Corona kathao - 6 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | કોરોના કથાઓ - 6

Featured Books
Categories
Share

કોરોના કથાઓ - 6

કોરોના કથા 6 - મોર્નિંગ વૉકર

'એમ તે ઘાણીના બળદની જેમ ઘરના એકથી બીજા રૂમમાં ફર્યા કરીએ એને વૉક થોડી કહેવાય?' વડીલ એમની 'વડીલાણી' ને કહી રહ્યા હતા.

વડીલાણી એટલે કાકી કહે ' આ લોકડાઉનમાં સાત સુધી કરફ્યુ છે. સવારે સાડાછ વાગ્યા છે. એવું હોય તો નાકેથી દુધનાં પાઉચ લેતા આવો. પગ પણ છૂટો થાય. મારે તો આમેય હું ભલી ને મારી આ ચાર દિવાલ ભલી.'

' ના ના. તું તારે દૂધ લેવા જા. આખા દિવસમાં એ જ તને બહારની હવા મળે છે. શાકવાળા પણ હમણાં તો સવારે સાડાછ વાગે બેસી ગયા હોય છે. આ તો હું સોસાયટીની બહાર આંટો મારૂં એટલે ખ્યાલ છે. જા, જા તું તારે. દૂધ ને શાક બેય લેતી આવ. હું મારી રીતે સહેજ પગ છૂટો કરતો આવું.' વડીલે પ્રેમપૂર્વક અર્ધાંગિનીને ખુલ્લી હવા લેવા આગ્રહ કર્યો.

'પગ છૂટો? પુરી ચાલીસેક મિનિટ ચાલો છો. અત્યારના સંજોગોમાં પગને બદલે જીવ છૂટો થઈ જશે. હરી હરી.' કાકીએ વ્યાજબી કારણે કાકાને સલાહ આપી.

'હું તો આ ગયો ને આ આવ્યો. તું કહે છે તો ભલે ચાલીસ મિનિટમાં. અત્યારે બધા, આખું ગામ દૂધ ને શાક લેવા ઉમટી પડ્યું છે એમાં હું ક્યાં ને કેટલે જાઉં છું એ કોણ જોવાનું છે?' કાકા તો એમ કહેતા જોગિંગ શૂઝ અને ટ્રેક ઉપર દીકરાએ વિદેશથી અપાવેલ ફાંકડો ટીશર્ટ ચડાવી નીકળ્યા. મોંએ માસ્ક તો નહોતો, નાનો રૂમાલ બાંધ્યો.

વડીલ રસ્તે ચડ્યા. લોકડાઉનમાં કરફ્યુ સવારે સાત વાગે ખુલે પણ લોકોની અવરજવર તો છ સવાછ આસપાસ શરૂ થઈ જતી.

વડીલે ચાલવાની થોડી ઝડપ વધારી. અર્ધા કલાકે આવી ચા પીતાં મોબાઈલમાં મિત્રે મોકલેલું ઈ છાપું વાંચવું શરૂ કર્યું. છાપાં બંધ હતાં.

હવે વડીલ સવારને બદલે સાંજે નીકળવા લાગ્યા. સવારે થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી લે. આમેય દૂધ શાક માટે સોશિઅલ ડિસ્ટન્સ રાખી ઉભેલા ઊંઘરેટીયાઓને જોઈને શું કરવું? વડીલની સામે પણ કોઈ જોતું ન હતું.


સવારે તો આવા કોઈમાં કોરોનાનાં લક્ષણો વગરનો 'અપલખણો' ભેટી જાય. ગિરદી ન હોય તો પણ માણસો ઘણાં હોય. સાંજે એક આંટો મારીએ એમાં કાંઈ ખાટુંમોળું થઈ જવાનું નથી.


વડીલ તો સાંજે છ વાગે ફરીથી નીકળ્યા. લગભગ સુમસામ રસ્તાઓ ઉપર કોઈકોઈ કાર કોણ જાણે ક્યાં કામે નીકળી હશે, પસાર થતી હતી. વડીલને તો મોજ પડી ગઈ. સાથે લાવેલ ઈયરફોન ભરાવી ચાલતા જ રહ્યા.. ચાલતા જ રહ્યા.


આખરે એમણે સુરજ ડૂબવાની તૈયારી કરતો જોયો. પોતે થોડી ઝડપ વધારી. સાત વાગવાને બહુ વાર ન હતી. પોલીસની વાન દુકાનોને બંધ થવાની સૂચના આપતી પસાર થઈ. વડીલની નજીક જઈ ઉભી. અંદરથી ઇન્સ્પેક્ટર ડોકું બહાર કાઢી કહે 'વડીલ, આમ કરફ્યુ થવા ટાઈમે બે હાથ હલાવતા ક્યાં ચાલ્યા?'


'આ તમારી કાકીને પેટમાં સખત ચૂંક આવે છે. નજીકમાં મેડિકલ સ્ટોર પર દવા લેવા.'

ઇન્સ્પેકટરને શંકા ગઈ. એક મેડિકલ સ્ટોર તો પાછળ ગયો. તેમણે કોઈ દુકાનવાળા સાથે ચર્ચા કરતા હોય તેમ વાન ઉભી રાખી. વડીલ ક્યાં જાય છે તેનું ધ્યાન રાખ્યું.


વડીલ હવેથી સહેજ વહેલા પાછા ફરવા લાગ્યા. તો પણ 'રોન મારતી' વાનના એ જ ઇન્સ્પેક્ટરની નજરે તો ચડ્યા.


ફરી એક વખત સવારે હજી તો ભળુંભાંખળું કહે છે તેવું આછું અજવાળું થયેલું. સાત વાગવાને ઘણી વાર હતી. પેટ્રોલીંગ પતાવી પાછી ફરતી વાનમાંથી ઇન્સપેક્ટરે વડીલને જોયા. આમને તો પેલા મેડિકલ સ્ટોરના રસ્તે અહીંથી ત્રણેક કિલોમીટર દૂર જોયેલા!


'કોરોના ભૂખ્યો છે. ઝાડીમાં સંતાઈને બેઠેલા ચિત્તા જેવો. જે કોઈ આવો એકલદોકલ નીકળે એને ઝપટ મારી કોળિયો બનાવી લે. એટલે તો ઘરમાં રહેવું એ જ અત્યારના સંજોગોમાં એક માત્ર ઉપાય છે. આ વડીલ પોતે કોરોના ફેલાવશે નહીં પણ કોરોના તરાપ મારી એમનો શિકાર કરી શકે છે.' તેમણે સાથેના હવાલદારને કહ્યું.


તે દિવસે તો વાત ત્યાં પતી.


વડીલને તો ઘરમાં મઝા આવતી ન હતી. 'સાલું કોરોના છે તે સમજ્યા પણ એમાં ઘરમાં બેઠાબેઠા કંટાળીને મરી થોડા જવાય? થોડું (એટલે કે ત્રણેક કિલોમીટર) ચાલી આવીએ એમાં કોરોના કાંઈ ત્રાટકી પડવાનો નથી. પોલીસવાળા તો કહે. એ એનું કામ કરે અને આપણે આપણું.'


હજી આછો ભુરો પ્રકાશ રેલાતો હતો તેવી એક વહેલી સવારે વડીલ તો સંગીત સાંભળતા નીકળી પડેલા. સામેથી એમની જેવા બીજા ત્રણચાર કાકાઓ, એક યુવાન દંપત્તિ અને બે માજીઓ પણ મળ્યાં.


એક વડીલ તો નજીકના ફ્લેટમાં જ રહેતા હતા. તેમની સામે ડોકું નમાવ્યું. તેમણે હાથ ઊંચો કર્યો. ધીમેંથી કહે, 'તમારું જોઈ હું પણ નીકળું છું. અને મારું જોઈ આ સામેના બિલ્ડીંગવાળાં બહેનો. શાબાશ. કોરોના એનું કામ કરે અને આપણે આપણું.'


વડીલ આગળ ગયા ત્યાં પાછળથી અવાજ આવ્યો, ' જેશ્રી ક્રષ્ણ. મોર્નિંગ વૉકમાં?'

વડીલ કહે 'હા ભાઈ. જય સ્વામિનારાયણ. આ સવારની હવા તો લઈ લઈએ!'


'રોજ આવો છો કે?' સાથે ચાલવા લાગેલા ભાઈએ પૂછ્યું. તે સારા એવા ફીટ લાગતા હતા. પોતાનાથી થોડા નાના. હશે પચાસેક આસપાસ. એના વાળ ઘણાખરા ધોળા થઈ ગયેલા. ગળાં ઉપરેય કરચલીઓ પડવા લાગેલી.


'હા. હું તો રોજ આવું હોં! '


'હમણાં તો સવારે જ નીકળાતું હશે.'


'આમ તો એવું જ. બાકી સાંજે કરફ્યુ થઈ જાય એટલે સહેજ વહેલો. બેય ટાઈમ નીકળું. તમને મળ્યો નથી.'


'હું તમને રોજ જોઉં છું. સરસ. અને વડીલ, સોરી, સર, આ માસ્ક ઉતરી ગયો છે.' સાથે ચાલતા ભાઈ બોલ્યા.


'ખુલ્લી હવા લેવા નીચો જ રાખું છું. રૂમાલ છે. અમૂલની દુકાનોમાં માસ્ક આવવાના હતા. હજી આવ્યા નથી. આમેય સવારના પહોરમાં કયો વાઇરસ પેસી જવાનો હતો નાકમાં! ભલે ઉનાળાની સવારની ઠંડી હવા જતી. ફેફસાંને નેચરલ એસી.' વડીલ એક ક્ષણ ખડખડાટ હસ્યા.


સાથી પણ હસ્યા. 'તોયે, વાયરસ થોડો ઘડિયાળ પહેરીને આવે છે? એ તો હવામાં તરતો હોય ને ગમે ત્યારે નાક વાટે ઘુસી જાય.'


'આમ તો સાચી વાત હશે તમારી. પણ ઘરની એકની એક બંધિયાર હવા લેવા કરતાં થોડી તાજી હવા ભરી લઈએ. તમે પણ ક્યાં માસ્ક કે મફલર કે કાંઈ રાખ્યું છે આડું? ચાલે હવે સવારે સવારે.' વડીલે હાથ હલાવતાં કહ્યું.


'તો વળતાં કે જતાં દૂધ લેતા જશો ને? હું પણ લઈ લઈશ. ખુલતી દુકાને બહુ લાઈન નહીં હોય.'


'દૂધ તો બે ચાર દિવસનું ભેગું એ લઈ આવે છે. હા. ક્યારેક હું પણ. લાઈન ખાસ ન હોય તો. આ સોશિઅલ ડિસ્ટન્સને લીધે બહુ લાંબે સુધી લાઈનો થઈ જાય છે.'

'તો આ થેલી કેમ ભેગી છે? નકામી હાથ હલાવવામાં વચ્ચે આવે. ધજા ફરકાવતા અંબાજી કે ડાકોર સંઘની આગેવાની કરતા હોઈએ એવું લાગે.' સાથીએ રમૂજ કરી.


વડીલ ખુશ થઈ મોટેથી હસી પડ્યા.


ખડખડાટ હસવામાં એમનાં મોંમાંથી થૂંકના બે ચાર છાંટા સાથીના ગાલે ઉડયા હોય એવું લાગ્યું. સાથીએ ગાલ લૂછયો. વડીલે સોરી કહી રૂમાલ ઊંચો લીધો.

જોક પર ખુશખુશાલ થઈ ગયેલા વડીલે હાથ ઊંચો કરી સાથીને તાળી આપવાનું કર્યું. સાથીએ હાથ ખેસવી લીધો. હમણાં હાથ મેળવવાનું કે સ્પર્શ કરવાનું જોખમી હતું.


'ધજા ચડાવવા! હા હા. મસ્ત જોક મારી. આ થેલી તો લોકોને બતાવવા. પોલીસને છેતરવા. એમ થાય કે દૂધ લેવા કે શાક લેવા નીકળ્યો હોઈશ એટલે.' વડીલે ખુલાસો કર્યો.


'કોઈને શું પડી હોય આપણે શું કરીએ છીએ એની! આપણી સામે જોવા પણ કોઈ નવરૂં નથી હોતું.' થોડા નજીક આવી પણ ડિસ્ટન્સ રાખી ચાલતો સાથી બોલ્યો.


'આમ તો સાચી વાત. પણ એ કહે છે કે ક્યારેક પોલીસ પકડે છે. તો ઉભા રાખી પૂછે તો બતાવવા થાય.'


'પણ તો કુપન ને પૈસા? કે પેટીએમ જેવું?'


'શું તમેય તે! પાકીટ થોડું જોવા માગશે એ લોકો?'


'એક આ પોલીસો ખોટું નડ્યા કરે છે તમારી જેવાને નહીં?'


'એને ઓર્ડર હોય એટલે કરવું પડે. સરકારે લોકોને જેલમાં ગોંધી રાખ્યા જેવું કર્યું છે. મને તો નથી ફાવતું. જઈજઈને બજારમાં કે પાસેનાં ગાર્ડનમાં જતો. એ પણ બંધ છે. અરે કોરોના એમ આવવું હોય તો ઘરમાં પણ આવી ગળચી પકડે. હા. ગળચી જ. પહેલાં ગળું અને શ્વાસની તકલીફ થાય છે ને?'


'એટલે તો ઘરમાં રહેવા કહે છે. એટલે તો પોલીસ લોકોને ઘરમાં રાખવા ઉભે છે કે ફર્યે રાખે છે.'


'ફર્યે રાખે. આપણને ત્યાં ત્રણ કિલોમીટર દૂર કહે તો ત્યાંની સોસાયટીનું નામ દઈ દેવાનું. ન ખબર હોય તો કોઈ પણ સોસાયટીના ગેઇટ સામે આંગળી ચીંધી દેવાની. ઘર પાસે તો ફટાફટ ચાલીને પહોંચી જવાય.'


'તે હેં સર, તમે રોજ એ … સુધી ત્રણ કિલોમીટર ચાલો છો?'


'હોવે. મારા પગ છે ને હું ચાલું છું. રોજના પાંચ કિલોમીટર. મિનિમમ.'


'બહુ ફીટ કહેવાઓ. હું પણ તમને જોઉં છું રોજ. ક્યાં રહો છો?'


'આ … સોસાયટીમાં. તમે મને જુઓ છો તો આવો સાથે. જો, પેલા ફ્લેટમાંથી હમણાં ગયા એ વડીલ મારૂં જોઈને આવે છે. અને એનું જોઈ બે બહેનો. એનું જોઈ બીજા. પોલીસ એ જુએ તોયે એમ જ માને છે કે સવારે દેખાઈએ તો દૂધ લેવા ને સાંજે દવા લેવા જતા હશું. ચાલો તો મારો ક્વોટા પૂરો થવા આવ્યો. થોડું બેસવું છે આ બંધ દુકાનના બાંકડે? નસીબમાં હશે તો પાસે પેલો કીટલીવાળો સામેનાં મકાન પાછળ સ્ટવ રાખી ચા બનાવી કીટલીમાં ભરી વેંચતો હશે. એ પણ પીએ. બાકી તો ઘેર એ બનાવે જ છે ને!

બાય ધ વે, તમે ક્યાં રહો છો?'


વડીલને નવા સાથી ગમી ગયેલા. સાત ડગલાં સાથે ચાલે એ મિત્ર. આ તો સાતના અડધા કિલોમીટર સાથે ચાલેલા. ઓળખાણ કરીએ. વડીલને થયું.


'ક્યાં રહું છું? હમણાં તો પોલીસચોકીમાં. સાહેબની તમારી ઉપર દિવસોથી નજર હતી. એકવાર તમને અમારા કોઈએ વૉર્નિંગ પણ આપેલી. ચાલો ત્યારે લાંબો સંગાથ કરીએ.' સાથીએ ઓળખાણ આપતાં વડીલના ખભે મજબૂત હાથ મૂકતાં કહ્યું.

વડીલ તતપપ થવા લાગ્યા. તેમની દાઢી ધ્રુજવા માંડી.


'ચાલો સાહેબ પાસે.' કહેતો સાથી નજીક

ઉભેલી જીપ પાસે વડીલને લઈ ગયો.

'આટલી મઝાની વાતો સાંભળ્યા પછી તમને તમારી ઉંમર જોઈ અમે જેલ કે દંડ નહીં કરીએ.' સાથીએ સધિયારો આપ્યો.


'ચાલો, અમારા જમાદાર સાથેની દોસ્તીના માનમાં એ ખૂણામાં કીટલીવાળાની ચા તમને પાઈ દઈએ. પછી એ કીટલીવાળો, તમે અને પેલા વડીલ એ આવે. એમને પણ બેસાડી દઈએ જીપમાં. અને ફોન તો સાથે રાખ્યો છે ને?' ઇન્સ્પેક્ટરે પૂછ્યું એ સાથે જ 'સાથી'એ વડીલના ટ્રેકનાં ખિસ્સામાં હાથ નાખી મોબાઈલ કાઢી સાહેબને આપ્યો.

સાહેબે વડીલને પૂછીને નંબર જોડ્યો.


'નમસ્તે બહેન. તમારા મિસ્ટરને ફીટ રહેવા રોજ પાંચ કિલોમીટર ચાલવું હોય છે. વહેલી સવારે અને મોડી સાંજે મળીને. એમનો એક અઠવાડિયાંનો ક્વોટા આજે પૂરો કરી દઈએ. ચિંતા નહીં કરતાં. સરને કીટલીની ચા પાઈ લઈ જઈએ છીએ ત્રીસ કિલોમીટર દૂર. થાક ખાતા ખાતા સાંજ સુધીમાં ઘેર આવી જશે. પગ બોળવા ગરમ પાણી કરી રાખજો.'


જીપ ચાલુ થઈને ખાંચામાં ચા વેંચતા છોકરા પાસે ઉભી. ચા પીતા 'મોર્નિંગ વૉકર્સ' અને બેચાર એકલીયા લાગતા છોકરાઓ ભાગ્યા. કીટલીવાળો કીટલી ઢોળે એ પહેલાં પકડી વડીલને ચા પાઇ.


ફોન કટ કરી ઇન્સ્પેક્ટરે 'સાથી'ને શાબાશી આપતાં કહ્યું, 'આ ભાઈ ઉપર હું નજર રાખતો જ હતો. 'તમે સારો રોલ ભજવ્યો. આ એરિયાના પોશ લોકો વચ્ચે ફ્લેટ લઈલો.'

'આપણને આવા અણસમજુ પોશ લોકો જેવા નથી થવું. પોલીસલાઈન જ સારી છે.' કહેતાં 'સાથી'એ જીપ સ્ટાર્ટ કરી.


સાહેબે વડીલ અને બીજા કાકાને પુરા બત્રીસ કિલોમીટર દૂર ઉતાર્યા. કહે 'તમે તો ફીટ માણસ છો. થાક ખાતા માંડો ચાલવા. તમારો આખા અઠવાડિયાનો ક્વોટા પૂરો. ગુડ લક. ટેઈક કેર.'


વડીલ ધ્રુજતા ઉભા. શૂન્યમનસ્ક થઈ સામે જોઈ રહ્યા. પોલીસ જીપ સાયરન વગાડતી જાઈ રહી હતી તેનો ધુમાડો વડીલનાં ફીટ ફેફસાને ભરી રહ્યો.