નિષ્ફળતા એટલે આત્મહત્યા?
દશમાં ધોરણની પરીક્ષાઓ પતવા આવી હતી.લગભગ એકાદ પેપર બાકી રહી ગયું હતું.છોકરાઓ પરીક્ષા પુરી થવાની ખુશીમાં હતા.અને પોતે વેકેશનમાં ક્યાં જવું તેની ચર્ચા કરી રહ્યા હતા.
આખરે પરીક્ષા પુરી થઈ ગઈ,અમુક છોકરાઓ પોતાના મામાને ત્યાં,તો અમુક પોતાના ફઈને ત્યાં રોકાવા જતા રહ્યા,તો અમુક પોતાને ઘરે જ વેકેશનની મોજ માણવા લાગ્યા.છોકરાઓ એ ખૂબ મોજ-મજા કરી રહ્યા હતા, અને ભરપૂર રીતે આ વેકેશન ને માણી રહ્યા હતા.
હવે વેકેશનના પણ બે-એક જેટલા મહિના થવા આવ્યા હતા અને તેનું રિજલ્ટ પણ હવે થોડાક દિવસો એટલ કે લગભગ એકાદ અઠવાડિયામાં આવવાનું હતું.
વેકેશન પૂર્ણ થવાના સમય દરમિયાન બે જીગરી મિત્રો ભેગા થયા અને પોતાની વાતોમાં પરોવાયા,એવામાં પહેલો કહે "હવે તો થોડા દિવસોમાં આપણું રિઝલ્ટ આવી જશે,શુ થશે ભાઈ મને તો અત્યારથી જ બહુ ટેનશન થાય છે".
બીજાએ કહ્યું "અરે એમાં શું યાર મહેનત તો સારી કરી હતી,અને સારું લખ્યું પણ હતું,આરામથી પાસ થઈ જશું".
પહેલો કહે "આપણું તો સમજ્યા પણ પેલા વિજય નું નક્કી નહી,એ પણ પાસ થઈ જાય તો સારું.
બંને મિત્રો ને એમ જ લાગતું હતું કે,આ તો જાણે કે તોફાન આવવા પેલાની શાંતિ જ છે.
કારણકે હવે રિઝલ્ટ આવવના ફક્ત ત્રણ-એક દિવસ આડા હતા.હવે પ્રફુલ,વિકાસ અને વિજય આ ત્રણેય મિત્રો પણ પોતપોતાના ઘરે આવતા રહ્યા,હવે તેનું ટેનશન વધવા લાગ્યું.એ પણ વ્યાજબી જ હતું.કારણકે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપી હતી.
જેમ કોઈ વ્યક્તિ ખૂબ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું હોય ત્યારે તેના મનમાં અનેક પ્રશ્નો ઉદભવતા હોય,જેમ કે શું થશે હવે આનો સામનો કઇ રીતે કરીશ.તેવી જ રીતે આ ત્રણેયના મનમાં પણ અનેક પ્રશ્નો હતા,પાસ થાશું કે નહી,કેવું રિઝલ્ટ આવશે.
જોતજોતામાં બે દિવસ જતા રહ્યા.
બસ હવે એક દિવસ જ આડો હતો,ત્રણેય મિત્રો રિઝલ્ટ જોવા માટે રીઝલ્ટ ની આગલી રાતે પ્રફુલના ઘરે ભેગા થયા.
કાલે વહેલા સવારે રિઝલ્ટ જોવા માટે આજે વહેલા જમીને વહેલા સુઈ ગયા હતા.
ધીમે ધીમે કરતી હવે રાત્રી પસાર થઈ ગઈ અને વહેલી સવાર થઈ ગઈ,વહેલા ઉઠી ફ્રેશ થઈને રિઝલ્ટ જોવા માટે કોમ્પ્યુટર સામે બેસી ગયા.બસ હવે થોડીક જ ક્ષણોની વાર હતી અને રીઝલ્ટ આવે તેની જ રાહ હતી.તેમની ધડકનો વધવા લાગી હતી,પણ રિઝલ્ટ જોવાનો ઉત્સાહ પણ એટલો જ હતો.એવામાં રિઝલ્ટ આવી ગયું.હવે વારાફરતી એક-એક કરીને રિઝલ્ટ જોવા લાગ્યા હતા.
પહેલા પ્રફુલે પોતાનો સીટ નંબર નાખ્યો તેનું રિઝલ્ટ જોયું તો તે ખુશીનો માર્યો કોઈના હાથમાં ન સમાય એમ ઉછાળ્યો એનું કારણ તે સારા માર્ક્સ સાથે પાસ થઈ ગયો હતો.
પછી વિકાસે પોતાનો સીટ નંબર નાખ્યો તે પણ પ્રફુલ ની જેમ ઉછાળ્યો તે પણ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈ ગયો હતો.
જેમ કોઈ ખેલાડી બધી જ મેચ જીતી જાય અને ફાઇનલ રમવાનું ટેન્શન હોય તેવી જ રીતે હવે વિજયનું રિઝલ્ટ જોવાનું બાકી હતું,હવે તેનો સીટ નંબર નાખ્યો અને જેવું રિઝલ્ટ જોયું તેવામાં જ ત્રણેય આશ્ચર્યચકિત થઈ ગયા.જેમ કોઈ ખેડૂત ખૂબ જ મહેનત કરે પણ પાક સારો ના પાકે તો તે મુંજાય છે,એવી જ રીતે તે મુંજાયો કારણકે તેનું રિઝલ્ટ બહુજ ખરાબ આવ્યું હતું.તે બે જેટલા વિષયમાં નાપાસ થયો હતો.વિજય પોતે પોતાનું આ રિઝલ્ટ જોઈ રડવા માંડ્યો.કોઈ કામ ધંધા શોધવા માટે ગયેલ વ્યક્તિને કાંઈ કામ ધંધો ના મળે ત્યારે પાછા ફરતા અનેક વિચાર કરે કે ત્યાં જઈને શુ કહીશ,શુ કરીશ.તેવી જ રીતે આજે વિજયનું મન પણ એવા અનેક વિચાર કરી રહ્યું હતું. હવે હું મારા પિતાને શુ જવાબ આપીશ શુ કહીશ,તેને કંઈ જ ખબર ન પડતી હતી.
વિજયની આ વાત સાંભળી તેના આ બંને મિત્રો પણ ગંભીર થઈ ગયા,પણ તેને શાંતવના આપવા અને તેના દુઃખ માં સહભાગી બનવા માટે બેક શબ્દો કહ્યા"અરે યાર હવે જે રિઝલ્ટ આવ્યું એ,તે બદલી તો નહીં શકાય,અમે તારા પિતાને સમજાવીશું.પણ તેને પોતાના પિતાની ખબર હતી.
પણ તમે મારા પિતાને નથી જાણતા,તે કોઈનું નહિ સાંભળે.કોઈ હઠ પર ચડેલો વ્યક્તિ હજી સમજી જાય,નાનું બાળક હોય તો તેને ગમે તેમ કરી સમજાવી શકાય.પણ મારા પિતાજી કોઈ રીતે નહીં માને
હા,પણ અમે બંને પ્રયત્ન તો કારી જોઈએ.પ્રયત્ન કરવામાં શુ જાય વળી.
આ બધી જ વાતો ત્યાં પતાવી હવે ત્રણેય વિજયને ઘરે પહોંચ્યાં અને તેના પિતાને પોતાના રિઝલ્ટ વિશેની વાત જણાવી.અને રિઝલ્ટ બતાવ્યું.જેમ પોતાના પુત્રએ કોઈ ઘોર અપરાધ કર્યો હોય તેવી રીતે તેની સામું જોયું, રિઝલ્ટ જોતા જ પોતે તેને ગુસ્સમાં કહેવા લાગ્યા"મેં તને કહ્યું હતું ને મહેનત કરજે,બીજા સાથે રખડવા જવાનું બંધ કરજે,અને ભણવામાં ધ્યાન આપજે.કેટલી વાર સમજાવ્યો હતો,ત્યારે તું કોઈનું સાંભળતો જ ન હતો.હવે મારે તારું કરવું તે તો મારી આબરૂ દાવ પર લગાવી દીધી.
એવામાં વિજયના બંને મિત્રો તેના પિતાને નિરાંતે સમજાવે છે,અને કહે "કાકા અમે પણ સમજી શકીએ કે તે નાપાસ થયો,પણ હવે આપણે તેમાં શુ કરી શકીએ,જે થઈ ગયું એ થઈ ગયું હવે આ વખતે સારી મહેનત કરશે તો આરામથી પાસ થઈ જશે.દુનિયામાં એક વાર નિષ્ફળ થઈ ગયા એટલે શું બીજી વાર સફળતા ના મળે?
તેના પિતા આ બંને ને પણ કહ્યું"તમે બંને પાસ થઈ ગયા છો એટલે તમને આ બધું બોલતા આવડે,બાકી તમે પણ નાપાસ થયા હોત તો ખબર પડત.
જેમ કોઈ બાળક જીદ પર ચડી જાય અને કોઈ વાતે સમજવા તૈયાર ન થાય તેમ વિજયના પિતા પણ કોઈ રીતે સમજવા તૈયાર ન હતા.કોઈ વાતે એક ના બે ના થયા અને વિજયને ગુસ્સામાં આવીને ઘણું બધું કહી દીધું હતું.
હવે બંને મિત્રો તો વધારે શુ બોલે.તેના પિતા કોઈ પણ વાતે સમજવા તૈયાર જ ન હતા.
પછી,છેલ્લે બંને મિત્રો કંટાળી
આ બધો જ વાર્તાલાપ પતાવી વિજય ના મિત્રો પોતપોતાને ઘરે જતા રહ્યા.
અને જતા પહેલા તેને કહેતા ગયા કે કઈ ગભરાવાની જરૂર નથી આ વખતે સારી મહેનત કર એટલે પાસ થઈ જઈશ.
જેમ નિર્ધન ને ધન ની જરૂર હોય,પ્રેમીને તેની પ્રેમિકાની જરૂર હોય,નાના બાળકને માતા ની જરૂર,આ વસ્તુ ના હોય તો માણસ અંદરથી ભાંગી પડે છે,તેમ વિજય પણ અંદરથી ભાંગી પડ્યો હતો,તેને શું કરવું તેને કશી ખબર પડતી ન હતી.તેના પિતા તેની વાત સમજવા તૈયાર ન હતા.તેનું મન અઢળક વિચાર કરી રહ્યા હતા.હવે તેને પોતાના જીવનમાં જીવવાનો રસ જાણે ઉડી ગયો હોય તેવું લાગતું હતું.
આ બાજુ પ્રફુલ અને વિકાસ ને હવે ૧૧ મુ ધોરણ માટે એડમિશન લેવાનું હતું.એટલે તે પોતાના કામમાં વ્યસ્ત હતા.જેમ ઘોર તપસ્યા પછી કોઈ મુનિ પોતાની શક્તિ પ્રાપ્ત કરે એમ આખરે તે બન્ને એ ખૂબ દોડધામ કરીને ૧૧ સાયન્સ માં એડમિશન લઈ લીધું.અને હવે થોડાક દિવસોમાં તેની શાળાઓ ચાલુ થવામાં હતી.જેમ કોઈ કન્યાને લગ્નના થોડા દિવસો બાકી હોય પછી તે પોતાનું ઘર છોડીને સાસરે જવાની હોય અને દુઃખ અનુભવે,તેમ જ હવે તે પણ વિજય સાથે થોડા દિવસો જ હતા.પછી પોતે એકલો પડવાનો હતો.આ જાણીને તે મનથી વધારે ભાંગી પડ્યો.જેમ દરિદ્ર નો કોઈ સહારો ના હોય તેમ પોતે પોતાને સમજવા લાગ્યો હતો.
હવે વિજય એકલો પડી ગયો,જેમ કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય અને છોડીને જતો રહે અને તેની ખોટ વર્તાય તેમ તેને પણ તેના આ બંને મિત્રોની ખોટ વાર્તાવા લાગી હતી.પોતે એકલો મનમાં મુંજવા લાગ્યો,તેના પિતા પણ તે કોઈ પારકો હોય તેની સાથે તેવો વ્યવહાર કરતા હતા.
હવે તેના માટે જીવવું અસહ્ય હતું.જેમ કોઈ વ્યક્તિ જીવનથી કંટાળી,અથવા કોઈ માણસથી કંટાળીને પોતાનો જીવ આપવા તૈયાર થઈ જાય,અને આત્મહત્યા કરે પોતાને પણ એવો જ વિચાર આવ્યો.હવે તેણે પોતે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું.
એક દિવસ બપોરના સમયે,જેમ કોઈ પંખી પોતાની પહેલી ઉડાન શીખતું હોય અને નીચે પડે તેમ વિજયે પણ કાઈ પણ વિચાર કર્યા વગર ઊંચી બિલ્ડીંગથી છલાંગ લગાવી અને પોતાનો જીવ આપવા પ્રયત્ન કર્યો,એ જેવો નીચે પડ્યો એવામાં રસ્તા પર અચાનકથી જેમ ટ્રાફિક થઈ જાય તેવી જ રીતે તે બિલ્ડીંગ નીચે ટ્રાફિક થઈ ગઇ હતી.
તેની આ હાલત જોઈ કોઈ માણસાઈની નીતિને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો,તાત્કાલિક તેને દાખલ કરવામાં આવ્યો.પછી બધી પૂછપરછ પછી તેના પિતાને કોલ કરીને બોલાવ્યા હતા.તેના પુત્રના આ સમાચાર સાંભળતા જ જેમ અચાનકથી કોઈ હુમલો થાય અને આશ્ચર્યચકિત પામીએ,તેવું જ તેના પિતાને લાગ્યું હતું.તે હોસ્પિટલ પહોંચ્યા અને પોતાના દીકરાની હાલત જાણવા ડોક્ટરની રાહ જોતા હતા.ત્યાંજ ડોક્ટર આવ્યા તેણે કીધું કે તેને માથામાં બહુ વાગ્યું છે,પણ તેનો ઈલાજ કરશું તો તેને સારું થઈ જશે.
વિજયના પિતાએ કહ્યું જે કરવું પડે તે કરજો,પણ તેને બચાવી લેજો.
આ વાત પતાવી ડોક્ટર વિજય પાસે ગયા અને તેનો ઈલાજ શરૂ કર્યો.
આ બાજુ વિજયના મિત્રોને તેના ખબરની જાણ થતાં તે પણ હોસ્પિટલ પહોંચ્યા,અને તેના ખબર અંતર પૂછવા લાગ્યા.
હવે તેના ઇલાજના બે-ત્રણ દિવસ થઈ ગયા હતા,તેના મિત્રોએ ડોક્ટર પાસે જઈ તેના હાલ પૂછ્યા સાથે વિજયના પિતા પણ હતા.
ડોકટર એ કહ્યું હવે તેને પહેલા કરતા ઘણું સારું છે,હવે તે એક-બે દિવસમાં ભાનમાં આવી જશે.
વિજયના પિતાએ કહ્યું"તો વધારે સારું ડોક્ટર સાહેબ"
હવે આ વાર્તાલાપને બે દિવસ થઈ ગયા હતા.જેમ કોઈ પરદેશ ગયેલા પતિની રાહ તેની પત્ની જોઈ રહી હોય તેમજ વિજયના મિત્રો અને તેના પિતા તેને સભાન અવસ્થામાં જોવાની રાહ જોઈ રહ્યા હતા.તેઓ બધા વિજયની પાસે જ ઉભા હતા.
એવામાં વીજયની આખો ખુલી,ત્યાં તો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને તે પાછો સંજીવન થઈ જાય એવી જ ખુશી આજે વિજયના પિતા અને તેના મિત્રો ને હતી.કોઈ નિરાશમાં એક આશા આવી હતી.
જેવો વિજય ભાનમાં આવ્યો તેવામાં તેના પિતાએ તેને ભેટ્યો અને કહેવા લાગ્યા"કેમ છે બેટા આવું પગલું ભરવાનું તને કોણે કીધું હતું,એક વાર પણ કાંઈ વિચાર ના કર્યો,તેના મિત્રોએ પણ એ પણ ઘણું કીધું અને સમજાવ્યું હતું.
પણ બિચારો અંદર મનમાં મુંજાયેલો વિજય શુ બોલે.
પછી તેના પિતાએ કહ્યું,"આ બધું મારા કારણે થયું છે,મારે તારા પર ગુસ્સો ન હતો કરવો જોઈતો,તને મારે હિંમત આપવી જોઈતી હતી"
તેના મનની આ બધી મૂંઝવણ તેના બંને મિત્રો જાણતાં હતા.
તેણે સમજવાતા વિજયના પીતાને અને વિજયને કહ્યુ "તમે અને વિજય તમારી બંનેની રીતે સાચા જ હતા."
પણ વિજય તારે આવું પગલું ભરવું ન જોઇતું હતું,એક વાર તો તારે આ વિશે વાત કરવી હતી ને,તો તેનું કાંઈક સમાધાન આવત.
અને તેના પિતાને પણ કહ્યું"કાકા તમારે પણ તેના પર ગુસ્સો કરવાને બદલે તેનો સાથ આપવો જોઈતો હતો.એક વાર વ્યક્તિ નિષ્ફળ થાય એનો મતલબ એવો તો નથી કે તે બીજી વાર સફળ ના થાય.
પછી વિજયને આગળ સમજવાતા કહ્યું"તારે પણ સમજવું જોઈતું હતું કે પિતા છે તે તો આપણાં પર ગુસ્સો કરે પણ એનો અર્થ એવો તો નથી કે આવું પગલું ભરવું.
નિષ્ફળતા મળે એનું સમાધાન આત્મહત્યા તો નથી.તેના લીધે તારું સમાધાન તો નથી થઈ જતું.એના બદલે તો પ્રોબ્લેમ વધે છે.માણસ એક વાર નિષ્ફળ જાય તો તેને બીજી વાર પ્રયત્ન કરવો જોઈએ,જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પરિશ્રમ કરે તો એકવાર સફળતા જરૂર મળે જ.
પણ એકવાર નિષ્ફળ થયા એટલે આત્મહત્યા કરવી એ કોઈ સમાધાન નથી.
આજે વિજય અને પોતાના પિતાને પોતાની જિંદગીનો બોધપાઠ મળી ગયો હતો.અને પોતે તેને જીવનમાં અમલ કરવાના હતા.
આ બધા જ વાર્તાલાપ પછી અને ડોક્ટરની પરવાનગી લઈને પોતે પોતાના ઘરે આવ્યા,
હવે વિજયના પિતાએ તેને બોધ આપ્યો,બેટા જિંદગીમાં કોઈ વખત નિષ્ફળ થઈએ તો એનો રસ્તો આત્મહત્યા નથી,એ પરિસ્થતીનો સામનો કરતા શીખવું જોઈએ.અને મારી પણ ભૂલ હતી,મારે તારા પર ગુસ્સો કરવાને બદલે સમજાવો જોઈતો હતો અને સાથ આપવો જોઈતો હતો.
વિજયે જવાબ આપતા કહ્યું"પિતાશ્રી જે થયું તે હવે ગમે તે પણ થશે હું આવું પગલું નઈ ભરું,અને આગળથી ધ્યાન રાખીશ,અને નિષ્ફળતા મળશે તો તેનો સામનો કરીશ.
આખરે બંને પોતાને ખૂબ સારી રીતે સમજી અને એકબીજાનો સાથ આપીને જીવવા લાગ્યા.અને ફરીથી તેની જિંદગી પેલા જેવી થઈ ગઈ.અને વિજયના પિતા તેને ભેટીને રડવા લાગ્યા.
👉👉આવા તો આપણા સમાજમાં કેટલા વિજય હશે અને કેટલા વિજયના પિતા હશે.જે પોતાના પુત્રની નિષ્ફતા સામે તેને સાથ આપવાને બદલે તેના પર ગુસ્સો કરે છે.અને કેટલા વિજય આવો આત્મહત્યાનો પ્રયાસ કરે છે.
અહીંયા તો વિજય બચી ગયો,પણ તમે પણ તેના પિતાની જેમ વર્તસો તો તમારે પોતાના પુત્રને ખોવાનો વારો આવશે.
અને બાળકોને પણ નમ્ર વિન્નતી છે,કે એક વાર નિષ્ફળ થાવ તો એનો મતલબ એવો નથી કે જિંદગીથી નિષ્ફળ થઈ ગયા,બીજી વાર મહેનત કરો જરૂર સફળ થશો.
જીંદગી માણવા માટે આપી છે,તો તેને આનંદથી મોજથી માણો.
આભાર
પ્રતીક ડાંગોદરા