિર્ણય કરતાં સૂર્યકાંત મહેતા પળભર એની આંખોમાં જોઈ રહ્યા. પછી એણે લક્ષ્મીને છાતીસરસી લગાવી દીધી અને એના માથામાં હાથ ફેરવ્યો. સૂર્યમાં તાકતા જાણે ભૂતકાળના પુસ્તકનું કોઈ પાનું ઉઘાડતા હોય એમ સૂર્યકાંત મહેતાએ સાવ હળવા અવાજે કહ્યું, ‘‘મારે પણ લગ્નની ના પાડવી જોઈતી હતી.’’

લક્ષ્મી ઝટકા સાથે ઊઠી. એણે સૂર્યકાંત મહેતાની આંખમાં જોયું.

‘‘ડેડી ?!’’

‘‘હા બેટા, દેવશંકર મહેતા...’’

‘‘દાદાજી ?’’ આ રાખોડી આંખો અને સોનેરી વાળવાળી નખશીખ અમેરિકન દેખાતી છોકરી દેવશંકર મહેતાને દાદાજી કહી રહી હતી... સૂર્યકાંત મહેતાને એના ભોળપણ પર વહાલ આવી ગયું.

‘‘હા બેટા, દેવશંકર મહેતા જ્યારે વસુંધરા સાથે મારો વિવાહ કરીને આવ્યા ત્યારે મારે ના પાડવી જોઈતી હતી.’’

‘‘કેમ ડેડી ? તમને વસુ આન્ટી નહોતાં ગમતાં ?’’

‘‘મેં એને જોઈ’તી જ ક્યાં ? અમારા સમયમાં તો એકબીજાનો મળવાનો, જોવાનો જ રિવાજ જ નહોતો.’’

‘‘રિડિક્યુલસ...’’

‘‘બેટા, મા-બાપ નક્કી કરે એ જ લગ્ન... અને એ સમયમાં દેવશંકર મહેતાની જે પ્રતિષ્ઠા અને શાખ હતી, જે દબદબો હતો, જે માનમરતબો હતા એ પછી એમના નિર્ણય સામે અવાજ ઉઠાવવાનો અધિકાર કોઈનેય નહોતો...’’

‘‘પણ ડેડી, તમારે કેમ નહોતું પરણવું ?’’

‘‘બેટા...’’ સૂર્યકાંત મહેતા ખાસ્સી એવી ક્ષણો ચૂપ રહ્યા. એમના હાથ લક્ષ્મીના માથા પર ફરતા હતા, આંખો બંધ હતી અને નજર સામે જાણે ચાર દાયકા પહેલાંનો ભૂતકાળ ભડભડ સળગી રહ્યો હતો. શું કહેવું, કેમ કરીને શરૂ કરવું... કહેવું કે નહીં... સૂર્યકાંત મહેતાના મનમાં તાણાવાણા ગૂંચવાતા જતા હતા. એમની છાતી પર જ માથું રાખીને લક્ષ્મીએ હળવેકથી પૂછ્‌યું, ‘‘ડેડી, ડીડ યુ લવ સમ વન ? તમે કોઈ બીજાને પ્રેમ કરતા હતા ?’’

હજીયે બંધ આંખે લક્ષ્મીના હાથ પર વાળ ફેરવતા સૂર્યકાંતે જાણે જાતને જવાબ આપતા હોય એટલા ધીમા અવાજે કહ્યું, ‘‘પ્રેમ હતો કે નહીં એ ખબર નથી મને, પણ હા, એ મને ગમતી. એની સાથે જિંદગી જીવી શકાય તો કેવું એવા વિચાર આવતા મને...’’

‘‘ઓહ ડેડી !’’ લક્ષ્મીએ સૂર્યકાંતને બાથ ભરી લીધી.

‘‘વસુને પહેલી વાર જોઈ ત્યારે જાણે-અજાણે મનમાં એની સાથે સરખામણી થઈ ગઈ. બહુ ભણેલી છે વસુ... પોતાના જમાનામાં એમ.એ. ભણી છે. દેખાવડી પણ ખૂબ છે, પણ શહેરની છોકરી અને એમાંય નાટકની એક્ટ્રેસ... વસુ પાસે એ બધું નહોતું, જે યશોધરામાં હતું. ’’

‘‘એનું નામ યશોધરા હતું ડેડી ?’’

‘‘ના, નામ તો એનું હતું ચંદા, પણ યશોધરાના નામે નાટકો કરતી... ‘બાજ બહારદૂર - રૂપમતી’, ‘રંગરંગ વાદળિયાં’, ‘દુનિયા દો રંગી’ જેવાં કેટલાંય નાટકોમાં અભિનય કર્યો હતો એણે... ’’

‘‘તો ડેડી, તમે...’’ લક્ષ્મીએ અચકાતા, પણ પૂછી નાખ્યું, ‘‘દાદીજીને કહ્યું જ નહીં ?’’

‘‘કહેવાતું હશે ? દેવશંકરના મહેતાના ખાનદાનમાં નટી વહુ બનીને આવે ?’’ સૂર્યકાંત મહેતાના અવાજમાં કડવાશ ઊતરી આવી, ‘‘મારી માને કહ્યું હતું એક વાર... પણ દેવશંકર મહેતા સુધી એ વાત પહોંચાડવાની હિંમત કોઈનીય નહોતી...’’

‘‘પછી ?’’ લક્ષ્મીએ પૂછ્‌યું.

‘‘પછી શું દીકરા ?’’ સૂર્યકાંત મહેતા હસી પડ્યા, સાવ ખોખલું-પોલું, ‘‘પછી ધામધૂમથી લગ્ન થયાં મારાં. દેવશંકર મહેતાના બાળપણના મિત્ર અને અમારા કુળમંદિરના પૂજારીની દીકરી વસુંધરા જોડે...’’ એમણે માથું હલાવીને જાણે ભૂતકાળ ખંખેરી નાખ્યો અને પછી લક્ષ્મીના ખભા ઉપર હાથ થપથપાવ્યો, ‘‘ચાલ દીકરા, તૈયાર થઈ જા. શ્રીજી વિલા આવવું છે ને ?’’

‘‘યેસ ડેડ...’’ લક્ષ્મીએ કહ્યું અને કૂદકો મારીને ઊઠી એમના ખોળામાંથી. લક્ષ્મી બાથરૂમ તરફ ગઈ અને દેવશંકર મહેતા સોફામાં પાછળ માથું ઢાળી, આંખો મીંચીને જાણે ફરી એક વાર એ પળ, એક ક્ષણમાં પહોંચી ગયા જ્યાંથી વાત અધૂરી છૂટી હતી.

વસુમા બગીચામાં ગોડ કરી રહ્યાં હતાં. છેલ્લા ત્રણ-ચાર દિવસથી જાણે એમને એમનાં ફૂલ-છોડ પાસે આવવનો સમય જ નહોતો મળ્યો. એમના અવાજમાં એ જ મીઠાશ હતી. આખાય ઘરમાં ભજન ગૂંજી રહ્યું હતું... ‘‘રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે ત્યારે સૂઈ ના રહેવું, નિદ્રાને પરહરિ સમરવા શ્રીહરિ, એક ગુરુ એક તું એમ કહેવું...’’

પાછળથી આવીને અલયે માના ગળામાં હાથ નાખ્યો, ‘‘મા...’’

‘‘બહુ વહેલો ઊઠી ગયો ?’’

‘‘અહીં સૂતું જ કોણ છે ? મા, સૂર્યકાંત મહેતા આવે એ પહેલાં હું ચાલી જાઉં તો તને વાંધો છે ?’’

‘‘ભાગે છે ?’’

‘‘ભાગું શું કામ ? મને ડર છે...’’

‘‘કે તું ગમે તેમ બોલી નાખીશ, ખરાબ રીતે વર્તીશ, ખરું ?’’

‘‘કદાચ હા, અને તને નહીં ગમે.’’

‘‘ના જ ગમે. મારો દીકરો પોતાની લાગણીઓ પરનો કાબૂ ગુમાવીને પોતાની જાત પરથી કાબૂ ખોઈને ગમે તેમ વર્તે એ મને ન જ ગમે, ને છતાં તારું જવું પણ મને નહીં ગમે.’’

‘‘એટલે ?’’

‘‘એટલે એમ દીકરા કે હું ઇચ્છું છું કે આવનારી પળનો સામનો તું મારી હાજરીમાં, મારી સાથે અને આજે જ કરે... સંપૂર્ણ સ્વસ્થતાથી અને સંયમથી... બોલ, કરી શકીશ ?’’ વસુમાની આંખોમાં એક એવો રંગ હતો, જે અલય માટે અજાણ્યો હતો, ‘‘મારાં આટલાં વર્ષોની મહેનત, આટલાં વર્ષોની તપસ્યા અને મારી એકલતાનો હિસાબ કરવાનો સમય છે આ બેટા... ને તું ભાગી જઈશ ?’’

એક પણ અક્ષર બોલ્યા વિના અલય માને વળગી પડ્યો. જાણે મા-દીકરા વચ્ચે બાકીની બધી જ વાત વગર કહે, વગર બોલે થઈ ગઈ.

સાડા આઠ વાગ્યે નાસ્તાના ટેબલ પર સ્મશાનવત શાંતિ હતી. આખુંય મહેતા કુટુંબ હાજર તો હતું, પણ કોઈ એક અક્ષર બોલવા તૈયાર નહોતું. બધા ચૂપચાપ કોઈ એક જણ શરૂ કરે એની રાહ જોતાં પોતાના શબ્દો જીભના ટેરવે લઈને બેઠા હતા.

હંમેશની જેમ વૈભવીથી ના રહેવાયું, ‘‘અભય, આ હાર...’’

‘‘ત્યાં જ રહેશે.’’ વસુમાએ કહ્યું.

‘‘પણ મા, બાપુ જુએ તો...’’ અભયે વાક્ય અધૂરું છોડ્યું.

‘‘તો ?’’ વસુમાનો અવાજ બરફ જેવો ઠંડો હતો.

‘‘જાણી જોઈને શું કામ ઝઘડો ઊભો કરે છે ?’’ અજયનો અવાજ સમતુલા ખોઈ બેઠો.

‘‘મને લાગે છે ત્યાં સુધી હાર ઉતારવાની જરૂર નથી.’’

‘‘આઇ થિન્ક, મા બરાબર કહે છે.’’ અલય માટે પિતાનું આનાથી મોટું બીજું કોઈ અપમાન જ નહોતું.

‘‘તેમ છતાં આ ઘર તમારું પણ છે અને એ તમારા પિતા છે... સર્વાનુમતે જે યોગ્ય લાગે તેમ કરો.’’ વસુમા ઊભાં થયાં અને ખાલી પ્લેટ લઈને રસોડા તરફ ચાલી ગયાં...

આખા ટેબલ પર બેઠેલા બાકીના સાતેય જણા જાણે ચિત્રમાં દોર્યા હોય એમ સ્થિર થઈ ગયા...

ડોક્ટર પારેખના દવાખાનામાં દાખલ થતી વખતે પ્રિયાએ અભયના ફોન પર રિંગ વગાડી.

અભયે ફોન જોયો, ક્ષણેક વિચાર્યું, પછી કહ્યું, ‘‘બોલ !’’

નાસ્તાના ટેબલ પર ફોન નહીં ઉપાડવાનો કેટલાંય વર્ષોનો નિયમ આજે તૂટ્યો હતો. સૌ અભય સામે જોઈ રહ્યા અને અભયે વાત ચાલુ રાખતા કહ્યું, ‘‘બધું બરાબર છે ને ? ટેક કેર ઓફ યોર સેલ્ફ.’’

‘‘કોણ છે ?’’ વૈભવીએ પૂછ્‌યું.

અભયે જવાબ ના આપ્યો અને વાત ચાલુ રાખી, ‘‘ટેન્શન નહીં કરતી. જસ્ટ રિલેક્સ... આઈ એમ ઓલવેઇઝ વીથ યુ...’’ વૈભવીએ ઊભા થઈને ફોન ખેંચ્યો. અભયે મજબૂત પકડી રાખ્યો. ફોન ખેંચવા વૈભવીએ પોતાના શરીરનું બધું જ બળ અજમાવ્યું... અભયે અચાનક ફોન છોડી દીધો. વૈભવી પછડાઈ. સાથે ફોન પછડાયો. વૈભવી કંઈ સમજે એ પહેલાં અભય ઊભો થયો, એણે ફોન ઉપાડ્યો અને કહ્યું, ‘‘મને ફોન કરજે, હું રાહ જોઈશ.’’

એ જ વખતે વસુમા રસોડાની બહાર આવ્યાં અને વૈભવીએ જમીન પર પડ્યાં પડ્યાં દાંત પીસીને અભયને ગાળ આપી, ‘‘સાલો બાયલો... બૈરી પર હાથ ઉપાડે છે...હજી તો બાપ ઘરમાં નથી આવ્યો અને એનાં લક્ષણો આવી ગયાં ?’’

આખેઆખું ડાઇનિંગ ટેબલ ધરતી ફાડીને શ્રીજી વિલાની જમીનમાં ઊતરી જાય તો સારું એવું લગભગ બધાના મનમાં થયું.

(ક્રમશઃ)