pankharma mhori vasant - 2 in Gujarati Fiction Stories by R.Oza. મહેચ્છા books and stories PDF | પાનખરમાં મ્હોરી વસંત.. અંક -2

Featured Books
Categories
Share

પાનખરમાં મ્હોરી વસંત.. અંક -2

મોહિનીએ કહ્યું, "તમે સહુએ મારું અતડું અને રુક્ષ
વર્તન વર્ષોથી સહન કર્યુ છે.ઓછું અને કડવું બોલતી
અને કામમાં જ મશગુલ રહેતી મોહિનીને જ જોઇ છે
તમે બધાંએ, પણ હું બાળપણ અને જુવાનીનાં ઉંબરે
આવી ત્યારે આવી નહોતી.

પરંતુ જ્યારે સમજણ આવતી હતી એ ઉંમરે મારી જ
મોટી બહેનને એનાં પતિ દ્વારા અપાતા ત્રાસથી મુરઝાતા
જોઇ મેં, પછી કોલેજમાં પ્રેમનાં સુંવાળા નામે થતો દગો
અને વધું પૈસાદાર છોકરી મળતાં જ વ્યક્તિનું કાચિંડા જેવું બદલાતું રુપ પણ જોયું મેં અને મારી ખાસ સખીની દહેજનાં કારણે થયેલી હત્યાં આવું બધું જ જોઇ હું બીકથી મારાં હૃદયની એક પછી એક બારીને બંધ કરતી જ ગયી..એમ લાગ્યું કે જગતમાં પ્રેમનાં નામે બસ દગો અને છળ જ છે.. છેલ્લે હું જાણે મારી આસપાસ એક અભેદ્યં દિવાલ ચણીને ખુદને એમાં જ પુરીને બેસી ગયી..!

પરંતુ મહેશ જ્યારથી ઓફીસમાં આવ્યો એણે રોજ રોજ એનાં હાસ્યથી મારી એ પીડાને પીઘળાવાની ચાલું કર્યુ .
એણે સમજાવ્યું મને, કે મનને આમ બળજબરીથી બાંધીને હું ખોટું કરી રહ્યી છું. હાં,મહેશે જ મને અહેસાસ કરાવ્યો કે મને પણ હસવું ગમે છે.મારું હૃદય વર્ષોથી પોતાનામાં પાનખર સંઘરીને બેઠું છે. બહાર ખીલેલી વસંત મને વારે વારે પોકારે છે, પરંતુ હું જ કાન બંધ કરીને એ ટહુકારને મારાં સુધી પહોંચવા જ નથી દેતી..!!

મોહિનીએ ભીની આંખે માઈક મહેશ તરફ લંબાવ્યું ત્યારે મહેશની નજરમાં નજર મળતાં જ બંને વચ્ચે ફરી પ્રેમનું સપ્તતારક સર્જાણુ. મહેશની નજરમાં હું હંમેશા સાથે છું
તારી એ લાગણીનો પ્રવાહ વહેતો મહેસુસ થયો મોહિનીને..

મહેશે એનું ઓફિસની રોનક કહેવાતું એવું સુંદર સ્માઈલ આપતાં કહ્યું, "સોરી અમે આ વાત છુપાવી તમારાં બધાથી , પણ મને તમને બધાને સરપ્રાઈઝ આપવી હતી, એટલે જ મેં જ મોહિનીને કહ્યુ કે લગ્નની કંકોત્રી જ મોકલાવશું સીધાં..કેવી જોરદાર રહીને આ સરપ્રાઈઝ..??

કોઈક બોલ્યું, " લ્યાં ગોવિંદા આ ચમત્કાર કેવી રીતે થયો
કહે તો હવે.. !! "

મહેશ હસીને બોલ્યો, " તમને સહુને ખબર છે જ કે મને
તો, બધાને હસાવવાની કુટેવ કેટલી જોરદાર છે, પરંતુ મોહિનીની કેબિનમાં જાઉં તો એ તો દિવેલ પીધેલું મોઢું
લઈને કામ જ કરતી હોય .હું કહું, " મેમ ચા લાવ્યો છું,
તો ફાઈલમાં જ નજર રાખીને કહે, રાખી દે." પણ ખબર
નહીં કેમ ત્યારે એમનું એ ઉદાસ વર્તન અને કડવાં શબ્દો
મને બહું વાગતાં હતાં, મારું સ્માઈલ પણ જાણે એમની ઉદાસી જોઈને ઓગળી જતું .

એ સાંભળી મોહિનીએ પ્રેમથી ભરપૂર બનાવટી ગુસ્સો દેખાડતો છણકો કર્યો, એટલે તે તારું હસવાનું નાં મુરઝાઈ એટલે જ મારી સાથે લગ્ન કર્યા છે એમ ને..??

બધાં જ આ વાક્યથી હસી રહ્યાં, અને મહેશે એક મીઠડી
મુસ્કાન સાથે પોતાનાં કાનને આંગળીઓથી પકડ્યાં..!!
એ જોઈને મોહિની પણ શરમથી લાલ થઈને નીચું જોઇ
મલકાઈ ઉઠી.

મહેશે ફરી ગંભીર થતાં કહ્યું, "મારાં હૃદયની વાત કહું તો હું મોહિનીની ઉદાસી જોઇ જ નહોતો શકતો..બસ હૃદય કહેતું હતું કે કાં તો મોહિની હસવી જોઈએ અને કાં તો તારું હાસ્ય ગાયબ થયું જ સમજ.. રોજે હું મોહિનીને એક સ્માઈલ દેવાં પ્રયત્ન કરતો અને એ રોજ કાંઈક કડવું બોલે.. પણ એ બોલતાં વખતે એની આંખોમાં જે દુખ ડોકાતું એ જ મને એનાં તરફ જકડતું રહેતું.. "

હવે કર્મચારીઓ પણ આ પ્રેમકથામાં જાણે ડૂબી ગયાં હતાં, મહેશને અટકેલો જોઇ અનાયા એ પુછી લીધું, પછી મેમ એ હાં કેવી રીતે પાડી..??

મોહિની અને મહેશ બંને ફરી એ સોનેરી યાદોમાં પહોંચી
ગયાં હતાં જાણે..!!

મોહિનીએ કહ્યું , "બસ એક દિવસ મેં ગુસ્સે થઈને પૂછ્યું
કેમ રોજ નાં પાડું છું તો ય તારી બત્રીસી દેખાડે છે મને..શું ઈરાદો છે તારો.. ?? "

મહેશે કહયું, " તમે હસતાં નહીં થાવ ત્યાં સુધી હું તમને હસાવવાં પ્રયત્ન કરીશ , સાચું કહું તો મારાં આખરી શ્વાસ સુધી, તમને હસતાં, ખીલખીલાટ હસતાં અને ખુશ જોવા છે મને.. બસ એટલી જ ઈચ્છા છે મારી.. "

"પણ.. પણ.. મહેશ.. હું તો જયાં કદી વર્ષોથી વસંત આવી જ નથી એવી પાનખર છું.."

"તો મને ધોધમાર વરસાદની મોસમ બનીને તમારામાં વસંત ખીલવવી છે.. "

"મારું હૃદય કેટલાંય ઘાવોથી બીમાર અને બિસ્માર થઇ
ગયું છે મહેશ.."

"મોહિની, હું એ દરેક ઘાવમાં લાગણીઓનો મરહમ
લગાવવાં માંગુ છું."

"ક્યાં સુધી સાથ આપીશ તું મારો ..?? "

"તમે જો હાં કહો તો અંનતકાળ સુધી.."

મોહિની અને મહેશ બંને પ્રેમનાં અંકુર ફૂટ્યાં એ સમયની યાદોમાં ખોવાઈને એ મધુરતાને માણી રહ્યાં હતાં, સ્ટાફનાં બધાં પણ જાણે મુર્તિવંત બનીને આ પ્રેમકથાના સાક્ષી બની ગયાં હતાં.

આખરે મોહિની ફરી વાસ્તવિકતાની ધરા પર આવી
ગયી, અને મહેશે મધુરું સ્મિત વેરતાં કહ્યું, "બસ આમ
જ અમે બંને એ એકબીજાને સાથ દેવાનાં વચન આપી દીધાં ,અને આજે તમારાં સહુની સાક્ષીએ લગ્નનાં મંગળ વચનમાં ભવોભવ માટે બંધાઇ ગયાં છીએ. "

ત્યાં હાજર સહુની શુભેચ્છાઓ ઝીલતા એ નવપરણિત
યુગલ મહેશ અને મોહિનીએ કદમ માંડ્યા પોતાનાં નવાં પ્રેમથી મ્હેકતાં અને હાસ્યથી છલકતા સંસાર તરફ...

R.Oza " મહેચ્છા "