જગતનો સમ્રાટ (ભાગ - 10)
આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષ અને દિશા બંને પોતપોતાની મનપસંદ પ્રવૃત્તિ સંગીત અને નૃત્યને લઈને ખૂબ ઉત્સાહિત હોય છે. શાલિનીબેન દિશાને સીંગપાક લઈને જૈનીષને આપવા માટે મોકલે છે, જ્યાં જૈનીષને હોમવર્ક કરતા જોઈને દિશા થોડી નારાજ થઈ જાય છે. બંને વચ્ચેની મીઠી લડાઈ રમીલાબેન સુલજાવે છે અને તેઓ જૈનીષને ખીર લઈને દિશાના ઘરે મોકલે છે. બીજા દિવસે જૈનીષ અને દિશા સ્કુલે જાય છે જ્યાં આખરી તાસ બાદ સંગીત અને નૃત્યના ક્લાસ ચાલુ થાય છે. હવે આગળ,
##### #####
પોતપોતાની મનપસંદ પ્રવૃત્તિ શીખવાનો પ્રથમ દિવસ હોવાથી જૈનીષ અને દિશા ખૂબ ઉત્સાહિત જણાતા હતા અને એટલા જ ઉત્સાહિત હતા આનંદ સર અને મીતાબેન તમામ વિદ્યાર્થીઓને શીખવાડવા. આનંદ સર દરેક વિદ્યાર્થીને પોતાના પસંદના સાધન લઈ લેવાનું કહે છે જે તેમણે શરૂવાતમાં જ સ્ટેજ પર મૂકવામાં આવેલ ટેબલ પર ગોઠવી દીધા હતા. જૈનીષને બોલાવીને તેની વાંસળી આપી દીધી અને બીજા વિદ્યાર્થીઓને પણ તેમના પસંદના સંગીતના સાધનો આપીને તેઓ સંગીતનું પ્રાથમિક જ્ઞાન આપવા લાગે છે.
સંગીતની ઉત્પતિથી માંડીને માનવ જીવનમાં તેના મહત્વ વિશેનું જ્ઞાન આનંદ સર બધા વિદ્યાર્થીઓને કહેતા હોય છે અને બધા વિદ્યાર્થીઓ જાણે તેમાં રસ લઈ રહ્યા હોય એમ એમની વાતોમાં ખોવાય જાય છે. અંતમાં આનંદ સર પોતાના ગુરૂ કે જેમણે એમને સંગીતનું જ્ઞાન આપ્યું એમને યાદ કરીને બધા વિદ્યાર્થીઓને શીખવાડવાની શરૂવાત કરે છે. સંગીતના મુખ્ય સાત સ્વર વિશે તથા સરગમની જાણકારી આપીને આનંદ સર બધા વિદ્યાર્થીઓને પોતપોતાના સાધન પર સ્વર અને સ્વરથી બનેલ સરગમને વગાડતા શીખવાડે છે અને તેનો લગાતાર અભ્યાસ કરવાનું કહે છે.
સમય ક્યારે જતો રહ્યો એની ના તો જૈનીષને કે ના દિશાને ખબર પડી. જોતજોતામાં બંને પોતપોતાની મનપસંદ પ્રવૃત્તિમાં નિપુણ થતા ગયા અને બંનેને શીખવાડીને આનંદ સર અને મીતાબેન પણ ધન્ય બન્યા હોય એવી લાગણી એમને થવા લાગી. પાંચમા ધોરણમાં ચાલુ કરેલી ઈત્તર પ્રવૃત્તિ જૈનીષ અને દિશા માટે એમની એક આગવી ઓળખ બની ગઈ. અભ્યાસમાં તો બંને આગળ પડતા હોય જ છે, પરંતુ આનંદ સર અને મીતાબેનના આવ્યા બાદ બંને પર સંગીત અને નૃત્યની એવી ધૂન લાગી જાય છે કે જાણે એમનું અસ્તિત્વ જ હવે સંગીત અને નૃત્ય છે.
જૈનીષ અને દિશા પોતપોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને હવે માધ્યમિકમાં આવે છે એટલે કે ધોરણ ૮ માં. આ વર્ષ ખાસ કરીને ભવિષ્યના સમ્રાટ જૈનીષ માટે ખૂબ મહત્વપૂર્ણ બની રેહવાનું હોય છે. નિયતી એ અગાઉથી જ સમ્રાટની યાત્રાની તૈયારી કરી રાખી છે અને જૈનીષ આ વાતથી અજાણ પોતાની નિયતી તરફ આગળ વધી રહ્યો છે. માધ્યમિકમાં આવતાની સાથેજ આનંદ સર અને મીતાબેનને નવા કોન્સેપ્ટ પર કામ કરવાનું સ્કુલના આચાર્ય દ્વારા કહેવામાં આવે છે. કારણકે આ વર્ષથી સ્કુલ રાજ્ય કક્ષાની આંતરશાળા સ્પર્ધામાં ભાગ લેશે એવી જાહેરાત સ્કુલના આચાર્ય પેહલા જ વિદ્યાર્થીઓને કરી ચૂક્યા હોય છે.
આમ તો આનંદ સર અને મીતાબેન પોતપોતાના સંગીત અને નૃત્યના ક્લાસ અલગ જ રાખે છે પણ આ વર્ષે સ્કુલો માટે થતી આંતરશાળા સ્પર્ધા માટે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ તૈયાર કરવાના હોવાથી બંને પોતાના ક્લાસ ભેગા કરીને સંગીત અને નૃત્યની ભેગી કૃતિ તૈયાર કરવાનું વિચારે છે. પણ સંગીત અને નૃત્યનો સમનવય કરી કઈ કૃતિ રજુ કરવી એના વિશે બંને અવઢવમાં પડી જાય છે. એ જ સમયે જૈનીષ વાંસળીની ધૂનો વગાડીને પોતાની પ્રેક્ટિસ કરતો હોય છે અને બધા વિદ્યાર્થીઓ આ ધૂન સાંભળવામાં તલ્લીન થઈ જાય છે. ત્યાં જ દિશા આવીને આ ધૂન સાથે તાલ મિલાવીને નૃત્ય કરે છે. બસ પછી તો શું ? આનંદ સર અને મીતાબેનને મળી ગયો એમનો કોન્સેપ્ટ. બંને એકબીજાની સામે જોઈને સ્મિત કરે છે અને માથું હલાવીને જૈનીષ અને દિશા સાથે વાત કરવાનું નક્કી કરે છે.
બધા વિદ્યાર્થીઓ છૂટીને ઘરે જવાની તૈયારી કરતાં હતાં ત્યારે આનંદ સર અને મીતાબેન રાજ્ય કક્ષાની આંતરશાળા સ્પર્ધાની જાણકારી આપે છે અને એમ પણ જણાવે છે કે આ વર્ષે આપણી સ્કુલના વિદ્યાર્થીઓ પણ આ સ્પર્ધામાં ભાગ લેશે. આ સાંભળી બધા વિદ્યાર્થીઓ ખુશ થાય છે અને તેઓ ભાગ લેવા માટે તૈયારી પણ બતાવે છે. આનંદ સર બધાને સંગીત અને નૃત્યના મિશ્રણથી કંઇક નવું કરવાનું તેઓ વિચારી રહ્યા છે એવું જણાવે છે અને તેઓ એ પણ જણાવે છે કે આ નવા કોન્સેપ્ટ માટે તેમણે નક્કી પણ કરી લીધું છે કે કોણ એક દમ યોગ્ય રહેશે.
આનંદ સર જૈનીષ અને દિશાને બોલાવીને તેમના સૂચનો રજૂ કરવાનું કહે છે. જૈનીષ કહે છે, " સર આઈડિયા ખૂબ સરસ છે. સંગીત અને નૃત્યની જુગલબંધી તો અદભુત થશે." દિશા પણ પોતાના વિચાર કહે છે, " હા સર. સંગીત વગર તો નૃત્યનું અસ્તિત્વ જ નથી, અને નૃત્ય વગરનું સંગીત માત્ર માણી શકાય અનુભવી શકાય નહિ."
બંનેના વિચારો અને સુચનો સાંભળીને આનંદ સર કહે છે. " આ સ્પર્ધા માટે આપણે સંગીત અને નૃત્યની ભેગી કૃતિ તૈયાર કરીશું." સાંભળીને જૈનીષ અને દિશા ખુશ થાય છે અને એમને જોઇને મીતાબેન તરત કહે છે કે, " આ નવા કોન્સેપ્ટને સાકાર કરશે જૈનીષ અને દિશાની જોડી."
પોતાના નામ સાંભળીને જૈનીષ અને દિશાને થોડી નવાઈ જરૂર લાગે છે, પણ આખરે બંને પોતાના ગુરૂ પર વિશ્વાસ રાખીને હા કહી દે છે. આનંદ સર અને મીતાબેન બંનેને આ નવા કોન્સેપ્ટ માટે પૂરો સહયોગ આપવાની ખાત્રી આપે છે અને તેમને પોતાની ઈચ્છા પ્રમાણે જેમને પણ પોતાની સાથે લેવા હોય એની પણ છૂટ આપે છે.
હવે આ સ્પર્ધા આગળ શું લઈને આવશે ? શું થશે જ્યારે બંનેના ઘરે આ સમાચાર મળશે ? જોઈએ આવતા ભાગમાં......