જગતમાં સૌથી ઊંચી મહતા અને સ્થાન આપણે સૌ માતા પિતાને જ આપીએ છીએ. માતા પિતાનો આપણા જીવનમાં એ સૌથી મોટો ભોગ છે કે આ પૃથ્વી પર આપણે અવતર્યા. માત્ર અવતર્યા એવું જ નહીં. છેક સુધી સંભાળ પણ રાખી અને સહકાર પણ આપ્યો. આમ તો માતા પિતા પર લખનાર ઘણા છે. એમના ગુણગાન ગાવા જઈએ તો ખૂટે એમ નથી. પરત્તું હવે સંતાન અને માતા પિતા વચ્ચે કેવો સંબધ સારો કેહવાય એ મને મનમાં સ્ફુર્યું. એટલે મે પણ બે શબ્દો લખી નાખ્યા. અહીં મારા અંગત વિચારો છે. બની શકે આપ એના સાથે સંમત ન પણ હોય.
સૌથી પેહલા તો મને પ્રશ્ન થાય કે માતા પિતા સામે આંખ મિલાવીને કેવું સંતાન જોઈ શકે? તો માતા પિતા સાથે આંખ મિલાવીને જોવું એ બધા સંતાનની ઔકાતની વાત નથી હોતી. મારી તો બિલકુલ તાકાત નથી કે હું, મમ્મી કે પપ્પા સાથે આંખ મિલાવી શકું. આંખ મિલાવીને એવા જ સંતાન વાત કરી શકે કે, જેણે માતા-પિતાએ વેઠેલા દુ:ખ જેટલું દુ:ખ વેઠ્યું હોય! એ જ કરી શકે જેણે માતા-પિતા જેટલો ત્યાગ અને સહન શક્તિ રાખી હોય! એ જ કરી શકે જેણે એટલી આકરી મહેનત કરી હોય! એ જ કરી શકે જેણે જીવનમાં ક્યારેય ક્રેડિટ લેવાનું વિચાર્યું જ ના હોય! હજુ ઘણું બધું.....
જો હું આંખ ન મિલાવી શકું તો શું? વંદન તો કરી જ શકું. કદાચ મારા કોઈ કર્મોથી જાણતાં-અજાણતા એની ઈજ્જત પર દાગ લાગે તો શું? હા, એ વાત સાવ સાચી કે એ દાગને હું સાફ નથી કરી શકવાનો. પણ હાં મારા કર્મો કંઈક એ હદે સુધારું કે એની ઈજ્જતમાં વધારો થાય. હર-હંમેશ એની સાથે રહી ન શકું તો શું? તો બને એટલું એમનું કામ હળવું થાય એવી વ્યવસ્થા તો કરી શકું. એના હાથનો કોળિયો જમવો કદાચ રોજ નસીબ ના થાય. તો એમને યાદ કરીને તો જમી શકું. હજુ ઘણું બધું.....
કોઈ સંતાનને પોતાના મા-બાપની કેટલી કદર છે એનું પ્રમાણ કેટલું?? કેટલો સમય સાથે રહે છે તે?? દુર હોય તો દિવસમાં કેટલી વખત ફોન કરે તે?? એને જે વસ્તુ જોઈએ એ તાત્કાલિક હાજર કરે તે? એની પસંદની છોકરી/છોકરા સાથે લગ્ન કરે તે? એને જરૂર હોય ત્યારે સાત આસમાન દુરથી પણ એની સાથે રહે તે? અરે.. આવા તો ઘણા બધાં કારણો અને અનુમાનો છે. પણ મારું માનવું એવું છે કે કારણ ગમે તે હોય... તમારા એવા કોઈ પણ કામ કે જેનાથી માતા-પિતાથી હુંફ, લાગણી, કાળજું, આંતરડી, દિલ કે મન દુભાય. હજુ ઘણું બધું.....
જેમ ઇરફાન ખાન ફિલ્મમાં કહે એમ, હા એ વાત બરાબર કે તમે લાઇફમાં સેટ થતાં હોય, તમારે ફ્રીડમ જોતી હોય કે કોઈ પણ કારણોસર તમે માતા પિતાથી અલગ રહેતા હોય. પરંતુ એક સમય એવો પણ આવે છે કે, માતા પિતાને પણ તમારી જરૂર પડે છે.
સાલું આપણે કેટલા અજીબ છીએ નહીં, આપણા ઈગો અને નિર્ણય પર એટલા બધા કેવા અડગ હોઈએ કે ક્યારેય એ 9 મહિના યાદ ના આવે, ક્યારેય એ ભરપૂર લાગણીનો ખંભો યાદ ન આવે, એ હુંફની અનલિમિડેટ લાગણી યાદ ન આવે.. પણ હાં આ ધરતી પર દરેક માણસને એની ભૂલનો અહેસાસ થાય છે. વહેલો કે મોડો એ બે નંબરની વાત છે. કદાચ બની શકે કે મને પણ આ અહેસાસ થયો હોય અને લેખ લખાયો હોય અને એવું ન પણ બને. લખીએ તો લખાય હજુ ઘણું બધું.....