Cleancheet - 21 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | ક્લિનચીટ - 21

Featured Books
Categories
Share

ક્લિનચીટ - 21

પ્રકરણ – એકવીસમું/ ૨૧

રવિવારનો દિવસ હતો. અરેબિયન સમુદ્રની સામે વિક્રમ મજુમદારના સી બેન્ડ સ્થિત બંગલામાં ૯૦% રીકવરી હેલ્થ સાથેની અદિતી પાસે વિક્રમ, દેવયાની,સ્વાતિ અને આલોક હળવાશની પળો માણતાં બેઠા હતા. સાંજનો સમય હતો. ત્રણ મહિના પછી હવે અદિતી પોતાનું રૂટીન કામકાજ જાતે જ કરી શકે એટલાં કેપેબલ સ્ટેજ પર આવી ગઈ હતી. પણ હજુ તે ડ્રાઈવીંગ નહતી કરી શકતી અને કરવાની પણ મનાઈ હતી.

વિક્રમ સ્વાતિને સંબોધીને બોલ્યા,
‘હું અને દેવયાની એક સોશિયલ વિઝીટ માટે જઈ એ છીએ અને ડીનર પણ ત્યાં જ લઈને આવીશું. તમારા ત્રણેયનો શું પ્લાન છે ?’

સ્વાતિ બોલી,

‘ડેડ, અમે ઘરે જ છીએ. અને આજે હું આ બન્નેનો ક્લાસ લેવાની છું. છેલ્લાં ત્રણ મહિનાથી શરત શરત રમીને જે રીતે બધાને દોડાવ્યા છે તેની રિમાન્ડ લઈશ. અને સારું છે કે તમે અને મોમ હાજર નથી. આજે તો બરાબરનું કોર્ટ માર્શલ થશે આ બન્નેનું. અને તમારે મારો પક્ષ લેવાનો છે ડેડ ઇટ્સ ફાઈનલ. કારણ કે અદિ હવે આલોકનો પક્ષ લેશે. અને હું જે નક્કી કરું એ પેનલ્ટી તેણે ભરવી જ પડશે એની હાઉ.’

‘ઓહ માય ગોડ.. હા.. હા.. હા... હસતાં હસતાં વિક્રમ બોલ્યા,
ઓ.કે. માય સ્વીટ સ્વાતિ ડાર્લિંગ આઈ એમ વિથ યુ. ઓ.કે. અદિ, આલોક એન્જોય સંડે, બાય.’
‘ચલ અદિ આપણે ત્યાં બાલ્કનીમાં બેસીએ. તું અને આલોક સાગર સમીપે આ આલ્હાદક સિંદુરી સંધ્યાના સાનિધ્યમાં કોઈ રોમાન્ટિક સીન ક્રિએટ કરીને તન્મય થાઓ ત્યાં... હું તેમાં ભાગ અરે.. ભંગ પાડવા કોફી લઈને હમણાં આવું એમ બોલીને સ્વાતિ કિચન તરફ ગઈ.’
એ પછી આલોક બોલ્યો,
‘ખરેખર અદિતી,આટલાં લાંબાસમય ગાળા પછી પણ હું તારા અને સ્વાતિ વચ્ચેના સ્વભાવનો ભેદ પારખવામાં ઉણો ઉતરું છું. તમારા બન્ને વચ્ચેનું સામ્ય તો કુદરત માટે પણ આશ્ચર્યજનક હશે.’

‘પણ, આલોક હું એવું ઈચ્છું કે અમારા બન્ને વચ્ચેનું આ શૂન્ય સપાટીનું અંતર અંનત નિરંતર રહે. કયારેક ડર લાગે છે આ ઈશ્વરનું આ વરદાન કયાંક અભિશાપ ન બની જાય.’ અદિતી, આલોકના સંવાદના પ્રત્યુતરમાં આવું કંઈક બોલી,

ત્યાર બાદ પછી અદિતી અને આલોક બન્ને બાલ્કનીના હિંચકે બેઠા. બાલ્કનીથી માત્ર ૧૦૦ મીટર દુર આવેલા વિશાળ અરેબિયન સમુદ્રના સામા છેડાના ક્ષિતિજની છેક પેલે પાર દ્રષ્ટિ સીમાંકન સુધી જોઈ રહેલા આલોકના ખંભા પર હળવેકથી અદિતી માથું ઢાળીને બોલી,

‘આલોક, શું જુએ છે ? શું વિચારે છે ?’

‘અદિતી, સાગર તો મેં ઘણીવાર જોયો છે પણ, આટલી ધીરજથી સાગરને જોવા કે સમજવા માટે પણ એક વિશાળ દ્રષ્ટીકોણની સાથે ઊંડી સમજણ પણ જોઈએ એ નહતી ખબર. અને એ દ્રષ્ટિકોણ અને સમજણ મારી પાસે પણ છે તેનો અહેસાસ આ ક્ષણે અનુભવ થાય છે. અને ૨૯ એપ્રિલ એ તારા સાનિધ્યમાં આવ્યા પહેલા જિંદગી, પ્રેમ, લાગણી, એકલતા, પ્રતિક્ષા, આ મારા માટે માત્ર શબ્દોથી વિશેષ કઈ જ નહતું. પણ આજે સમજાય છે આ શબ્દોની ઊંડાઈ અને વિશાળતા આ સાગર કરતાં’ય ક્યાંય અનેક અનેક ગણી ગહેરી છે. તે છેલ્લાં બે મહિનામાં મહેસુસ થઇ ગયું.’
‘ઓ.. ઓ.. ઓ..કટ કટ કટ સીન કટ... ઓ લૈલા મજનુના આધુનિક અવતારો આ લ્યો પેલા કોફીના ઘુંટડા ભરો પછી પ્રેમાલાપ કરજો.આજે તમારાં બન્નેની આજે ખેર નથી સ્વાતિ બોલી.’
‘અદિતી આ સ્વાતિ તો તારું પણ માથું ફોડે એવી છે હો ?’ આલોક બોલ્યો

‘ઓયે હોય .. અદિ તે પણ ખરેખર કલાકાર શોધ્યો છે હો, બાકી.’
અદિતી હસતાં હસતાં બોલી.. ‘કલાકાર અને આલોક, કેમ ?’
‘બોલ. આલોક રાઝ બતાદુ ? સ્વાતિ એ પૂછ્યું
‘રાઝ ? કેવું રાઝ ? કયુ રાઝ ?’ આલોકને આશ્ચર્ય સાથે સ્વાતિ ને પૂછ્યું

આલોકને ખ્યાલ ન આવે એમ સ્વાતિ એ અદિતીને આંખ મારીને સમજાવી દીધા પછી બોલી,

‘ઓ.. અક્ષય કુમારની અપડેટ આવૃત્તિ બેન્ગ્લુરુથી મુંબઈ આવતાં ફ્લાઈટમાં તો મારી જોડે તો બહુ ચીપકા ચીપકી કરતો’તો.’

અદિતીને હસવું આવતાં તેણે મોઢું બીજી તરફ ફેરવી લીધું એ સમજી ગઈ કે હવે આજે આલોક મર્યો અને મારે સ્વાતિની ફેવર કરવી પડશે એટલે માંડ માંડ હસવું રોકીને આશ્ચર્ય સાથે આલોકની તરફ જોઈને અદિતી બોલી,

‘હેય.. આલોક વ્હોટ ઈઝ ધીઝ ? આ.. આ.. સ્વાતિ બોલે છે એ....’
અદિતીનું રીએક્શન અને પ્રશ્ન સાંભળીને આલોક સાવ ડઘાઈ જતા બોલ્યો, ‘
‘અરે .. અરે .. અદિતી આ સ્વાતિ તો સાવ જ જુત્ઠું..’
‘એટલે.. એટલે.. આલોક તું કહેવા શું માંગે છે કે હું જુત્ઠું બોલું છું એમ.. તને એમ કે હું અદિતીને કશું જ નહી કહું એમ, પણ.. પણ .. તે મને જુઠી કહી એટલે તું જો હવે હું બધું જ કહીશ.’
એમ બોલીને હવે સ્વાતિએ આલોકને બરાબર ક્લચમાં લીધો.
આ બાજુથી અદિતીએ ગુગલી નાખતા કહ્યું..
‘આલોક આ હું શું સાંભળી રહી છું ? અરે આવું કંઈ પણ હતું તો તારે મને પહેલાં કહી દેવું જોઈતું હતું ને.’
‘પણ યાર તમે બન્ને મને કઈ બોલવા દેશો પ્લીઝ ?’
આલોકની હાલત બન્નેની વચ્ચે સેન્ડવીચ જેવી થઇ ગઈ.
‘પણ.. આલોક, આ સ્વાતિ એ તો મને એમ કહ્યું કે આવા તો તારા ઘણાં રાઝ તેની પાસે છે. એમાં મારે હવે શું સમજવું બોલ ?’

સ્વાતિ અને અદિતી બન્નેની પ્રિપ્લાન ગેમમાં હવે આલોક ધીમે ધીમે બરાબર ફંસાઈ રહ્યો હતો. અને સ્વાતિએ તેની બરાબર ફીરકી ઉતારવાનું નક્કી કર્યું હતું.

‘અરે યાર અદિતી તું પહેલાં મને શાંતિથી સાંભળીશ ? ફ્લાઈટમાં તો સ્વાતિ એ જ મને કહ્યું કે તમારા બન્નેની પ્રેમ કહાની સાંભળવી છે એટલે મેં..’
હજુ આલોક આગળ બોલે એ પહેલા તો વચ્ચે જ સ્વાતિ બોલી..

‘એટલે... મેં સંભળાવવાનું કહ્યું હતું મિસ્ટર આલોક ચીપકવાનું નહી. અદિતી આ આલોક તો સાવ મારી નજીક આવી અને એવી નજરથી મારી સામે જોવા લાગ્યો કે જાણે.. અને પછી કહે કે..હું ભૂલી જાઉં છું કે તું સ્વાતિ છો એટલે મારાથી જરા.. સાવ આવું કર્યું આલોક એ બોલ અદી..’
આમ બોલીને સ્વાતિએ હવે આલોકને ખરેખર ચકરાવે ચડાવી દીધો.

આટલું સાંભળીને અદિતી તેની બંને હથેળી જાણે કે આશ્ચર્ય સાથે ખુલ્લા રહી ગયેલા મોં ઉપર રાખતાં બોલી,

‘ઓહ .. માય ગોડ.. આલોક યુ ટુ. આ તો સ્વાતિ હતી એટલે મને તારી આવી હરકતોની જાણ થાય છે નહી તો તે મારી ગેર હાજરીમાં અત્યાર સુધીમાં તો કઈ કેટકેટલી’ય ને પ્રેમ કહાની સંભળાવવાની લાલચ આપીને ચીપકવાનો ફાયદો ઉઠાવ્યો હશે ? હદ થઇ આલોક.’
અદિતી એ પણ હવે આલોકને બરાબર આંટીમાં લીધો.

એ પછી સ્વાતિ એ વધુ એક ફટકો મારતાં બોલી,

‘અને અદી આ સિવાયના અન્ય રાઝના પુરાવા માટે મારી પાસે શેખર અને સંજના બન્ને સાક્ષી પણ છે. મેં એમણે બોલવી પણ લીધા છે. અને એ બંને આવે જ છે આવતીકાલે.’

અદિતી અલોકની પાછળ જઈને સ્વાતિને બે હાથ જોડીને ઈશારાથી સમજાવ્યું કે પ્લીઝ.. હવે આ નાટક પરથી પડદો પાડી દે નહી તો આ પાત્રની અહીં જ પત્તર ફ્ડાઈ જશે.

બન્નેની વચ્ચે સેન્ડવીચ જેવી સિચ્યુએશનમાં ઘાંઘો થઈને આલોક બોલ્યો
‘અદિતી તું આવું બોલે છે ? આઈ કાન્ટ બીલીવ ધીઝ. અને મને કોઈ સફાઈ આપવાનો મોકો પણ નથી આપતી. એકવાર મને બોલવા તો દે યાર.’
.‘આલોક આમાં ન માનવા જેવું શું છે. ? સ્વાતિ સાફ સાફ શબ્દોમાં કહી રહી છે કે તુ...’ અદિતી બોલી.

હવે અદિતીથી ન રહેવાયું એટલે ખડખડાટ હસવા લાગી .. એટલે ..
સ્વાતિ ચિડાઈને બોલી, ‘શું યાર.. તે તો આખી બાજી બગાડી નાખી ધત તેરે કી.. તારાથી થોડી વાર ચુપ નહતું રહેવાતું ?
સ્વાતિ હજુ ગંભીર મુદ્રામાં જ હતી.
અને અદિતીને હજુ પણ વધુ ને વધુ હસવું આવતું હતું..
આલોકને હજુ પણ કઈ સમજાતું નહતું કે આ શું ચાલી રહ્યું છે.. તે વારાફરતે બન્નેને જોતો જ રહ્યો અને તેના ચહેરાના એક્સપ્રેશન જોઇને તો અદિતી હસતાં હસતાં સોફા પર જઈને આડી પડી ગઈ.
સ્વાતિ એ હજુ ખેચવાનું ચાલુ રાખતાં કહ્યું..
‘હવે બોલ આલોક તારે તારી સફાઈમાં કશું કહેવું છે ?’

‘સ્વાતિ... હવે બસ કર યાર..’ સોફા પર આડી પડેલી અદિતી હસતાં હસતાં બુમ પાડી ને માંડ માંડ હસવું રોકી ને અદિતી બોલી,
‘અલ્યા... આલોક આ સ્વાતિ તને ક્યારની પોપટ બનાવે છે તું સાલા.. કેમ કાંઈ સમજતો નથી.. હવે હું શરત હારી ગઈ.’
સ્વાતિએ મારી જોડે શરત લગાવેલી કે આલોકને તે આસાનીથી પોપટ બનાવી દેશે અને તું બબુચક યાર તે તો મારો ફજેતો કર્યો આલોકડા.’

‘અદિ, તમારે પેનલ્ટી તો ભરવી જ પડશે એની હાઉ. એમાં હું તમને બંને ને કોઈ જ છૂટછાટ નહી જ આપું.’

‘ઓયે તારે જે પેનલ્ટી આપવી હોય એ આપજે પણ એ તો કહે કે, તે સાચે જ શેખર અને સંજનાને આવતીકાલે અહીં બોલાવ્યા છે ?’
‘હાસ્તો, કેમ તને મજાક લાગે છે ?’
‘બટ વ્હાય ?’ આશ્ચર્ય સાથે અદિતી એ પૂછ્યું.
‘સ્પેશિયલ કોર્ટ માર્શલ ફોર બોથ ઓફ યુ. અને એ પણ મોમ,ડેડ, સંજના અને શેખરની હાજરીમાં. અને હું આજે શરત જીતી છું એટલે ફાઈનલ ડીસીઝન પણ હું જ લઈશ સમજી ગયા તમે બન્ને. એન્ડ યુ ગીવ મી પ્રોમિસ. ડુ યુ રીમેમ્બર ધેટ રીમાઇન્ડર ?’

આલોક બોલ્યો, ‘કેવી શરત ? કેવું પ્રોમિસ ? કોઈ મને પણ કહેશો ? બટ અદિતી નાઉ નો મોર એની શરત પ્લીઝ ફોરએવેર.’
સ્વાતિ બોલી, ‘આમ આ મારી આખરી શરત એટલા માટે છે કે હવે કોઈપણ વાતમાં શરત નહી જ આવે.’
‘પણ તમે બન્ને બહેનો ખરેખર તૌબા. અને આ અદિતી એ તે દિવસે બ્લ્યુ મૂન રેસ્ટોરેન્ટમાં પણ મને પહેલી મુલાકાતમાં જ મને લપેટી લીધો હતો, માય ગોડ.

સ્વાતિ બોલી,
‘એ તો આજે આ અદી એ બાજી બગાડી ન હોત તો.. તને તો આજે હું તને બરાબરનો મુઝરો કરાવત મુન્નીબાઈ બનાવીને. તને હજુ અમારાં પ્રેમાળ પ્રતાપના પરચા નો પરિચય નથી બચ્ચા.’

‘અલોક હું તો હજુ જવા દઉં પણ જો કોઈ સ્વાતિની ઝપટે ચડી ગયો તો સ્વાતિ તેને રડાવ્યા વગર ન રહે, એટલી હદ સુધી ફિલમ ઉતારે કોઈની પણ કે કોઈપણ લાઈફ ટાઈમ ન ભૂલે.’ સ્વાતિ ની વાતને સમર્થન આપતાં અદિતી બોલી.

અલોક બોલ્યો, ‘પણ એક વાત કહું સ્વાતિ કોઈ દિવસ તને કોઈ રડાવશે તો ?’

‘એ તો હું....’

આટલું બોલીને અટકી ગયા પછી તરત જ ટોપીક ચેન્જ કરતાં સ્વાતિ બોલી ,

‘આલોક આવતીકાલે સંજના અને શેખર બન્ને આવે છે બોલ શું પ્લાનિંગ કરીશું ?’
‘એટલે અદિતી એ પૂછ્યું, કેટલા દિવસ માટે આવે છે ?’
‘આ મારો હુકમ છે અદી..એ આવશે પણ મારી મરજીથી અને જશે પણ મારી મરજી થી સમજી..’
‘અરે હા, અહીં તો તારી સલ્તનત છે, એ તો હું ભૂલી ગઈ. તારું ચાલે ને તો તો, તું ડેડનું પણ કોર્ટ માર્શલ કરી નાખે, ઝાંસીની રાણી.’
‘અદિ સમજીલે આવતીકાલે કોર્ટ માર્શલ છે એટલે જ સૌને એકઠા કર્યા છે.’
‘એટલે હું કઈ સમજી નહી ?’

' હવે હું તને કેમ કરીને સમજાવું મારી અદિ... અચ્છા ચલ એક સવાલ નો મને જવાબ આપ.. કે, મન શું છે ?.

એટલે સ્વાતિના સવાલના જવાબમાં અદિતિ બોલી,

' આ સવાલ નો જવાબ ખૂબ વિસ્તૃત અને જટિલ છે. અને દરેક વ્યક્તિ માટે તેની પરિભાષા તેની વિચારશક્તિ ની મર્યાદા અને સમય સંજોગ પર નિર્ભર હોય.'

' તો તારી સમજણ ને પણ સમય સંજોગ પર છોડી દે ને. અને હાલ પૂરતું તો બસ...

થોડા ઇન્તેઝાર કા મજા લીજીયે. '

આવો કંઇક ડિપ્લોમેટિક જવાબ આપી ને સ્વાતિ ત્યાંથી જતી રહી.

નેક્સ્ટ ડે સાંજના પાંચેક વાગ્યાના સમયની આસપાસ અદિતી, સ્વાતિ, આલોક, શેખર અને સંજના સૌ ગેસ્ટરૂમમાં ગોઠવાયા અને વિક્રમ અને દેવયાની તેમના બેડ રૂમમાં હતા.

આલોક સાવ ધીમા સ્વરે શેખરના કાનમાં કૈક ગણગણી રહ્યો હતો એ જોઇને સ્વાતિ. અદિતીની સામે ઈશારો કરીને બોલી,
‘અદિ એ જો તારો આલોક ઇમરાન ખાનની માફક ડોનાલ્ડ ટ્રમ્પના કાનમાં જે રીતે કૈક કાનાફૂસી કરી રહ્યો હોય છે એવી હરકત કરે છે. પછી શંકા ઊભી ન થતી હોય તો પણ કૈક રંધાઈ રહ્યું હોય એવી ગંધ આવે. અને પછી જો હું તેનું વસ્ત્રાહરણ કરીશ તો કોઈ તારણહાર તેણે નહી બચાવે કહી દે જે એને હા..’
બધા હસી ને ખખડી ગયા.
એટલે સ્વાતિ બોલી,
‘ઓ.કે. ડન પણ પહેલાં બે પાર્ટી બનશે. મારી અને અદિતી ની. હવે બોલો કોણ કોની પાર્ટીમાં જોડાઈ છે ?’
શેખર અને સંજના એ સ્વાતિની તરફેણ કરી અને સામે અદિતી અને આલોક એમ બે જૂથ બની ગયા.
આલોકને અંગુઠો બતાવી ને કહ્યું,
‘દેખા આલોક બાબુ, લ્યો પહેલાં જ મારી મેજોરીટી થઇ ગઈ.’
‘અરે યાર શેખર તું પણ સ્વાતિ તરફ ?’ આલોક બોલ્યો.

‘અરે.. યાર તું તો હવે અદિતીનો થઇ ગયો. હું રહી ગયો એકલો તો એવું વિચાર્યું કે ચલો હવે આ બહાને સ્વાતિ સાથે જ કંઇક સેટિંગ કરી કરવાની તક છે તો....’
ફલર્ટ કરતાં શેખર આગળ બોલ્યો, ‘ઔર શાયદ કહીં ઉનકી નિગાહે- એ-કરમ હુઈ તો તેરી તરહ મેરા ભી બેડા પાર હો જાયે ક્યા પતા.’
‘ઓ..ઓ..ઓ.. અરે આલોક આ તારો દોસ્ત તો તારાથી પણ બે ડગલાં આગળ નીકળ્યો યાર.’ એવું અદિતી બોલી.
આલોક બોલ્યો, ‘બેટા શેખર એની ભોળી અદા પર ન જઈશ મેં તને હમણાં જે કાનમાં કહ્યું ને એ તેનું અસલી રૂપ છે, જો જે સંભાળજે.’
‘ઓયે .. ઓયે વ્હોટ ડુ યુ મીન ? શેખર એણે તારાં કાનમાં શું ખુશરપુશર કરી એ જરા મને કહે તો ?’ સ્વાતિ તાનમાં આવીને બોલી.

શેખર આલોક તરફ જોઇને હસતાં હસતાં બોલ્યો.. ‘કહી દઉં આલોક ?’
‘હા હા કહી દે .અરે એમાં પૂછવાનું શું હોય.’ સ્હેજ ઝંખવાઈ ને આલોક એ જવાબ આપ્યો.
સ્વાતિ તરફ જોઇને શેખર બોલ્યો કે ‘એ મારા કાનમાં એમ કહી રહ્યો હતો કે સ્વાતિની વાતમાં નહી આવતો એ મીઠી મીઠી વાતો કરીને પછી...’ આગળ બોલતા શેખર હસવા માંડ્યો..
સ્વાતિ બોલી, ‘અરે યાર આગળ બોલ.. વાત પૂરી કરને.’
‘મીઠી મીઠી વાત કરીને .. બધાં ને ..’ ફરી હસતાં હસતાં બોલ્યો.. ‘પોપટ બનવવામાં માહિર છે.. હા.. હા.. હા..’
સ્વાતિ સિવાય બધા.. હસી હસી ને બેવડા વળી ગયા..
ત્યાં ફરી શેખર બોલ્યો કે.. ‘પછી પછી તેણે એ પણ કહ્યું કે તે આજે સ્વાતિને .. ફરી હસવા લાગ્યો... ‘સ્વાતિને પોપટ બનાવશે.’
‘ઓયે ઓયે.. અરે .. અરે .. અદિતી આ હું નથી બોલ્યો આ બધું તો શેખર જાતે ઉમેરીને વાર્તા જોડી કાઢે છે. શું યાર શેખર તું પણ મારી જોડે આવું કરીશ’.?.
આટલું આલોક જે એક્શ્પ્રેશન સાથે જે રીતે ગભરાઈ ને બોલ્યો ત્યાં તો સૌ હસી હસી ને ઉંધા પડી ગયા.
સ્વાતિએ ડોળા ફાડીને અદિતી સામે જોઇને બોલી..
‘અદી હવે તું તારા આલોકને મારા પ્રકોપથી બચાવીને બતાવ. તેના તો આજે હું છોતરા ન કાઢી નાખું તો મને કહેજે .’
સ્વાતિને સાંભળીને તો હવે હદ થઇ ગઈ એટલે અદિતી બોલી,
‘અલ્યા .. બસ કરો યાર પેટમાં દુખે છે, હવે તો બસ બસ બસ.. આલોક હવે તને હું તો શું પણ ભગવાન પણ સ્વાતિના પ્રકોપથી નહી બચાવી શકે. માય ગોડ..અલ્યા આલોક તે તો આજે ભારે કરી હો.. આટલું હસવું તો તું કદાચ પોપટ બની ગયો હોત તો પણ ન આવત હો. આજે શેખર એ સૌને ક્લીન બોલ્ડ કરી દીધા હો.’
હજુ અદિતીનું બોલવાનું પૂરું થાય ત્યાં જ સ્વાતિ બોલી..
‘અને શેખર તારાં આવ્યા પહેલાં તો....’
હજુ આગળ બોલે એ પહેલાં અદિતી બોલી ..
‘સ્વાતિ પ્લીઝ યાર સ્ટોપ હવે વધુ હસવાંની ત્રેવડ થઇ મારી મા. સ્વાતિતીતીતીતીતી... મારા જડબા દુખે છે હવે.’
એવું અદિતી બોલી.
શેખર એ આંગળી ઉંચી કરતાં બોલ્યો .. ‘હું કઈ બોલું ?’
અદિતી બોલી, ‘પ્લીઝ શેખર હમણાં નહી થોડી વાર પછી.’
માંડ માંડ હસવું રોકતા પણ ભૂલે ચુકે જો કોઈ આલોકનો ફેસ જોઈ લે તો હસવું જ બંધ ન થાય.
આલોક કૈક બોલવા જતો જ હતો ત્યાં જ અદિતી એ કહ્યું પ્લીઝ..
‘તું તો હમણાં કશું બોલીશ જ નહી બાપડા. આજે તું બસ.. પ્લીઝ આલોકકકકકક..’ આટલું બોલી ને અદિતી એ આલોકના ગાલ પર જોરથી કીસ કરી દીધી.
સ્વાતિ બોલી..
‘ચલો હવે બધાં ડ્રોઈંગ રૂમમાં જઈએ. મોમ,ડેડ પણ ત્યાં આવી ગયા છે. સૌ ત્યાં જ સાથે ચાઈ-કોફી લઈશું.’
આલોક બોલ્યો, ‘હા, ચલો ચલો’
અદિતી બોલી.. ‘એ હેલ્લો પ્લીઝ સાંભળો આજ પછી હવે કોઈ આલોકને પોપટ નહી બનાવે હા. ઇટ્સ માય ઓર્ડર.’
એટલે સ્વાતિ બોલી.. ‘તો કઈ નહી, અમે પોપટને આલોક બનાવીશું.’
ત્યાં તો ફરી પાછા બધા હસી હસી ને થાકી ગયા.
‘સ્વાતિ બસ હો હવે યાર પ્લીઝ..’
ત્યાં તો શેખર બોલ્યો.. ‘અરે આ સાંભળીને તો પોપટની આખી પ્રજાતિ આલોક પર માનહાનીનો દાવો ઠોકી દેશે.’
હવે તો સ્વાતિ પણ હસી હસી ને ઉંધી પડી ગઈ. ૫ મિનીટ સુધી તો કોઈ કશું બોલી શકે એમ જ નહતું. .

સંજના બોલી, ‘પ્લીઝ એવેરીબડી નાઉ નો એની મોર કોમેન્ટ.ઓ.કે’

માંડ માંડ બધા હસવું રોકીને ડ્રોઈંગરૂમમાં આવતાં ઓલરેડી આવીને સૌની વેઇટ કરતાં વિક્રમ અને દેવયાની એ સૌ ને હાઈ, હેલ્લો કર્યું અને પછી દેવયાની એ પૂછ્યું,
‘સ્વાતિ અને સંજના બન્ને ક્યાં રહી ગયા ?’
આલોક એ જવાબ આપતાં કહ્યું, ‘આંટી એ બન્ને કિચનમાં ચા-કોફી બનાવવા માટે ગયા છે.’

‘શેખર શું ધમાચકડી કરી રહ્યા હતા બધાં ભેગા મળીને ? કઈ વાતમાં આટલું હસી રહ્યા હતાં જરા અમને તો કહો .’ વિક્રમ એ પૂછ્યું.

‘જી કઈ ખાસ નહી અંકલ, બસ એ જુના દિવસો યાદ કરીને હંસી રહ્યા હતા જયારે આલોક હોશમાં નહતો અને કેવા કેવા નખરાં કરતો હતો એ બધું બસ.’

ત્યાં જ સ્વાતિ અને સંજના બંને કિચન માંથી ચા-કોફી લઈને ડ્રોઈંગરૂમ માં આવતાં
જ સ્વાતિ બોલી,
‘મમ્મી, આ આલોક અને ખાસ કરીને અદિ એ એમની શરત અને શરારતમાં બધાને હેરાન કરવામાં કઇ બાકી નથી રાખ્યું એટલે...’

હજુ સ્વાતિ એનું વાક્ય પૂરું કરે એ પહેલા દેવયાની બોલ્યા..
‘પણ સ્વાતિ એ જે કઈ પણ થયું એ બન્ને એ જાણીબૂજીને તો નથી કર્યું ને કર્યું છે. ? બનવા કાળ હતું થઈ ગયું પણ હવે શું છે ?’

‘આલોકનો તો આજે વારો લઇ લીધો પણ, અદિનો ટર્ન હજુ બાકી છે. આજે તો એમનું કોર્ટ માર્શલ થઈને જ રહેશે મમ્મી. અને તમે બધા તેના સાક્ષી રહેશો.’

વિક્રમ બોલ્યા,
‘સ્વાતિ દીકરા આ બધું શું ચાલી રહ્યું છે. ? જરા બધાને સમજાઈ એવું કઈ બોલીશ ?’

‘પાપા, હું અદિતી પાસે શરત જીતી છું. અને તેણે મને આલોકની સાક્ષીમાં પ્રોમિસ પણ આપ્યું છે કે હું જે કઈ પણ માંગીશ એ તેણે મને આપવું પડશે.’

એટલે થોડી ગંભીર થતાં અદિતી બોલી,
‘મને એક વાત કહે તો સ્વાતિ કે આજ દિવસ સુધી તારે મારી જોડે કશું માંગવું પડ્યું છે ? અને મારું જે કઈ પણ છે એ તારું જ છે ને.’

‘ના અદી તારું છે એ મારું નથી .’
‘પણ શું ?’ અદિતી એ પૂછ્યું .

સૌ ના મનમાં કૈંક ને કૈક ગડમથલ ચાલી રહી હતી. ખાસ કરીને વિક્રમ , દેવયાની કરતાં અદિતીના મસ્તિષ્કમાં. કારણ કે ફર્સ્ટ ટાઈમ સ્વાતિનું બિહેવિયર કૈંક અનપ્રીડીકટેબલ લાગતું હતું. પણ, સંજના અને શેખરને એમ હતું કે સ્વાતિ જરૂર કોઈ નવી મજાક કરશે.

લીસન આટલું બોલીને.. થોડીવાર માટે સ્વાતિ શાંત થઇ ગઈ.

આ જોઇને અદિતીની શંકા વધુ દ્રઢ થવા લાગી કે.. નક્કી સ્વાતિ કોઈ અજુગતું કરવા જઈ રહી છે અને એ થઈને જ રહેશે.

સ્વાતિ એકદમ સ્વસ્થ હતી. સૌ ના ચહેરાના હાવભાવ જોઇને સ્વાતિને ખ્યાલ આવી ગયો કે હવે સસ્પેન્સની ચરમસીમા આવી ગઈ છે એટલે ઊંડો શ્વાસ ભરીને બોલી...

વધુ આવતીકાલે... અંતિમ પ્રકરણમાં.

( વધુ આવતીકાલે.... દરરોજ નિયમિત એક અંશે જચતો અને એક અંશે ખૂંચતો આ શબ્દપ્રયોગ હવે આવતીકાલ થી મારી પોસ્ટ પર વાંચવા નહી મળે.
‘ક્લિનચીટ’ વિશેનો વિશેષ સૂચના સંદેશ આવતીકાલનું અંતિમ પ્રકરણ આપની સમક્ષ પ્રસ્તુત કર્યા પછી..... )

© વિજય રાવલ

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.