દેવાંશીના રહસ્ય પરથી પડદો ઉઠી ચૂક્યો હતો. દેવાંશી પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા ઇચ્છતી હતી, આ વાત બધા સાથે શેર કરવાથી દેવાંશી નુ મન થોડું હળવું જરૂર થયું હતું. હવે હવે બીજા રહસ્ય પરથી પડદો ઉઠવાનો હતો દેવાંશીના તમામ પ્રશ્નોના જવાબ હવે મળવાના હતા, દેવાંશીની આખી વાત સાંભળીને ભૂમિ મેડમના હૃદયને જાણે ખૂબ જ ઠેસ વાગી હતી.
ઈશ્વર પણ કમાલ કરે છે ઈશ્વરની પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે. આ પરીક્ષામાંથી પાસ થનાર દરેક વ્યક્તિ કોઈ અલગ જ પ્રકારનો અનુભવ કરે છે.
અક્ષરે ભૂમિ મેડમને પાણીનો ગ્લાસ લાવીને આપ્યો.
એક ઘૂંટડો પાણી પીને ભૂમિ મેડમએ પોતાની વાત શરૂ કરી.
"તારે જાણવું છે ને, કે આજથી છ વર્ષ પહેલા શું થયું હતું જેથી હું તને એકલી છોડીને જતી રહી હતી? તો સાંભળ, મને એક ફોન આવ્યો હતો. એ ફોન પર મે જે સમાચાર સાંભળ્યા એ મારા માટે ખુબ જ કપરા હતા. આર્મી ઓફિસર દિગ્વિજયનો ફોન હતો, મે એ ફોન પર એટલું જ સાંભળ્યું કે, કર્નલ દવે હવે આ દુનિયામાં નથી રહ્યા. દુશ્મન દેશના આતંકવાદીઓ સાથેની લડાઈમાં તેઓ વીરગતિ પામ્યા છે. આ સાંભળીને મારા તો જાણે હોશ જ ઉડી ગયા. હું શું કરું એ મને સમજાતું નહોતું. મેં તરત જ તારા કાકા ને ફોન કર્યો. તારા કાકાએ મને કહ્યું કે દેવાંશીને આ વાતની ખબર ના પડવા દેતા. તું ત્રીજા ધોરણ માં ભણતી હતી, તારા પપ્પા નથી રહ્યા એ વાત તારી સામે કરવા માત્રથી પણ મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. મારા માટે તો એક તરફ કુવો અને બીજી તરફ ખાડી જેવું હતું. આખા પરિવારમાં તારી સૌથી નજીક તારા પપ્પા જ હતા, તારા પપ્પા જ્યારે રજાઓમાં ઘરે આવ્યા હતા ત્યારે એમણે એક વચન લીધું હતું, કે એણે કંઇ થઇ ગયું તો પણ મારે તારી સામે રડવાનું નહીં. તેમજ તારા પપ્પા નથી હવે એ વાતની ખબર તને ન થવી જોઈએ. હું શું કરું? હું પણ એક માણસ જ છું, મારે ના રડવું હોય તો પણ આ ઝાલીમ કુદરતના નિયમો મને રડાવી જ દેતા. પોતાની જાતને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા પણ હું પોતાની જાતને રડવાથી ના રોકી શકતી અને કેમ રોકાય? તારા પપ્પાને આપણને એકલા છોડીને જતા જરા પણ વિચાર ના આવ્યો. મારા માટે તને સંભાળવી અને એ પણ તારા પપ્પાની ખબર ના પડે એ રીતે... આ મારા માટે શ્રાપ જેવું જ હતું.
એ રજાઓમાં જ્યારે ઘરે આવતાને ત્યારે હંમેશા કહેતા કે, હું તો મારી ભારત માતાને મારો દેહ સોંપીને આવ્યો છું. જ્યારે પણ એમની ઈચ્છા હશે ત્યારે તેઓ મને પોતાના શરણમાં લઈ લેશે, અને તમે લોકો પણ મારી રાહ ના જોતા, મને પણ ખબર નથી કે હું પાછો આવીશ કે નહીં. તને શું લાગે છે દીકરા, કે આ છ વર્ષ તારા થી દુર રહીને મને આનંદ અને ખુશી મળી જશે? ના. એવું કશું જ નહોતું. એકવાર તો તું વિચારી જો, જેનો ભરથાર આર્મીમાં શહીદ થયો હોય અને એની જ વિરહની પીડામાં રડવા માટે જેને તારાથી દૂર જવું પડ્યું હોય એ વ્યક્તિ અંદરથી કેટલું દુઃખી હશે! મને તારી જરા પણ ચિંતા નથી કે આ છ વર્ષમાં મને તું યાદ જ આવી નહોતી એવું તો નહોતું દીકરા. પણ તારા પપ્પાને આપેલા વચનને લીધે હું મજબુર હતી. તે ફોન આવ્યો હતોને એ સમાચાર સાંભળીને તારા કાકા તો ત્યાં જ ભાંગી ગયા હતા. એમની સગાઈ થવાની હતી દીકરા, પણ આ સમાચાર સાંભળીને એને આજીવન કુંવારા જ રહીને તારી જવાબદારી ઉપાડવાનું પસંદ કર્યું. તારા કાકાએ એનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે તને ખુશ રાખવા માટે. એ તો મને દર મહિને મને અહીંયા મળવા પણ આવે છે. તારા હાલ ચાલની ખબર મને એમના થકી જ પડે છે. હું શું કરું? મને કંઈ સમજાતું નહોતું. એટલે મેં તારાથી દૂર જવાનું વિચાર્યું. જ્યારે તે આ સ્કૂલમાં આવવા માટે જીદ કરીે ત્યારે પણ મને તારા કાકા નો ફોન આવ્યો હતો, ચાર દિવસથી તું સાવ ભૂખી છે, એ પણ એણે મને જણાવ્યું હતું. તું આટલી ભૂખ સહન કરે એ તો મને જરા પણ ના પોસાય. એટલે જ તેઓએ તને અહીં એડમિશન અપાવ્યું. જો શક્ય હોયને તો મને અને તારા કાકા ને માફ કરી દેજે. મને એવું લાગે છે કે તને તારા બધા પ્રશ્નોના જવાબ હવે મળી ગયા હશે, અને હા તું જ્યારે સ્કૂલમાં આવી ત્યારે મને એવું લાગતું હતું કે મારા હૃદયનો એક કટકો ફરી વખત મારી પાસે આવી ગયો છે, પણ તારા પપ્પાને વચન આપેલું હતુંને એટલે હું મજબુર હતી, માટે કશું ના કરી શકતી. તને આ સ્કૂલમાં જોઈને મને અદભુત આનંદ થયો, પણ કદાચ મારું જીવન આ કપરી કસોટી માટે જ બન્યું છે."
"છ વર્ષ પહેલા એક રત્ન તો હું ખોઈ ચૂકી હતી, પણ મારા બીજા હૃદયના કટકા ને હું ખોવા નથી ઈચ્છતી. તારા કાકાએ મને કહ્યું કે, ભાભી તમે ચિંતા ના કરો આજથી દેવાંશીની જવાબદારી મારી. તારા કાકાને પણ એમના ભાઈ હવે નથી આ વાતથી ખૂબ જ દુઃખ થતું. પણ તારી સામે એમની આંખોમાંથી આંસુ ના આવે ને એટલા માટે જ તેઓ તારી સાથે વધુ સમય ન વિતાવતા. હવે રહી વાત મારી, તો અહીંયા મે તો એક શિક્ષકનું જીવન એટલે અપનાવ્યું કે મારું મન પરોવાયું રહે અને તમારા બંનેની યાદ થોડી ઓછી આવે. બસ તો આ છ વર્ષ આ રીતે ગાળ્યા છે મેં."
"હું તારી સૌથી મોટી ગુનેગાર છું બેટા, શક્ય હોય તો આ જીવને માફ કરજે. તારે મને જે સજા આપવી હોય એ મને મંજૂર છે."
"ના મમ્મી ના, આવું ના કહો. હું તમને ખોટી સમજતી હતી. જે થવાનું હતું એ થઈ ગયું. શું તમે તમારી આ દીકરીને ફરી અપનાવશો?" દેવાંશીએ પોતાના નયનોને અશ્રુઓના સાગરમાં ડૂબકી લગાવતાં પૂછ્યું.
ભૂમિ મેડમના ચહેરા પરના હળવા અને એકદમ કરુણ ભાવ સાથેના હલકાં હાસ્યએ દેવાંશી જવાબ આપ્યો.
આ પ્રસંગ હકીકતે ખૂબ જ કરુણ રહ્યો હતો. બંનેએ એક બીજાના વિરહની વેદના સહન કરી હતી.
હવે બંને સાથે રહેવા લાગ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. દેવાંશીની હવેની લાઈફ કેવી રહેશે એ જાણીશું આગળની સ્ટોરીમાં.
આગળ જાણવા માટે વાંચતા રહો....
*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*
ig:- @author.dk15
FB:- Davda Kishan
eMail:- kishandavda91868@gmail.com