આજ ફિર તુમપે પ્યાર આયા હૈ
આજ ફિર તુમપે પ્યાર આયા હૈ
બેહદ ઔર બેશુમાર આયા હૈ
હોન્ડા સિટી કારમાં જોર જોરથી ગીત વાગી રહ્યું હતું અને કાવ્યા અમનને પોતાની મસ્તીમાં કાર ચલાવતા જોઈ રહી હતી. તેને શરારત સૂઝી અને અમનને ગલગલિયાં કરવા લાગી. અમન કાવ્યા તરફ પ્યાર ભર્યા ગુસ્સાથી જોવા લાગ્યો અને તેણે પણ કાવ્યાની પાતળી કમર પર ગલગલિયાં કરી લીધાં.. કાવ્યા તો લજામણીના પાંદડાની જેમ સંકોચાઈ ગઈ. "અમન, તું મને ગલગલિયાં ના કર, તને ખબર છે ને મને ખુબ જ ગલગલિયાં થાય છે." કાવ્યા નોર્મલ થતાં બોલી.
"તારી પાતળી કમર જોઇને હું પોતાની જાતને રોકી જ ના શક્યો અને તું સાડી પહેરીને આમ પણ મારું મન બગાડે જ છે." અમન આંખ મારતાં બોલ્યો.
"લે, રેસ્ટોરન્ટ પણ આવી ગઈ આજે તો બહુ ભૂખ લાગી છે હું તો પેટ ભરીને જમવાનો છું" અમન ગાડીમાંથી ઉતરતા બોલ્યો અને પોતાની પ્રિય પત્નીનો હાથ પકડીને રેસ્ટોરન્ટમાં ગયો.
બંને ખૂણા પાસેના ટેબલ પાસે ગયા અને અમને પહેલા કાવ્યા માટે ખુરશી ખસેડીને તેને બેસાડીને પોતે કાવ્યાની બાજુની ખુરશીમાં બેસી ગયો. થોડી વાર પછી વેઇટર આવ્યો અને ઓર્ડર માટે કહ્યું. "મારા માટે સ્ટાર્ટરમાં વેજ મંચુરિયન અને પછી પનીર તૂફાની અને નાન અને હા છાશ અને પાપડ પણ."અમને પોતાના માટે ઓર્ડર આપી દીધો. "મારા માટે પણ સેમ ડિશીઝ, પણ છાશ નહિ." કાવ્યા એ પણ પોતાનો ઓર્ડર આપી દીધો અને અમનને ચિડાઈને કહેવા લાગી," તને ખબર છે કે તું જે ખાવાનો છે એ જ હું ખાઇશ છતાં મારો ઓર્ડર કેમ નથી આપતો તું ક્યારેય?" અમન જીભ કાઢીને વધુ ચિડાવા લાગ્યો કાવ્યાને. હવે તો કાવ્યા પણ હસી પડી અને અમનના હાથ પર ધીરે થી ચીટીયો ભરી લીધો અને અમન 'ઓય મા' કરતો હસવા લાગ્યો.
થોડી વાર પછી વેજ મંચુરિયન આવી ગયું અને બંને પ્રેમભરી મીઠી વાતો કરતાં કરતાં ખાવા લાગ્યા અને પછી પનીર તૂફાની અને નાન આવી ગઈ સાથે છાશ અને પાપડ પણ, બંનેએ ભરપેટ જમી લીધું અને અમને બીલ ચૂકવી દીધું અને બંને બહાર નીકળી કારમાં આવી બેસી ગયા અને પોતાના ઘર તરફ કાર રવાના થઈ ગઈ.
અમન કાર ચલાવતા પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયો. પોતે નાના શહેરમાં ભણીને નોકરી માટે રાજકોટ આવી ગયો હતો અને તેની સાથે જ નોકરી કરતી કાવ્યા સાથે પ્રેમમાં પડી ગયો અને પછી બંનેના પરિવારની સંમતિ લઈ લીધી અને લગ્ન કરી લીધાં. લગ્નના છ મહિના બાદ અમનને પ્રમોશન મળ્યું અને તેમની લાઈફસ્ટાઈલ બદલી ગઈ, અમને સરસ મજાનો નાનો એવો બંગલો ખરીદી લીધો અને કાર પણ ખરીદી લીધી અને આમ લગ્નના બે વર્ષ રાજીખુશીથી એકબીજાનાં પ્રેમના દરિયામાં ડૂબી આરામથી વીતી ગયા હતા.
"અમન, સામે ટ્રક આવે છે જો.." કાવ્યા લગભગ રાડ પાડીને બોલી અને અમન વર્તમાનમાં પાછો આવ્યો અને તરત કાર સાઈડમાં લઇ લીધી. "અમન, તું ઠીક છે ને, ક્યાં ધ્યાન હતું તારું?" કાવ્યાએ ચિંતાવશ પૂછ્યું. "હા કાવ્યા, હું ઠીક છું આ તો જરા ભૂતકાળમાં ખોવાઈ ગયો હતો." અમને કારની સ્પીડ વધારી જવાબ આપ્યો. ્ "તું ક્યારેક નું એક્સીડન્ટ કરાવીશ. ભૂતકાળમાં ખોવાઈ જવું હોય તો ઘરે જઈને ખોવાઈ જજે." કાવ્યા થોડાક ગુસ્સા સાથે બોલી અને બારીની બહાર જોવા લાગી. અમન સોરી બોલી કાર ચલાવા લાગ્યો.
કાવ્યા બારી બહારના દ્રશ્યો જોવા લાગી પણ રાતના દસ વાગ્યાના અંધારામાં બહુ ઓછું દેખાઈ રહ્યું હતું. અચાનક એની નજર દૂર દેખાતા પહાડ પર પડી. ત્યાં ખૂબ જ અંધારું હતું છતાં એક માનવ આકૃતિ તેને દેખાઈ અને જાણે એ કાવ્યાને જ જોઈ રહી હોય એવું એને લાગ્યું અને એ માનવ આકૃતિ તેની સામે જ જોઈ રહી હતી. તે કોઈ યુવક હોય એવું કાવ્યાને લાગ્યું અને અચાનક જ કાવ્યાની નજર સામે એ આકૃતિ અદ્રશ્ય થઈ ગઈ અને કાવ્યા ખૂબ જ ગભરાઈ ગઈ. તેણે અમનના નામની જોરથી ચીસ પાડી.
અમન તો ડઘાઈ ગયો અને કાર તરત જ રોકી દીધી અને કાવ્યા સામે જોવા લાગ્યો, "આમ કેમ રાડ પાડી તે, હું તો ડરી જ ગયો. તું ઠીક છે ને જાનુ અને તે રાડ શા માટે પાડી?" કાવ્યા તો સતત પેલા પહાડને જ જોઈ રહી હતી. અમને તેનું બાવડું પકડી હલાવી ત્યારે તે ભાનમાં આવી. "અમન, ત્યાં પહાડ પર કોઈ છે. તે મને જ જોઈ રહ્યું હતું અને અચાનક તે અદ્રશ્ય થઈ ગયું. મારી નજર સામે એ અદ્રશ્ય થઈ ગયું. એ કોઈ યુવક હતો." "કાવ્યા, ત્યાં તો સાવ અંધારું છે, કાંઇ જ દેખાતું નથી અને પહાડ પર અત્યારે કોણ હોય.." અમન કારમાંથી બહાર આવી જોવા લાગ્યો પણ કશું જ દેખાયુ નહિ આથી પાછો કારમાં આવી બેસી ગયો.
કાવ્યા ખૂબ જ ગભરાયેલી હતી અને અંધારી રાતમાં આમ રોડ વચ્ચે ઊભા રહેવું અમનને ઠીક ના લાગ્યું તેથી તે કાવ્યાને સાંત્વના આપી જલ્દી કાર ચાલું કરી ત્યાંથી નીકળી ગયો.
રસ્તામાં અમન કાવ્યાને સાંત્વના આપતો રહ્યો પણ કાવ્યા ખૂબ જ ડરેલી હતી. તે અમનને બસ એક જ વાત કરી હતી કે પહાડ પર કોઈ હતું જ અને એ પોતાને જ જોઈ રહ્યું હતું.
પોતાની મહેનતની કમાણીમાંથી બનાવેલ શાનદાર બંગલો પર પહોંચી અને કાર પાર્ક કરી અમન કાવ્યાને લઈને અંદર આવ્યો અને કાવ્યાને ફ્રીઝમાંથી પાણી લાવીને આપ્યું. કાવ્યા એકસાથે અડધી બોટલ પાણી પી ગઈ અને અમનને વળગીને રડવા લાગી. "અરે, આમ કેમ રડે છે તું. કાંઇ નથી થયું જો આપણે બંને સલામત છીએ." અમન કાવ્યાની પીઠ પર હાથ ફેરવી તેને શાંત કરવાની કોશિશ કરવા લાગ્યો.થોડી વાર પછી કાવ્યા શાંત થઈ ગઈ અને અમન તેને બેડરૂમમાં લઈ ગયો અને કાવ્યાને સુવડાવી દીધી અને પોતે પણ થાકેલો હોવાથી કાવ્યાની બાજુમાં સૂઈ ગયો.
રાતના બે વાગ્યા હતા અને કાવ્યાની આંખ ખુલી ગઈ અને તેને પોતાના બેડ પાસે ફરી પેલી માનવ આકૃતિ જોઇ અને તે માનવ આકૃતિ બસ આકૃતિ જ હતી તે કોઈ શરીર હતું જ નહીં. બસ એક પડછાયો જ હતો એ. એ પડછાયો કાવ્યાની નજીક આવી રહ્યો હતો અને હસવાનો અવાજ આવી રહ્યો હતો. કાવ્યા તેને જોઈ ચીસ પાડી ઉઠી.
********
વધુ આવતા અંકે