Pratishodh - 1 - 15 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ પ્રથમ અંક - 15

Featured Books
Categories
Share

પ્રતિશોધ પ્રથમ અંક - 15

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:15

ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન

ઈન્સ્પેકટર ગુજરાલ પોતાની મદદ કરશે એવી આશા ઠગારી નિવડતાં સમીરને શોધવા આવેલાં છ લોકોનું દળ મોહનગઢથી માધવપુર જવા રવાના થઈ ગયું. મોહનગઢથી માધવપુર વચ્ચેનો રસ્તો એટલી બિસ્માર હાલતમાં હતો કે માંડ અડધું અંતર કાપ્યું હશે ત્યાં તો એ લોકોની કમર દર્દ કરવા લાગી. વધારામાં તન દઝાવતી રણથી ગરમી એ લોકોની પરેશાનીમાં બમણો વધારો કરી રહી હતી.

જ્યારે રાઘવે સ્કોર્પિયોને માધવપુર એક કિમિ. નાં બોર્ડથી રેતાળ કાચા રસ્તે વાળી ત્યારે બધાં એ રસ્તાને જોઈ અચંબિત થઈ ગયાં કે આવાં રસ્તે તો વળી કોઈ શહેર વસેલું હોતું હશે. પણ, જેવાં જ એ લોકો એક કિલોમીટર અંતર કાપીને એક ઢોળાવ વાળા ભાગની કિનારીએ આવીને ઊભાં રહ્યાં એ સાથે એ લોકોની આંખો ફાટીને ફાટી રહી ગઈ. રાઘવ માધવપુરનાં ફોટો પહેલાં પણ જોઈ ચૂક્યો હતાં છતાં આ જગ્યાને જોયાં બાદ એની પણ આંખો પહોળી થઈ ગઈ.

ઢોળાવ ઉતરતાં જ પથ્થરોની બનેલી એક વર્તુળાકાર દીવાલ હતી, જે મોટાભાગે સાવ જીર્ણ હાલતમાં હતી. આ દીવાલની પૂર્વ અને પશ્ચિમ બે દિશામાં એક કાટમાળ બની ચૂકેલો દરવાજો મોજુદ હતો. આ એક પ્રકારે કિલ્લા જેવી રચના હતી, જેની અંદર નગર વસેલું હોવું જોઈએ એ જોતાં જ સમજી શકાય એવું હતું.

દૂરથી જ આ કિલ્લાની મધ્યમાં એક વિશાળ સરોવર નજરે ચડી રહ્યું હતું, જેની ચોતરફ વિપુલ પ્રમાણમાં વનરાજી ફેલાયેલી હતી. જો કોઈ રૂબરૂમાં આ દ્રશ્ય ના નિહાળે તો આ વાત પર વિશ્વાસ કરે જ નહીં કે રણની વચ્ચે આવું સરોવર પણ હશે.

રાઘવે ગાડીને સાચવીને ઢોળાવ પરથી નીચે રગડાવીને પૂર્વ તરફ જતાં રસ્તે દોડાવી મૂકી. પાંચ મિનિટની અંદર એ લોકો કિલ્લાની અંદર પ્રવેશી ચૂક્યાં હતાં. આ સ્થાન એક સમયે કોઈ ધબકતું સમૃદ્ધ નગર હશે એ એનાં અવશેષો પરથી માલુમ પડતું હતું. આ જગ્યાને પૂર્ણ રીતે નેસ્તાનાબુદ કરીને અહીં સરોવરની નજીક એક ભવ્ય પાંચ સિતારા હોટલ બનવવાની યોજના સમીરની કંપની સેવી રહી હતી. આ હોટલને એ લોકો એક રાજવી હવેલી જેવો લૂક આપવાં માંગતા હતાં જેથી લોકો અહીં આવવા આકર્ષાય અને આ સ્થાન પર ટુરિઝમ વિકસાવી શકાય.

ભારત સરકાર દ્વારા આ જગ્યાએ ટુરિઝમ વિકસાવવા હેતુ સમીરની કંપનીને ખૂબ ઓછી કિંમતે સો વર્ષનાં ભાડાં કરાર પર આ જમીન સોંપવામાં આવી હતી. સમીર અને અન્ય ચાર લોકો દુબઈથી ખાસ આ જગ્યાની પ્રાથમિક તપાસ કરી; અહીં જે પુરાતન બાંધકામ છે એને દૂર કરવા આવ્યાં હતાં.

"રાઘવ, ત્યાં સરોવરની જોડે એક કાર પડી છે.." યુસુફે રાઘવને ઉદ્દેશીને કહ્યું.

રાઘવ ઉતાવળાં ડગલે એ કાર તરફ આગળ વધ્યો, જેવી જ રાઘવની નજર ધૂળની મોટી પરત ચડેલાં કારનાં મોડેલ પર પડી એ સાથે જ એ બોલી પડ્યો.

"નિસાન અલ્ટીમા! સમીર આ કારમાં જ જયપુરથી અહીં આવ્યો હતો. એને મને આ વિષયમાં જણાવ્યું હતું."

રાઘવની નજર અચાનક એ સરોવરની બીજી તરફ બનેલાં બે ટેન્ટ પર પડી. ટેન્ટને જોતાં જ રાઘવ એ તરફ અગ્રેસર થયો. બાકીનાં બધાં પણ રાઘવને અનુસર્યા.

રાઘવ અને અન્ય લોકોએ ટેન્ટ નજીક પહોંચીને જોયું તો ટેન્ટની બહાર અડધાં સળગેલા લાકડાં પડ્યાં હતાં. રાઘવ સાવચેતી સાથે એક ટેન્ટની અંદર ગયો. રાઘવની જોડે યુસુફ અને આધ્યા પણ ટેન્ટમાં પ્રવેશ્યાં હતાં.

આ ટેન્ટ પ્રમાણમાં બાજુનાં ટેન્ટ કરતાં નાનો હતો..આમ છતાં છ-સાત લોકો આરામથી આમાં સમાઈ શકે એટલો તો હતો જ. અનાયાસે આધ્યાની નજર ટેન્ટનાં ખૂણામાં પડેલાં કપડાંનાં ઢગલાં પર પડી. આ કપડાંનાં ઢગલામાં પડેલાં વાદળી લાઈનિંગ ધરાવતાં ગુલાબી શર્ટને જોતાં જ આધ્યા ઓળખી ગઈ કે એ શર્ટ સમીરનો છે.

આ ટેન્ટમાં પડેલી અન્ય વસ્તુઓને જોઈને રાઘવે પણ આધ્યાની એ વાતને સપોર્ટ કર્યો કે સાચેમાં આ ટેન્ટમાં જ સમીર અને કંપનીનાં અન્ય ચાર લોકો રહેતાં હતાં. આ ટેન્ટને વ્યવસ્થિત ચેક કરી લીધાં બાદ એ લોકો બાજુનાં ટેન્ટમાં આવ્યાં. આ ટેન્ટ પ્રમાણમાં મોટો હતો અને આ ટેન્ટમાં મેલાં કપડાં અને ખોદકામ અને કાટમાળ તોડવામાં વપરાતાં હથિયારો પડ્યાં હતાં. આ બધી વસ્તુઓ પરથી એ વાત સ્પષ્ટ બની ગઈ કે આ ટેન્ટ એ મજૂરો માટે બનાવાયેલો હતો જે અહીં સમીરની મદદ કરવાનાં હેતુથી આવ્યાં હતાં.

"રાઘવ, મને લાગતું નથી કે આપણી પહેલાં અહીં બીજું કોઈ તપાસ અર્થે આવ્યું હોય.." ટેન્ટની બહાર આવતાં જ યુસુફે રાઘવને ઉદ્દેશીને કહ્યું. "તમારી કંપનીનાં કહેવાથી ના જયપુરથી કોઈ આવ્યું છે ના મોહનગઢ પોલીસ સ્ટેશનથી."

"વાત સાચી છે તારી..કાર પર જામેલી ધૂળ અને ટેન્ટમાં પડેલી વસ્તુઓની હાલત જોઈને એ સ્પષ્ટ થાય છે કે સમીર અને બાકીનાં ચૌદ લોકોનાં ગાયબ થયાં બાદ અહીં આવનાર આપણે પહેલાં છીએ." યુસુફની વાતને ટેકો આપતાં રાઘવે કહ્યું. "મતલબ સાફ છે કે બધાં જૂઠું બોલી રહ્યાં છે..અહીં કોઈ આવ્યું નથી."

"રાઘવ, તો હવે શું કરીશું..?" આધ્યાએ ચિંતિત વદને કહ્યું.

"કાર અને બાકીનો બધો સામાન અહીં હોવાનો અર્થ સ્પષ્ટ છે કે સમીર કે અન્ય લોકો અહીંથી ક્યાંય ગયાં નથી." રાઘવે આધ્યાના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું. "આપણે બધાં સમીર તથા અન્ય ગાયબ થયેલાં લોકોને આ કિલ્લામાં શોધીશું."

"આ કિલ્લો તો ખૂબ જ મોટો છે.!" જુનેદે ચારે તરફ નજર ઘુમાવીને કહ્યું. "આપણે આખરે શરૂ ક્યાંથી કરીશું?"

"આપણે અલગ-અલગ બે ટીમમાં વહેંચાઈ જઈએ, એક ટીમ સરોવરની જમણી તરફ તપાસ કરશે અને બીજી ટીમ ડાબી તરફ." રેહાનાએ પોતાનો અભિપ્રાય રાખતાં કહ્યું.

"આઈડિયા સારો છે.!" રેહાના દ્વારા મુકવામાં આવેલાં પ્રસ્તાવને સ્વીકારતાં રાઘવે કહ્યું. "તો પછી લાગી જઈએ કામમાં. હું, જુનેદ અને જાનકી મળીને ડાબી તરફ તપાસ કરીશું જ્યારે આધ્યા, યુસુફ અને રેહાના મળીને જમણી તરફ. જે ટીમને પણ ખોવાયેલાં લોકોમાંથી કોઈની પણ નાની અમથી નિશાની મળી જાય એને તુરંત બીજી ટીમનો સંપર્ક કરીને આ વાતની ખબર કરવી."

"સારું ત્યારે, તમે લોકો ડાબી તરફ જાઓ અમે જમણી તરફ." યુસુફના આમ બોલતાં જ બધાં પોતપોતાની રીતે કામમાં પરોવાઈ ગયાં. કિલ્લાની અંદરનાં અંધારિયા ભાગોમાં વ્યવસ્થિત રીતે શોધખોળ કરી શકાય એ હેતુથી એ લોકો ટેન્ટમાં પડેલી ચાર ટોર્ચ લાઈટ પણ પોતાની સાથે લેતાં આવ્યાં હતાં. જેમાંથી અત્યારે બે ટોર્ચ રાઘવની ટીમ જોડે અને બે ટોર્ચ આધ્યાની ટીમ જોડે ઉપલબ્ધ હતી."

બપોરનાં બાર વાગી ચૂક્યાં હતાં, સૂર્ય માથે પહોંચી ચૂક્યો હતો. ત્રણ-ત્રણની ટુકડીમાં વહેંચાયેલી બે ટુકડીઓ માધવપુરનાં કિલ્લામાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલાં પંદર લોકોની શોધખોળમાં લાગી ગયાં હતાં. આ કિલ્લાની અંદર જે સામાન્ય પ્રજા રહેતી હતી, એમનાં મકાનો તો સમયની થાપટે ચડીને રેતીનાં ઢૂંવામાં પરિવર્તિત થઈ ચૂક્યાં હતાં. આ કિલ્લાની અંદર જે બચેલી ઈમારતો હતી એ સરોવરની જમણી અને ડાબી તરફ સ્થિત પથ્થરોની ઈમારતો હતી, જેની સ્થિતિ પણ ખંડેરો જેવી થઈ ચૂકી હતી.

આધ્યા, યુસુફ અને રેહાના જે તરફ આગળ વધ્યાં હતાં એ જગ્યા એક જમાનામાં રાજમહેલ હોય એવું માલુમ પડતું હતું. આ એક બે મંજીલા ઈમારત હતી જેમાં ઘણાં બધાં કક્ષ, દિવાનખંડ અને અન્ય રોજીંદા ઉપયોગ લક્ષી જગ્યાઓ આવેલી હતી. ઈમારતનાં ઝરૂખા અને દિવાનખંડની કોતરણી ખૂબ જ સુંદર હતી, જે માધવપુરની એ સમયની સમૃદ્ધિની ઝાંખી કરાવતું હતું.

રાઘવ, જુનેદ અને જાનકી એ તરફ ગયાં હતાં કે જાહેર ઈમારતો હતી એવું રાઘવે જોતાં જ અનુમાન લગાવી લીધું. ચિકિત્સાલયથી લઈને ગણિકાઓ માટેની અલાયદી જગ્યાઓ આ ઈમારતમાં આવેલી હતી. અહીં મોટાં-મોટાં સ્નાનાગાર, જાહેર બજાર, મંદિર, મસ્જિદ જેવી પ્રજા ઉપયોગી જગ્યાઓ આવેલી હતી. મંદિર અને મસ્જિદ બંનેનું અહીં હોવું એ વાત તરફ ઈશારો કરી રહ્યું હતું કે માધવપુરમાં જે-તે સમયે હિંદુ અને મુસ્લિમ એકબીજા સાથે હળીમળીને રહેતાં હતાં.

"રાઘવ, આ તરફ જો..!" મંદિર અને મસ્જિદ વચ્ચે પડતાં એક અંધિયારા માર્ગ તરફ ઈશારો કરતાં જુનેદ મોટેથી બોલ્યો.

જુનેદનો અવાજ સાંભળી જાનકી અને રાઘવ બંને એ તરફ દોડીને આવ્યાં. જુનેદ જે તરફ ઈશારો કરી રહ્યો હતો ત્યાં ટોર્ચનો પ્રકાશ ફેંકતા જ જે દ્રશ્ય એ લોકોની આંખે ચડ્યું એ ખરેખર ભલભલા લોકોનો પરસેવો છોડાવી મૂકવાં સક્ષમ હતું.

ત્યાં ત્રણ લોકોનાં ક્ષત-વિક્ષત મૃતદેહો પડ્યાં હતાં. એમાંથી એક વ્યક્તિનું માથું એનાં ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. બાકીનાં બે લોકોનાં પેટનાં ભાગે તીક્ષ્ણ વસ્તુઓનાં ડઝનભર ઘા નજરે ચડી રહ્યાં હતાં. આ બિહામણું દ્રશ્ય જોતાં જ જાનકીએ તાત્કાલિક આધ્યાને કોલ કરી ત્યાં આવવાં જણાવ્યું. દસેક મિનિટમાં તો આધ્યા, રેહાના અને યુસુફ ત્યાં આવી પહોંચ્યાં. ત્યાં મોજુદ ત્રણેય મૃતદેહોની દશા જોઈને એ લોકોની હાલત પણ ખરાબ થઈ ગઈ.

"આ કાર્તિક છે, આ અમારી ઓફિસમાં જુનિયર ઈજનેર તરીકે ગયાં વર્ષે જ જોડાયો હતો." ત્યાં મોજુદ એક મૃતદેહને ઓળખી બતાવતાં રાઘવે કહ્યું. "આ સમીરની જોડે આવેલાં ચાર સહાયકોમાં સામેલ હતો."

"મને લાગે છે આપણે આ રસ્તે આગળ જઈને તપાસ કરવી જોઈએ." યુસુફે કહ્યું. "મને લાગે છે જે કંઈપણ મળશે એ આ જ રસ્તે મળવાનું છે."

"આધ્યા, શું વિચાર છે?" આધ્યાની તરફ પ્રશ્નસૂચક નજરે જોતાં રાઘવે પૂછ્યું.

"આપણે જઈશું..!"આધ્યાએ હકારમાં ગરદન હલાવતાં કહ્યું.

મોતનો આવો ભયાવહ નજારો પોતાનો આંખો સમક્ષ જોયાં પછી પણ એ છ લોકોનું દળ પોતાનાં કાર્યને પૂર્ણ કરવાનાં ઉદ્દેશથી આગળ વધી ચૂક્યું હતું. આમ કરવું એમની હિંમત હતી કે મુર્ખતા એ તો આવનારો સમય જ જણાવી શકે એમ હતો.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)